Jingana jalsa - 10 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 10

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 10

પ્રકરણ 10


આગળ આપણે ગોકુલ મથુરા વિશે જાણ્યું...
હવે આગળ....

વહેલી સવારે છ વાગ્યાની આસપાસ અમે નાહી પરવારીને નાસ્તા માટે ભેગા થયા. ગરમા ગરમ ચા સાથે ભાખરીનો નાસ્તો કર્યો અને લગભગ સાડા સાત વાગ્યે અમે વૃન્દાવનધામ તરફ ચાલી નીકળ્યા.

લગભગ પચ્ચીસથી ત્રીસ મિનિટની મુસાફરી બાદ અમે પાગલબાબા મંદિર પહોંચ્યા.ખૂબ જ વિશાળ અને નયન રમ્ય આ પાગલબાબાનું મંદિર તથા તેનું બાંધકામ ખૂબ જ બુદ્ધિગમ્ય રીતે કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં પ્રવેશતા માતા સૂદેવી કુંડ પ્રથમ નજરે ચડે તે રીતે બનાવવામાં આવ્યો છે.

પાગલ બાબા (શ્રી શીલાનંદજી મહારાજ) નામના સંત દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં છે. દંતકથાઓ અનુસાર શીલાનંદજી કલકત્તાની હાઇકોર્ટમાં ન્યાયાધીશ હતા અને રાજીનામું આપ્યા બાદ તે આધ્યાત્મિકતાની શોધમાં વૃંદાવન આવ્યા હતા. તે અહીં એક પાગલ માણસની જેમ આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા. જેથી લોકો તેને પાગલબાબા કહેતા હતા.ભક્તોની મદદ લીધા પછી, તેમણે વૃંદાવનમાં આ સુંદર મંદિર બનાવ્યું.પાગલબાબા મંદિર એ આધુનિક સ્થાપત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ આખું સફેદ આરસથી (માર્બલ) બનાવેલું છે.મંદિરના ઉપરના માળેથી વૃંદાવન શહેરનું સુંદર દૃશ્ય જોઈ શકાય છે. મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર કઠપૂતળીના પ્રદર્શન માટે પ્રખ્યાત છે. કઠપૂતળીમાં મહાકાવ્યો, મહાભારત અને રામાયણના દ્રશ્યો ભજવાય છે. મંદિરને હોળી અને જન્માષ્ટમી દરમિયાન પાગલબાબાના અનુયાયીઓ દ્વારા સુંદર અને મોહક રીતે શણગારવામાં આવે છે.

લોકકથા મુજબ એક તવંગર માણસથી ત્રાહિત બનેલ એક ગરીબ બ્રાહ્મણનો કેસ તેમની પાસે ચાલતો હતો. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ રૂપ બદલીને ગવાહી આપવા આવ્યા હતા. જ્યારે જજને (પાગલબાબા) આ વાતની ખબર પડી ત્યારે તેમણે બધું છોડી શ્રી કૃષ્ણ શોધમાં આ વૃંદાવન ધામ આવ્યા.અહીંયા પાંદડા (પતરાળા જે ખાખરાના પાંદ માંથી બનાવવામાં આવે છે ને જમવા માટે થાળી વાટકા બનાવી ભોજનમાં ઉપયોગ લેવાય છે)વીણી એ ભોગ ભગવાનને ખવડાવે અને વધે એ પોતે ખાઈ. આથી લોકો એમને પાગલબાબાના નામથી ઓળખવા લાગ્યા.

મંદિરના દરેક માળે વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. અહીં દરેક માળે જવાનો રસ્તો જ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે દરેક માળના મંદિરની પ્રદક્ષિણા આપોઆપ થઈ જાય.

મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની મનમોહક મૂર્તિના દર્શન કર્યા, સાથે સાથે પાગલબાબાની સમાધિના દર્શન કર્યા.અમે બધા માળના બધા મંદિરના દર્શન કર્યા અને પ્રદક્ષિણા તો આપો આપ થઈ ગઈ.

પાગલબાબા મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર પ્રેમ મંદિર આવેલ છે, અમે ત્યાં પહોંચ્યા.

એકવીસમી સદીનું સૌથી આધુનિક સાથે સાથે સુંદર,અને ખૂબ વિશાળ આ મંદિરનું નિર્માણ જગતગુરુ કૃપાલું મહારાજે કરાવ્યું હતું.શ્રી કૃષ્ણ અને તેમના અનુયાયીઓની મૂર્તિઓ, ભગવાનના અસ્તિત્વની આસપાસની મહત્વપૂર્ણ ઘટનાઓનું નિરૂપણ કરે છે, જે મુખ્ય મંદિરને આવરે છે. આ મંદિરનું શિલાન્યાસ તા ૧૪મી જાન્યુઆરી 2001ના રોજ કરવામાં આવ્યું હતું.આ મંદિરના નિર્માણમાં 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને આશરે 150 કરોડ જેટલો ખર્ચ હતો. આ મંદિરમાં ઇટાલિયન માર્બલ વાપરવવામાં આવ્યો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના 1000 જેટલા શિલ્પકારોએ આ મંદિરના નિર્માણમાં પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. આ મંદિરમાં 94 સ્તંભ છે. દરેક સ્તંભમાં થ્રીડી જેવી મૂર્તિઓ મુકવામાં આવી છે, જે જોતા આપણને એ મુર્તિ ઓ સજીવ હોય એવો ભાસ થાય છે. મંદિરના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણની મનમોહક મૂર્તિ છે અને મૂર્તિની બંને બાજુ સોનાજડીત બે નાના સ્તંભો જ છે,જેના પર રાખેલ ગોળાઓ સતત ફરતા રહે છે. સાથે સાથે બીજા ગર્ભગૃહમાં સીતારામની પણ સુંદર મૂર્તિ રાખેલ છે.આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા15 થી17 ફેબ્રુઆરી 2012ના રોજ કરવામાં આવી હતી અને લોકો માટે 17 ફેબ્રુઆરીના રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ મંદિરના અધ્યક્ષ દેવતા રાધા કૃષ્ણ અને સીતા રામ છે.

અમે ભગવાન કૃષ્ણ સંગ રાધાના દર્શન કર્યા અને સીતારામ મંદિરના દર્શન કરી મંદિર પરિસરમાં જોવા નીકળ્યા. ગાર્ડનમાં શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક દ્રશ્યોનું મૂર્તિ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કાળી નાગદમન, રાસલીલા -રાધા સંગ કૃષ્ણની,માખણ ચોરતા બાળ સખાઓ સાથે કૃષ્ણ. ગોવર્ધન પર્વત ઊંચકતા કૃષ્ણ ભગવાન સાથે ગોકુલવાસીઓ, વાંસળી વગાડતા કૃષ્ણ અને તેમની ફરતે વાંસળી સાંભળી રહેલી ગૌમાતા. સાથે સાથે આખા મંદિર પરિસરમાં હરણ,ગાય જેવા પશુ- પક્ષીઓની પ્રતિમાઓ આપણને જીવંત લાગે છે. આ દૃશ્યો જોઇને આપણે કૃષ્ણ સમયના વૃંદાવનમાં આવી પહોંચ્યા હોય એવો અહેસાસ કરાવી આપે છે. આવી મનમોહક યાદોને કેમેરામાં કંડારી અમે ચાલી નીકળ્યા બસ તરફ.

પ્રેમ મંદિરનો સાચો નજારો સાંજના સમયે જોવા જેવો હોય છે.રંગબેરંગી રોશનીથી અને રંગીન લાઈટિંગથી આખું મંદિર ઝળાહલે છે. અલબત્ત અમે આ નજારો માણી શક્યા નહીં, કેમકે અમે દસ-સાડા દસે આ મંદિર છોડીને નીકળી ગયા હતા ઇસ્કોન મંદિર તરફ.

ઇસ્કોન મંદિરથી એકાદ કિલોમીટર એક ઘટાદાર વૃક્ષ નીચે બસ પાર્ક કરી.ત્યાં રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી અને અમે નીકળ્યા ઇસ્કોન મંદિર જોવા.

સાંકડી શેરીઓમાં ચાલતા ચાલતા અમે લગભગ વીસથી પચ્ચીસ મિનિટે ઇસ્કોન મંદિર પહોંચ્યા.આ મંદિરને કૃષ્ણ-બલરામ મંદિર પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યા પર કૃષ્ણ અને બલરામ ગૌધણ ચારતી વખતે મિત્રો સાથે રમતો રમતા.અહીંયા 'હરે રામા હરેકૃષ્ણની' અખંડ ધૂન ચાલે છે. અને વિદેશી લોકો આ ધૂન ગાય છે અને રાસ પણ રમે છે. અહીંયા કૃષ્ણ અને બલરામની મૂર્તિઓ બિરાજમાન છે.અમે ભગવાનના કૃણ- બલરામના દર્શન કરી ચાલી નિકળ્યા, પેટ પૂજા કરવા બસ તરફ.રોટલી ,શાક, દાળ-ભાત, છાશ સાથે ભરપેટ મજા કર્યા બાદ થોડો આરામ કરી અઢી વાગ્યાની આસપાસ બસમાં ગોઠવાયા અને ચાલી નિકળ્યા બાકેબિહારીના દર્શન કરવા.

બસ થોડી ચાલી ત્યાં વાંદરી અને તેનું બચ્ચું પોતાની વાનરસેના સાથે રમતા જોવા મળ્યા અને જીંગાભાઈ મોજમાં આવી ગયા અને બોલ્યા:" વિજયભાઈ......" વિજયભાઈ એ બસ ધીમી પાડીને જીંગાલાલ નીચે ઉતરી વાંદરાના બચ્ચાને પકડી બસમાં ચડી ગયો. થોડે સુધી વાનરસેનાને દોડાવીને પછી બચ્ચાને છોડી દીધું. પોતાના બચ્ચાંને લઈ વાંદરી તથા તેની સેના બસ પાછળ દોડવા લાગ્યા.

"એ જનાવરની જાત, આમ બચ્ચાને એની માતાથી અલગ કરી તને શું મજા આવે છે? ક્યારેક આવા ચારા (તોફાન) તને જ હેરાન કરી નાખશે ડોબા.

"જાને.. મંછાળી બળબમ.તને આમાં શું ખબર પડે? તને રોટલી બનાવવામા જ ખબર પડે જનાવરની જાત.. વળવાંદરી."

એક ધર્મશાળાની બાજુમાં ઘટાદાર વૃક્ષોના છાયડે બસ ઉભી રાખી. પહેલી વાનરસેના એ વૃક્ષ પર ચડી ગઈ જે અમારા બધાની ધ્યાન બહાર હતું.

બસ ઉભી રાખી ત્યાંથી લગભગ ૫૦૦ મીટર દૂર બાકેબિહારીના દર્શને જવાનું હતું એટલે રસોડા મંડળી, ભગતબાપા અને વિજયભાઈ પણ અમારી સાથે દર્શન કરવા આવવાના હતા.જીંગાભાઈ પાવડાનો હાથો(લાકડાની જાડી લાકડી) લઈને બસ ઉપર રાખેલા રાશન(ઘઉં,ચોખા,વગેરે)ની ચોકીદારી કરવા રોકાયો.

અમે બધા બાકેબિહારીના મંદિરે પહોંચ્યા.. પણ આ મંદિર 4:30 વાગ્યે ખુલે છે એટલે અમે શ્રી ગોવિંદદેવજી મંદિરના દર્શન કરવા નીકળી ગયા. લગભગ ૨૦ કે ૨૫ મીનીટ ચાલ્યા બાદ શ્રી ગોવિંદદેવજી મંદિરે પહોંચ્યા.

ગોવિંદદેવ મંદિર તેના અનન્ય સ્થાપત્યને કારણે વૃંદાવનના પવિત્ર સ્થાનોમાં સૌથી વધુ મહત્વનું માનવામાં આવે છે. તેનું બાંધકામ 1590માં રાજસ્થાન જયપુરના રાજા માનસિંહે તથા તેના પુત્રએ આશરે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે કરાવ્યું હતું.આ એક સાત માળનું બાંધકામ ધરાવતું ભવ્ય મંદિર હતું.ઔરંગઝેબના શાસન દરમ્યાન 1670માં આ મંદિર લૂંટાયું અને ઉપરના ચાર માળ પાડી નાખવામાં આવ્યા. આથી તે હવે ફક્ત ત્રણ માળનું મંદિર છે. એવું કહેવાય છે કે જ્યારે આ મંદિર લૂંટાયું ત્યારે ગોવિંદદેવજી મહારાજની મૂર્તિ છુપી રીતે જયપુરના કનક વૃંદાવન ગાર્ડનમાં લઇ ગયા હતા. આથી મૂર્તિ હાલમાં જયપુરના કનક વૃંદાવન ગાર્ડનમાં ગોવિંદજી ભગવાનના મંદિરની અંદર છે.

મંદિરની સ્થાપત્ય પરંપરાગત મંદિર કરતા અલગ છે. આ મંદિર એક સમયે ગ્રીક ક્રોસના રૂપમાં બાંધવામાં આવ્યું હતું. મંદિરમાં આરસ અને ચાંદીની પ્રભાવશાળી વેદી પણ છે. આ મંદિરની રચના પશ્ચિમી, હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યને જોડે છે.

ગોવિંદજી મંદિરથી અમે રંગનાથજી મંદિર પહોંચ્યા.
આ મંદિરનું નિર્માણ શેઠ શ્રીગોવિંદદાસ અને શેઠ શ્રીલખમિચંદના ભાઈ રાધાકૃષ્ણદાસે બાંધ્યું હતું. મદ્રાસના રંગનાથ મંદિરની શૈલી તથા નકશાના આધારે બનાવવામાં આવ્યું છે. હતો. આમ આ મંદિર દક્ષિણ ભારતની વાસ્તુ શિલ્પ શૈલીથી બનાવેલ છે. મંદિરના વિવિધ સ્તંભમાં દક્ષિણ શૈલીની મૂર્તિઓ બનાવેલ છે. આ મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ આપણે જાણે દક્ષિણ ભારતના મંદિરોમાં ફરતા હોય એવું લાગે છે. શ્રી રંગનાથજીએ ભગવાન શ્રી વિષ્ણુનું જ સ્વરૂપ છે. ભગવાનનો રથ લાકડામાંથી બનેલો છે અને તે મહાકાય છે. આ રથ ચૈત્રમાં 'બ્રહ્મોત્સવ' સમયે વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. આ બ્રહ્મોત્સવ-મેળામાં દસ દિવસ લાગે છે.આ મંદિરમાં સાડા બાર મણ સોનાનો થાંભલો પણ છે.જે ગુજરાતના 25 મણ બરાબર થાય.આવું અમને અહિયાના ગાઈડે જણાવ્યું.

હવે અમે બાકેબિહારી મંદિરના દર્શન માટે પાછા નીકળ્યા.

વૃંદાવનના મુખ્ય મંદિરોમાનું એક એટલે બાકેબિહારી મંદિર.આ મંદિરનું નિર્માણસ્વામી શ્રીહરિદાસજીના વંશજોની મહેનત દ્વારા 1629 માં બનાવવામાં આવ્યું હતું. બાકે એટલે વલણ અને બિહારી (વિહારી શબ્દ પણ વપરાય છે) એટલે આનંદકર્તા.આમ શ્રી કૃષ્ણનું નામ આ મંદિરમાં બાકે બિહારી રાખવામાં આવ્યું છે.અહીંયા દર્શન કરવા માટે ખૂબ જ ભીડ હોય છે .અહીંયા શ્રી બાકેબિહારીજીની મૂર્તિ આગળ પડદો એક બે મિનિટના અંતરે ખોલ બંધ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાનની આંખોમાં જે ભક્ત પોતાની આંખો લાંબો સમય મેળવી રાખે તો ભગવાન તેની પાછળ ચાલતા થઈ જાય છે. માટે જ પડદો ખોલ- બંધ કરવામાં આવે છે.વળી આ મૂર્તિ કોઈ મુર્તિકારે નથી બનાવી પણ હરિદાસજીની વિનવણીથી સ્વયંભુ પ્રગટ થયેલ છે. અહીંયા સવારે આરતી કરવામાં આવતી નથી.અહીંયા એવી માન્યતા છે કે ભગવાન રાતે નિધિ વનમાં રાસે રમવા જાય છે.એટલે વહેલી સવારે ભગવાનને શયનમાં બાધા ન પડે એટલે સવારની આરતી કરવામાં આવતી નથી.મંદિરના નિર્માણ કાર્ય સુધી આ મૂર્તિને નિધિવનમાં જ રાખવામાં આવી હતી.સ્વામી હરીદાસજીને દ્વાપર યુગમાં ( કૃષ્ણ સમયમાં) લલિતા સખીનો આવતાર માનવામાં આવતો. પ્રસિદ્ધ ગાયક તાનસેનના ગુરુ પણ આ સ્વામી હરીદાસજી હતા.અમે બધા બાકેબિહારીના દર્શન કર્યા ને હવે ચાલ્યા નિધિવન તરફ.

રસોડા મંડળી, વિજયભાઇ અને ભગતબાપા બસ તરફ જવા રવાના થયા. ત્યાં સાંજની રસોઈ બનાવવાની હતીને! અમારા કેમેરામાં રોલ પૂર્ણ થઈ ગયો એટલે હું પણ બસ તરફ રવાના થયો બધા સાથે.

અમે બસે પહોંચ્યા તો ત્યાં બધું ખેદાન મેદાન હતું!

(અમે ગયા પછી શું બન્યું તે જીંગાના શબ્દોમાં અહીંયા રજૂ કરું છું.)

"તમે બધા મંદિરે જવા નીકળ્યા અને હું બસની ઉપર ચડી ગયો. લગભગ એક દોઢ કલાક થઈ ત્યાં વાનરસેના એ મારા પર હુમલો કર્યો. મને એમ કે રાશન ઉપર છે તો તે ખાવા આવ્યા એટલે મેં ધોકા વડે બધાને ભગાવવાનો પ્રયત્ન કર્યો.બે ત્રણ વાંદરાના તો ઢીંઢા પણ ભાંગી નાખ્યા મારા ધોકા વડે. પણ પછી આઠ-દસ વાંદરાએ એક સાથે મારી ઉપર હુમલો કર્યો.મેં ખૂબ મેનત(મહેનત)કરી પણ હું એને(એમને) પહોંચી ન શક્યો."

"વાંદરા હવે વારાફરતી મને આગળ પાછળથી મારવા લાગ્યા.હું થાક્યો! મારા હાથમાંથી ધોકો પડી ગયો.પછીતો માંડ નીચે ઉતર્યો.અરે બસ પરથી ઠેકડો મારીને ઝડપથી બસમાં પુરાઈ ગયો.લગભગ 10 થી15 મિનિટ એ બધાએ બારી પાસે કૂદાકૂદ કર્યા.ત્યાં તમે બધા આવ્યા અને તમને જોતા બધા વાંદરા ભાગી ગયા.

(વાંદરા બસ પાસે કૂદાકૂદ કરતા હતા ત્યાં અમે આવી પહોંચ્યા.અમે આવ્યા ત્યારે...)

અમે જોયું તો બધું ખેદાન મેદાન હતું.વાંદરા બસની બારી પાસે કૂદાકૂદ કરતા હતા.અમને જોયા એટલે વાંદરા બધા જતા રહ્યા.

"જીંગા... જીંગા... "ભગતબાપ રાડો પાડતા બોલ્યા.

"એ બસમાં ગુડાનો સુ"(બસમાં છું) એકદમ ધીમા અવાજે જીંગો બોલ્યો.

"તે ડોબા જેવા તને બસનું રખોલું(ધ્યાન રાખવા) રાખવા અહીંયા રાખ્યો હતો.બસમાં સુવા નય(નહી)....જાનવરની જાઇત (જાત)."

"એ બળબમના પેટની મંછાળી...સાંભળ તો ખરી. પછી મને કહેજે. તારા નાઇતભાયુ ( પોતાના જેવા મતલબ એક નાત ના હોય એને નાઇતભાયુ કહેવાય)તારા ડોહા વાંદરા આવ્યા હતા, વળવાંદરી.."

"તું દરવાજો ખોલ બસનો.."વિજયભાઈ દરવાજો ખેંચતા બોલ્યા.

જીંગાએ દરવાજો ખોલ્યો.વિજયભાઈ અંદર આવ્યા...જીંગો પાછો સીટ વચ્ચેની ગેલેરીમાં સંતાઈ ગયો.

"હવે બાર(બહાર)નીકળ ડોબા..વય ગયા તારા હગલ(સગા)"

"તને ભારે ખબર બળબમ.તારો ડોહો મને દેખીને પાછા આવશે તો?"

"જીંગા હવે ન આવે..અમે બધા આવી ગયા એટલે...." ભગતબાપા સમજાવતા બોલ્યાં.

જીંગો બહાર આવ્યો.રસોયા રસોઈની તૈયારીમાં લાગી ગયા.ભગતબાપા બસ ઉપર ચડી કેટલુંક રાશન બગાડ્યું એ જોવા માટે.

"એલા જીંગા અડધા ઘઉં ને ચોખા ઢોળી નાખ્યા મારા દીકરાએ...!"

"હા બાપા મેં ઘણી મેનત(મહેનત)કરી પણ તોય બગાડ્યા!"

"હારું(સારું) કાલે ખરીદી કરી લેશું."

હું પણ કેમેરાનો રોલ લઈને ચાલી નીકળ્યો નિધિવન તરફ...

(પ્રિય વાચક મિત્રો અહીંયા પ્રેમમંદિર વિશે જે વર્ણન કર્યું એ અમે જે સમયે ગયા ત્યારે હજુ શિલાન્યાસની તૈયારી ચાલતી હતી. પણ આટલું સુંદર મંદિર વિશે તમને જણાવ્યા વગર કેમ રહેવાય! માટે અહીંયા એ મંદિર વિશે જાણકારી આપવાની કોશીશ કરી છે.આમ તો બધી માહિતી ગૂગલ પર ચેક કરીને જ આપના સુધી પહોંચાડું છું.કેમ કે અમે પ્રવાસ ડિસેમ્બર 2000 ની સાલમાં કર્યો હતો.છતાં ટાઈપિંગ ભૂલ રહી હોઈ તો અવશ્ય જણાવજો.)

ક્રમશ:::

આગળ નિધિવન અને હર દ્વાર વિશે જોશું અને જીંગાભાઈ તો સાથે હોય જ....

તો વાંચતા રહો જીંગાના ઝલસા ભાગ 11

આપના પ્રતિભાવોની રહે રાજુસર.....