Yog-Viyog - 59 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 59

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

યોગ-વિયોગ - 59

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૯

અજયનો હાથ પકડીને પોર્ચમાંથી હળવે હળવે પગથિયા ચડતા સૂર્યકાંતને જાણે ભીતર સુધી એક અજબ સંતોષ થતો હતો.

‘‘શું આટલા માટે જ માણસ સંતાનને જન્મ આપતો હશે ? પહેલાં ચાલતા શીખતા દીકરાને આંગળી પકડીને સશક્ત બાપ જિંદગીનાં પહેલાં ડગલાં માંડતા શીખવે... અને પછી અશક્ત થઈ ગયેલા બાપને જુવાન દીકરો હાથ પકડીને ધીમે ધીમે જીવનના છેલ્લાં ડગલાં ભરાવે.’’ સૂર્યકાંતના ચહેરા પર આ વિચારે જ જાણે સ્મિત આવી ગયું.

સામે ઊભેલી જાનકીએ સૂર્યકાંત તરફ જોઈને સ્મિત કર્યું અને એ પણ બે-ચાર પગથિયા ઊતરી આવી.

‘‘બેટા, એક તરફ દીકરો ને એક તરફ વહુ, મને લાગે છે મારી જિંદગીનો ભાર તમારા બંનેના ખભા પર વહેંચાઈને સાવ શૂન્ય થઈ ગયો.’’ સૂર્યકાંતે જાનકી તરફ જોયું, ‘‘હું તો આ બધાને લાયક જ નથી, પણ તારી સાસુના પુણ્યે...’’

‘‘શા માટે આવું વિચારો છો ?’’

‘‘વિચારતો નથી, વિચાર આવી જાય છે.’’ સૂર્યકાંત વેઇટિંગ લાઉન્જના સોફમાં જ બેસી ગયા. એમને સહેજ શ્વાસ ચડ્યો હતો. થોડુંક હાંફી લીધા પછી એમણે જાનકી જોડે વાત ચાલુ રાખી, ‘‘બેટા, જ્યારે જિંદગીના છેલ્લા દિવસો બાકી રહેને ત્યારે માણસ જાણે-અજાણે હિસાબ કરવા લાગે છે... પાપ અને પુણ્યનો, લેવડ-દેવડનો, સુખ અને દુઃખનો...’’ અજય સામે અનાયાસ જોવાઈ ગયું એમનાથી, ‘‘પાછલાં વર્ષો જાણે સામે આવીને ઊભાં રહે છે અને બધું જ ફરી એક વાર જીવાવા લાગે છે.’’

‘‘બાપુ, અત્યારે માત્ર આરામ કરવાનો છે. કંઈ જ વિચારવાનું નથી. હું તમારી વહુની મરજી વિરુદ્ધ તમને બહાર લઈ ગયેલો. હવે તો મને મારશે જ...’’ અજયે કહ્યું અને સૂર્યકાંતને ઊભા કર્યા. બાપ-દીકરો હળવે હળવે સૂર્યકાંતના રૂમ તરફ આગળ વધ્યા અને જાનકી રસોડા તરફ.

‘‘લક્ષ્મી નથી આવી ?’’ સૂર્યકાંતે ટ્રેમાં ભૈડકું, દહીં, રીંગણાનું શાક અને ઘી વગરની રોટલી લઈને દાખલ થતી જાનકીને પૂછ્‌યું.

‘‘ના.’’ જાનકીએ ધીમેથી કાર્ડિયાક ટેબલ સૂર્યકાંતના પલંગ પર મૂક્યું અને પ્લેટમાં ખાવાનું કાઢવા માંડ્યું.

‘‘તમારાં સાસુમાએ બરાબર સ્વાદ રેડ્યો છે તમારી આંગળીઓમાં.’’ સૂર્યકાંત ભોજનની સુગંધથી જ ખુશ થઈ ગયા.

‘‘હવે તો તમારે એમના જ હાથનું જમવાનું છે.’’ જાનકીએ કહ્યું અને મમતાથી સૂર્યકાંત સામે જોયું. સૂર્યકાંતની આંખોમાં જાણે આ શુભેચ્છા માટે આપોઆપ જ આભાર વ્યક્ત થઈ ગયો.

સૂર્યકાંત ધીરે ધીરે, પણ ખૂબ સ્વાદથી જમી રહ્યા હતા. જાનકી એમને લાડથી, વહાલથી જમાડી રહી હતી.

‘‘બસ પપ્પાજી !’’ જાનકીએ કહ્યું અને પ્લેટ ખસેડી લીધી. ‘‘હવે જીવવાનું છે... અને જીવવા માટે જાતને સાચવવી પડશે.’’ જાનકીએ હળવેથી બધું સમેટી લીધું અને બાજુમાં પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી કાઢીને ત્રણ ગોળી સૂર્યકાંત સામે ધરી.

‘‘હે ભગવાન ! તારી સાસુએ તને બરાબર ટ્રેન કરીને મોકલી છે.’’

‘‘ટ્રેન, પ્લેન, બસ કે ટેક્સી... જે કહેવું હોય તે કહો, પણ તમારે મારું તો માનવું જ પડશે.’’ જાનકી હસી રહી હતી.

‘‘હા બેટા, તને જોઉં છું ને મને મારી મા યાદ આવે છે.’’ સૂર્યકાંતે કહ્યું અને પોતાના ઓશિકા નીચેથી ચાવીનો ગુચ્છો કાઢ્યો, ‘‘આમ તો આ કામ તારી સાસુએ કરવાનું હતું, પણ એને પોતાનાં કામ બીજા પાસે કરાવવાનો બહુ શોખ છે.’’

‘‘પપ્પાજી !’’

‘‘નહીં તો શું ? સેવા કરવા તને મોકલી આપી અને આ ચાવી મારે તને આપવી પડે છે...’’ સૂર્યકાંતના ચહેરા પર પણ સ્મિત હતું, ‘‘મેં આખો દિવસ બેસીને બધી ચાવીઓ ઉપર નંબર અને વોર્ડરોબનાં ટેગ લગાડ્યાં છે. રસોડું અને બાકી બધા જ કબાટોની ચાવીઓ છે આમાં.’’

‘‘પણ આની શી જરૂર છે ?’’

‘‘તને નહીં, મને જરૂર છે. હું આવતા અઠવાડિયે જઈશ બેટા, ત્યાં સુધીમાં તું બધું જોઈ-સમજી લે... એટલે ઘરની જવાબદારી તને અને બહારની જવાબદારી અજયને સોંપીને...’’

‘‘પપ્પાજી, તમને લાગે છે કે અમારા પર આટલો વિશ્વાસ થઈ શકે?’’ જાનકીથી અનિચ્છાએ પુછાઈ ગયું.

‘‘બેટા, અજય મારી પાસે ઊછર્યો હોત તો કદાચ હું ન કરત આટલો વિશ્વાસ... ને તું પણ, જ્યાંથી આવી છે ત્યાંથી વસુની મહેક લઈને આવી છે. વસુ પાસે એક વાર રહેલો માણસ ક્યારેય કોઈનું બૂરું કે ખરાબ ના કરી શકે. કોણ જાણે હું જ કેમ...’’ સૂર્યકાંત આગળ કંઈ બોલે તે પહેલાં જાનકીએ એમના હાથમાં ગોળીનું બાઉલ થમાવ્યું.

‘‘દવા લઈ લો ચાલો...’’ અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ આપી દીધો. સૂર્યકાંતે આનું કંઈ નહીં થઈ શકે એવા ભાવથી માથું ધુણાવતા ગોળીઓ લઈ લીધી. જાનકી એમને સરખા સુવાડી- ઓઢાડીને હાથમાં પુસ્તક અને આંખ પર ચશ્મા પહેરાવી, મોટી લાઇટ બંધ કરી બાજુનો સાઇડ લેમ્પ ચાલુ કરી બહાર જવા લાગી.

‘‘જાનકી...’’ સૂર્યકાંતે હળવેથી કહ્યું.

‘‘જી પપ્પાજી...’’

‘‘કાલે અજય પહેલી વાર ઓફિસ જવાનો છે. તારાં સાસુમાને ફોન કરી દેજે.’’

‘‘જી પપ્પાજી.’’ જાનકી હળવેથી દરવાજો બંધ કરીને બહાર ગઈ અને હાથમાં પુસ્તક પકડ્યા છતાં સૂર્યકાંતની નજર સામે ફરી એક વાર ભૂતકાળ ફિલમની પટ્ટીની જેમ ચાલવા લાગ્યો.

સવારે ડબિંગ થિયેટરમાં બેઠેલા માજીદ અને અલય એકબીજાની સામે જોઈ રહ્યા હતા. સમયની ભયાનક પાબંધ એવી અનુપમા નવની શિફ્ટ હોવા છતાં સાડા નવ સુધી આવી નહોતી.

‘‘ફોન કરું ?’’ માજીદે પૂછ્‌યું. એને ગઈ કાલની કોઈ વાતની કશીયે ખબર નથી. એને માટે પણ આ ફિલ્મ ખૂબ અગત્યની હતી. એની કરિયર પણ આ ફિલ્મથી બદલાઈ જવાની હતી. આજે છેલ્લા બે સીનનું ડબિંગ પતે એટલે આવતી કાલે મેરિડ પ્રિન્ટ સેન્સર માટે જવાની હતી.

એક જ અઠવાડિયા પછી, આવતા શુક્રવારે ઓલ ઇન્ડિયા રિલીઝની તૈયારી થઈ ચૂકી હતી. ગુરુવારની રાત્રે ‘મેટ્રો’માં પ્રીમિયર હતું. લગભગ બધું જ તૈયાર હતું.

ગઈ કાલની ઘટના પછી અલયના મનમાં ઊંડે ઊંડે એક અવઢવ શરૂ થયો હતો. ‘‘અનુપમા બે સીન માટે ફિલમ રખડાવશે ?’’ એનું મન એને પૂછી રહ્યું હતું.

‘‘ના.’’ એણે માજીદને કહ્યું, ‘‘આપણે આખી શિફ્ટ રાહ જોઈશું.’’

‘‘ને નહીં આવે તો ?’’

‘‘તો...’’ આ ‘તો’નો જવાબ અલય પાસે પણ નહોતો. માજીદ અલય અને અનુપમા વિશે થોડુંઘણું જાણતો હતો. ગઈ કાલે શ્રેયા જે રીતે અહીં આવી એ પછી અલય જે રીતે એની સાથે નીકળી ગયો અને રાત્રે ફોન ઉપર અલય અને અનુપમા વચ્ચે જે કંઈ માથાઝીંક થઈ એ બધી વખતે માજીદ હાજર હતો.

અને કદાચ એટલે જ એના મનમાં અનુપમાના નહીં આવવા વિશે શંકા ઊભી થઈ હતી.

‘‘સર, ચિંતા નહીં કરો. બે જ સીન બાકી છે. આપણે કોઈ વોઇસ મોડ્યુલરને બોલાવીને પણ કરી શકીશું.’’

‘‘એવો વારો નહીં આવે.’’ અલયે કોણ જાણે કયા આત્મવિશ્વાસથી કહ્યું. એ બે રાતથી સૂતો નહોતો. લગભગ સાઇઠ કલાકથી સતત જાગતા અલયને હવે ધીમે ધીમે ઊંઘ આવવા લાગી હતી. એનું શરીર પણ જવાબ આપી રહ્યું હતું. જો આજે આ બે સીનનું ડબિંગ પતી જાય તો ટેક્નિકલ જવાબદારી માજીદને સોંપીને એ નીકળી જવા માગતો હતો. એને ઘરે જઈને ઊંઘવું હતું. ફિલ્મ, અનુપમા, શ્રેયા, સૂર્યકાંત, અજય, અભય અને દુનિયાના તમામ સવાલોથી દૂર જઈને ચોવીસ કલાક બસ ઊંઘી જવું હતું એને.

‘‘સર, દસ વાગવા આવ્યા છે.’’ માજીદ ઉતાવળો થઈ રહ્યો હતો.

‘‘ડોન્ટ વરી.’’ અલયે ખુરશીને પાછળ ધકેલીને પગ લાંબા કર્યા, ‘‘એ આવશે...’’

અગિયાર... સાડા અગિયાર... ઘડિયાળ હળવે હળવે આગળ વધતી હતી. પગ લાંબા કરીને ખુરશી પર બેઠેલો અલય લગભગ ઊંઘી ગયો હતો. બાર વાગ્યા અને માજીદે ડબિંગરૂમનો દરવાજો ખૂલતો જોયો.

‘‘આઇ એમ સોરી.’’ ગ્રે કાર્ગો અને વ્હાઇટ ટી-શર્ટ પહેરેલી અનુપમાનો ચહેરો સાવ ચોખ્ખો, મેક-અપ વગરનો હતો. રાત્રે રડ્યા પછી ખૂબ ઊંઘવાને કારણે એની આંખો સહેજ સૂઝેલી લાગતી હતી. એણે વાળને ગોળ લપેટીને અંબોડો વાળ્યો હતો, જેમાં અવ્યવસ્થિત રીતે ઉતાવળમાં ભરાવેલી મોટી બટરફ્લાય પીનમાંથી લટો નીકળી પડી હતી.

એના ચહેરા પર રોજ જેવું જ સ્મિત હતું.

માજીદ એને જોઈને ઉત્સાહમાં આવી ગયો. એણે અલય તરફ જોયું. અલય ઘસઘસાટ ઊંઘતો હતો.

અનુપમા અલયની નજીક આવી. એણે માજીદને હોઠ ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. પછી ઘસઘસાટ ઊંઘતા અલય તરફ જોઈ રહી.

બાળક જેવી નિદરેષતા, સખત થાક, વીખરાઈને થોડા કપાળ પર આવી ગયેલા વાળ, શર્ટના પાછળ ચાલી ગયેલા કોલરને કારણે ખેંચાઈને ખૂલી ગયેલું બટન... અનુપમાને વહાલ આવી ગયું. પોતાના ગઈ કાલના વર્તન અંગે જાણે એ પોતે જ અપરાધભાવ અનુભવી રહી.

એણે માજીદની સામે જોયું અને શરૂ કરવાનો ઇશારો કર્યો.

કોઈ પણ માણસ જાગી જાય એવા સાઉન્ડની વચ્ચે પણ થાકેલો અલય ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને બાકી રહેલા છેલ્લા બે સીનનું ડબિંગ પૂરું થયું.

‘‘પેક-અપ.’’ માજીદે અલયને બદલે ઓર્ડર આપ્યો અને અનુપમાને આગળ વધીને હાથ મિલાવતા ધીમેથી કહ્યું, ‘‘કોન્ગ્રેચ્યુલેશન મેડમ...’’

‘‘થેન્ક યુ.’’ અનુપમાએ પાછળ વળીને જોયું તો શૈલેષ સાવલિયા આવીને બેઠા હતા. એમણે આગળ વધીને અનુપમાને શુભેચ્છાઓ આપી. યુનિટમાં બધાએ ફિલ્મના કમ્પ્લિશન પર એકબીજાને વિશ કર્યું.

‘‘લો, લંચ મંગાવી લો.’’ શૈલેષ સાવલિયાએ માજીદના હાથમાં હજાર હજારની ત્રણ નોટ આપી, ‘‘બેસ્ટ જગ્યાએથી. સાથે ઠંડી બિયર પણ... વી વિલ સેલિબ્રેટ. થોડા પ્રેસવાળાને પણ બોલાવ્યા છે.’’ પછી અનુપમા ઉપર શી અસર પડી છે તે જોવા માટે નજર ફેરવી, પણ અનુપમા તો ક્યારનીયે ઊંઘતા અલય પાસે પહોંચી ગઈ હતી.

એણે આટલા બધા લોકોની હાજરીની ફિકર કર્યા વિના હળવેથી અલયના માથે હાથ ફેરવ્યો. થોડી વાર એમ જ એના કપાળ પર, એના વાળમાં આંગળીઓ ફેરવતી રહી. પછી ઝૂકીને એણે અલયના હોઠ પર હળવું ચુંબન કર્યું.

‘‘ઓહ !’’ અલય ચોંકીને જાગ્યો, ‘‘તું આવી ગઈ ? કેટલા વાગ્યા ?’’

અનુપમાનું હાસ્ય આખા ડબિંગ હોલમાં ગૂૂંજી રહ્યું, ‘‘તારા છેલ્લા બે સીન કમ્પ્લિટ થઈ ગયા ! અલય મહેતા, તમારી ફિલ્મ પૂરી થઈ ગઈ. હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક સોનેરી પાનું જોડાઈ ગયું. કોન્ગ્રેચ્યુલેશન !’’ અને એ ફરી વાર અલયના હોઠ પર ચુંબન કરવા ઝૂકી. અલય સાવધ થઈને ઊભો થઈ ગયો. એણે પોતાના ચહેરા પર, પોતાના વાળમાં આંગળીઓ ફેરવી, સુસ્તી ખંખેરવાનો પ્રયત્ન કર્યો અને અનુપમાને હેન્ડશેક કરીને કહ્યું, ‘‘કોન્ગ્રેચ્યુલેશન, એન્ડ થેન્ક યુ વેરી મચ.’’

એ પછી બિયર... પ્રેસના લોકોની સાથે ફિલ્મની ચર્ચા અને ટ્રાયલનો દિવસ, પબ્લિસિટીનું પ્લાનિંગ... કંઈ કેટલીયે વાતો સાથે લંચ પૂરું થયું.

‘‘મારી પાસે ગાડી છે.’’ અનુપમાએ અલય સામે જોઈને કહ્યું.

‘‘ખબર છે.’’ અલય હસ્યો.

‘‘ઘરે મૂકી જાઉં ?’’

‘‘ના, મારે હજી થોડી લીગલ ફોર્માલિટીઝ બાકી છે. કાલે સવારે મેરિડ પ્રિન્ટ સબમીટ નહીં કરું તો સેન્સરમાં મોડું થશે. તું જા...’’

અનુપમાએ અલય સામે એવી રીતે જોયું, જાણે કહેતી હોય, ‘‘ભાગી ભાગીને ક્યાં જઈશ ?’’ અલયે એની નજરને જોઈ- ન જોઈ કરીને માજીદને બૂમ પાડી અને કામમાં પરોવાઈ ગયો.

થોડી વાર ત્યાં જ એકલી ઊભેલી અનુપમા છેવટે હળવે હળવે ગાડી તરફ ચાલવા લાગી.

એણે મનોમન ગાંઠ વાળી, ‘‘અલય મહેતા, આ ફિલ્મ અને અનુપમા ઘોષ હવે તારી જિંદગીનો ભાગ છે... તું ઇચ્છે કે નહીં, તું મને ભૂલીને નહીં જીવી શકે એ નક્કી !’’

એની લક્ષ્મીની આંખોમાં જોઈ રહી. એ આંખોમાં ફક્ત આજીજી હતી. મદદની ભીખ, પોતાના અસ્તિત્વની શોધ અને એક સ્ત્રીની એવી રાખોડી આંખો હતી એ... જે એનીને ભીતર સુધી હલબલાવી ગઈ. એનીએ ધીમેથી લક્ષ્મીને કહ્યું, ‘‘હું તારી વાત સમજું છું, પણ તુંય મારી વાત સમજ. મારી નોકરીનો સવાલ છે.’’

‘‘એક બેન્ક ઓફ અમેરિકામાં નોકરી કરતા અથવા કરી ચૂકેલા માણસની ડિટેઇલ આપવામાં બેન્કને શું વાંધો હોય એ મને સમજાતું નથી.’’

‘‘પ્રાઇવસી અને સિક્રસી અમારી બેન્કના જડ નિયમો છે.’’ એનીએ સહાનુભૂતિમાં લક્ષ્મીનો હાથ પકડી લીધો, ‘‘પ્લીઝ !’’

‘‘બેન્કમાં નિયમો લાગુ પડે છે. બેન્કની બહાર તો લાગુ નહીં પડે ને ?’’

‘‘એટલે ?’’ એનીના ભવા ઊંચકાયા.

‘‘એટલે એમ કે હું તને નામ અને વર્ષની બધી જ વિગતો આપું, પછી તો તું મને બાકીની વિગતો અહીં, બહાર આપી શકે ને ?’’

‘‘જરૂર.’’ હવે એનીથી ના પડાય એમ નહોતી.

‘‘ઓ.કે.’’ લક્ષ્મીએ પર્સમાંથી કાગળ કાઢ્યો. નામ, જૂનું સરનામું, બેન્ક ઓફ અમેરિકામાં કામ કરવાની સાલ અને બ્રાંચ- બધું જ લખ્યું હતું એમાં. એણે એ કાગળ એનીના હાથમાં થમાવી દીધો, ‘‘કાલે, અહીં જ, આ સમયે.’’ અને પછી સડસડાટ ત્યાંથી ચાલવા લાગી. એની એને જતી જોઈ રહી.

ઘરે પહોંચેલા સૂર્યકાંત લક્ષ્મીની રાહ જોઈ રહ્યા હતા. આજે એમની પાસે લક્ષ્મી માટે એક ખૂબ આનંદના સમાચાર હતા.

ઘડિયાળ ધીમે ધીમે આગળ સરકતી ગઈ. ન્યૂયોર્કમાં રહેવા છતાં લક્ષ્મી સામાન્ય રીતે સાંજે ઘરની બહાર ભાગ્યે જ જતી. મા વગરની દીકરીને સૂર્યકાંતે એકદમ ભારતીય સંસ્કારોમાં અને અમેરિકાના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો પ્રમાણમાં ઘણા બંધનમાં ઊછેરી હતી.

ડાઇનિંગ ટેબલ ઉપર જાનકી, અજય, હૃદય અને રિયા ગોઠવાઈ ગયાં હતાં ત્યાં જ ઇન્ટરકોમની રિંગ વાગી. ‘‘લક્ષ્મી ના આવી હજુ ?’’ સૂર્યકાંત પોતાના ઓરડામાંથી પૂછી રહ્યા હતા.

‘‘તમે અને લક્ષ્મીબેન જોડે ગયાં હતાં ને ?’’ જાનકીએ રિયા સામે જોઈને પૂછ્‌યું.

‘‘આવતી જ હશે.’’ રિયાએ ઘડિયાળ જોઈ. હવે એને પણ ચિંતા થવા લાગી હતી. રોનીની શોધમાં ઝનૂને ચડી ગયેલી આ છોકરી કંઈ આડુંઅવળું ના કરે તો સારું. રિયા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી. અમેરિકાના કાયદા જાણતી હતી અને લક્ષ્મી કોઈ કારણ વગર ભૂતકાળને ઉકેલવા જતા મુશ્કેલીમાં ફસાય એવી એની ઇચ્છા સ્વાભાવિક રીતે જ ના હોય.

‘‘જાનકી, જરા લક્ષ્મીનો સેલ્યુલર લગાવો. જમવાના સમય સુધી ક્યારેય બહાર નથી રહી આ છોકરી.’’ સૂર્યકાંતે ફોન પર કહ્યું, ‘‘પછી મને કહો ક્યાં છે તે.’’

‘‘જી પપ્પાજી.’’ જાનકી અને રિયાની નજર એક ક્ષણ માટે મળી. જાનકીને રિયાની આંખોમાં એક ભય ક્ષણભર માટે વંચાયો. એણે સેલ્યુલર જોડ્યો.

‘‘ડેડી !’’ લક્ષ્મીએ ઘડિયાળ જોઈ, ‘‘બસ પહોંચું જ છું.’’

‘‘જાનકી બોલું છું.’’

‘‘હા ભાભી, આવું જ છું.’’

‘‘પપ્પાજી ચિંતા કરે છે.’’ જાનકીએ કહ્યું અને હળવેથી ઉમેર્યું, ‘‘કોઈ પ્રોબ્લેમ નથી ને લક્ષ્મીબેન ?’’

‘‘ના ભાભી.’’ લક્ષ્મીએ જવાબ તો આપ્યો, પણ એને સાથે જ વિચાર આવ્યો કે આ જે કંઈ ચાલી રહ્યું છે એ વિશે જાનકીને માહિતગાર કરી દેવી જોઈએ.

એ મુંબઈ હતી ત્યારે પણ એની અને જાનકી વચ્ચે એક અજબ પ્રકારનો સંવાદ રચાતો. બંને ભાગ્યે જ કશું બોલતાં અને છતાં બંને વચ્ચે હંમેશાં વગર કહ્યે એક સમજ સતત રહેતી.

આજે પણ લક્ષ્મીને રોની વિશેની તપાસ બાબતે જાનકીને બધું જ કહી દેવાની ઇચ્છા થઈ આવી, ‘‘ભાભી, એક અગત્યની વાત છે. રાત્રે મારા રૂમમાં આવજો. મારે તમને કંઈ કહેવું છે.’’

‘‘નીરવભાઈ આવે છે ને ?’’

‘‘નીરવની વાત નથી ભાભી.’’ લક્ષ્મીના અવાજમાં જે ગંભીરતા હતી એનાથી જાનકીને જરા ચિંતા થઈ.

‘‘લક્ષ્મીબેન, કંઈ મુશ્કેલી છે ? કોઈ પ્રોબ્લેમ...’’

‘‘છે પણ અને નથી પણ...’’ વસુમાની સાથે રહ્યા પછી જરા પણ ખોટું નહીં બોલવાનું લક્ષ્મી શીખી ગઈ હતી, ‘‘રાત્રે કહીશ.’’ એણે ફોન મૂકી દીધો. જાનકી ઘડીભર ત્યાં જ ઊભી રહી અને પછી હળવેથી ડાઇનિંગ ટેબલ પર પાછી ફરી.

‘‘રિયા.’’ રિયાનો આગ્રહ હતો કે કોઈએ એને બહેન, માસી, મામી કે કાકી લગાડીને સંબોધવી નહીં, એટલે જાનકીએ પણ પહેલા નામે જ સીધું સંબોધન કર્યું, ‘‘લક્ષ્મીબેન ક્યાં ગયાં છે ? કોઈ મુશ્કેલી નથી ને ? હું આવી ત્યારથી જોઉં છું કે લક્ષ્મીબેન બદલાયેલાં બદલાયેલાં લાગે છે. જાણે કોઈ વાત એમને ડિસ્ટર્બ કરતી હોય, અંદર ને અંદર ખાતી હોય એવું લાગ્યા કરે છે.’’

‘‘જાનકી, તારી વાત સાચી છે. આજે રાત્રે લક્ષ્મી સાથે તું જ વાત કરજે. પડછાયાને પકડવા દોડે છે એ છોકરી. હાથમાં આવશે તોય શું? ને નહીં આવે તો મહેનત માથે પડશે...’’ એટલું કહીને રિયાએ પોતાની ખુરશી પાછળ ધકેલી. ઊભી થઈને ડાઇનિંગ રૂમની બહાર નીકળી ગઈ. જાનકી અને અજય એને જતાં જોઈ રહ્યા.

‘‘નીકળું છું ડેડી !’’ નીરવ વિષ્ણુપ્રસાદને પગે લાગ્યો. વિષ્ણુપ્રસાદે એને છાતીસરસો ચાંપી દીધો. નીરવ થોડી વાર એમ જ ઊભો રહ્યો. પછી છૂટો પડીને એણે હેન્ડલગેજ પોતાની મોટી સ્ટ્રોલર બેગ પર મૂક્યો અને ઘરની બહાર જવા લાગ્યો.

‘‘બેટા !’’ વિષ્ણુપ્રસાદે એને રોક્યો, ‘‘મારું એક કામ કરીશ?’’ એમણે પોતાના હાથમાં પકડેલું એક લાંબું કવર નીરવના હાથમાં મૂક્યું, ‘‘આ તારી માને આપી દેજે.’’

‘‘ઓ.કે.’’ નીરવે કહ્યું ખભા ઊંચક્યા, ‘‘શું છે આમાં ?’’ એનાથી પૂછ્‌યા વિના ના રહેવાયું.

‘‘મારું વીલ છે બેટા.’’ વિષ્ણુપ્રસાદની આંખો જોઈને નીરવે બેગ પડતી મૂકી. દોડીને ફરી એક વાર પિતાને ભેટી પડ્યો, ‘‘મરી નથી જવાનો.’’ વિષ્ણુપ્રસાદના ચહેરા પર સ્મિત આવી ગયું. નીરવે અચાનક નોટિસ કર્યું કે પોતે હસે ત્યારે પિતા જેવો લાગતો હતો, ‘‘કમ સે કમ તારાં લગ્ન જોયા પહેલાં તો નહીં જ મરું. આ ઘરમાં તારી વહુ આવે એને ઘરની અને તારી બેય ચાવીઓ સોંપીને પછી મરીશ...’’ વિષ્ણુપ્રસાદે નીરવના માથે હાથ ફેરવ્યો.

નીરવ ઘડીભર એમની સામે જોઈ રહ્યો, ‘‘ડેડી, એક વાત કહું ?’’ નીરવની આંખો સહેજ ભીની થઈ ગઈ, ‘‘આજે પહેલી વાર મને આ ઘરમાંથી જવું આકરું પડે છે. આઈ વીલ મિસ યુ ડેડ !’’ નીરવે કહ્યું અને ત્રીજી વાર પિતાને ભેટી પડ્યો.

‘‘મારું ચાલે તો તને જવા જ ના દઉં.’’ વિષ્ણુપ્રસાદના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું, ‘‘પણ શું કરું ? તારી મા અને તારાં છોકરાંઓની મા બંને તારી રાહ જુએ છે.’’

‘‘ડેડી !’’ નીરવ હસી પડ્યો અને બાપ-દીકરો ફરી એક વાર ભેટી પડ્યા.

‘‘હું કંઈ જાણતો નથી.’’ ઠક્કર સાહેબ શ્રેયાની સામે ભૂખ્યા વાઘની જેમ આંટા મારતા હતા, ‘‘જે દિવસે આ રસ્તો ક્રોસ કરીને સામેના ઘેર રહેવા ગઈ એ દિવસે આ ઘરમાં દાખલ થવાના દરવાજા બંધ થઈ જશે.’’

‘‘એ તો મને ક્યારનીય ખબર છે.’’ શ્રેયાના ચહેરા પર ક્યાંય ચિંતા કે પ્રશ્નો દેખાતા નહોતા, ‘‘હું તો ક્યારનીયે એ જ ઘરમાં રહેવા જતી રહી છું પપ્પા, તમને જ એવું લાગતું રહ્યું કે શ્રેયા અહીં રહે છે. શરીરથી આજ સુધી આ ઘરમાં રહેતી હતી એ પણ એટલા માટે કે ત્યાં જઈને અલય પર બોજ ના બની જાઉં.’’

‘‘તને શરમ નથી આવતી ?’’ ઠક્કર સાહેબનું લોહી ઉકળી રહ્યું હતું.

‘‘શાની? લગ્ન કરવાની ?’’ શ્રેયા હસી, ‘‘આવે છે ને ! આમ તો મારે ક્યારનાય લગ્ન કરી લેવા જોઈતાં હતાં. આટલો ટાઇમ લગાડ્યો એની શરમ આવે જ છે.’’

‘‘સામે જીભ ચલાવે છે. આ બધું પેલા છોકરાએ શીખવાડેલું છે. હું નહીં છોડું એને.’’

‘‘હું પણ નહીં છોડું.’’ શ્રેયા હસી રહી હતી.

‘‘એક ઠક્કર લોહાણાની છોકરી, જેના બાપ પાસે કરોડો રૂપિયા અને સમાજમાં પ્રતિષ્ઠા છે એ એક ભાગેડુના છોકરા સાથે પરણવાની છે?’’ ઠક્કર સાહેબ શ્રેયા સામે જોઈ રહ્યા હતા.

‘‘પપ્પા, સૂર્યકાંત અંકલ પાછા આવી ગયા છે.’’

‘‘જેનો બાપ એની બૈરીના પેટમાં છોકરું મૂકીને ભાગી ગયો એની પાસેથી શું સંસ્કારની અપેક્ષા છે તને, હેં ?’’ શ્રેયા જેટલી ઠંડકથી વાત કરતી હતી, ઠક્કર સાહેબનું લોહી એટલું જ વધારે ગરમ થતું જતું હતું, ‘‘એક વાત યાદ રાખજે, એની મા તો જીવી ગઈ, તું નહી ં જીવી શકે.’’

‘‘કેમ ? કેમ નહીં જીવી શકું હું ?’’ શ્રેયાનો સવાલ ઠક્કર સાહેબને સોંસરો ઊતરી ગયો, ‘‘તમને તમારા ઉછેરમાં વિશ્વાસ નથી કે તમે આપેલા સંસ્કારમાં ?’’

ઠક્કર સાહેબ ક્રોધમાં શ્રેયા તરફ ધસી ગયા, ‘‘એક લાફો મારીશ તો બત્રીસ દાંત તોડી નાખીશ.’’ એમની આંખો લાલ લાલ થઈ ગઈ હતી અને ગુસ્સામાં ધ્રૂજી રહ્યા હતા.

‘‘પપ્પા, તમે જાણો છો કે હું અલયને પ્રેમ કરું છું. આજથી નહીં, આટલાં વર્ષોથી.’’

‘‘છોકરી, હું તો રાહ જ જોતો હતો કે એ છોકરાનું ઠેકાણું ના પડે અને તું કંટાળીને એને છોડી દે...’’ એમનો અવાજ સહેજ ઢીલો પડ્યો, ‘‘મેં નહોતું ધાર્યું કે આ છોકરો આટલું ગજુ કાઢશે.’’

‘‘તમને તો આનંદ થવો જોઈએ કે તમારી દીકરી એક એવા માણસને પરણવાની છે. જેને દુનિયા સલામ કરે છે. એક કરોડનો ડિરેક્ટર છે એ આજે.’’ શ્રેયાએ ધ્રૂજતા ઠક્કર સાહેબને ભેટવાનો પ્રયત્ન કર્યો.

ઠક્કર સાહેબે એને ધક્કો માર્યો, ‘‘આઘી ખસ. રૂપિયા તો દાણચોરો પાસે પણ બહુ હોય છે અને દુનિયા એમને પણ સલામ કરે છે, એટલે શું મારી દીકરીને કૂવામાં નાખી દઉં ?’’ એમણે શ્રેયાને બાવડેથી પકડી, ‘‘તારી મા મરી ગઈ પછી મેં લગન નથી કર્યાં. જિંદગી આખી એકલતામાં કાઢી નાખી. એટલા માટે કે તું સાવકી માનું દુઃખ ના ભોગવે... અને આજે મને મારા ઘડપણમાં તારી જરૂર છે ત્યારે...’’ એમની આંખો સહેજ સહેજ પલળવા લાગી હતી.

‘‘તમે સમજતા કેમ નથી પપ્પા ? અલય બહુ સારો છોકરો છે.’’

‘‘હશે, વડીલો કુળ-ખાનદાન અને સંસ્કાર જુએ છે. એમ કહેવાય છે કે કન્યા એકલા વરને નથી પરણતી, એના ઘરને પરણે છે.’’ ઠક્કર સાહેબ ફરી ચીડાવા લાગ્યા હતા, ‘‘કહે જો મને, શું છે એ ઘરમાં ? એક ભાગેડુ બાપ, એક લફરાબાજ મોટો ભાઈ અને છકેલી વહુ... એક શેક્યો પાપડ ના ભાંગી શકે એવો બીજો ભાઈ... અને એની અનાથ આશ્રમમાંથી ઉપાડી લવાયેલી વહુ... અને આ,’’ એમણે કડવું સ્મિત કર્યું, ‘‘રખડું...ભટકતો માણસ. અધૂરામાં પૂરું સિનેમાની લાઇનમાં.’’

‘‘પપ્પા, તમને વસુમા નથી દેખાતાં ?’’ શ્રેયાએ માર્દવથી પૂછ્‌યું.

‘‘જો છોકરી, મારે તારી સાથે જીભાજોડી નથી કરવી, પણ થોડા દહાડા પહેલાં તારો છેલછબીલો પેલી નટીને હાથમાં ઉપાડીનેલાવ્યો ત્યારે હું જાગતો હતો. એ પછી તમારા બે જણા વચ્ચે જે થયું એની મને ખબર નથી એમ ના માનતી.’’

શ્રેયા નવાઈથી પિતા સામે જોઈ રહી. તો આમને બધી જ ખબર હતી. જે પિતાને પોતાની સામે જોવાનીય ફુરસદ નથી એમ માનીને જીવતી શ્રેયા આજે પોતાની રજેરજ માહિતી રાખતા પિતાની સામે જોઈને લાગણીવશ થઈ ગઈ. એની આંખો સહેજ પલળી ગઈ.

‘‘તમને એ બધી ખબર છે, અને તમારા જ ઘરમાં રહેતી, તમારા ખોળામાં મોટી થયેલી ને તમારી છાતી પર માથું મૂકીને ઊંઘતી છોકરી શું ઇચ્છે છે એની તમને ખબર નથી ?’’ એણે નજીક જઈને ફરી એક વાર ઠક્કર સાહેબને વહાલ કરવાનો પ્રયત્ન કર્યો.

‘‘શ્રેયા, છ વર્ષનું છોકરું દસ ચોકલેટ ખાવા માગે... તો મા-બાપ એને ખાવા ના દે.’’ ઠક્કર સાહેબે કહ્યું અને પછી ખૂબ સમજાવવાના અંદાજમાં પોતાની વાત મક્કમતાથી કહી, ‘‘જો બેટા, તું ભૂલ કરવા માગે છે એટલે તને ભૂલ કરવા દેવી ? આ છોકરા સાથે તારું કોઈ ભવિષ્ય નથી. એના પિક્ચરનું કામ ચાલતું હતું ત્યારે મેં તપાસ કરાવી છે...’’ એમણે ઊંડો શ્વાસ લીધો, ‘‘આ છોકરો ઠીક નથી શ્રેયા. પેલી નટી સાથેના એના સંબંધો...’’

‘‘હું જાણું છું.’’ શ્રેયાના કહેવાની સાથે ઠક્કર સાહેબની આંખો ફરી ગઈ.

‘‘એટલે ? તું જાણીજોઈને આ કૂવામાં પડવા માગે છે ?’’ એમનો અવાજ ફરી એક વાર ઊંચો થઈ ગયો, ‘‘એટલા માટે મોટી નથી કરી તને.’’

‘‘પપ્પા, હું અલય વગર નહીં જીવી શકું.’’ હવે શ્રેયાને પરિસ્થિતિ વધુ ને વધુ અઘરી લાગવા માંડી હતી.

‘‘તો મારા વગર જીવવું પડશે બેટા.’’ ઠક્કર સાહેબ ગળગળા થઈ ગયા, ‘‘તું તો જુવાન છે, ને પ્રેમનું ઝનૂન સવાર છે તારા માથે, એટલે જીવી લઈશ, પણ હું ?’’ આજે આટલાં વર્ષોમાં શ્રેયાએ પહેલી વાર પિતાની આંખોમાં પાણી જોયાં હતાં, ‘‘મેં તો મારી આખી જિંદગીનાં બધાંય વર્ષોની મૂડી તારી પાછળ ખર્ચી નાખી બેટા, હવે આ ધ્રૂજતા પગ, કાંપતા હાથ અને ઝાંખી થતી જતી આંખો સાથે મારાથી એકલા નહીં જીવાય...’’

શ્રેયાની આંખો પણ છલછલાઈ આવી. જિંદગી ક્યાં લઈ આવી હતી એને ? કોની અને કોની વચ્ચે પસંદગી કરવાની ? શા માટે ?

આજ સુધી બાપ-દીકરી વચ્ચે અલય વિશે ખૂલીને કોઈ ખાસ વાત નહોતી થઈ. અલયનો તરફનો શ્રેયાનો ઝુકાવ ઠક્કર સાહેબને ખબર હતો, પણ એમણે કહ્યું તેમ એ રાહ જોતા હતા કે આ આકર્ષણ આપોઆપ જ ઘસાતું ઘસાતું તૂટી જશે, અને સામે પક્ષે શ્રેયા રાહ જોતી હતી કે અલય કંઈ બને એ પછી પિતા સાથે વાત કરવી. ઘણાં વર્ષો પહેલાં અલય શ્રેયાના ઘરે આવતો-જતો ત્યારે ઠક્કર સાહેબનાં બે-ચાર વાક્યો એવા તીરની જેમ વાગેલાં અલયને, કે પછી અલય ક્યારેય શ્રેયાના ઘરના કંપાઉન્ડમાં પણ દાખલ નહોતો થયો.

શ્રેયાએ ઘણો પ્રયત્ન કર્યો હતો. બંનેના મનમાંથી એકબીજા પરત્વે વધુ ને વધુ ગંઠાતી જતી આ ધિક્કારની લાગણીને થોડી હળવી પાડવાનો, પણ એવું ક્યારેય થઈ શક્યું નહીં.

હવે જ્યારે આવતા અઠવાડિયે લગ્ન નક્કી થઈ ગયાં ત્યારે પિતા સાથે વાત કરવી જ પડે એમ હતી. શ્રેયા જાણતી હતી કે પિતાને આ વાત ગળે નથી ઊતરવાની, પણ પોતે એકમાત્ર સંતાન હતી એટલે, કે પછી પિતાની પોતાના પ્રત્યેની અથાગ લાગણીને જાણતી હોવાને કારણે પણ શ્રેયાને ઊંડે ઊંડે એવો વિશ્વાસ હતો કે એ થોડીઘણી દલીલો કરીને વહાલથી કે પછી જીદથી પણ પિતાને મનાવી લેશે.

આજે એની નજર સામે સત્ય ઊઘડ્યું હતું. બાલકૃષ્ણ ઠક્કર કોઈ રીતે નમતું જોખવા તૈયાર નહોતા !

આજ સુધી પોતાને મા અને બાપ બંને બનીને ઉછેરવામાં જિંદગી ઘસી નાખી હતી એવા બાપને છોડીને જવાની વાત પર શ્રેયાના પગ ઢીલા થવા લાગ્યા હતા. આખી જિંદગી જે સપનાને પંપાળી પંપાળીને જીવી એ સપનું સાચું પડવાને બસ હાથવેંતની દૂરી હતી કે આજે એની સામે એનું લોહી, એનો સંબંધ, એની ફરજ અને એની જ પોતાની લાગણીઓ દીવાલ થઈને ઊભી રહી ગઈ હતી.

પિતાની આંખમાં એક પ્રશ્નાર્થ હતો, જે શ્રેયાને પૂછી રહ્યો હતો કે થોડાં વર્ષોનો પ્રેમ શું એટલો અગત્યનો હતો... જેની સામે એણે એના વૃદ્ધ થતા જતા પિતાને એકલા છોડીને સામે જ રહેવું પડે... જ્યાંથી એ માત્ર વીસ ડગલાંનો રસ્તો ઓળંગીને પાછી ક્યારેય ના આવી શકે !

(ક્રમશઃ)