sundari chapter 32 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૩૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૩૨

બત્રીસ

“હં? હા મારો મોબાઈલ હું ભૂલી ગયો હતો. ઘરે પહોંચ્યો અને મારા રૂમમાં હજી એન્ટર જ થયો કે મને ખ્યાલ આવ્યો. સોરી પણ મારે તમને કહ્યા વગર આવવું પડ્યું.” વરુણ સુંદરીના હાથમાં રહેલી લાકડી જોઇને થયેલા આઘાતમાં જે મનમાં આવ્યું એ બોલી ગયો.

સુંદરીના હાથમાંથી લાકડી આપોઆપ નીચે પડી ગઈ અને એ એનાથી બે ફૂટ દૂર આઘાતની હાલતમાં ઉભેલા વરુણને વળગી પડી!!! સુંદરીનું અત્યારસુધી રોકી રાખેલો રુદનનો બાંધ જે તેણે અરુણાબેન સામે તોડવાનું નક્કી કર્યું હતું તે અચાનક જ તેનું સુરક્ષા કવચ બનીને આવેલા વરુણ સામે સાવ તૂટી જ પડ્યો.

સવારથી અત્યારથી લગભગ ચાર-પાંચ કલાકથી પેલા અજાણ્યા વ્યક્તિના સતત પીછો કરવાને કારણે સુંદરી એટલી બધી ડરી ગઈ હતી કે તેને ભાન પણ ન રહ્યું કે વરુણ તેનો વિધાર્થી છે. એને તો અરુણાબેન પહેલા વરૂણનું આવવું એ તેના માટે ‘હાશ! બચી ગઈ!’ જેવી લાગણી ઉભી કરી રહી હતી.

બીજી તરફ વરુણને આઘાત પર આઘાત મળી રહ્યા હતા. પહેલા તો દરવાજો ખોલવાની સાથેજ સુંદરીનું તેની સમક્ષ લાકડી ઉગામીને ઉભું રહેવું અને હવે તેને કલ્પના પણ ન હતી એવા સમયે તેની સ્વપ્ન સુંદરી એવી સુંદરી તેને ચપોચપ વળગી પડી હતી. હા વરુણને આ આઘાત સાથે ચિંતા એ થઇ રહી હતી કે સુંદરી આમ ડૂસકાં ભરી ભરીને રડી કેમ રહી હતી.

પોતાને ભેટી પડેલી સુંદરીને વરુણે ભેટવાની જરાય કોશિશ ન કરી, એટલી પુખ્ત માનસિકતા તો એ જરૂર ધરાવતો હતો. વરુણે આસપાસ જોયું કે આજુબાજુના બંગલાના રહેવાસીઓ કે સુંદરીના ઘરની બિલકુલ સામે આવેલા ફ્લેટમાંથી કોઈ સુંદરીને આ પરિસ્થિતિમાં જોઈ તો નથી રહ્યુંને? પણ વરુણના હાશકારા વચ્ચે સુંદરીના પડોશીઓ રવિવારની આળસ માણી રહ્યા હોય એમ પોતપોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા હોય એવું લાગ્યું.

“આપણે અંદર જઈએ તો?” બંને તરફ લંબાવેલા પોતાના હાથ સીધા અને ટટ્ટાર રાખીને વરુણે હળવેકથી સુંદરીને કહ્યું.

અને સુંદરીને ભાન થયું એણે તરતજ વરુણને પોતાના આલિંગનમાંથી મુક્ત કરી દીધો અને બાથરૂમ તરફ દોડી ગઈ અને બાથરૂમમાં ઘુસીને અંદરથી બંધ કરી દીધું.

વરુણ સુંદરીના ઘરમાં પ્રવેશ્યો અને સામે પડેલા સોફામાં જ્યાં તે પોતાનો મોબાઈલ ભૂલી ગયો હતો તેના પર તેણે નજર કરી અને એ જ સોફા પર ફરીથી બેસી ગયો અને પોતાનો મોબાઈલ હાથમાં લીધો.

“હું આવી ગઈ છું બેટા...” વરુણે હજી પોતાનો મોબાઈલ હાથમાં લીધો જ હતો કે અરુણાબેને પણ સુંદરીના ઘરમાં પ્રવેશ કર્યો.

વરુણને સોફા પર બેસેલો જોઇને અરુણાબેનને પણ આશ્ચર્ય થયું, કારણકે સુંદરીએ તેમને કહ્યું હતું કે તે ઘરમાં સાવ એકલી જ છે.

“એ બાથરૂમમાં છે.” વરુણે અરુણાબેનને કહ્યું.

“હમમ...” અરુણાબેન હજી પણ વરુણની હાજરીથી આશ્ચર્યમાં હતા.

સુંદરીના ઘરથી વાકેફ હોવાને લીધે અરુણાબેન સીધા જ બાથરૂમ તરફ ચાલ્યા.

“હું આવી ગઈ છું બેટા! તું ઠીક છેને?” પોતાની આંગળીઓ વાળીને તેના પાછલા ભાગથી બાથરૂમના દરવાજા પર ટકોરા મારતા અરુણાબેને કહ્યું.

“હા...આવું છું અરુમા...” સુંદરીએ બાથરૂમમાંથી જવાબ આપ્યો.

સુંદરીનો જવાબ સાંભળીને અરુણાબેન ફરીથી લિવિંગ રૂમમાં આવ્યા અને વરુણ જ્યાં બેઠો હતો તેની બાજુના બીજા સોફામાં બેઠાં.

“તું તો ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે ને?” અરુણાબેને સોફા પર બેસતાં જ વરુણને પૂછ્યું.

“યસ મેમ!” વરુણે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.

“હમમ..” અરુણાબેન હજી પણ નક્કી નહોતા કરી શકતા કે જ્યારે સુંદરીએ તેમને કહ્યું હતું કે એ ઘરમાં એકલી છે અને ખૂબ ગભરાયેલી છે તો આ વરુણ અહીં ક્યાંથી આવ્યો?

“એ મારા સ્ટુડન્ટ છે અરુમા. અચાનક જ આવી ગયા.” બાથરૂમની બહાર નીકળતાં જ સુંદરીએ અરુણાબેનના મનની ગૂંચવણ દૂર કરતાં કહ્યું.

“હમમ... હવે હું આવી ગઈ છું તો તું હવે જઈ શકે છે.” અરુણાબેને વરુણને લગભગ આદેશ જ આપ્યો.

અરુણાબેનનો આદેશ સાંભળીને વરુણે સુંદરી સામે જોયું. સુંદરીએ હકારમાં પોતાનું ડોકું બે વખત હલાવ્યું, સામે વરુણે પણ સુંદરીનો ઈશારો સમજી ગયો હોય એ રીતે હા પાડી અને સોફા પરથી ઉભો થયો.

“ઓકે, તો હું જાઉં! બાય મેમ!” વરુણ આટલું બોલીને દરવાજા તરફ ચાલવા લાગ્યો.

“જરા બારણું અટકાવતાં જશો?” સુંદરીએ વરુણને કહ્યું.

“જી!” વરુણે ટૂંકમાં જ પતાવ્યું.

એ સુંદરીના ઘરના મુખ્ય દરવાજાને બંધ કરીને બહાર નીકળી ગયો. જો કે વરુણને તાલાવેલી તો હતી જ કે એના સુંદરીના ઘરેથી પોતાને ઘરે જઈને પરત આવવા સુધીના લગભગ પોણા કલાકમાં સુંદરી સાથે એવું તે શું બન્યું કે તેના ત્યાં પહોંચવાની સાથેજ સુંદરી તેને વળગી પડી અને અઢળક રડવા લાગી? એવું તે શું બન્યું સુંદરી સાથે કે તેના હાથમાં લાકડી હતી? શું એ કોઈને મારવા માંગતી હતી? શું તેને કોઈનાથી ભય હતો? અરુણા મેડમ કેમ ત્યાં આવ્યા? જ્યારે તેણે સુંદરી સાથે નાસ્તો કરતાં કરતાં ટીમ વિષે ચર્ચા કરી ત્યારે તો સુંદરીએ તેને કોઈજ સંકેત નહોતો આપ્યો કે અરુણા મેડમ આવવાના છે.

ઘેર પરત થતી વખતે વરુણના મનમાં આવા કેટલાય વિચારો આવવા લાગ્યા પણ તેને તરત ખ્યાલ એ પણ આવી ગયો કે સુંદરી સાથે તેના સબંધ એવા અંગત નથી કે તેને એ બધી વાત જણાવે. એટલે વરુણે આ બધા વિચારોને વિરામ આપવાનું નક્કી કર્યું.

“હવે મને બધું માંડીને કે’ કે શું થયું હતું.” વરુણના ગયા બાદ અરુણાબેન થોડીવાર પછી પોતે જ્યાં બેઠા હતા તે સોફા પરથી ઉભા થયા અને મુખ્ય દરવાજા તરફ જઈને તેમણે તે લોક કર્યો અને સુંદરીને પ્રશ્ન કર્યો.

સુંદરીએ આજે સવારે બનેલી સમગ્ર ઘટના વિષે અરુણાબેનને વિગતવાર જણાવ્યું. પોતે આજથી જ કૉલેજની ક્રિકેટ પ્રેક્ટીસમાં ગઈ હતી અને એ જેટલો સમય કૉલેજના ગ્રાઉન્ડમાં રહી એટલો સમય પેલો વ્યક્તિ તેને તાકી તાકીને જોઈ રહ્યો હતો અને આથી તે ગભરાઈ ગઈ અને તેણે બહાનું બનાવીને વરુણને પોતાની સાથે પોતાને ઘેર લઇ આવી. પરંતુ આખો રસ્તો પણ પેલા વ્યક્તિએ જ્યારે તેનો પીછો કર્યો ત્યારે પોતે વરુણને ખોટા રસ્તે લઇ જઈને થોડો સમય તો પેલા અજાણ્યા વ્યક્તિને છકાવી દીધો પરંતુ જ્યારે વરુણ અહીંથી ગયો ત્યારે તેણે પેલા વ્યક્તિને સોસાયટીના નાકે જ જોયો એટલે તે ગભરાઈ ગઈ અને તેણે એ જ ગભરામણમાં અરુણાબેનને ઘેર આવી જવા માટે કૉલ કર્યો એ બધી જ વાત તેણે કરી.

“તો પછી આ છોકરો... વરુણ, ફરીથી અહીં કેમ આવ્યો?” અરુણાબેનની આંખોમાં ભારોભાર શંકા હતી.

“એમનો મોબાઈલ અહીં રહી ગયો હતો.” સુંદરીએ જવાબ આપ્યો.

“ક્યાંક એ છોકરો તો તને કોઈ રીતે ડરાવવાનો પ્લાન...” અરુણાબેને વાક્ય અધૂરું મુક્યું.

“ના ના... બહુ યોગ્ય છોકરો છે. એમના વિષે આવું વિચારાય પણ નહીં.” સુંદરીએ ભારપૂર્વક અરુણાબેનની શંકા દૂર કરી દીધી.

“હમમ... તો પછી એક કામ કર, હવે પેલો વ્યક્તિ તારા ઘર સુધી આવી ગયો છે તો તું મારી જોડે મારે ઘેરે અત્યારેજ ચાલ. કાલ સુધી રાહ જોવી નથી.” અરુણાબેને કહ્યું.

“ના, આજે રોકાઈ જઈએ. એ બહાર જ ઉભો છે.” સુંદરીને ફરીથી ગભરામણ થઇ.

“પણ હું કાર લઈને આવી છું બેટા. એ તને કશું નહીં કરે.” અરુણાબેને સુંદરીને સધિયારો આપતાં કહ્યું.

“પણ મને તમારી સાથે તમારા ઘેર જતા જોઈ લેશે તો એ તમારા ઘર સુધી પીછો કરશે.” સુંદરીએ પોતાની શંકા વ્યક્ત કરતાં કહ્યું. એના અવાજમાં ધ્રુજારી આવી ગઈ.

“જો એ આપણો પીછો કરશે તો આવી આવીને મારા રૉ હાઉસીઝના મેઈન ગેટ સુધી જ આવશેને? આપણે સિક્યોરીટીને કહી દઈશું કે આ માણસ જો વધુ વખત અહીં ઉભો રહે તો એને જતા રહેવાનું કહી દે અને જો એમ ન કરે તો પોલીસમાં ફરિયાદ કરી દે.” અરુણાબેને સુંદરીની સમસ્યાનો ઉકેલ આપતાં કહ્યું.

“ના અરુમા, પોલીસની પળોજણ નથી કરવી. વળી પાછા પપ્પા આવશે તો મને ખીજાશે.” સુંદરીએ પોતાની મજબુરી જણાવી.

“અરે! પોલીસને તો સોસાયટીનો ગાર્ડ બોલાવશે કે એને શંકા થઇ કે આ વ્યક્તિ બરોબર નથી, તેને તેણે જવાનું કહ્યું તો પણ એ ગયો નહીં એટલે એણે પોલીસ બોલાવી. આપણે ઘરે પહોંચીને સિક્યોરીટીને કોલ કરીને કહીશું. અને તું આટલી બધી ચિંતા કેમ કરે છે દીકરી? એવું કશું નથી થવાનું.” અરુણાબેને સુંદરીને એમના પ્લાનને વિગતવાર સમજાવ્યો.

“હમમ... ઠીક છે તો પછી અત્યારે જ જઈએ.” છેવટે સુંદરીના સુંદર ચહેરા પર સ્મિત આવ્યું.

“બસ ત્યારે, લઈને ત્રણ દિવસના કપડાં અને ચલ મારી સાથે.” સુંદરીના પરત આવેલા સ્મિતને જોઇને અરુણાબેનને પણ રાહત થઇ.

સુંદરીએ ઉપરના માળે આવેલા પોતાના રૂમમાં જઈને બેગ પેક કરી અને નીચે આવી. નીચે આવીને એ અને અરુણાબેન ઘરની બહાર નીકળ્યાં. સુંદરીએ ઘરના મુખ્ય દરવાજાને તાળું માર્યું. સુંદરીના ઘરના ઝાંપાની બહાર પાર્ક કરેલી કારમાં બેસીને સુંદરી અને અરુણાબેન સોસાયટીની બહાર નીકળી ગયા.

સોસાયટીનું નાકું આવતાં સુંદરીની નજર ચારે તરફ ફરવા લાગી, પરંતુ પેલા અજાણ્યા વ્યક્તિને ત્યાં ન જોતાં તેને હાશ થઇ, તેની આંખો આપોઆપ બંધ થઇ ગઈ. અરુણાબેને કાર ડ્રાઈવ કરતાં કરતાં આ જોયું અને તેણે સુંદરીનો જમણો હાથ દબાવ્યો.

==::==

બીજે દિવસે વરુણ રોજની જેમ કૃણાલ સાથે સીટી બસમાં બેસીને કોલેજ આવી રહ્યો હતો. અચાનક જ વરુણના મોબાઈલનો નોટીફીકેશન ટોન રણક્યો. વરુણે આ ટોન સાંભળતા એમ જ પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢ્યો. જોયું તો વોટ્સઅપ પર સુંદરીના મેસેજનું નોટીફીકેશન હતું. આ જોતાંની સાથે જ વરુણની આંખો પહોળી થઇ ગઈ. એણે તરતજ કૃણાલ તરફ જોયું. વરુણના સદનસીબે કૃણાલ બસની બારીની બહાર જોઈ રહ્યો હતો.

વરુણે મોબાઈલનું લોક ખોલ્યું અને તરતજ વોટ્સઅપ ઓપન કર્યું અને સુંદરીના મેસેજ પર ‘ટેપ’ કરી તેને ખોલ્યો.

“કોલેજે પહોંચો ત્યારે રોજની જગ્યાએ મારી રાહ જોશો પ્લીઝ?”

સુંદરીના મેસેજમાં વિનંતીનો સૂર હતો.

વરુણને આશ્ચર્ય થયું કારણકે ગઈકાલે તો પ્રેક્ટીસ વખતે સુંદરી હાજર હતી એટલે તેને સુંદરીને કોઈજ રિપોર્ટ આપવાનો ન હતો. એણે તોરિપોર્ટ તૈયાર પણ નહોતો કર્યો કારણકે સુંદરીની હાજરી હતી જ.

“તો પછી કેમ બોલાવ્યો હશે?” વરુણે સ્વગત જ સવાલ કર્યો.

==:: પ્રકરણ ૩૨ સમાપ્ત ::==