જગતનો સમ્રાટ (ભાગ-23)
આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી આચાર્ય સાહેબ, આનંદ સર અને રાજેશભાઈ દ્વારા થતી વાતચીત સાંભળી જાય છે. તેઓ મનોમન એક નિર્ણય લે છે અને તેમની પાસે જઈને ખુલાસો કરે છે કે તેઓ અનાયાસે તેમની વાતો સાંભળી ગયા. સાથે સાથે ગુરુજી આચાર્યને આશ્વસ્થ કરે છે કે આ વાતની જાણ માત્ર તેઓ ચાર વ્યક્તિ સિવાય અન્ય કોઈને નહી થાય. ત્યારબાદ ચારેય અન્ય મહેમાનો સાથે જોડાય છે. ધીમે ધીમે મહેમાનો વિદાય લે છે અને આખરે થોડા લોકો જ રાજેશભાઈના ઘરે રોકાયા છે. ગુરુજી ધ્યાનમાં બેસવા માટે રાજેશભાઈની રજા લઈને ઘરમાં મંદિર પાસે આવે છે. જૈનીષ અને દિશા પણ ગુરુજીની પાછળ પાછળ મળવા માટે આવી ગયા. જૈનીષ અને ગુરુજી વચ્ચે ઔપચારિક સંવાદ થાય છે અને ગુરુજી જૈનીષને તેમના પ્રશ્નોના ઉત્તર આપશે એવી વાત કરીને આશ્ચર્યમા મૂકી દે છે. હવે આગળ,
#######~~~~~~~#######~~~~~~~#######
ગુરુજી રાજેશભાઈના ઘરે મંદિર પાસે ધ્યાનમાં બેસવાની તૈયારી કરે તે પેહલા તો જૈનીષ અને દિશા તેમની પાસે આવી જાય છે. જૈનીષનું ગુરુજીને રૂબરૂમાં મળવાનું કારણ ગુરુજી જાણી ગયા છે એટલે તેઓ જૈનીષને તે વાતથી વાકેફ કરે છે. આ સાંભળીને જૈનીષના ચેહરા પર વધતી ઉત્સુકતા જોઈ શકાય તેમ હતી. ગુરુજીને પણ આ સમય યોગ્ય લાગતા તેઓ અમુક સત્યથી જૈનીષને પરિચિત કરાવી દેશે એવો મનોમન નિર્ણય કરે છે.
ગુરુજી:- "રાધાકૃષ્ણના રાસ માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન. તમારી પ્રથમ જલક તે સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં રજૂ કરેલ કૃતિથી જ થઈ. ખાસ તો રુદ્રાક્ષની માળાને લીધે. આ માળા મારા ગુરુદેવ સાગરનાથની નિશાની છે. માળા જોઈને મને વિશ્વાસ હતો કે હું વર્ષો બાદ ગુરુદેવને મળી શકીશ તમારા થકી. પણ અહીં આવ્યા બાદ ખબર પડી કે સત્ય તો કઈક બીજું જ છે. તમારું મુખ જોયા બાદ ગુરુદેવ એ ભવિષ્ય માટે કિધેલ તમામ વાતો વર્ષો બાદ અચાનક જ યાદ આવી ગઈ, અને મને મારા સમ્રાટ મળી ગયા."
ગુરુજીના મોઢે સમ્રાટ સાંભળીને જૈનીષ કહે છે કે, " આ સમ્રાટ વાળી વાત હજી મને સમજાતી નથી. હું તો એક સામાન્ય માણસ છું, તમે કઈ રીતે કહી શકો કે હું જ સમ્રાટ છું ? મને તમારી સાથે લઈ જવા માટે આમ કહો છો ને ? એટલે જ તમે અહી આવ્યા છો ને ?"
ગુરુજી ખૂબ જ પ્રેમથી જૈનીષના માથે હાથ ફેરવે છે અને કહે છે, " સમ્રાટને ક્યાં જવું, ક્યારે જવું, કોનું માનવું અને કોનું નહી એ બધા નિર્ણય તો સમ્રાટ જ લઈ શકે. નહી ?" આમ બોલીને તેઓ જૈનીષ સમક્ષ થોડી વાર જોઈ રહ્યા અને સ્મિત મલકાવતા રહ્યા. " તમારા નિર્ણયની મને જાણ છે સમ્રાટ. તમે તમારી જનેતાને વચન આપી ચૂક્યા છો. તમે એમની ઈચ્છા વગર ક્યાંય નથી જવાના તે વાત પણ હું જાણું છું. અને સાચું કહું સમ્રાટ તો મારી ઈચ્છા એવી જ છે કે તમે કૈલાશધામમાં પોતાની સ્વેચ્છાએ જ આવો. હું તમારી રાહ જોઈશ. સમય તમારી રાહ જોશે. નિયતી જ તમને ત્યાં લઈ આવશે."
ગુરુજીની વાતોમાં સત્ય હતું અને તે સત્ય જૈનીષને ગુરુજીની આંખોમાં દેખાય રહ્યું હતું. સવારે સ્કુલમાં તે માતાના પ્રેમને કારણે થોડી વાર માટે ગુરુજી પર ક્રોધે ભરાયો તે પણ યાદ આવતા જૈનીષ ગુરુજી પાસે તેની માફી પણ માંગી. પણ ગુરુજીએ તેને માફી ન માંગવા દીધી. તેઓ જાણતા હતા કે ત્યારે આવું થવું સ્વાભાવિક હતું. ગુરુજી ત્યારબાદ જૈનીષ અને દિશા સાથે તેમની સ્કુલના જીવન વિશે વાતો કરે છે. વાતવાતમાં જૈનીષ ગુરુજીને કહી દે છે કે વૃંદાવન ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાનો સાંસ્કૃતિક ઉત્સવમાં નહી જઈ શકાય તે વાતનું તેને દુઃખ થયું છે.
ગુરુજીને કદાચ આ જ ક્ષણની રાહ હતી. તેઓ તરત જ જૈનીષને સંબોધીને કહે છે કે, " જીવનમાં જે કંઈ ઘટના બને છે તે આપણા સારા માટે જ હોય છે. જેને આપણે સમજી નથી શકતા તે ઘટનાઓ આપણને ચિંતિત અને દુઃખી કરે છે." ગુરુજીની વાત જૈનીષ અને દિશાને સમજાઈ ગઈ પણ આમાં છૂપાયેલો ભાવાર્થ બંનેમાંથી કોઈપણ ના સમજી શક્યું. "તમારી વાત તો સમજાઈ પણ અમને આમા હવે શું સારું થશે તે નથી સમજાઈ રહ્યું." જૈનીષ તરત જ મનની મૂંઝવણ ગુરુજીને કહી દે છે. ગુરુજી જાણે આ સવાલની રાહ જોતા હોય એમ જૈનીષને સરળ ભાષામાં જવાબ આપે છે.
"મને જાણકારી છે તે મુજબ તમે ઘણી નાની ઉંમરથી સંગીત અને નૃત્ય સાથે શીખી રહ્યા છો. એના સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો નથી. હવે આ સ્પર્ધાના મોકૂફ થવાના કારણે તમારી પાસે સમય છે, જેને તમે તમારા શરીરને બહાર અને અંદરથી તંદુરસ્ત કરવા માટેની પ્રવૃત્તિઓ પાછળ આપી શકો." ગુરુજી એ આ વાત કહીને જૈનીષને સમ્રાટ બનવાની સફર તરફ આગળ વધારવાની કોશિશ કરી. ગુરુજીની વાત સાંભળી જૈનીષ વિચારમાં પડ્યો. બીજી બાજુ દિશા તરફ તેમની વાત સાથે સંમત થઈ ગઈ અને એણે તો વિચાર પણ કરી લીધો કે પોતાને માફક આવશે તેવી પ્રવૃત્તિમાં હવે તે જરૂર ભાગ લેશે.
જૈનીષ થોડીવારમાં વિચાર કરીને ગુરુજીને જણાવે છે કે તેમની વાત તો સાચી જ છે અને તે માતા પિતા સાથે વિચાર વિમર્શ કર્યા પછી આગળ વધશે. ગુરુજી પણ સ્મિત સાથે "ભલે, જેવી સમ્રાટની ઈચ્છા." એમ કહે છે. ત્યારબાદ જૈનીષ અને દિશા બંને ગુરુજીની વિદાય માંગે છે. જેવા બંને બહાર જવા માટે પ્રસ્થાન કરે છે ત્યાં જ ગુરુજી જૈનીષને ઉદ્દેશીને કહે છે, "સમ્રાટ, જ્યારે જ્યારે તમને જરૂર પડશે મને મનથી યાદ કરજો, હું સમ્રાટની સેવામાં ગમે ત્યાંથી હાજર થઇ જઈશ. બસ તમને એક જ વિનંતી કે ગમે તે પરિસ્થિતિ આવે તોય તમારા ક્રોધને વશમાં રાખજો અને કોઈપણ પરિસ્થિતિમાં માતા પિતાને એકલા ના મૂકશો."
ગુરુજીના છેલ્લા શબ્દો જૈનીષને ઊંડા વિચારોમાં ગરકાવ કરવા માટે પૂરતા હતા. આ શબ્દોની દિશા પર પણ ઊંડી અસર દેખાઈ. ગુરુજી બંનેને ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું કહે છે અને ત્યારબાદ તેઓ ધ્યાનમાં બેસી જાય છે. પણ જૈનીષ અને દિશા વિચારમાં ને વિચારમાં બહાર તેમના માતા પિતા પાસે આવી ગયા. તેમના આવતાંની સાથે જ બીનીતભાઈ અને દિનેશભાઈ સહપરિવાર રાજેશભાઈનો આભાર માની પોતપોતાના ઘરે જવા નીકળે છે. બીનીતભાઈ અને દિનેશભાઈ બંનેના ધ્યાનમાં જૈનીષ અને દિશાના ચિંતામાં ડૂબેલા ચેહરા આવી જાય છે, પણ તેઓ અત્યારે આ વિષય પર વાત કરવાની ટાળે છે.
આગળ શું થશે તે જોઈશું આવતા ભાગમાં,
રાધે રાધે
હર હર મહાદેવ