પ્રકરણ- ચૌદમું/૧૪
મીરાંની આંખમાં જોઈને મધુકર બોલ્યા,
‘શું તું.. મિસિસ વિરાણી બનવાનું પસંદ કરીશ?'
મીરાં તેના હાથમાંનો ગ્લાસ ટેબલ પર મુકીને કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર ચુપચાપ તેના રૂમમાં જતી રહી.
બે વર્ષ જેવા ખાસ્સા લાંબા સમયગાળા પછી મધુકરે તેની ઈમેજ અને સ્ટેટ્સની સાથે સાથે મીરાંની રુચિ અને પ્રકૃતિને પારખ્યા બાદ, મનોમંથનનો એક મહાયજ્ઞ સંપન્ન કર્યા પછી, તેના આત્માની સંમતિના સંકેતના સાંપડ્યા પછી જ, આ પ્રસ્તાવની પ્રસ્તુતિ માટે સૌ પ્રથમ સ્વના આત્મવિશ્વાસના અંદેશાની ખાતરી થયા પછી,
સમય, સ્થળ અને શબ્દોનું સભાનપણે ધ્યાન રાખીને બંનેની જિંદગીની એક અતિ મહત્વની અને જવાબદારી ભરી દિશા તરફ મધુકરે કદમ મુકવાનું આહવાન આદર્યું હતું.
મીરાંની બોડી લેન્ગવેજ કે તેની નજર યા તેના ચહેરા પરના કોઈપણ પ્રતિભાવ પરથી મધુકર વિરાણી, મીરાંના મન અથવા મસ્તિષ્કમાં ચાલી રહેલી તેના પ્રત્યેની અનુભૂતિના અનુવાદને સાંકેતિક ભાષામાં ભાષાંતરિત થઈને પ્રત્યુતરના સ્વરૂપે બહાર આવવાની પ્રતીક્ષા કરતાં રહ્યા.
‘શું તું.. મિસિસ વિરાણી બનવાનું પસંદ કરીશ?'
મધુકરનું આ પ્રશ્નાર્થ ચિન્હવાળું વાક્ય મીરાં માટે ફક્ત કોઈ એક પ્રસ્તાવ કે શબ્દો નહતા, પણ, મીરાંને લાગ્યું કે તેના એક સકારત્મક પ્રત્યુતરથી તેની જિંદગી એક પળમાં ૩૬૦ ડીગ્રીના તફાવત જેટલી પલટી જશે. અને એ પણ હંમેશ માટે.
જેમ જિંદગીના માઈલ સ્ટોન સાબિત થવા જઈ રહેલો આ અતિ મહત્વનો નિર્ણય લેતા મધુકરને બે વર્ષ લાગ્યા તો, મીરાંને થયું કે આ પ્રસ્તાવના પ્રત્યુતર પર કોઈપણ અંતિમ નિર્ણયની મહોર મારતાં પહેલાં સૌ પ્રથમ, એક શ્રેષ્ઠ સમયના સાનિધ્યમાં સ્વ સાથે એક સ્વસ્થ સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે.
ત્યારબાદ મીરાંને ફીલ થયું કે, જે રીતે મધુકરને છોડીને આવી એ ટોટલી બેડ મેનર જેવું લાગે છે. આફ્ટર ઓલ તે મારાં બોસ છે. અંગત મેટરને લઈને સર સાથે કોઈપણ ઇસ્યુ ક્રિયેટ કરવું એ મુર્ખામીની નિશાની છે. અને તેણે મારી સામે જે પ્રસ્તાવ મુક્યો છે, તેનો મારે મારી બુદ્ધિમતા અનુસાર સ્પષ્ટ પ્રત્યુતર આપવો જ જોઈએ. અને અત્યારનો આ સમય સાચવી લેવો જોઈએ.
તરત જ તેના દિમાગમાં ચાલતાં વિચારોને હાલ પૂરતા સ્થગિત કરીને બહાર આવી, ટેબલ પરથી તેના જ્યુસનો ગ્લાસ ઉઠાવી સ્માઈલ સાથે મધુકરને પૂછ્યું,
‘સર, તમને યોગ્ય લાગે તો આપણે સ્પીડ બોટની એક લોંગડ્રાઈવ લઈએ તો કેવું રહેશે?’
‘કયારેય ન લાગ્યું હોય એવું!’
હસતાં હસતાં મધુકરે રીપ્લાય આપ્યો. એટલે મીરાં પણ હસતાં હસતાં બોલી,
‘કમ ઓન લેટ્સ ગો.’
એમ બોલતાં મધુકરે સ્પીડ બોટ એરેન્જમેન્ટ કરવાની સૂચના આપી.
તરત જ મીરાંને હળવા મૂડમાં જોઈને મધુકર મેન્ટલી રીલેક્સ થઈ ગયા.
સંતુલિત થઈ શકે એટલી મહત્તમ ગતિએ મીરાં તેની ચિચિયારી સાથે શાંત સમુંદરના પાણીને ચીરતી સ્પીડ બોટની રાઈડ લેતા મીરાં એ હદે થ્રિલ ફીલ કરતી હતી કે, થોડીવાર માટે તો એ ભૂલી ગઈ કે મધુકર તેના બોસ છે. લાઈફની ફર્સ્ટ સ્પીડ બોટ રાઈડ અને તે પણ માલદીવ્સના જોતા વેંત, પ્રેમમાં પડી જવાય તેવા સાગરના સાનિધ્યમાં. અને દરિયાદિલ ઈન્સાન સાથે.
નેક્સ્ટ ડે રીટર્ન આવતાં ફ્લાઈટ લેન્ડીંગનું એનાઉન્સમેન્ટ થયું, તેની બે મિનીટ પહેલાં જ મધુકરની બાજુની સીટમાં બેસેલી મીરાં મધુકરની સામે જોઈને બોલી.
‘સર, તમારા પ્રપોઝના રીપ્લાય માટે મને થોડો સમય જોઇશે, પ્લીઝ.’
‘મીરાં, એઝ એ વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે મને કોઈપણ માઈનર કે મેજર ડીસીઝન લેતા હાર્ડલી ફાઈવ મિનીટ્સ લાગે. પણ આ નિર્ણયના માત્ર વિચાર સુધી આવતાં મને ૧૩ વર્ષ થયા. અને આઈ થીંક શ્યોર કે તું બીજા ૧૩ વર્ષ તો મને રાહ નહી જ જોવડાવે.’ મધુકર આટલું બોલતાં બંને હસવાં લાગ્યા.
હવે મંડાયું મીરાંના મગજમાં મનોમંથનના વિચારોનું દ્વંદ્વયુદ્ધ.
રાત્રીના સાડા અગિયાર થયા, પણ મીરાંને ઊંઘ આવવાના કોઈ ઇન્ડીકેશન મળતાં નહતા. છેલ્લાં બે વર્ષ, મધુકર સાથે ઓફીસ, પાર્ટી, કોન્ફરન્સ, મીટીંગ, આઉટ ડોર, દેશ-વિદેશ કેટલું કેટલું ફરી. હળી મળીને કામ કર્યું પણ, કયારેય કોઈપણ સંજોગોમાં મીરાંએ મધુકરને, કે મધુકરે મીરાંને એકબીજાની આંખોમાં આ પ્રપોઝનો અંશ માત્ર નહતો જોયો. અને આજે અચાનક જ...? મીરાંને આશ્ચર્ય એ જ વાતનું હતું કે, તો છેલ્લાં આટલાં સમય ગાળામાં મને મધુકર તરફથી કોઈ હિન્ટ કેમ ન મળી? મીરાં મધુકરના પર્સનલ પાસા સિવાય તેની એક એક મુવમેન્ટ અને તેના નેચરથી સંપૂર્ણપણે વાકેફ હતી. અને આજે તેણે તેની અંગત બાબતની કિતાબ પણ નિખાલસતાથી સહજતાથી સાવ ઉઘાડી કરી નાખી હતી. મીરાંને મધુકરની સૌથી વધુ ઈમ્પ્રેસ કરતી બાબત હતી, તેની પારદર્શક પ્રકૃતિ. કોઈ જ વ્યસન નહીં. સીધી અને સરળ સૌમ્યતાથી વાર્તાલાપ કરવાની કળા. શાર્પ ઈન્ટેલીજન્ટ. ભરપુર આત્મવિશ્વાસ. ઉંમર કરતાં થોડી વધુ પીઢતા કયારેક મીરાંને ખૂંચતી. જરૂર પડે ત્યાં મધુકરની વિનોદવૃત્તિ પ્રત્યેની કંજુસાઈ પર કયારેક મીરાંને ગુસ્સો પણ આવતો. પછી મીરાંને અચનાક એક વિચાર આવ્યો કે, હું જેને ઓળખું છું અને વિચારું છું, એ તો ચેરમેન મધુકર વિરાણી છે. હવે તો મારે મારા લાઈફ પાર્ટનર મધુકર વિષે વિચારવું છે, પણ એ પહેલાં મારે એ વિચારવાનું છે કે, તેની જીવનસંગીની બનવા માટે હું શું વિચારું છું? વિચારવું શું? શા માટે? કેટલું? હવે મધુકરના કોઈ જ પાસાંથી મીરાં અજાણ નહતી. જ્યાં ખુદ વિધાતાએ સ્વયં મને જ મારાં સૌભાગ્યમાં, શબ્દકોશના શક્ય એટલા સુખના સઘળા શબ્દો લખવાની સંમતિ આપી હોય, ત્યારપછી કોઈ વિચારમંથનને સ્થાન આપવું કેટલું યોગ્ય છે?
મર્યાદા બહારના મનોમથનથી થાકીને છેવટે સમય જોયો ૧૨:૧૫.
કોલ લગાડ્યો અવનીને.
અવનીએ ઊંઘમાંથી આંખ ઉઘાડતાં, નવાઈ સાથે બગાસું ખાતાં મીરાંનો કોલ રીસીવ કરતાં બોલી,
‘ક્યાં આગ લાગી છે, મેડમ?’
‘ઓયે, ડોન્ટ બી ઓવર સ્માર્ટ.’ મીરાં જવાબ આપતાં બોલી.
‘આઈ થીંક કે, આજે બે મહિના પછી તારો કોલ આવ્યો છે એટલે, કોણ ઓવર સ્માર્ટ છે એ કહેવાની જરૂર ખરી?’ મીઠા ઠપકા સાથે અવનીએ દાઢમાંથી બોલતા પૂછ્યું.
‘પણ, ડીયર યુ નો વેરી વેલ અબાઉટ માય ટાઈટ જોબ શેડ્યુલ.’
‘એ બહુ લોંગ ડિસ્કશનનો ટોપીક છે. એટલે એ, મૂક સાઈડ પર, મારા માટે તો ખુશીની વાત એ એ છે કે તેં મને યાદ કરી બસ. બોલ હવે આગ લાગી છે? લગાડવાની છે? કે ઠારવાની છે?’ અવનીએ પૂછ્યું.
‘લીસન..! અવની કોલ પર મજા નહીં આવે, તું એક કામ કર. કાલે લંચ ટાઈમ પર મારી ઓફિસે આવી શકીશ?’
‘અરે... યાર મીરાં, તું કયારથી આટલી ફોર્મલ થઈ ગઈ? તું તો યાર, કોર્પોરેટ વર્લ્ડના એટીટ્યુડની સાથે સાથે ફિઝીકલી અને મેન્ટલી કેમ, કયારે અને કેટલું અંતર રાખવું એ પણ સારી રીતે શીખી ગઈ.’
મીરાંના બદલાયેલા લાગતા ટોનનો અવનીએ માર્મિક શબ્દોમાં જવાબ આપ્યો.
અવનીએ મીરાંની દુઃખતી રગ દબાવતાં મીરાંને સ્હેજ દુઃખ થયું, પણ બીજી જ ક્ષણે એ અહેસાસ થયો કે, અવની સ્વયં અને તેના શબ્દો બંનેમાં ભારોભાર સત્ય છે. એટલે થોડીવાર ચુપ રહીને બોલી.
‘યુ આર રાઈટ પણ, તારા પક્ષે. આપણે આવતીકાલે બંને પક્ષની વાત કરીશું. એક વાગ્યે આવી જજે ઓફીસે. ઠીક છે ચલ બાય. ગૂડ નાઈટ.’
‘ગૂડ નાઈટ.’ માત્ર આટલું બોલીને અવનીએ પણ કોલ કટ કર્યો.
મીરાં અને અવની બંનેને દુઃખ હતું સમય, સંજોગને આધીન પરિસ્થિતિથી મીઠી, મસ્તીભરી મિત્રતામાં આવેલી ફિકાસથી.
બન્ને કયાંય સુધી જુના સંસ્મરણોને વાગોળતાં ભીની આંખે સુઈ ગયા.
બીજા દિવસે અવની મીરાંએ આપેલા સમયે તેની વિરાણી હાઉસના અગિયારમાં ફ્લોર પર પહોંચી ગઈ. ત્યાંથી મીરાંને કોલથી જાણ કરતાં દસ મિનીટ પછી મીરાંનો આસીસ્ટન્ટ અવનીને મીરાંની ચેમ્બરમાં લઇ ગયો.
મીરાંનું એટીટ્યુડ અને ઓફિસની ભવ્યતા અને તેનો વટ જોઇને ચેર પર બેસતાં અવનીની ભીની આંખો પર નજર પડતાં મીરાં બોલી,
‘હેય, વ્હોટ હેપન? આર યુ ઓકે?” મીરાંએ પાણીનો ગ્લાસ અવની સામે ધર્યો.
‘કંઈ નહીં. બસ તને આજે આ સ્ટેજ પર જોઈને આપણી પહેલીવારની અડ્ડા પરની યાદગાર મુલાકાત યાદ આવતાં એમ થયું કે આ એ જ મીરાં રાજપુત છે, જેની માત્ર તોફાની મસ્તી યાદ આવતાં જ રૂવાંડા ઊભા થઈ જતા? તેં શું મેળવ્યું અને અમે શું ગુમાવ્યું, એ વાતથી બસ જરા.’ ઈમોશનલ થતાં અવનીનો સ્વર ભારે થઇ ગયો.
એક ઊંડો શ્વાસ લઈને મીરાં બોલી,
‘બે વર્ષ પહેલાં જયારે આપણી અડ્ડા પર લાસ્ટ મીટીંગ થયેલી, ત્યારે જે કહ્યું હતું કે હવે હું તમને સમય નહી જ આપી શકું. તને શું લાગે છે? આ પોઝીશન આમ જ મળી છે? શું ગુમાવ્યું છે એ મને જ ખબર છે. એક મિનીટ'.
મધુકર સાથે કનેક્ટ થતાં મીરાંએ કહ્યું,
‘સર, પ્લીઝ જરા મને હાલ્ફ એન અવર આપશો? એક પર્સનલ મીટીંગમાં છું.’
‘ઓ.કે. મીરાં કંટીન્યુ, કોલ મિ આફ્ટર ઓવર યોર મીટ.’
‘થેન્કયુ સર.’
‘અવની, કેટલા સમય પછી આપણે મળ્યા?’ મીરાંએ પૂછ્યું.
‘આશરે સાતેક મહિના પછી.’
‘એક સમય હતો, વીકમાં જો એક વખત પણ નહતા મળતાં તો, તો મોટું મહાભારત થઈ જતું.’
‘અને તેમાં પણ તારું ફરમાન થયું હોય, અને કોઈ અડ્ડા પર ન આવ્યું હોય તો, તેના ઘરેથી રીતસર કિડનેપ કરીને ઉઠાવી લાવતા, એ યાદ છે ને મીરાં?'
‘ક્યાં છે અત્યારે સૌ, અવની?’ મીરાંએ પૂછ્યું.
થોડીવાર મીરાંની સામે જોઈને અવની બોલી,
‘સાચું કહું મીરાં, સૌ પોતપોતાની લાઈફમાં મસ્ત અને વ્યસ્ત છે. છતાં પણ આજે અગાઉથી પ્લાનિંગ કરીએ એટલે દિલથી બધાં અડ્ડા પર મળીએ. તારી તરક્કીની પણ વાતો થતી. પણ પછી...’ અવની અટકી ગઈ
‘પછી શું?’ મીરાંએ પૂછ્યું.
‘તને નહી ગમે મીરાં, છોડ રહેવા દે, બોલ, તને મારું શું કામ પડ્યું વળી?’ અવનીએ પૂછ્યું.
‘ના, પહેલાં અધુરી વાત પૂરી કર.’ લેપટોપમાં મેઈલ ટાઈપ કરતાં મીરાંએ કહ્યું.
‘સોરી, મીરાં તે વાત માટે આ સમય અને સ્થળ બંને યોગ્ય નથી. ફરી કયારેક તને સમય હોય ત્યારે આ યાદ કરજે ત્યારે વાત કરીશ,’ અવની બોલી.
‘ઠીક છે, તો એક કામ કરીએ, તારી વાત પૂરી થશે જ પછી જ હું મારી વાત કરીશ.
આજે રાત્રે મળીએ છીએ, તું, હું અને અર્જુન. બોલ ક્યાં ફાવશે તને?’ મીરાંએ પૂછ્યું.
‘તું કહે ત્યાં.’
‘ઠીક છે, હું તને નવ વાગ્યે તારાં ઘરે પીક અપ કરવા આવું છું, અને અર્જુન સાથે હું કોલ પર વાત કરી લઈશ. ઇટ્સ ઓ.કે.?' મીરાંએ પૂછ્યું.
‘તો મીરાં હું રજા લઉં, માર્કેટમાં હજુ એક-બે કામ બાકી છે.’
‘ઠીક છે રાત્રે મળીયે છીએ. ટેક કેર. બાય.' એમ કહીને અવની ત્યાંથી રવાના થઈ.
બીજી જ ક્ષણે મીરાં તેના કામમાં પરોવાઈ ગઈ.
ઠીક રાત્રે નવ વાગ્યે અવનીને તેનાં ઘરેથી મીરાં તેની કારમાં પીકઅપ કરીને, બંને મીરાંના બંગલા પર આવ્યાં. થોડીવાર વૈશાલીબેન સાથે વાતચીત કર્યા પછી મીરાં વૈશાલીબેનને સંબોધીને બોલી,
‘મમ્મી, અમે બંને થોડીવાર ગાર્ડનમાં બેસીએ છીએ, પછી આપણે સાથે બેસીએ. તું સુઈ ન જઈશ.’
‘ઠીક છે, હું જાગું છું. તમને ચા- કોફી કંઈ જોઈએ તો કહેજે,’ વૈશાલીબેન બોલ્યા.
‘જી’ મીરાં એટલું બોલી, પછી અવની સાથે ગાર્ડનમાં આવીને બન્ને ઝૂલા પર બેઠાં.
‘અર્જુન કેમ ન આવ્યો?’ અવનીએ પૂછ્યું
‘તેની હમણાં જરૂર નથી, એટલે તેને મેં દસ વાગ્યે બોલાવ્યો છે.’
મીરાંએ જવાબ આપ્યો.
થોડીવાર સુધી અવની મીરાંની આંખમાં જોઈ રહી.
અવનીની જોઈ રહેવાની અદા પરથી મીરાંએ પૂછ્યું,
‘શું જુએ છે? શું દેખાય છે?”
‘એ જ કે, જે કોઈનાથી ન ડરે એ હજુ પણ પ્રેમથી કેમ ડરે છે?’
અવનીનો જવાબ સાંભળીને મીરાં રીતસર આશ્ચર્ય સાથે ચોંકી ઉઠી. બે વર્ષમાં અવની સાથે માંડ બેથી ત્રણ અલપઝલપ જેવી ઊડતી મુલાકાત થઈ હશે, છતાં આજે પણ હું અવનીની આટલી નજીક છું?'
‘આ તને જે રીતે આશ્ચર્ય થાય છે ને, એ અમને નથી થતું. બસ એ જ વાતનું દુઃખ છે મીરાં. દુનિયાને આંજવા, હરાવવા, હાંફવવાની દોડમાં, તું એટલી દુર નીકળી ગઈ કે તને એક ઝલક જોવા તો શું, સાંભળવા માટે પણ અમે તો કાયમ તરસતાં જ રહી ગયાં. છતાં માત્ર આજે જ નહી પણ તારા માટે સદાય એવી જ દુઆ નીકળે કે, કયારેય તને અમારી જરૂર પણ ન પડે અને કદાચને પડે તો અમારી કોઈ કચાશ ન રહે.’
આટલું સાંભળતા મીરાં અત્યંત લાગણીશીલ થઈને અવનીને ગળે વળગી પડી.
‘તારી વાત સાચી છે. અવની, હું ખુબ આગળ નીકળી ગઈ છું પણ, હવે આજ મારી લાઈફ છે. આ ઘટમાળ હવે મારાં રક્તમાં વણાઈ ચુકી છે. આ સફરમાં યુ ટર્ન નથી. મારી તકદીરની ટ્રેન હવે બુલેટ ટ્રેનની ગતિએ દોડે છે. હવે જો હું ઉતારવા જાઉં તો ફેંકાઈ જાઉં. અને મેં શું મેળવ્યું છે, એ વાત મારા માટે ગૌણ છે પણ, જો મારી જાતને ડાયવર્ટ ન કરી હોત તો, યુ નો વેરી વેલ કે, ગુમાવવામાં કશું બાકી જ ન રહ્યું હોત.’
‘મીરાં, મિહિર ક્યાં છે?’ આઈ મીન.. મીરાંમાં?'
‘આજે બે વર્ષ પછી એ ભારેલા અગ્નિ જેવી હૂંફને ફૂંક મારવાની તે નાહક કોશિશ કરી છે અવની. મિહિરના કિસ્સામાં સૌથી ખૂંચતી બાબત એ છે, કે તેની મારી લાઈફમાં એન્ટ્રી કરતાં એક્ઝીટ વધુ ધમાકેદાર રહી. એક પહાડ જેવડું પૂર્ણવિરામ અને તે પણ પ્રશ્નાર્થના સ્વરૂપમાં. એક એવાં ગાઢ કાળા ડીબાંગ અનંત અંધકારમાં, એ વ્યક્તિ મને ધકેલીને એ રીતે જતો રહ્યો, કે ધોળા દિવસે પણ મને બ્લેક કલરથી ડર લાગે છે.
લેટ્સ ફોરગેટ ઈટ.
પણ આ પ્રેમની વાત...?’ મીરાંએ પૂછ્યું
‘હા, પ્રેમ મીરાં.’
‘અવની, હજુ હું તો મારા ચિત્તમાં સળવળતી, પ્રેમની એ દિવ્ય અનુભૂતિની પરિકલ્પનાને મારી કાચી કુંવારી કેનવાસ જેવી કાયામાં, ઉભરતાં માયાના તરંગોના ચિત્રોમાં, મારાં મનગમતાં રંગો ભરું, એ પહેલાં તો કાળે કાળી સ્યાહી ઢોળીને, જાણે એક અનિશ્ચિત સમયગાળા સુધીનું ફરમાન કરીને મારા અરમાનનો અને પ્રેમ માટે વ્હાલના વિસ્તારને પ્રતિબંધિત પ્રદેશ જાહેર કરી દીધો હોય.’
મીરાં અટકી, અને આંસુ શરુ થયાં.
‘પણ, મને લાગે છે કે શાયદ તું ફરી એકવાર કોઈ નવા મોડ પર આવીને અટવાઈ છો. એમ આઈ રાઈટ?' અવનીએ પૂછ્યું.
‘આજે હું ફરી એકવાર જિંદગીના એક એવા મોડ પર છું કે જ્યાં, મેળવવાની કોઈ સીમા નથી. પણ....વિચારું છું કે સફરમાં કોઈ સુકુન નામનું સ્ટોપ આવશે કે નહીં? જે તૃષ્ટિ માટે હું હરણફાળ ભરવા જઈ રહી છું, એક સ્ટેજ પર આવીને એ સુવર્ણમૃગ તો સાબિત નહીં થાય ને?'
‘મીરાં, પહેલાં તું આ પહેલીમાં વાત કરવાં કરતાં મુખ્ય મુદ્દા પર આવીશ તો હું કોઈ અભિપ્રાય આપી શકું.’
થોડીવાર મીરાં, અવનની સામે જોઈ રહ્યા પછી બોલી.
‘કોઈએ મને લાઈફ પાર્ટનર બનવા માટે પ્રપોઝ કર્યું છે.’
જવાબ આપતાં અવનીએ કહ્યું.
‘મીરાં, હું એટલો તો અંદાજો તો જરૂર લગાવી શકું, જેણે પણ તને પ્રપોઝ કર્યું છે એ દરેક બાબતે તારાં કરતાં દસ ગણો ચડિયાતો હશે, કેમ કે જેવા તેવા તો તારી પડખે ચડવાની વાત તો દૂર, પણ તારો વિચાર કરતાં પણ દસ વખત વિચારે.’
‘યુ આર હન્ડ્રેડ પરસન્ટ રાઈટ, એ દસ નહી પણ હજાર ગણો....’
‘મધુકર વિરાણી’ વચ્ચેથી જ મીરાંની વાત કટ કરતાં અવની બોલી.
હજુ મીરાં અવનીની વાતનો કોઈ પ્રતિભાવ આપર એ પહેલાં જ ફરી અવની બોલી,
‘એમાં નવાઈ જેવું કંઈ જ નથી, છેલ્લાં બે વર્ષથી તારી પાસે બે જ ટોપીક સાંભળીયે છીએ. મધુકર વિરાણી અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ. નો ડાઉટ તેના માટે તે તારા પ્રાણ રેડી દીધા છે, એ માહોલને જ તેં તારી દુનિયા બનાવી લીધી છે. અમને તો ડર હતો જ કે કયાંય આ પૈસો, પ્રસિદ્ધિ અને પાવર પાછળ આંધળો ધૃતરાષ્ટ તને ગાંધારી ન બનાવી દે, અને અંતે એ જ થયું, લ્યો ત્યારે તમ તમારે બન્ને રમો આંધળો પાટો. બીજું શું!’
‘હેય.. કેમ આવું બોલે છે? યુ આર નોટ હેપ્પી?’ મીરાંએ પૂછ્યું.
‘એ તો મારે તને પૂછવું જોઈએ, વ્હાય યુ આર નોટ હેપ્પી? કુબેર અને લક્ષ્મી બન્ને બ્લેંક ચેક આપવાં રાહ જોઈ રહ્યા છે, તો તું હવે કોઈની રાહ જોઈ રહી છે?'
‘પણ અવની, જે વાત કોઈ સ્વપ્નમાં પણ ન વિચારી. એ ઘટના મારી સાથે ઘટવા જઈ રહી છે. તો પણ મને કેમ કોઈ એક્સાઈમેન્ટ નથી થતું?’
મીરાંની આંખમાં જોઈને અવની બોલી,
‘મીરાં, જો તને જવાબની જાણ છે, તે છતાં પણ મને કેમ પૂછે છે?’
‘ના, પણ હવે તું જ મને કહે કે હું શું કરું?’
‘મીરાં, મધુકર એટલે તારા માટે તાસના ત્રણ એક્કા, તું આ જીતેલી બાજી જેવી લાઈફચેન્જર ગેમ ક્વિટ કરીશ? તારાં અતીતના ૧% ના આંધળા વિશ્વાસ પાછળ ૯૯% પાર થવા જઈ રહેલી જિંદગીને તું ઠોકર મારી દઈશ? ૯૯ થી ૧૦૦ સુધીની સફર આસાન રહેશે. મીરાં,’
‘અવની તું મારી વાત નથી સમજતી.’
‘અને મારે સમજવી પણ નથી, જો મીરાં ફિલોસોફીની ભાષાનું ભાષણ કરતાં કહું તો, લોકો કહે છે જિંદગી એક જુગાર છે. પણ તું મને એ કહે કે.. આજની પરિસ્થિતિમાં જુગાર રમ્યા વગર સામેથી જીતેલી બાજીમાં તે શું દાવ પર લગાવ્યું હતું? પાગલ, તને ખબર છે? જયારે આ વાતનું ઓફિસીયલી એનાઉન્સમેન્ટ થશે ને ત્યારે, આજે તો તને માત્ર આ શહેરના ગણ્યા ગાંઠ્યા લોકો જ ઓળખે છે પણ, એ પછી દેશ નહી વિશ્વભરના કોર્પોરેટ વર્લ્ડમાં લોકો પૂછશે હુ ઈઝ મીરાં વિરાણી?’ તું એ ઉંચાઈ પર પહોંચી જઈશ કે અમને પણ માનવામાં નહી આવે, કે એ આ મીરાં છે કે જેના બર્થ ડે પર તેને રીતસર કેકથી નવડાવતા અને પછી ટીંગાટોળી કરીને સ્વિમિંગ પુલમાં ઘા કરતાં. એ વાત અમારા માટે એક દંતકથા બની જશે.’
આટલું બોલતા અવનીનું ગળું ભરાઈ આવ્યું.
અને ત્યાં જ અર્જુન નો કોલ આવ્યો.
‘એલી, તારા આ ઝેડ સિક્યુરીટી જફા કરતાં જોકરને સમજાવને, નઈ તો હમણાં...’
‘ઓકે ઓકે પ્લીઝ વેઇટ.’
મીરાં એ ગેઇટ પરના સિક્યુરીટી ગાર્ડને સૂચના આપી. એ પછી અર્જુન અંદર આવ્યો.
મીરાંએ હાથ ઉંચો કરતાં અર્જુન ગાર્ડન તરફ આવતાં બોલ્યો.
‘એ ક્લીઓપેટ્રાની કાકી મને બોલાવવો હોય, તો ગેટ પર ઊભા રહેવાનું. સમજી? ઓલો, બળદિયો જાણે કે તું ડોનાલ્ડ ટ્રંપ ના મોટા કાકાની દીકરી હોય એવી રીતે વાત કરે છે પાછો. હવે એ મનીષા કોઈરાલાના કાકાને કેમ સમજાવું કે, તારી આ મેડમ ફાટેલું જીન્સ પહેરીને શેરીમાં અમારી હારે લખોટી રમતી, તે દિ'ની મારી દિવાની છે. એમ.’ બોલીને ચેર પર બેઠો.
અવની હસતી રહી. મીરાં થોડીવાર અર્જુનની સામે જોઈને બોલી,
‘તું કયારે સુધરીશ ?’
‘લે આ..લે, એલી મારા માટે અમારા ગ્રુપમાં સૌ એવી માનતા માને છે કે, આ કયારેય ન સુધરે તો સારું.’
‘અમારાં એટલે ?’ મીરાંએ પૂછ્યું
‘હા. અમારા, આપણાં નહી. કેમ કે, હવે તું નથી એ ગ્રુપમાં. સમજી? એટલે.’
મીરાંને ખ્યાલ ન આવે એમ અવનીએ ઈશારો કરીને અર્જુનને ચુપ રહેવા સમજાવ્યું.
એટલે તેના શબ્દોને ફેરવીને તોળતા બોલ્યા.
‘આઈ મીન કે અમે એવું નક્કી કર્યું છે કે, મીરાં સૌને એક ગ્રાન્ડ પાર્ટી આપે તો ગ્રુપમાં તેનું ભવ્ય વેક્લમ બેક કરીએ. એમ.’
‘અરે..તું કહે તો એ પુરા શહેરને પાર્ટી આપવા તૈયાર છે બોલ.’ અવની બોલી
‘કેમ, મધુકર વિરાણીના લગ્ન થવાના છે?' અર્જુને પુછ્યું.
‘હા.’ અવનીની સામે હસતાં હસતાં મીરાં બોલી.
‘હાઇશ.. તો હવે તારી અડધી જવાબદારી ઓછી ને?'
‘અડધી હોય? પુરેપુરી.’ મીરાંએ કહ્યું.
‘કેમ? તું રાજીનામું આપે છે?”
‘હાસ્તો,’ મીરાંએ ચલાવ્યું.
હવે મજાકમાં મીરાં સાથે અવની પણ જોડતાં બોલી,
‘પણ કેમ?’
‘બબ્બે જવાબદરી મારાથી હેન્ડલ ન થાયને અર્જુન,’
માથું ખંજવાળતા અર્જુનએ પૂછ્યું
‘બબ્બે? પણ શું?’
મીરાં અને અવની બન્ને ખડખડડાટ હસવાં લાગ્યા એ પછી અવની બોલી,
'મધુકર વિરાણીની પર્સનલ આસીસ્ટન્ટ કે મિસિસ મધુકર વિરાણી?'
આ સાંભળતા જ અર્જુન સાવ જ શાંત થઈ ગયો.
મીરાંને હતું, કે આ વાત સાંભળીને અર્જુન કંઇક નવી જ ધમાલ કરશે.
ચુપચાપ મીરાં પાસે આવી આંખમાં ઝળઝળિયાં સાથે બોલ્યો,
‘તારાં માટેની અમારી દુઆ અને સપનાઓ તારી આ ઊંચાઈ આગળ તો આજે સાવ બચુલીયા જેવા લાગે છે, યાર. બસ એટલું જ કહીશ, આ પાગલને ભૂલી ન જતી.’
આટલું બોલતા તો મીરાં પણ અર્જુનને ગળે વળગીને રડવા લાગી.
એ પછી મીરાં એ માલદીવ્સની આખી વાત કહી સંભળાવી.
‘હજુ મમ્મીને આ વાત નથી કરી, ચલો હવે આપણે અંદર જઈને મમ્મીને આ વાત કરીએ.’ મીરાં બોલી.
‘કેમ અચાનક આટલો ચુપ થઈ ગયો અર્જુન?' મીરાંએ પૂછ્યું
‘કંઈ નહીં, મીરાં, બસ એ વિચારતો હતો, તમારું કોઈ અંગત તમારી સોચથી પણ દુર જતું રહે એથી વધુ પીડાદાયક કશું જ નથી.’
‘અર્જુન, તું આટલો ઈમોશનલ હોઈશ એ હું ઈમેજીન જ નથી કરી શકતી.’
અર્જુન મનોમન બોલ્યો. બસ, એ જ વાતનું તો દુઃખ છે. લોકો પારકાની પહેચાન કરવાની પળોજણમાં પોતાના પડછાયાને પણ ભૂલી જાય છે.’
‘કેમ હું માણસની પ્રજાતિમાં નથી આવતો એમ?”
વાતાવરણ હળવું કરતાં અર્જુન બોલ્યો.
‘અર્જુનીયા, શું કરવું તારું,’ મીરાં એમ બોલતા સૌ એ ઘરમાં એન્ટ્રી કરી.
એટલે અર્જુન બોલ્યો,
‘આંટી કિચનમાં કંઈ સ્વીટ છે?’
‘જી, મોતીચુરના લાડુ છે ને, પણ કોઈ ખુશખબર છે?’ વૈશાલીબેને પુછ્યું.
‘પહેલાં ઝટ લઇ આવો. એટલે કહું.’ અર્જુન બોલ્યો.
વૈશાલીબેન ગયા એટલે મીરાંએ પૂછ્યું,
‘અવની, મમ્મી શું કહેશે?’
‘એ જ કે નેક્સ્ટ ખુશખબર પણ વહેલી આપ જો એમ.’ અવનીએ જવાબ આપ્યો .
‘તું પણ અર્જુનથી જરા પણ ઓછી ઉતરે એવી નથી.’ મીરાં બોલી.
મોતીચુરના લાડુ અર્જુન હાથમાં આપતાં વૈશાલીબેન બોલ્યા,
‘હા, હવે બોલ.’
વૈશાલીબેનના મોઢાંમાં આખો લાડુ મુકતા બોલ્યો,
‘આ શહેરના ટોચના ઉદ્યોગપતિ, કોર્પોરેટ કિંગ, વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, અને મીરાંના બોસ મધુકર વિરાણીના બનવા જઈ રહેલા સાસુજીને મારા વંદન સાથે અભિનંદન.
-વધુ આવતાં અંકે
© વિજય રાવલ.
'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484