hey I am in your City - 3 - last part in Gujarati Drama by Gira Pathak books and stories PDF | હેય, આઈ એમ ઇન યોર સીટી ભાગ ૩ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

હેય, આઈ એમ ઇન યોર સીટી ભાગ ૩ - છેલ્લો ભાગ

અજયને પોતાની ભૂલ સમજાઈ. તે બોલ્યો , “અરે રેવા હું તો મજાક કરું છુ. ચાલ જમવાનું તો પીરસ ભૂખ લાગી છે.તારા મિત્રને ભૂખ્યા રાખવાના છે કે શું ?“ એમ કહી તે અંદર જતો રહ્યો. તે નક્કી ન કરી શક્યો કે તેને શું થઇ ગયું અચાનક રેવા માટે આવો ખ્યાલ મનમાં કેવી રીતે આવી ગયો!

બધા જમવા બેઠા આદિત્ય પેહલીવાર આવ્યો હોવાથી રેવાએ તેને ખુબ આગ્રહ કરીને જમાડ્યો. અજય ખબર નહિ ખુદને રેવાથી દુર થઇ ગયો એવું સમજવા લાગ્યો. એક વિચિત્ર પ્રકારની ન કેહવાય અને ન સેહવાય જેવી લાગણી તેને ઘેરી વળી. તે બહારથી સ્વસ્થ રેહવાનો પ્રયત્ન કરતો રહ્યો. તેને આજે જમવાનું ન ભાવ્યું. તેને ખબર હતી કે આ વાત નો અછડતો ઉલ્લેખ કરશે તો પણ રેવા ડીસ્ટર્બ થઇ જશે.

************************************

“મમ્મી, હું રેવાને વર્ષોથી ઓળખું છુ. તેની માટે હું આવું વિચારી પણ ના શકું.” અજય તેના મમ્મી સાથે રેવાની ગેરહાજરીમાં વાત કરી રહ્યો હતો.

“તો પછી એવો અજાણ્યો પુરુષ આપણા ઘરે કેમ આવ્યો હતો? જેને રેવા પોતાનો મિત્ર ગણાવે છે. હું ઘણા દિવસથી જોઈ રહી છુ રેવા હવે પેહલા કરતા ખુશ હોય છે. તેના સ્વભાવમાં બદલાવ છે. હું કઈ આંધળી થોડી છુ. રેવાનું કઈક ચક્કર છે અને મને તો તારી પર દયા આવે છે કે તું કેમ કઈ કરતો નથી?” સુમનબેન બોલ્યા. સુમનબેન એક ટીપીકલ સાસુ હતા. તેમને રેવાનો કોઈ પુરુષ મિત્ર હોય તે વાત પચતી ન હતી. અને ખાસ તો રેવા ખુશ રેહવા લાગી હતી તે વાત વધુ ખટકતી હતી. આખરે પોતે તો એક સાસુ હતા.

એક બાજુ અજય માટે પણ આ નવું હતું અને સુમનબેન એ બળતા માં ઘી હોમ્યું.

******************

રેવા અને અજય કઈંક મહત્વની વાત કરી રહ્યા હતા. ત્યાં આદિત્યનો ફોન આવ્યો. અજયથી બોલાય ગયું, “લો રંગમાં ભંગ પાડવા આવી ગયા”

રેવા તેની સામે જોઈ રહી. તે હવે અજય સામે આદિત્યના ફોન લેવાનું ટાળતી. રેવાનું મન ઘવાઈ ગયું. કઈ છુપાવા જેવું હતું નહિ પણ તોય હવે તે અજયની સામે આદિત્ય સાથે વાત ન કરતી એટલે તેને મનમાં ગુંગળામણ થતી. કેમ સમાજમાં સ્ત્રી સાથે કોઈ પુરુષ વાત ન કરી શકે ? તેને અજયના વિચારો પ્રત્યે ન સમજાય તેવી નફરત જાગી તે આદિત્ય સાથે વાત કરતી પણ હવે તે અજયનું વર્તન ધ્યાનમાં લઇ વાત કરતી અને આ જ વાતને લીધે આદિત્ય સાથે પણ ખુલીને વાત ન કરી શકતી આદિત્યને અછડતો ખ્યાલ આવ્યો કે કઈંક પ્રોબ્લેમ છે.

રેવા હવે પોતાની વાતો કે વિચારો અજય પાસે વ્યક્ત નહતી કરી શકતી અને અજયના આદિત્ય પ્રત્યેના વર્તન ને કારણે તે આદિત્ય સાથે પણ ઓછી વાત કરતી. તેનામાં આવેલો આ ફેરફાર અજયની જાણ માં હતો. એકવાર અજયે અછડતો ઉલ્લેખ કર્યો કે “રેવા, તું મારી સાથે તારા મનની વાતો વેહ્ચી શકે છે”

રેવા બોલી , “અજય, શું થઇ ગયું જો હું મારી વાતો તને નહિ પણ આદિત્ય ને કરતી હોવ તો? હું તારી પત્ની મટી નથી જવાની. આ અધિકારની ભાવના હવે કેમ જાગી તારા મનમાં? પેહલા તો તને ખબર પણ નહતી કે હું ક્યાં અને કેવી રીતે -શું ફિલ કરું છુ. જયારે પણ ફોન કરતી કે તારો સમય માંગતી તું તારા કામમાં વ્યસ્ત હતો. હવે જયારે આદિત્ય મારો દોસ્ત છે તો તને અસલામતીની ભાવના કેમ જાગે છે ? સ્ત્રીઓને ભૌતિક સુખ સુવિધા ઓછી આપો તો ચાલશે પણ તેને સમય નહિ આપો તો નુકસાન તમારું જ છે. તે પોતાનો સમય બીજા કોઈને આપવા લાગશે. મને ખબર છે તારા મનમાં શું ચાલે છે અજય પણ જો તું મને આવી રીતે અધિકારથી બાંધીશ તો મને ગુંગળામણ થશે. મને મારી રીતે મારા વિચારો ક્યાં વ્યક્ત કરવા તે નક્કી કરવા દે. મને મારી રીતે મારો સમય કોને આપવો તે નક્કી કરવા દે. મને મારી રીતે મારી જીંદગી જીવવા દે. હા, મને તારી પ્રત્યેની ફરજ ખબર છે અને તારી માટે પ્રેમથી બધું કરવાનું મને આજે પણ એટલું જ ગમે છે. આપણી વચ્ચે જે પ્રેમ છે તેને એમ જ રેહવા દે. હું તને છોડીને ક્યાય જવાની નથી. પણ મને મારું સ્વમાન પણ એટલું જ વ્હાલું છે. તું જયારે આદિત્ય બાબતે કોમેન્ટ કરે છે તો તે સીધી મારા ચરિત્ર પર કોમેન્ટ કરે છે. એટલે એવું કઈ પણ બોલતા પેહલા થોડું વિચારજે કે રેવાના મન પર શું અસર થશે. કોઈ ત્રીજી વ્યક્તિના કેહવાથી તું તારી પત્નીના ચારિત્ર પર વાત લઇ જઈ રહ્યો છે." રેવા સુમનબેન ને ખુબ સારી રીતે ઓળખતી હતી. તેણે અજયને આડકતરી રીતે ઈશારો કરી દીધો.

આજે રેવાએ ખુલીને અજય સાથે વાત કરી જ લીધી. અજય કઈ બોલ્યો નહિ તે બસ બારીની બહાર જોઈ રહ્યો. તેના મનમાં ન સમજાય તેવો ડૂમો ભરાય ગયો. રેવાની વાત પરથી કોઈ પણ તારણ તે કાઢવા નહતો માંગતો. તેને સમજાયું કે તેણે રેવાને સમય નહતો આપ્યો અને હવે રેવાને પુરેપુરો હક્ક છે નક્કી કરવાનો કે તે પોતાનો સમય કોને આપે છે. અજયને પોતાની પર ગુસ્સો આવ્યો કે પોતે ક્યાં હતો જયારે રેવાને ખરેખર તેની જરૂર હતી. તેણે તો દરેક વખતે તેને ટોક્યો જ હતો. બસ તે જ કામ અને જવાબદારીમાં સમજી નહતો શક્યો. તે ખુબ મોડે સુધી વિચારતો બેસી રહ્યો. રેવા એ પણ તેના વિચારોમાં ખલેલ ન પહોચાડી. સવારે અજયએ ખુદ ચા બનાવી રેવાને ઉઠાડી. રેવાને નવાઈ તો લાગી.

રેવા વાતાવરણ હળવું કરતા બોલી, “અરે એક રાતની આટલી બધી અસર ?”

અજય બોલ્યો, “ના આ તો મારે ઘણું પેહલા કરવા જેવું હતું. તું ફટાફટ નાહી લે અને તારા કપડા પેક કરી લે આપણે આજે ફરવા જઈએ છીએ. ક્યાં અને કેમ એ બધું ના પૂછીશ. તને મારી કંપની તો ગમશે ને રેવા? અજયે પૂછ્યું.

રેવાને ખબર ન પડી કે અચાનક શું થઇ ગયું. તે આ વાત પર ખુશ થાય કે નહિ તે નક્કી ન કરી શકી. તેને પોતાને પણ તેના વર્તનની નવાઈ લાગી.

“પણ આપણે ક્યાં જઈએ છીએ એ તો બોલ” રેવા એ પૂછ્યું

“નથી કેવું જા, તું ઉભી થા મારી માં બાકી ફ્લાઈટ ચુકી જશું.” અજય બોલ્યો

એરપોર્ટ પર આવ્યા ત્યારે જ રેવાને ખબર પડી કે તે મુંબઈ જઈ રહ્યા છે પણ તે કઈ બોલી નહિ. બંને જણા ઈશાના ઘરે પહોચ્યા. રસ્તામાં કોઈ વચ્ચે ખાસ વાત થઇ નહિ. ઈશાને ત્યાં બધા જમવા બેઠા. અજય મનમાં ઈચ્છતો હતો કે તેની પત્ની આદિત્યનો ઉલ્લેખ કરે. તેને એ પણ સમજાયું હતું કે તેના વર્તનને કારણે જ રેવા હવે તેને કોઈ વાત નહિ કરે!

છેવટે ઈશાએ પૂછ્યું “રેવા, આદિત્યને ફોન કર્યો? તમે આવ્યા છો તેનો?” રેવા અચાનક ચમકી. તેણે પેહલા ઈશા અને પછી અજય સામે જોયું અને નકારમાં ડોકું હલાવ્યું જાણે તે આ બાબતે વાત જ ન કરવા માંગતી હોય. અજય તેને જોતો રહ્યો.

“હું ઇચ્છુ છુ કે તું આદિત્યને મળે, રેવા “ અંતે અજય બોલ્યો. આપણે અહિયાં એટલે જ આવ્યા છીએ. તું મળે કે ના મળે તેની સામે મને કોઈ વાંધો નથી. લગ્ન કર્યા પછી એવું થઇ જતું હોય છે કે પતિ કહે તેમ જ પત્ની કરે. પણ પત્ની પોતાની રીતે પણ પોતાની જીંદગી જીવી શકે છે તે પોતાની રીતે સ્વતંત્ર જ હોય છે. હું કોઈ ઉપકાર નથી કરતો તને આ બધું કહી ને.. કે મહાન સાબિત થવાની કોશિષ પણ નથી કરતો. આ તારો હક્ક છે. પોતાની જાત પ્રત્યે ની ફરજ એ સૌથી પેહલી ફરજ હોય છે. ત્યારબાદ પતિ અને ફેમીલી આવતું હોય છે. હું તને એટલે જ અહિયાં લાવ્યો છુ. કાલે હું નીકળી જઈશ. તું આરામથી અહિયાં રહે થોડા દિવસ. આદિત્યને મળ તેની સાથે વાતો કર... બસ મને ભૂલી ન જતી...” આટલું બોલી અજય અટક્યો. રેવા તેને જોતી રહી.

“તારી બેફીકરાઇ અને તારી સ્વતંત્ર મિજાજ મને હમેશા ગમ્યા છે. તું બંધાયેલી રહે તેવું મને પણ નથી ગમતું. બંધનમાં સહજતા મરી પરવારતી હોય છે.” અજય બોલ્યો.

********************************

રેવા હાથમાં કોફીનો મગ લઇને ઉતરતી સાંજને બારી માંથી જોતી રહી તે થોડું હસી અને આદિત્યને મેસેજ કર્યો

““હેય, આઈ એમ ઇન યોર સીટી” !!

સમાપ્ત