🌷 શ્રાદ્ધ 🌷
ગઈકાલ સુધી બધા સંતાનો એક ઓરડે પણ સમાતા
આજે ઘરડાં મા-બાપ એમના મહેલે પણ ના ખમાતા
પેટે પાટા બાંધીને પણ તમને લાડકોડથી ઉછેરતા
હવે ઘણાંયે દેખાય છે લાકડીથી એમને ઉઝેડતા
બધાજ મોજશોખ ને વ્યવહાર તારા પૈસાથી સચવાતા
ઘરમાં પથારીવશ ઘરડાં જીવ દવાદારૂ માટે કચવાતા
ભક્તિ, તિરથ, ધરમ ,દાન ચઢાવાનાં દેખાડે જીવતર અટવાતાં
અડધી રાતે પાણીનાં પ્યાલા માટે અંધારે માવતર અથડાતાં
તારૂં જ ઉગતું પાન જોઈ રહ્યું છે તારા કાવાદાવા
ખરતું પાન તને ચેતવી રહ્યું કાલે હશે તારા દા'ડા આવા
હજુ સમય છે કરજે ચાકરી મા-બાપની રાખી ઈશ્વર સમ શ્રધ્ધા
આંતરડી એમની ઠારજે એ પછીજ વિચારજે શ્રાધ્ધ
મર્યા પછી તો આત્માને ક્યાં જરૂર છે ઓડકારની
પરવશ ઘડપણને જીવતેજીવ જ જરૂર છે દરકારની
મૃત્યુ પર્યંત ક્યાંથી એમને કરશે એ તર્પણ તૃપ્ત
ચાલુ શ્વાસે તમે ના કરી શકયા જેમને સંતૃપ્ત
ફાલ્ગુની શાહ ©
🙏 શ્રાધ્ધ પર્વ નિમિત્તે સમર્પિત 🙏
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌷 આંખ્યું 🌷
ઈશારા કરતી આંખ્યું,
નજારા ઝરતી આંખ્યું.
શરારત આંખમાં છાની,
કિનારા કરતી આંખ્યું.
અદા આંખમિચોલી છે,
છંતાયે તાકતી આંખ્યું.
ભરમનો ભાર રાખ્યો છે,
ભરમને માપતી આંખ્યું.
-ફાલ્ગુની શાહ ©
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌷દરેક કમાતા પુરુષ ને સમર્પિત 🌷
ઘરની સાથે મારે ક્યાં ઝાઝાં છે વળગણ
૨૪માંથી ફક્ત ૧૨ જ કલાક છે સગપણ
બારસાખ,બારી,દિવાલો મને ઝંખે પળપળ
સે'જ મોડું થાતાં પોતીકાં'રે અજંપે હરપળ
જાત-જીવન ખર્ચીને દોકડા લાવું ખણખણ
સુખ શાંતિ મોજનાં દા'ડા વહાવું ખળખળ
એક સાંધી તેર તોડીને લાગો વધે ક્ષણક્ષણ
જીંદગી ઘટે તોયે એની માંગો વધે મણમણ
હરફ નૈ ફરિયાદનોને અંદર લાવા બળબળ
મારાં ગયા પછી આપ્તજન થાતાં ટળવળ
દરિયો તોયે ના આવે આંખે કદી ઝળઝળ
સમજો મારી વ્યથા મનમાં ચાલી ચળવળ
-ફાલ્ગુની શાહ ©
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌷વધી છે🌷
કંઈક તો આગળ રાત વધી છે,
એમજ હવે યાતાયાત વધી છે...
પૂર્તિ નથી ફકત પ્રેમની કીધી,
લાગણીઓ પણ અડધોઅડધ વધી છે...
લગભગ બધું જ આપી ગયા છે,
વિશ્વાસ નામે વાત વધી છે...
પ્રણય તને આખો દઈ દીધો,
મારી પાસે બસ મ્હાત વધી છે...
આપે ઘણુંય છતાં અધુરૂં,
એટલે જ ફરિયાદ વધી છે...
આંખોમાં સમંદર ખારો,
તેથીજ મૌનની તાકાત વધી છે...
થોડીક છે આપનીય મહેરબાની,
એથી જ મુલાકાત વધી છે.
-ફાલ્ગુની શાહ ©
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁