આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બનેલી ઘટના તેમના મિત્રો ને કહે છે. સાગર તેનો એક વિચાર હેનીશ અને વિપુલ ને રજૂ કરે છે. હવે આગળ.......
મયુર તેમના પપ્પા ને ફોન કર્યા બાદ બધીજ મૂંઝવણને બાજુ પર મૂકી તેમના અભ્યાસ માં ધ્યાન પરોવે છે. તે મનોમન જ નક્કી કરે છે કે હવે મીનાક્ષીને પણ પરિક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી માનસ પલટ પર નઈ આવવા દે. તે તેની પરિક્ષા માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે. એને ખબર જ હોય છે કે પરિક્ષામાં એક પણ ગફલત એના પરિણામ ને અસર કરી શકે છે.
એક કહેવત છે ને "જે સ્થાન ઉપર છો એ સ્થાન ને ટકાવવા માટે પણ સતત સંઘર્ષ કરતા રહેવું પડે છે". આ કહેવતને અનુરૂપ જ મયુર યુનિવર્સિટી માં આવતા પ્રથમ નંબર ને યથાવત રાખવા ખૂબ જ મહેનત કરવાનો નિર્ધાર કરે છે. એ માટે જ મયુર શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર કરે છે.
બીજે દિવસે મયુર ના મિત્રો કોલેજના સમય કરતાં ઘણા જ વહેલા આવી જાય છે. સાગરે રજૂ કરેલ વિચાર પ્રમાણે એ લોકો આજે મીનાક્ષી નો નંબર અને એડ્રેસ મેળવવા અનાથાશ્રમમાં જવાનું નક્કી કરે છે. કારણકે સાગરનો એક મિત્ર અનાથાશ્રમ માં ફરજ બજાવતા કેશુભાઈ ને સારી રીતે ઓળખે છે. જેની મદદથી એનું કામ ઘણું જ સહેલું થઈ શકે તેમ હતું.
મયુર કોલેજ આવીને જુએ છે તો એના ત્રણ મિત્રો માથી કોઈ ત્યાં હાજર નહતું માટે તરત જ એ સાગર ને ફોન કરે છે સાગર તેની સામે ખોટું બોલતા કહે છે કે વિપુલ ને કપડાં લેવાના હતા એટલે અમે બજાર માં આવ્યા છીએ માટે આજે કોલેજ અમે નથી આવ્યા. મયુર ગુસ્સાના સ્વરમાં કહ્યું કે પરિક્ષા માથા પર આવી ગઈ છે ને આવા સમયે તમને કપડાં લેવાનું સુજે છે એ પણ કોલેજના લેકચરો પાડી ને. ગુસ્સામાં જ મયુર ફોન મૂકી દે છે.
સાગર, હેનીશ, વિપુલ અને મંથન (સાગર નો મિત્ર) આનાથાશ્રમમાં પહોંચે છે ત્યાં પહોંચતા જ કેશુભાઈ મંથનને આવકારતા કહે છે કે શું વાત છે આજે તો ગરીબના ઝૂંપડે દર્શન આપના મંથનભાઈ. (મંથનના પિતા ને જ્વેલરીની મોટી દુકાન છે તેના પિતાનું તેના વ્યવસાય માં ખુબ જ મોટું નામ છે તે પણ સમયાંતરે અનાથાશ્રમમાં મોટો ફાળો આપતા રહે છે માટે જ કેશુભાઈ મંથનને સારી રીતે ઓળખે છે)
કેશુભાઈ :- આવો આવો મંથનભાઈ. બેસો.. (ખુરશીના થપ્પામાથી ખુરશી કાઢતા કહ્યું)
ચારે મિત્રો ખુરશી પર બેઠક લે છે.
કેશુભાઈ :- કેમ આમ અચાનક આવવાનું થયું?
મંથન :- બસ આ બાજુ નીકળ્યા હતા એટલે થયું કે આપની મુલાકાત લેતા જઈએ.
કેશુભાઈ :- સારું થયું ને. આ તમારી સાથે કોણ છે?
મંથન :- આ મારા મિત્રો છે. જુઓ આ સાગર, હેનીશ અને વિપુલ છે. આ લોકો ના કામ માટે જ આજે મારે નીકળવું પડ્યું. બાકી તમને તો ખબર જ છે ને સવારમાં આટલી ઘરાઘી માં હું ક્યાંય બહાર નીકળતો જ નથી.
કેશુભાઈ :- હા સાચી વાત છે આપની દુકાનમાં સવાર માં વધારે ઘરાઘી રહે છે. પણ આ લોકો ના ક્યાં કામ માટે નીકળ્યા છો?
મંથન :- અરે આ લોકો એ નવા ડ્રેસ નું હોલસેલનું કામ શરૂ કર્યું છે એ માટે બધા જ વેપારી ને મળવા ગયા હતા એમાંથી ઘણા વેપારી મારા ઓળખીતા જ છે એ લોકો તો માલ લેશે એટલે વેપારી નો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ..... ( જાણી જોઈ ને મંથને વાત અધૂરી મૂકી કારણકે હવે જ એના પ્લાન પ્રમાણે પહેલો દાવ ફેકવાનો હતો)
કેશુભાઈ :- પરંતુ શું?
મંથન :- પરંતુ આ લોકો ને એવા કારીગર ની જરૂર છે જે એમના ડ્રેસ સિવી આપે. જો કે હું કોઈ એવા કારીગર થી પરિચિત નથી પરંતુ એની શોધ માટે જ આજે અમે આખું બજાર ફરી વળ્યા.
કેશુભાઈ :- અરે તમે ચિંતા ના કરો. એ કામ ની જાણકાર મીનાક્ષી છે એ જરૂર તમારી મદદ કરશે.
મંથન :- મીનાક્ષી કોણ છે?
કેશુભાઈ :- એ અહી જ ઉછરી ને મોટી થઈ છે. તે અત્યારે સીવણ કામ ના ક્લાસિસ ચલાવે છે. હું તમને એનો નંબર અને એડ્રેસ આપું છું તમારું કામ એ કરી આપશે.
મંથન :- કેશુભાઈ આપનો ખુબ ખુબ આભાર. તમે અમારું કામ ખૂબ જ સરળ કરી આપ્યું. ચાલો તો જલ્દી નંબર અને એડ્રેસ આપો એટલે એની પણ રૂબરૂ મુલાકાત કરી લઈએ.
કેશુભાઈ :- લો આ નંબર અને એડ્રેસ. કે જો એને કે કેશુભાઈ એ મોકલ્યા છે.
મંથન :- ચોક્કસ. ચાલો તો અમે રજા લઈએ. આવજો
કેશુભાઈ :- આવજો.
બહાર નીકળતા જ બધા મિત્રો ખૂબ જ ખુશ થઈ જાય છે. એમણે કરેલો પ્લાન સફળ થાય છે. એ લોકો ને એટલો વિશ્વાસ પણ નહતો કે આટલી સરળતાથી એમનું કામ થઈ જશે. પણ હવે પ્રશ્ન પેચીદો થાય છે કે હવે મીનાક્ષી ને મળવું કે ના મળવું. આખરે નક્કી જ કરવામાં આવે છે કે મીનાક્ષીને મળવું જ પડશે જો મળવા નઈ જઈએ તો કેશુભાઈ ને કદાચ આપડા પ્લાન ની ખબર પડી જશે.
બધા જ મિત્રો કેશુભાઈ એ આપેલ એડ્રેસ પર પહોંચી જાય છે. ત્યાં પહોંચતા જ જુએ છે તો એકદમ સાદું નળિયા વાળું મકાન હોય છે, બહાર એક મોટું બોર્ડ લગાવ્યું હતું એમાં મોટા અક્ષરે "સહેલી સીવણ ક્લાસ" લખેલું હતું. બધા મકાન માં અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશતા જ બધા અંદર નો માહોલ જોય અભિભૂત થઈ જાય છે. બહાર થી લાગતા સાદા મકાન ની અંદર નો ભાગ કોઈ સારી ઓફિસ માં પ્રવેશ્યા હોય એવો એહસાસ કરાવતો હતો. છત ઉપર મસ્ત મજાનું સિલીંગ ગોઠવ્યું હતું, દીવાલ ની ચારે બાજુ ડ્રેસ, બ્લાઉઝ, પેન્ટ , શર્ટ ના મોટા મોટા પોસ્ટર લાગાવેલા હતા. ૨૦ સિલાઈ મશીન થોડા થોડા અંતરે ગોઠવાયેલા હતા. સ્વચ્છતા નું પૂરેપૂરું પાલન કરતા હોઈ એવી રીતે ક્યાંય કોઈ કચરાનું નામોનિશાન નહોતું. અંદર એક છોકરી કપડાં ના ટાંકા ને વ્યવસ્થિત ગોઠવી રહી હતી.
ક્રમશ:
પ્રમોદ સોલંકી
મારી નવલકથા વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. જો મારી નવલકથાનો આ ભાગ આપને ગમ્યો હોય તો જરૂર થી રેટિંગ અને પ્રતિભાવ આપવા વિનંતી. કારણ કે આપનો એક પ્રતિભાવ અમને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડે છે. 🙏🙏
શું એ છોકરી જ મીનાક્ષી હશે?
સાગર નો પ્લાન સફળ થશે?
મીનાક્ષી સાગર ના પ્લાન ને ઓળખી શકશે?
આ બધું જ જાણવા માટે વાંચતા રહો કુદરતના લેખા જોખા.
વધુ આવતા અંકે.......