Kalakar - 19 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | કલાકાર - 19

Featured Books
Categories
Share

કલાકાર - 19

કલાકાર ભાગ – 19
લેખક – મેર મેહુલ
આરાધના મારી સામે ઉભી હતી. ગઈ કાલે વાત થઈ હતી એ મુજબ હું સમયસર તેને પિક કરવા પહોંચી ગયો હતો. એ નેવી બ્લ્યૂ ડ્રેસમાં હતી, લંબગોળ આકર્ષક અને ગોરા ચહેરા પર જૂજ માત્રામાં કહી શકાય એવો મેકઅપ હતો, જ્વેલરીમાં પણ માત્ર નાકમાં ચૂક, કાનમાં લાંબા ઈયરિંગ્સ અને કપાળ વચ્ચે લાંબી બ્લ્યુ બિંદી હતી. તેનાં ખુલ્લાં વાળ કમર સુધી પહોંચી ગયાં હતાં. કમરેથી કાપો લેતો તેનો ડ્રેસ કમર નીચેની બોડી ફિટ લેગીસને દ્રશ્યમાન કરતો હતો. ડાબા પગમાં એ જ કાળો દોરો હતો, જેને બાંધવાનું રહસ્ય આજ સુધી કોઈ પુરુષ જાણી નથી શક્યો.
હિલ્સ પણ ના કહી શકાય અને સેન્ડલ પણ ના કહી શકાય એવા તેનાં રજવાડી વર્કના ચંપલ પણ તેના ડ્રેસને વધુ સુંદરતા આપી રહ્યા હતા.
હું પણ કમ નહોતો. મેં પણ બ્લૅક જીન્સ પર પ્લૅન ગ્રે કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. દાઢી પર એક નંબરનું રેઝર લગાવી, દાઢી આછી કરી દીધી હતી. વાળને પણ સારો કહી શકાય એવો શૅપ આપીને માણસ જેવો બની તેની સામે ઉભો હતો.
“આમ જ જોયા કરીશ ?” આરાધનાએ શરમાઈને પૂછ્યું.
“ઓહહ…સૉરી.!!!” હું પણ સહેજ શરમાયો અને કારનો દરવાજો ખોલ્યો, “પ્લીઝ”
“થેંક્યુયું..!” લાંબો લહેકો લઈને એ અંદર બેસી ગઈ.
“આજે વધુ સુંદર દેખાય છે તું” મેં ડ્રાઇવિંગ સીટ પર બેસતા કહ્યું.
“આઈ નૉ, હું સુંદર જ છું” તેણે કહ્યું, “તારે કહેવાની જરૂર નથી”
“ હું તો જસ્ટ….”
“શું જસ્ટ ?, ચાન્સ મારતો હતો ?, એકલી છોકરી છે એટલે મેળ પડી જાય તો આજની રાત રંગીન થઈ જાય એવું ?”
“અરે તું ક્યાં સુધી પહોંચી ગઈ ?, હું તો….”
“કેમ આજે શબ્દો નથી મળતાં ?, હું તો શું ?”
“અરે…હું તો તારી ખુબસુરતીનાં વખાણ કરતો હતો”
“નથી કરવા. મને ખબર છે તું ખૂબસુરતીથી શરૂ કરીને ક્યાં અટકીશ..!, પુરુષની જાત જ એવી હોય છે, એકલી છોકરી જોઈ નથી કે શરૂ થઈ જાય”
“પણ મેં ક્યાં એવું કંઈ કહ્યું ?”
“ચૂપ…એકદમ ચૂપ” તેણે નાક પર આંગળી રાખીને કહ્યું. હું ચૂપ થઈ ગયો, કાર શરૂ મેં ગિયર બદલ્યો.
“હાહાહા” એ હસી પડી, “તારો ચહેરો તો જો, જોવા જેવો છે”
“મતલબ તું….”
“હા, હું મજા લેતી હતી” તેણે હસતાં હસતાં કહ્યું.
“હું તો ડરી જ ગયો હતો” હું પણ હળવું હસ્યો, “મને લાગ્યું, સવારમાં જ મૂડ ખરાબ છે તો પૂરો દિવસ કેમ પસાર થશે”
“ થઈ જશે પસાર, તું ચિંતા કેમ કરે છે?, તારે મને ડ્રાઇવિંગ શીખવવાનું છે. યાદ છે ને ?”
“તારે પણ ડિનર કરાવવાનું છે”
“પહેલાં ડ્રાઇવિંગ અને પછી ડિનર”
“આવી જા ચાલ” કહેતાં કારને ન્યુટ્રલમાં લઇ હું દરવાજો ખોલી બહાર આવ્યો. અમે બંનેએ સીટ બદલી.
“લૂક, પેનિક નથી થવાનું. સ્ટીયરીંગ પર કાબુ ના રહે તો એક્સીલેટર પરથી પગ હટાવી, ક્લચ પર રાખીને બીજો પગ બ્રેક પર રાખી દેવાનો” થિયરીકલ માહિતી આપ્યાં પછી મેં કારનાં જરૂરી પાર્ટ એવાં બ્રેક, ક્લચ, ગિયર, એક્સિલેટર જેવાં પાર્ટ્સ બતાવ્યા.
“ક્લચ પર પગ રાખી ગિયર બદલવાનો પછી ધીમી ધીમે ક્લચ છોડવાનો અને સાથે એક્સિલેટર દબાવવાનું. બનેનું કોમ્બિનેશન ફાવી જાય એટલે ડ્રાઇવિંગ શીખી ગઈ તું” મેં કહ્યું, “ચાલ ક્લચ કરી લે”
તેણે ક્લચ પર પગ રાખ્યો.
“ગુડ, હવે કારને પહેલાં ગિયરમાં લે” મેં કહ્યું.
“પહેલો ગિયર કેમ બદલાય ?”
“ અરે…” મેં તેનાં હાથ પર હાથ રાખ્યો અને કારને પહેલાં ગિયરમાં રાખી.
“હવે ધીમે ધીમે ક્લચ છોડ અને રેસ આપ”
તેણે એક સાથે બંને કામ કર્યા, ક્લચ પરથી પગ હટાવી લીધો અને રેસ દબાવી દીધો. કાર ઝટકો મારીને બંધ થઈ ગઈ.
“શું કરે છે ?, ધીમે ધીમે કરવા કહ્યું હતું”
“હું વર્ષોથી કાર નથી ચલાવતી, ભૂલ તો થાય જ ને”
“ચાલ, ફરીવાર કોશિશ કર” મેં કહ્યું.
થોડીવાર પછી કાર ધીમે ધીમે આગળ ચાલતી હતી. ત્રીજી કોશિશે આરાધના સફળ થઈ હતી.
“ગિયર નહિ બદલાતો” તેણે ડરીને કહ્યું. મેં ફરી તેનાં હાથ પર હાથ રાખ્યો અને કારને બીજા ગિયરમાં નાંખી.
“ગુડ, ધીમે ધીમે સ્પીડ વધાર પણ ત્રીસ ઉપર ના જતી” હું તેને ઇન્ટ્રક્શન આપતો રહ્યો. ઘણીવાર એ ભૂલ કરતી પણ એ જલ્દી જ શીખી રહી હતી.
અમે પૂરો દિવસ ડ્રાઈવિંગ શીખવામાં જ પસાર કર્યો. ડ્રાઇવિંગ તો એક બહાનું જ હતું, પૂરાં દિવસ દરમિયાન અમે બંનેએ ઘણીબધી વાતો કરી, પસંદ – નાપસંદ જાણી, હવે હું ગમે ત્યારે તેનો હાથ પકડી લેતો તો પણ એ કંઈ ના કહેતી. અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતાં બસ કહેવાની રાહ જ હતી.
ડિનર કરી અમે બંને બેસીને વાતો કરી રહ્યાં હતાં. એ સ્વસ્થ નહોતી જણાતી એટલે મેં પૂછ્યું, “ શું થયું આરાધના ?, કેમ ઉદાસ છે ?”
તેણે મારી સામે જોઇને સ્મિત કર્યું,
“તું મારી સાથે શા માટે છે ?” આવો અજીબ સવાલ મેં પહેલીવાર સાંભળ્યો હતો.
“આ કેવો સવાલ થયો ?, મને મજા આવે છે તારી સાથે” મેં હળવાશથી કહ્યું.
“ તું મને પસંદ કરે છે ?”
“કદાચ હા”
“હું તારી સાથે શા માટે છું એ ખબર છે ?”
“શા માટે ?”
એ સામેના સોફા પરથી ઉભી થઇ મારી પાસે આવીને બેસી ગઈ.
“મારી બેન કાજલ, તેણે મને તારી સાથે રહેવા કહ્યું હતું. તારી કમજોરી, નબળાઈ શું છે એ જાણવા માટે. હું કોઈ ચોર નથી, નથી હું કોઈ ગરીબોને દાન આપવાવાળી. હું તો બે જ કામ માટે તને મળી હતી, તારી સાથે રહી મારે તારું ધ્યાન ભટકાવવા અને તું કેવી રીતે દુશ્મનોને ધૂળ ચાતાવે છે એ રાજ જાણવા. મને લાગ્યું હતું તારી સાથે રહેવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે, કદાચ પોતાની ઈજ્જત પણ વેચવી પડશે પણ તું !!”
“તને મળીને મારો ઈરાદો જ બદલાય ગયો. હું જે કરી રહી હતી તેનાંથી મને ધૃણા થવા લાગી, હું પોતાની જાત સાથે આંખો નથી મેળવી શકતી, આઈ એમ સૉરી અક્ષય”
મેં સ્મિત ફરકાવ્યું. હું જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો એ નજીક આવી રહી હતી. હવે બોલવાનો સમય મારો હતો.
“મને પહેલેથી જ તારાં વિશે બધી ખબર છે, તું કોઈ ઈરાદાથી મારી સાથે વાત કરે છે એ હું જાણતો જ હતો પણ કોનાં કહેવાથી તું આ બધું કરે છે એ તારી પાસેથી જાણવાની ઈચ્છા હતી”
“કાજલ, મારી બહેન. તે દિવસે જે છોકરો મળ્યો હતો એ સાચું બોલતો હતો. મારી બહેન એવા લોકોને ફસાવે છે અને તેની પાસેથી રૂપિયા પડાવીને નાસી જાય છે. અત્યારે તેનાં સંબંધ સુરતનાં કોઈ મોટા બુટલેગર સાથે છે. એ તારાં વિશે જાણે છે. તને ખતમ કરવાની યોજના બનાવે છે અને હું પણ એ જ યોજનાનો એક ભાગ છું”
“તું તો તારી યોજનામાં સફળ થઈ રહી હતી. તારી સાથે રહી ખરેખર મારું ધ્યાન ભટકી રહ્યું છે, તો કેમ તું આ બધી વાતો મને કહે છે ?”
તેણે મારો હાથ હાથમાં લીધો, હું તેની આંખોમાં વેદના જોઈ શકતો હતો, મારાં માટેની લાગણી જોઈ શકતો હતો,
“હું તને પ્રેમ કરવા લાગી છું, તારી સાથે મારુ ભવિષ્ય જોઉં છું અને હું તને ગુમાવવા નથી માંગતી”
એ અચાનક જ મારી નજીક આવી ગઇ, હું કોઈ રીએકશન આપું એ પહેલાં તેણે મારાં હોઠોને ચૂંમી લીધાં અને શરમાઈને નીચું જોઈ ગઈ.
“બોલ, તું પણ મને પ્રેમ કરે છે ને ?” તેણે બીજી જ ક્ષણે મારી આંખોમાં આંખ પરોવીને પૂછ્યું. હું અચરજમિશ્રિત નજરે તેને જોતો રહ્યો, થોડીવાર પહેલાં દુનિયાદારીની વાતો કરતી આરાધના અત્યારે માસૂમ ચહેરો બનાવી મારી સામે જોઈ રહી હતી.
“હું તને પ્રેમ કરું છું એ વાત હું સ્વીકારી લઉં, પણ તું બીજીવાર આવી સાજીશ નહિ રચે એની શું ખાત્રી છે ?”
“જો મારે સાજીશ જ રચવી હોત તો હું તને અત્યારે આ બધું ના કહેતી હોત, તારો જીવ જોખમમાં છે એ વાતનો મને ડર છે અને એ ડર જ મને આ બધું બોલાવી રહ્યો છે”
મેં તેનો ચહેરો બે હાથ વચ્ચે લીધો. તેનાં હોઠ તરફ નજર કરી મેં તેની આંખોમાં જોયું. તેનાં હોઠ કાન તરફ ખેંચાય રહ્યાં હતા. થોડી ક્ષણો માટે અમારાં હોઠ ચાર થઈ ગયા.
હું તેનાંથી અળગો થયો. એ શરમાઈને આંખો ઝુકાવીને બેઠી હતી.
“અક્ષય, તું કેટલી મુસીબતોથી ઘેરાયો છે એ તને નથી ખબર. બધાં જ ગેરકાનૂની કામો કરવાવાળા માટે તું મુસીબત બની ગયો છે. એ લોકો તને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચે છે. થોડાં જ દિવસોમાં સુરતમાં એક મિટિંગ થવાની છે જેમાં ગુજરાતનાં ઘણા બધા માફિયાઓ ભેગા થવાનાં છે, મિટિંગમાં કેવી રીતે તને ખતમ કરવો તેની વ્યૂહરચના ઘડાશે” આરાધના ચિંતિત સ્વરે બોલી.
“અક્ષય સુધી તો બધાં પહોંચી શકે છે પણ A.K. સુધી પહોંચવામાં ઘણાં બધાં લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. આજ સુધી કોઈ એવો કમજાત પેદા નથી થયો જે A.K. ને માત આપી શકે. મારાં નામનાં ડરથી માફિયારાજ ધ્રૂજે છે. એ લોકોને કરવા દે મિટિંગ. એ લોકો મીટીંગમાં તો પહોંચશે પણ મીટિંગ પુરી કરીને એ બહાર નહિ નીકળી શકે. તે કાજલને મારી કંઈ કંઈ વાત જણાવી એ મને કહે બસ”
“પહેલાં મને પ્રોમિસ આપ કે કાજલને તું કંઈ નહીં કરે, બેનને તારી સાથે કોઈ દુશ્મની નથી. એ તો તને જાણતી પણ નથી.” આરાધના લગભગ ડઘાઈ ગઈ હતી.
“પ્રોમિસ, તારી બહેનને હું કંઈ નહિ કરું” મેં કહ્યું.
“ગુડ, બેનને મેં આપણી ઓર્ફનેઝવાળી મુલાકાત વિશે જ કહ્યું છે. આપણી વચ્ચે છેલ્લાં પંદર દિવસમાં જે વાતો થઈ તેનો એક હરફ નથી કહ્યો મેં, મારે ઓર્ફનેઝવાળી વાતય નહોતી કહેવી પણ ત્યારે હું તારાં માટે આટલી લાગણી નહોતી અનુભવતી એટલે એ વાત મેં કહી દીધી”
“ઇટ્સ ઓકે, હું બધું સંભાળી લઈશ” મેં કહ્યું. એ કૂદીને મારી બહોપાશમાં સમાય ગઈ. મને તેની આ હરકત ગમી હતી. કદાચ વધુ પડતી જ ગમી હતી.
(ક્રમશઃ)