success - 2 in Gujarati Business by Samir Gandhi books and stories PDF | સફળતા - 2

Featured Books
Categories
Share

સફળતા - 2

જો લક્ષ્ય પ્રાપ્તિ એટલી જ આસાન છે તો લોકો કયા કારણથી તે પ્રાપ્ત નથી કરી શકતા?
તો સૌ પ્રથમ આવે છે તમારી માન્યતાઓ. સૌપ્રથમ તમારે એ માન્યતા રાખવાની જરૂર છે કે તમે આ કરી શકો છો. મોટાભાગના સેલ્સમેન કે જે લોકો લક્ષ્ય સાથે કામ કરતા હોય છે તેઓની એક સામાન્ય માન્યતા એવી હોય છે કે ટાર્ગેટ તો પૂરા કરવા માટે હોતા જ નથી. અથવા પુરા થઇ શકે તેવા ટાર્ગેટ કંપની આપતી જ નથી. મિત્રો આ તો થઈ કંપની ની વાત પરંતુ આપણી રોજ બરોજ ના જીવનમાં પણ એવી ઘણી વાતો હોય છે કે લોકો મનથી માની જ નથી શકતા કે આવા લક્ષ્ય તે પૂરા કરી શકે છે. હું ઘણા એવા લોકો ને ઓળખું છું જે લોકોનું માનવું છે કે લક્ષ્ય તો મોટી કંપની માટે હોય અથવા અમારો ધંધો એવો નથી કે અમે કોઈ લક્ષ્ય રાખી શકીએ. જેમકે કરિયાણાની દુકાન કે પ્રોવિઝન સ્ટોર ચલાવતો વ્યક્તિ કહે છે કે મારા ધંધામાં ગ્રાહક ક્યારે આવશે અને શું લઈ જશે તે મને નથી ખબર એટલે હું કોઈ પ્રોડક્ટ ના વેચાણના લક્ષ્ય ના રાખી શકુ. પણ તેની સામે મોટા મોલ big bazaar અને ડી માર્ટ પણ તેવો જ ધંધો કરે છે અને તે લોકો વેચાણના લક્ષ્ય રાખે છે અને પૂરા પણ કરે છે.
કોઈ પણ ધંધો એવો નથી હોતો કે તેમાં તમે લક્ષ્ય ના રાખી શકો. દરેક ધંધામાં લક્ષ્ય તો રાખવું જ જોઈએ. પરંતુ એ લોકોની માન્યતા છે અમારા ધંધામાં લક્ષ્યના ના રાખી શકાય એટલે એ લોકો નથી રાખતા.
ઘણી વખત લક્ષ્ય નક્કી કરતી વખતે જ આપણા મનમાં એવી માન્યતા હોય છે કે લક્ષ્ય પુરુ નહીં થાય. અને એ માન્યતાને કારણે આપણે તે લક્ષ્ય પૂરું નથી કરી શકતા.
બીજી લોકોની નકારાત્મક માન્યતા કે હમણાં બજારમાં બહુ મંદી છે એટલે જે કામ થાય તેમાં ખુશ રહેવું વધારે કામ માટે પ્રયત્ન જ નહીં કરવા. મંદી અને તેજી પણ એક માન્યતા જ છે. કોઇપણ વેપારી નો ધંધો એટલો મોટો નથી હોતો ત્યાં માર્કેટ કવર થતું હોય જો બજાર ને પણ સો ટકા ગણી એ તો કોઈપણ સામાન્ય વેપારી નો ધંધો તે બજારના એકથી બે ટકા જેટલો જ હશે કદાચ કોઈ વેપારી બહુ મોટો હશે તો પાંચથી દસ ટકા તેનો બજાર હિસ્સો હશે. તેનો મતલબ એ થયો કે તેની પાસે પોતાનો ધંધો વિકસાવવા માટે ૯૦ ટકા જગ્યા તો ખાલી જ છે. માનો કે હવે મંદીને કારણે બજાર ઘટીને ૫૦ ટકા થઇ ગયું જે એકદમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે સામાન્ય રીતે મંદીના સમયમાં પણ ૧૦થી ૨૦ ટકા જેટલું જ બજાર ઘટતું હોય છે તોપણ તે વેપારીનો ધંધો વિસ્તારવાનો અવકાશ 40% તો રહે છે પરંતુ આ પ્રકારના વિચાર જે તે વ્યક્તિની માન્યતા પર રહે છે.
આવો આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જે લોકોએ પોતાની કાર ખરીદી હશે તેમને ખબર જ હશે કે જે દિવસે કાર ખરીદવાનું વિચાર્યું હશે અને કાર ખરીદી હશે તે દરમિયાન થોડા દિવસ થી લઈને થોડા મહિના સુધીનું અંતર હશે. અહીં કાર ખરીદવાનું વિચારવાનો મતલબ છે કે કોઈ ખાસ કારનું મોડલ ખરીદવાનું વિચાર્યું હશે. તે દિવસથી લઈને તે મોડલ ખરીદી લીધું હશે તે દરમિયાન તેઓને રસ્તા પર બધે પોતાનું પસંદ કરેલું મોડલ જ દેખાશે. જ્યાં જશે ત્યાં પોતાનું પસંદ કરેલું મોડલ ગમે તેટલો ટ્રાફિક હશે તોપણ દેખાઈ જશે. આવું કેમ થયું અચાનક તે મોડલ નું વેચાણ વધી ગયું, ના એવું નથી પરંતુ તેમના મગજમાં તે મોડલ કશેક છપાઈ ગયું એટલે હવે તેમને એ મોડલ જોવું છે એટલે તેમને એ મોડલ જ દેખાઈ રહ્યું હતું.
આવું જ દરેક જણ સાથે થતું હોય છે. માનો કે કોઈ વેપારી કોઈ અજાણ્યા શહેરના બજારમાં જાય છે તો તેને પોતાના જેવો જ ધંધો કરતા હોય તેવી દુકાનો ના પાટીયા તરત દેખાઈ જશે જે કદાચ બીજાને નહીં દેખાય.
મિત્રો લક્ષ્ય નું પણ એવું જ છે. જો તમારે પૂરું કરવું હશે ને તો તમને તેને પૂરા કરવાના અનેક રસ્તા દેખાશે. અને જેને પૂરું નથી કરવું તેને બધે બહાના જ દેખાશે
આગળ આપણે મંદી નું ઉદાહરણ જોયું હવે જેને પૂરું નથી કરવું તેને મંદી દેખાશે અને તે બહાના શોધશે અને પોતાની માન્યતા દ્રઢ કરશે. પણ જેને લક્ષ્ય પૂરું કરવું છે તે તેમાંથી રસ્તા શોધશે અને એ વિચારશે કે હજુ પણ કેટલો બધો અવકાશ છે તેના લક્ષ્ય પુરા કરવા માટે અને તે તેમાંથી રસ્તા શોધી લેશે.
આવો થોડીક રોજબરોજના જીવનમાં આવતી નકારાત્મક માન્યતાઓ જોઈએ
- મારાથી સવારે વહેલું નથી ઉઠાતું
-મારી પાસે પૈસા ઓછા છે
-મારા પડોશી નથી સારા
- મારા જીવનસાથીનો સ્વભાવ જ વિચિત્ર છે
-આખી દુનિયા જ ખરાબ છે
-મને તો આવું જ આવશે અથવા આવું તો નહીં જ ફાવે.
હવે તો અસંખ્ય ઉદાહરણ હશે અને મજાની વાત એ છે કે મોટાભાગના લોકો આવી માન્યતા માટે ગર્વથી વાત કરશે અને પોતાને મોટા સમજશે
પરંતુ આ પ્રકારની માન્યતા થી તેમના લક્ષ્યની પ્રાપ્તિ માં ખલેલ પડે છે એવું તે સમજતા નથી અથવા તો તેમની માન્યતા નું મહત્વ તેમના લક્ષ્યના મહત્વ કરતાં વધારે છે.
ઘણી વખત પરિસ્થિતિઓ પણ એવી હોય છે તેઓની માન્યતા દ્રઢ થતી હોય છે પરંતુ તેઓ પોતાની માન્યતામાં થી નીકળવા નો રસ્તો વિચારવા પણ તૈયાર નથી હોતા. જેમકે કોઈને તંદુરસ્ત શરીર રાખવું છે તો તેના માટે વહેલી સવારે ઊઠીને કસરત કરવી પડે પણ તેની નોકરી નાઈટ શિફ્ટ ની છે અથવા બીજા કોઇ કારણથી તેને રાત્રે સૂવાનું મોડું થતું હોય છે તો આપણે સમજી શકીએ કે તે સવારે વહેલો ના ઉઠી શકે અને બહાનું કરશે કે મારે તો નાઈટની નોકરી છે એટલે મારાથી કસરત થતી નથી ઘણાં લોકોને રાત્રે મોડે સુધી ટીવી જોવાની કે મોબાઈલમાં ગેમ રમવાની આદત હોય છે તેમને ખબર હોય છે કે આ આદત ખોટી છે અને તેના કારણે સવારે જલ્દી ઉઠી નથી શકતા એટલે કસરત નથી થતી પણ તેઓ પોતાની આદત બદલવા તૈયાર નથી હોતા. અને પોતાના શરીરને તંદુરસ્ત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતા. અહીં તેમની માન્યતા એ છે કે સવારે વહેલા ઊઠીને જ કસરત થઈ શકે છે અને શરીર તંદુરસ્ત રહી શકે છે.
પરંતુ જેને લક્ષ્ય ની પ્રાપ્તિ કરવી છે તે પોતાની માન્યતા બદલી ને કસરતનો સમય બદલી શકે છે જો તે મોડો ઉઠે છે તો ઊઠીને અથવા તો દિવસના બીજા કોઈ ટાઈમ પર જેમ કે સાંજના સમયે પણ કસરત કરી શકે છે.
બીજું એક ઉદાહરણ જોઈએ કે સામાન્ય રીતે લોકો એમ કહે છે કે મારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા હોત ને તો હું પણ મોટો ધંધો કરતો.
આપણે જાણીએ છીએ કે ૧૯૯૦ પહેલા ભારત જ્યારે ઉદારીકરણ નહોતું અપનાવ્યું તે સમયે આપણે ત્યાં લાઇસન્સ પ્રથા હતી તમારે નાનામાં નાનો ધંધો કરવો હોય તો પણ તમારે લાયસન્સ લેવું પડતું હતું અને તે બહુ મુશ્કેલ હતું. ફેક્ટરી માલિક જેટલું લાયસન્સ હોય તેટલું ઉત્પાદન કરી શકતા તેનાથી વધારે ઉત્પાદન ક્ષમતા હોય તોપણ તે ઉત્પાદન નહોતા કરી શકતા. સામાન્ય માણસ માટે નવો ધંધો કરવો એટલે લોખંડના ચણા ચાવવા જેવું હતું. તેવા કપરા સમયમાં એક પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિ કે જેની પાસે કોઈ ખાસ પૈસા પણ નહોતા તેણે પોતાનો ધંધો ચાલુ કર્યો અને ફક્ત ચાલુ જ નહીં કર્યો પણ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ બનાવી લીધી. જો ધીરુભાઈ અંબાણી પોતાની માન્યતા તોડીને બહાર ના આવ્યા હોત અને એવું માનતા હોત તે મારી પાસે પૈસા નથી ધંધો કરવો બહુ અઘરો છે તો એમનો ધંધો આટલો મોટો ન હોત.
તો મિત્રો માન્યતા એક એવી લાગણી છે જે તમને આગળ કે પાછળ લઈ જઈ શકે છે એ માન્યતા ના ચક્રવ્યૂહમાંથી બહાર આવીને જ તમે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકો છો
દુનિયાના દરેક મહાન લોકો એ આ માન્યતાનું ચક્રવ્યૂહ તોડ્યું છે. અને તેમાંથી બહાર આવીને મહાન થયા છે. ખરેખર તો એવું છે કે તેઓ મહાન હતા એટલે ચક્રવ્યૂહ તોડ્યું એવું નથી પરંતુ તેઓ ચક્રવ્યૂહ તોડ્યું એટલે તે મહાન થયા છે.
માન્યતા ઓમાંથી બહાર આવવા માટે શું કરવું તે આપણે જોઈએ
સૌપ્રથમ તો તમે તમારી માન્યતાઓ ની નોંધ કરો. શાંતિથી બેસી ને વિચારશો તો તમને ખબર પડશે કે તમારી અંદર બે પ્રકારની માન્યતાઓ છે સકારાત્મક અને નકારાત્મક. સકારાત્મક એટલે એવી માન્યતાઓ કે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે અને નકારાત્મક માન્યતા ઓ એટલે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરે છે.
આ પ્રકાર નું લિસ્ટ બનાવવામાં તમે તમારા ઘરના સભ્યો, મિત્રો કે સ્ટાફ ની મદદ લઈ શકો છો. ઓછામાં ઓછી 20 સકારાત્મક અને 20 નકારાત્મક માન્યતાઓ નું લિસ્ટ તૈયાર કરો. આ લીસ્ટ બનાવતી વખતે તમને ખ્યાલ આવશે કે શરૂઆતમાં પાંચ-સાત માન્યતાઓ તો જલ્દી લખાઈ જશે પણ ત્યારબાદ તમારે બહુ વિચાર કરવો પડશે અને બની શકે કે તમને કંટાળો પણ આવે કદાચ ઘણા દિવસો કે અઠવાડિયાઓ પણ નીકળી જાય. પરંતુ આ લીસ્ટ પુર કરો. ૨૦ થી વધારે લખશો તો વાંધો નથી પણ વીસ થી ઓછી ના લખતા.
હવે જો તમારું લિસ્ટ તૈયાર થઈ ગયું હોય તો એક વખત દરેક માન્યતા પર ફરી શાંતિથી વિચાર કરો પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. કદાચ એવું બની શકે શરૂઆતમાં તમને જે સકારાત્મક લાગતી હોય તે પાછળથી તમને નકારાત્મક લાગે અને તેનાથી ઊલટું જે નકારાત્મક લાગતું હોય તે સકારાત્મક લાગે. એક વખત વિચારી ને આ લિસ્ટ તૈયાર થઈ જાય પછી તમારી દરેક નકારાત્મક માન્યતાને કઈ રીતે બદલવી તેના એક્શન પ્લાન બનાવો. આગળ આપણે ઉદાહરણમાં જોયું તે સવારે ઉઠવામાં તકલીફ પડે છે તો કસરત કરવાનો સમય બદલી શકાય છે આ રીતે દરેક નકારાત્મક માન્યતા ની નીચે તેનાથી થતાં અવરોધો દૂર કરવા માટેના પગલાં લખો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો કે તમે આ પગલાં લેવા માટે સક્ષમ છે અને પગલાં લેવાના ચાલુ કરો.
જ્યારે તમે એ પગલાં લેવાનું ચાલુ કરશો ત્યારે તમને ખબર પડશે કે જે માન્યતાઓ સાથે તમે જીવતા હતા તેમાંથી બહાર આવવા નું ઘણું આસાન છે અને તમે બહુ જલ્દી તેમાંથી બહાર આવી જશો.