બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું. ઉડવાવાળા ચમત્કારિક જાનવર,મનુષ્યની જેમ બોલવાવાળા પશુ પક્ષીઓ વગેરે રાતના જીવ કહેવામાં આવે છે...જેની પાસે શૈતાની શક્તિ હોય છે.
છેલ્લી બેન્ચ પર બેઠેલી દેવિકા પુસ્તકમાંથી આ રહસ્યમય લેખ વાંચી રહી હતી. દેવિકા સુહાનીને સંભળાય એ રીતે વાંચી રહી હતી. સુહાનીએ દેવિકા પાસેથી પુસ્તક લીધું અને વાંચવા લાગી.
દેવિકા:- "સુહાની તને તો આવી બધી રહસ્યમય વાતો પર વિશ્વાસ નથી ને? તો પછી કેમ વાંચે છે?"
સુહાની:- "દરરોજ સાંજે આસપાસના બાળકો મારી પાસે ટ્યુશન ક્લાસમાં આવે છે. એ લોકો ભણતાં ભણતાં કંટાળી જાય છે. તો એ બાળકોને કંઈક રહસ્ય વાળી એકાદ વાર્તા કહી દઉં છું...જેમ કે પરીઓની વાર્તા...બોલતા પક્ષીઓની વાર્તા...
પણ આજે આ પુસ્તકમાં કોઈક રહસ્યમય વાતો જેવું કંઈ ખાસ નથી...તને તો આ બધી વાતોમાં વિશ્વાસ છે ને? તો એકાદ સ્ટોરી સંભળાવને..."
દેવિકા:- "સુહાની તને કેમ મારી વાતોમાં વિશ્વાસ નથી? આ પૃથ્વી ઉપર એવું કંઈક તો છે જે અવિશ્વસનીય છે. એવાં ઘણાં પ્રચલિત કિસ્સાઓ છે જેના વિશે મેં મારા દાદા દાદી અને પપ્પા પાસેથી સાંભળેલું છે. એ કિસ્સાઓ સાંભળીને નાનપણમાં ખૂબ ડર લાગતો હતો. પણ એ નહોતી ખબર કે એ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક સત્ય અને રહસ્ય છૂપાયેલું હતું. કેટલાંક રહસ્યમય કિસ્સાઓ એવાં હોય છે જે વર્ષો પછી પણ આપણા મનમાં જીવંત રહે છે. તું માની કેમ નથી લેતી કે આ ધરતી પર કંઈક અનર્થ થવાનું છે. "
સુહાની:- "અનર્થ મતલબ કે એ જ ને કે આ પૃથ્વી પર શૈતાન છે. જે પૃથ્વી પરના લોકોને ગુલામ બનાવશે અને આખી પૃથ્વી પર રાજ કરશે..."
દેવિકા:- "હા એ જ...તો તને મારી વાત પર વિશ્વાસ થયો..."
સુહાની:- "નહીં...દેવિકા આ બધી વાત મને મૂર્ખામી ભરી લાગે છે... તું ક્યાંથી આવી બધી વાતો મગજમાં ભરી લાવે છે...ઑહ હા તારા ગુરુજી કહેતા હશે...દેવિકા તારા મગજમાં છે ને ખરેખર ભૂસું ભર્યું છે. મને કહી તો કહી પણ આ વાત કોઈને કહેતી નહીં... નહીં તો બધા મશ્કરી કરશે તારી..."
દેવિકા:- "સુહાની જ્યારે તને અહેસાસ થશે ને કે મારી વાત સાચી છે ત્યારે બહું મોડું થઈ જશે."
સુહાની:- "દેવિકા માની લીધું કે શૈતાન પૃથ્વી પર રાજ કરશે...તો એમાં આપણે બે શું કરી લઈશું? આપણે તો સામાન્ય માણસ છે..."
દેવિકા મનોમન કહે છે "સુહાની હું તને કેવી રીતે સમજાવું કે આપણે બે સામાન્ય માનવી નથી."
સુહાની:- "સારું ચાલ તો મને એ શૈતાનની વાતો કર. કોણ હતો એ શૈતાન?"
દેવિકા:- "હમણાં હમણાં તે વાંચ્યું ને કે સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી..."
સુહાની:- "હા તો?"
દેવિકા:- "પૃથ્વી લોક સિવાય પણ અન્ય લોક છે.
સાત ઉર્ધ્વ લોક...સાત પાતાળ લોક...કુલ મળી ૧૪ લોક છે. સત્યલોક, સ્વર્ગલોક, ભુવરલોક, ભૂલોક, નરક...."
સુહાની:- "કેટલાં લોક છે તે મારે નથી જાણવું... તું પેલા શૈતાન વિશે કહેવાની હતી ને?"
દેવિકા:- "શૈતાન ખરેખર શૈતાન નહોતો. શૈતાન પહેલા સ્વર્ગનો દેવદૂત હતો. પણ એ શૈતાને એક પાપ કર્યું અને સ્વર્ગમાંથી એ શૈતાનને કાઢી મૂક્યો. શૈતાને લગભગ ૫૦૦૦ કે તેનાથી વધુ વર્ષોથી આત્માની દુનિયા એટલે કે નરક લોક પર કબ્જો જમાવી લીધો છે. તે નરકનો રાજા છે. જો કે સામાન્ય માણસ એને જોઈ શકશે નહીં. પણ એવી અફવાઓ છે કે તે જલ્દીથી પૃથ્વી પર આવશે અને કોઈ જાનવર કે પક્ષીનું રૂપ લઈને આવશે. કદાચ..."
સુહાની:- "અટકી કેમ ગઈ? આગળ બોલ..."
દેવિકા:- "કદાચ માનવીનું રૂપ લઈને પણ આવી શકે. શૈતાન અનેક રૂપ ધારણ કરશે પણ તે ક્યાં રૂપમાં ધરતી પર આવશે તે સ્પષ્ટ નથી. શું ખબર કદાચ એ ધરતી પર આવી પણ ગયો હોય?"
એટલામાં જ દેવિકાની નજર એક યુવક પર જાય છે.
સુહાની:- "શૈતાન ક્યાં કારણે નરક લોકોનો રાજા બની ગયો તે તો કહ્યું જ નહીં?"
દેવિકાને શૈતાન વિશે જેટલી જાણકારી હતી તે બધું સુહાનીને કહી દીધું.
દેવિકા:- "ચાલ હવે આપણે છૂટા પડી જવું જોઈએ. એક પછી એક બધાં આવવાં લાગ્યા છે."
સુહાની:- "દેવિકા આજે તો હું એ જાણીને જ રહીશ કે દુનિયા સામે આપણે અજાણ્યા થવાનું નાટક કેમ કરીએ છે? શું થઈ જશે જો આપણે દુનિયા સામે સખી થઈને રહીએ તો?"
દેવિકાએ ગંભીર થઈ કહ્યું "એ હું તને પછી કહીશ...પણ એક વાત યાદ રાખજે આજે આ વાત કહી તો કહી પણ આજ પછી એવું વિચારતી પણ નહીં કે આપણે દુનિયા સામે એકસાથે રહી શકીશું સમજી? જો આપણે એકસાથે રહ્યા ને તો અનર્થ થઈ જશે...સમજી?"
દેવિકા એટલી ગંભીર થઈ ને વાત કરતી હતી કે ક્યાંક ને ક્યાંક સુહાનીને એની વાત પર સ્હેજ તો વિશ્વાસ આવ્યો.
દેવિકા:- "ઘણાં યુવક યુવતીઓ આવવા લાગ્યા છે. તું નીકળ અહીંથી... હું બારીમાંથી જતી રહીશ. આવતીકાલે સવારે મળીએ. અને હા મારી વાત યાદ છે ને? તારી સાથે કે તારી આસપાસ કોઈ પણ અકલ્પનીય ઘટના બને તો તરત જ મને..."
સુહાની:- "હા મારી માં...મને યાદ છે કે મારી આસપાસ સ્હેજ પણ અકલ્પનીય ઘટના બને તો તને કહીશ... છેલ્લાં ત્રણ વર્ષથી તું મને આ બધું કહેતી આવી છે."
દેવિકા બારીમાંથી જતી રહે છે. સુહાની પણ રૂમમાંથી નીકળી પોતાના ક્લાસમાં જઈને છેલ્લી બેન્ચ પર બેસી જાય છે.
એટલામાં જ એક યુવક આવે છે અને પહેલી બેન્ચ પર બેસે છે. સુહાની એ યુવકને જોઈ રહી. કૉલેજ ચાલું થઈ તેનું હજી તો અઠવાડીયું જ થયું હતું. સુહાની મનોમન કહે છે લાગે છે કે આ યુવક આજે જ આવ્યો છે. આજ પહેલાં આ યુવકને જોયો નથી.
સુહાનીને કંઈક અનોખો અહેસાસ થયો. ખબર નહીં કેમ આ યુવક તરફ સુહાની ખેંચાણ અનુભવી રહી. સુહાનીનુ દિલ ધકધક કરવા લાગ્યું. સુહાની ખાસ્સી વાર સુધી એ યુવકને જોઈ રહી. એક પછી એક યુવક યુવતીઓ આવવાં લાગ્યા. એટલે
સુહાનીએ એ યુવક પરથી નજર હટાવી.
ક્રમશઃ