" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-6
આપણે આગળના પ્રકરણમાં જોયું કે ભગવતી બેન અને રામકિશનભાઇ યાત્રાએ જાય છે એટલે આશ્કા પોતાની બેન નિરાલીને પોતાના ઘરે રોકાવા માટે બોલાવી હતી.
ભગવતીબેનના દરરોજ ફોન આવતા, તેમની વાત ચિત ઉપરથી નિરાલીને લાગ્યું કે આશ્કાને તેના સાસુ વિતાડે છે.તેણે આશ્કાને પૂછી પણ લીધું કે, " તને કંઈ અહીં તારી સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને..?? " પણ આશ્કા હસીને બોલી કે, " ના
ના એવું કંઇ નથી. " એવો જવાબ આપી દીધો. હવે આગળ....
આશ્કાના આ જવાબથી નિરાલીને સંતોષ થયો નહિ. એટલે બંને બહેનો ઘરમાં એકલી હતી ત્યારે નિરાલીએ તેને ફરીથી પૂછ્યું કે, " આશ્કા, ઐશ્વર્યાને માથે હાથ મૂકીને, હું જે પ્રશ્નન પૂછું તેનો તારે સાચો જવાબ આપવો પડશે "
આશ્કા ઐશ્વર્યાને માથે હાથ મૂકે છે અને પછી બોલે છે, " હા, પૂછ દીદી. "
નિરાલી આશ્કાને પૂછે છે, " તને અહીંયા તારી સાસરીમાં કોઈ તકલીફ નથી...?? તું સાચું કહે છે..?? " અને આ વખતે આશ્કા જુઠ્ઠું નથી બોલી શકતી. તે નિરાલીને બધું જ સાચે સાચું કહી દે છે. હવે નિરાલીની શંકા પાક્કી થઇ જાય છે તે આશ્કાની વાતો સાંભળીને ધ્રુજી ઉઠે છે.....તેના હાથનાં રૂંવાડા ખડા થઈ જાય છે. શું કરવું...?? એ જ તેને તો સમજણ પડતી નથી.
તે આશ્કાને બોલે છે કે, " તારે આ બધી વાત પહેલા જ પપ્પાને જણાવી દેવાની હતી તો ઐશ્વર્યાના જન્મ પહેલા તું અહીંથી છૂટી થઇ ગઇ હોત. " અને ખૂબજ દુઃખ સાથે એક ઉંડો નિ:સાસો નાંખે છે.
આશ્કા હજી પણ તેને આ બધી વાતો મમ્મી-પપ્પાને ન જણાવવા સમજાવે છે અને કહે છે કે, " મારી આ બધી વાતો સાંભળીને મમ્મી-પપ્પા ખૂબ દુઃખી થઇ જશે માટે તને મારા સમ છે તું આમાંથી એક પણ વાત મમ્મી-પપ્પાને જણાવીશ નહિ. " પણ નિરાલીનું મન માને તેમ ન હતું.
હવે ભગવતીબેનને યાત્રાએથી પાછા આવવાનો સમય થયો એટલે નિરાલી પોતાના ઘરે પાછી આવી ગઇ. નિરાલીને આશ્કાએ પોતાની પરિસ્થિતિની વાત કરવાની " ના " પાડી હતી પણ નિરાલીને આશ્કાની આવી હાલત જોયા પછી ચેન પડતું ન હતું. તેથી તેણે આવ્યાના બીજા જ દિવસે પોતાના મમ્મી-પપ્પાને આશ્કાની બધી જ વાત કહી દીધી.
આટલા બધા સુખી ઘરનાં માણસો આટલી હદ સુધી ખરાબ હોઇ શકે તે વાત તેમના માન્યામાં આવતી ન હતી. તેમણે તરત જ આશ્કાને ફોન લગાવ્યો અને બધી વાતની તપાસ કરી શરૂઆતમાં આશ્કાએ ઇન્કાર જ કર્યો પણ પછી તે ફોન ઉપર વાત કરતાં કરતાં ખૂબ રડી પડી અને તેણે પોતાના પપ્પાને બધી જ સાચી વાત જણાવી દીધી.
આશ્કાના મમ્મી-પપ્પા બીજા જ દિવસે તેના સાસરે ઉપડી ગયા. તેમણે આશ્કાના સાસુ ભગવતીબેન સાથે બધી વાતની સ્પષ્ટતા કરી તો તેના સાસુ તો આશ્કા માટે ઘણુંબધું ખરાબ બોલવા લાગ્યા અને આ દીકરી ઐશ્વર્યા પણ અમારી દીકરી નથી તેમ કહેવા લાગ્યા. આશ્કાને તમારે લઇ જવી હોય તો લઇ જઇ શકો છો. અમારે તેને રાખવી પણ નથી કહી છૂટી પડ્યા.
રમાબેન તેમજ મનોહરભાઇ પણ પોતાની દીકરીને અહીં દુઃખમાં છોડીને જવા ઇચ્છતા ન હતા. મનોહરભાઇએ આશ્કાના પતિને ઐશ્વર્યાને માથે હાથ મૂકીને ઐશ્વર્યા વિશે સાચો જવાબ આપવા કહ્યું તો સમીર ખોટું ન બોલી શક્યો તેણે બધાની હાજરીમાં કબૂલી લીધું કે, " ઐશ્વર્યા મારી જ દીકરી છે. " હવે ભગવતીબેનથી કંઇપણ બોલાય તેમ ન હતું.
મનોહરભાઇ પોતાની દીકરી આશ્કાને અને ઐશ્વર્યાને તેમના તમામ સામાન સાથે પરત પોતાના ઘરે લઇને આવી ગયા અને પછી પણ ઘણાં સમય સુધી આશ્કાના સાસરેથી કંઇ સમાચાર આવે છે કે નહિ તેની રાહ જોઇ પણ ન તો કદી સમીરનો ફોન આવ્યો કે ન તો કદી આશ્કાના સાસુ- સસરાનો ફોન આવ્યો.
અને છેવટે મનોહરભાઇએ આશ્કાના ડાયવોર્સ માટે કોર્ટમાં અરજી મૂકી.