માંહ્યલો
એપિસોડ-૨
આજે સોનાનો સૂરજ ઉગ્યો. U.P.S.C. પાસ નિ:સ્પૃહી અને શાલીગ્રામ માટે IAS ઓફિસર તરીકે કોલલેટર આવ્યા. આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. નિ:સ્પૃહીનું પોસ્ટિંગ કન્યાકુમારી આવ્યું અને શાલીગ્રામનું દાર્જલિંગ. પણ શાલીગ્રામનાં મમ્મી ડૉ. મધુમાલા પર આનંદની બીજી જ ક્ષણે કોઈક દ્વિધા અને નિરાશાનાં વાદળો ઘેરાઈ ગયાં. નિ:સ્પૃહી મધુમાને કળી ગઈ. ઝાડને વેલીઓ વીંટી વળે એ જ રીતે સોફામાં બેઠેલ મધુમાને નિ:સ્પૃહી બંને હાથે વીટળાય ગઈ. નિ:સ્પૃહી એનાં રણકતા મધુર અવાજમાં બોલી. મધુમા શું થયું!? મધુમાએ સ્વસ્થ થવાનાં ડોળ સાથે કહ્યું “કંઈ નહિં બેટા. જરા અમસ્તુ. આમ્રપાલીની યાદ આવી ગઈ.” પોતાની મા નાં પેટમાં હતી ત્યારથી નિ:સ્પૃહી માધુમાને પારખતી હતી. નિ:સ્પૃહીએ કહ્યું “હા મા! આમ્રપાલી મમ્માની યાદ તો આવે જ એ સ્વાભાવિક છે. હું હમણાં જ U.S.A. પપ્પાને પણ ફોન કનેક્ટ કરી રહી છું. મધુમાલા દર્દનો એક ઘૂંટ ગળી ગયા એમનાં ગળાની રેખાઓ નિ:સ્પૃહીથી છૂપી રહી નહિં. નિ:સ્પૃહીએ માધુમાનો હાથ પોતાનાં માથા પર મૂકી કહ્યું “મધુમા! સાચું બોલો. મારા સોગંદ તમને શું થયું છે!?” મધુમાએ પોતાનો હાથ નિ:સ્પૃહીના મોં પર દાબી દીધો અને ભાવવિભોર થઈને બોલ્યાં મારા કાળજાના સોગંદ!!” શાલીગ્રામ વચમાં બોલ્યાં “તો પછી શું છે મધુમા! આવા આનંદના અવસરે આવું નિરાશ થવાનું!?”
મધુમાલાએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું “જુઓ! તમે બંને મારા હૃદયનાં કર્ણક અને ક્ષેપક છો. હું તમારા બંનેમાંથી કોઈ એકને મારાથી અલગ નહિં કરી શકું. તમે બંને એકબીજાથી દૂર રહો એ મને મંજૂર નથી. મધુમાલા ઉંચા અવાજે પોતાનો નિર્ણય જાહેર કરી પોતાનાં બેડરૂમમાં ચાલ્યા ગયા. આખો દિવસ મધુમાલા બહાર નીકળ્યા જ નહિં. ડૉ. દિવ્યાંગ, શાલીગ્રામ અને નિ:સ્પૃહી બધાંનાં પ્રયત્ન વ્યર્થ રહ્યા. મધુમાલા ટશ કે મશ થવા તૈયાર જ ના હતા.
ડૉ. દિવ્યાંગ દેસાઈ આખા દિવસના મનોમંથન પછી મોડી સાંજે ધીમા પગલે પોતાનાં બેડરૂમમાં પત્ની મધુમાલા પાસે ગયા. મધુમાલાનાં માથે હાથ ફેરવ્યો. અને બોલ્યાં “મધુ! તું જ તો હંમેશા કહે છે- દુનિયામાં કોઈ પ્રશ્ન એવો ન હોય જેનું સોલ્યુશન હોય જ નહિં. તો પછી આજે તને શું થયું!? ભાઈ, મને તો સોલ્યુશન મળી ગયું. રૂમની બહાર બારસાખે ઉભેલા નિ:સ્પૃહી અને શાલીગ્રામ પણ કિકિયારીઓ સાથે રૂમમાં ધસી આવ્યા. બંને મધુમાલાનાં બેડ પર કૂદકો મારી બેસી ગયા. મધુમાલા થોડાં હળવા થયા. આખો દિવસ ચિંતા અને ખાધા-પીધા વગરનાં ઢીલા થઈ ગયેલ મધુમાલા માટે નિ:સ્પૃહી ઓરેન્જ જ્યુસ લઈ આવી. ડૉ. દિવ્યાંગ દેસાઈએ પોતાનાં હાથે મધુમાલાને જ્યુસ પીવડાવ્યું. મધુમાલા બોલ્યાં “અરે! પણ પહેલા મને સોલ્યુશન તો જણાવો.” શાલીગ્રામે બેડ પર તકિયો જરા ઉંચો ગોઠવી મધુમાને બેસાડ્યા. ચારે જણ બેડ પર જાણે ઉજાણી કરવા બેઠા હોય એમ આનંદથી અડ્ડો જમાવી ગોઠવાય ગયા. મધુમાલાએ પતિ દિવ્યાંગને કહ્યું સમય નહિં બગાડો મને એન્ઝાયટી થાય છે. સોલ્યુશન જણાવો. પછી હું નક્કી કરીશ યોગ્ય છે કે નહિં ?” ડૉ. દિવ્યાંગ દેસાઈએ કહ્યું “હું શાલીગ્રામ સાથે દાર્જીલિંગ રહીશ અને તું નીહુ સાથે કન્યાકુમારી રહેજે. એર કનેક્ટિવિટી પણ હોય જ છે જ્યારે મળવા માટે જીવ અકળાય ત્યારે આપણે બધાં ભેગા થઈ જઈશું ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં જ તો છે ક્યાં પરદેશ છે કે વિઝાની મગજમારી. થોડાં સમય પછી શક્ય એટલું નજીક આપણે પોસ્ટિંગ માંગીશું. જીવનમાં થોડું સ્ટ્રગલ હોય તો જ જીવનનો વધુ નિખાર આવે.” મધુમાલા દિવ્યાંગ દેસાઈને વચમાં અટકાવતાં બોલ્યાં પણ, આ જિંદગીનો શું મતલબ!? બે પંખીઓ જ અલગ રહે! જીવન જીવવા માટે છે પ્રેમ અને આનંદ માટે છે. સ્ટ્રગલ વેઠવા માટે તો નથી જ.” નિ:સ્પૃહીએ જરા છણકો કરી કહ્યું “મધુમા! આ શું ? તો પછી આટલા વર્ષ ભણ્યા-આટલી મહેનત કર્યાનો શું ફાયદો? અમે બંને, અને તમે અને બાબા પણ થોડા સમય એકબીજાથી દુર રહીશું તો આપણી વચ્ચે બોન્ડીંગ વધશે. મધુમા! તમે તો મારા પ્રેરણાસ્ત્રોત છો. હંમેશા પોઝીટીવ વાત કરનાર આજે મારી મા કેમ આમ!? આજે આમ્રપાલીમમ્મા હોત તો ... મધુમાલા સફાળા થઈ ગયા. નિ:સ્પૃહિનાં હોઠે પોતાનો હાથ દાબી દેતા બોલ્યાં “બસ! બસ! હવે આગળ કશું બોલીશ નહિં. આમ્રપાલીને મેં વચન આપ્યું છે” ભલે નિ:સ્પૃહિને મેં મારા કુખે જન્મ ન આપ્યો હોય પણ એનામાં મારો જીવ વસે છે. હું એને ક્યારેય નિરાશ નહિં કરું. ઓ.કે. તમેં બધાએ વિચાર્યું છે તો સમજીને જ વિચાર્યું હશે. હું જરા વધારે પડતી સેન્ટી થઈ ગઈ હતી. બસ! તમારા બધાનો નિર્ણય સર આંખો પે.”
આખા ઘરમાં ખુશીનો માહોલ છવાય ગયો. શાલીગ્રામની આંખોમાંથી છૂટા પડવાનો ગમ ડોકાય રહ્યો હતો. ડૉ.દિવ્યાંગ અને નિ:સ્પૃહીએ ખૂબ જ કુનેહથી આંખોના ભીનાં ખૂણા કોરા કરી નાંખ્યા. ચારેય એકબીજાથી અલગ પડવાનો ગમ છૂપાવી રહ્યા હતા એ ચારેય જાણતા હતા. ચારેયનાં ભીનાં હૈયા ‘પ્રેક્ટિકલ’ થઈ ઉપરથી તાલ સાથે તાલ મેળવવા સફળ રહ્યા. પરિસ્થિતિને હળવી બનાવવા ડૉ. દિવ્યાંગે કહ્યું “ચાલો! આપણે હમણાં જ નવી ખૂલેલી રેસ્ટોરાંમાં ડીનર માટે જઈએ. આજે જ ન્યુઝ-પેપરમાં મેં એનું પેમ્પલેટ જોયું હતું. સુરતી રેસ્ટોરાં છે. સુરતની જમણની લિજ્જત માણીએ. મધુમાલા જરા ગળગળા થઈ ગયા. ડૉ. દિવ્યાંગ કારણનું અનુમાન લગાવી ચૂક્યા હતા છતાં પૂછ્યું મધુ ડાર્લિંગ વળી પાછું શું થયું!?” મધુમાલાએ ગળું ખંખેરી હસતાં મોઢે કહ્યું “કંઈ નહિં જરા આમ્રપાલી અને આલોકની યાદ આવી ગઈ.” આમ્રપાલી અને આલોક હોત તો બોલ્યા હોત.. એ હાલો... સુરતી જમણ જમવા જઈએ. ખડખડાટ મધુમાલા હસી પડ્યા અને બોલ્યાં આમ્રપાલીએ તો ખુશીમાં ગરબાનાં બે રાઉન્ડ પણ લગાવી દીધા હોત.” વાતનો પ્રવાહ બદલતાં ને આગળ વધારતાં નિ:સ્પૃહીએ કહ્યું “એ હાલો... પેટમાં ઉંદરડા દોડે છે.” ચારેય ગાડીમાં હસી-મજાક કરતાં-કરતાં સુરતી રેસ્ટોરાં પહોંચ્યા. સુરતી રેસ્ટોરાંમાં ઉંધિયું, પુરી, જલેબીની લહેજત માણી. આખા દિવસની ગમગીની વિસરાઈ ગઈ. હસી મજાક કરતાં કરતાં ચારેય ઘરે આવ્યા. ડૉ.દિવ્યાંગ દેસાઈ બોલ્યા બેટા નીહુ! કાલથી આપણે બધા કામકાજ આટોપવાની દોડાદોડીમાં બીઝી થઈ જઈશું. આમ પણ ઘણાં લાંબા સમયથી તારા રણકતા મધુર આવાજમાં કોઈ ગીત સાંભળ્યું નથી તો આજ હો જાય... નિ:સ્પૃહીએ કહ્યું હા ડેડી! કેમ નહિં ચાલો હો જાય... નિ:સ્પૃહીએ હારમોનિયમ પર ગીત ગાવાનું શરૂ કર્યુ. મધુમાલાએ સિતાર સાથે સાથ આપ્યો.
દૂર-દૂર અંતરિક્ષમાં_
તારાં પ્રેમની પાંખ પહેરી પંખી બની જાઉં,
તારાં પ્રેમનાં વાદળની રજાઈ ઓઢી લઉં.
ફરફર ઊડી આવું ને તારાં મન ઉપવનમાં ટૌકી લઉં
તારાં પ્રેમનાં વરસાદમાં ઝાંઝર પહેરી ઝૂમી લઉં.
ગામ, ઘર, નદીને ગગન પાર
મઢાઈ જાઉં તારા હૃદય પાર
હું ચાંદની તારા જીવન આકાશમાં વેરાઈ જાઉં,
તારાં ચંદ્રકિરણે શીતળ નદી બની થીજી જાઉં.
શાલીગ્રામ ટ્રમ્પ પર સાથ આપી રહ્યો હતો એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો. ડૉ.દિવ્યાંગ વોશરૂમનાં બહાને મોં ધોઈ આવ્યા. ચારેય એકબીજાને સમજી રહ્યા હતા. મધુમાએ પરિસ્થિતિને સંભાળી લીધી. મધુમા બોલ્યાં સવારે વહેલા ઉઠવાનું છે ચાલો હવે સૂઈ જઈએ. રાત્રે ચારેય નવી સવારનાં આગમનનાં મૂડમાં સૂઈ ગયા.