પડછાયારૂપી રોકીના આત્માની મુક્તિ માટેની વિધિ કરવા કાવ્યા પોતાના મમ્મી અને સાસુ સાથે એ પહાડી પર પહોંચી ગઈ જ્યાં તેણે સૌપ્રથમ વખત પડછાયાને જોયો હતો. પહાડી ચઢતી વખતે કાવ્યા પર ચામાચીડિયાંએ હૂમલો કર્યો અને કાવ્યાના મોં પર બચકા ભરી લીધાં. છતાં કાવ્યા હવે પાછળ ન હટવાનું નક્કી કરી પોતાના મમ્મી અને સાસુ સાથે પહાડી ઉપર ચઢી ગઈ જ્યાં નયનતારા પહેલેથી જ તેની રાહ જોઈ રહી હતી.
નયનતારાની પાસે યજ્ઞનો કુંડ તૈયાર હતો અને તેની એક તરફ પાંચ કાચની પારદર્શક બરણીઓ પડી હતી. તેમાં પાણી ભરેલું હતું અને એમાં કંઈક દડા જેવી વસ્તુ તરી રહી હતી. રાત્રીના અંધકારના લીધે એ સ્પષ્ટ દેખાઈ નહોતું રહ્યું. કુંડની બીજી તરફ કંકુ, યજ્ઞમાં આહુતિ માટે ઘી તથા અન્ય સામગ્રી પડી હતી અને નયનતારા આ બધાં સામાનની વચ્ચે યજ્ઞની સામેની બાજુ બેઠી હતી. કાવ્યા તથા તેના પરિવારને જોઈ નયનતારાએ ઈશારાથી તેમને બેસવા જણાવ્યું.
કાવ્યા અને રસીલાબેન તથા કવિતાબેન આ બધું જોઈ ચોંકી ગયા પણ કોઈ કશું બોલ્યું નહીં અને નયનતારા તરફ નમસ્કારની મુદ્રામાં હાથ જોડી બેસી ગયા. કાવ્યા નયનતારાની સામે કુંડની છેલ્લી બચેલી બાજુએ બેઠી.
કાવ્યા, તારા મોંઢા પર આ નિશાન શેનાં છે?" કાવ્યાના ઘા જોઈ નયનતારાએ પૂછ્યું. જેના જવાબમાં કાવ્યાએ તેને આખી કહાની કહી સંભળાવી.
"તું ઠીક છે ને? વિધિ કરી શકીશ ને?"
"હા નયનતારાજી, હું ઠીક છું અને વિધિ કરવા માટે તૈયાર પણ છું" કાવ્યા બોલી અને તેની નજર કાચની બરણીઓ પર પડી અને તેનું હ્રદય એક ધબકાર ચૂકી ગયું. તેણે બરણીઓમાં દડા જેવી વસ્તુ તરતી જોયેલી એ હકીકતમાં હ્રદય હતાં. તે પોતાના મમ્મી અને સાસુ તરફ ફરીને ઈશારા વડે બરણી તરફ જોવા કહ્યું. તે બંને પણ બરણીઓ જોઈને ડરી ગયા.
નયનતારા તેમને ડરતાં જોઈને બોલી, "તમને લોકોને નવાઈ લાગશે આ જોઈને પણ આ જરૂરી છે. હા, આમાં અલગ અલગ પ્રાણીઓના હ્રદય છે. તમે લોકો ચિંતા ના કરો. આ મરેલા પ્રાણીઓના જ છે તેમનું પોસ્ટમોર્ટમ કરીને કાઢેલા હ્રદય જ છે."
"પણ એની શી જરૂર છે નયનતારાજી? આપણે તો બસ રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ જ કરવાની છે ને.. તો એમાં પ્રાણીઓના હ્રદયનું શું કામ?" કવિતાબેન બોલ્યા.
"જરૂર છે એટલાં માટે જ તો કરી રહી છું. તમે બધા જાણો છો કે રોકીની આત્મા છે એ બસ પડછાયા સ્વરૂપમાં છે તેનું કોઈ શરીર કે કોઈ રૂપ નથી. આથી પહેલાં તેનું શરીર બનાવીને પછી જ તેની આત્માની મુક્તિ માટે વિધિ કરી શકીશું. જો સીધી જ મુક્તિ માટેની વિધિ કરીશું તો તેની આત્માને શાંતિ નહીં મળે." નયનતારા સ્પષ્ટ અને એક એક શબ્દ પર ભાર દઈને બોલી.
"શરીર બનાવવાની શી જરૂર છે પણ? આમ પણ તે તો મૃત જ છે, તો શું ફરક પડશે? મને તો જરૂર નથી લાગતી તેનું શરીર બનાવવાની." કવિતાબેન બોલ્યાં.
"જરૂર છે એટલાં માટે તો કરું છું. એ આત્મા પડછાયા સ્વરૂપમાં છે એટલે પહેલાં એને માનવી જેવું રૂપ આપીશું. આથી આપણને ખાતરી થઇ જાય કે આ વ્યક્તિને મુક્તિ અપાવવાની છે, બરાબર? કે હજુ કોઈ સવાલ છે મનમાં?" નયનતારા બોલી.
"મને હજુ પણ જરૂરી નથી લાગતું આમ કોઈનું શરીર બનાવીને પછી મુક્તિ અપાવવાનું. હું આ કરવા માટે મંજૂરી નહીં આપું." કવિતાબેન બોલ્યા.
"તો પછી તમે લોકો જાતે જ કરી લો. મને કોઈ રસ નથી આ બધામાં. મારો આમાં કોઈ સ્વાર્થ નથી બસ તમારાં લોકોની મદદ કરવા ખાતર કરું છું અને જો તમને મારાં પર વિશ્વાસ ના હોય તો હું જાઉં છું." નયનતારા ઊભી થઈને બોલી.
"નયનતારાજી, પ્લીઝ તમે બેસો. મારા મમ્મી તરફથી હું તમારી માફી માગું છું. તમે વિધિ ચાલુ કરો. મારાં મમ્મી હવે કાંઈ જ નહીં બોલે." કાવ્યા નયનતારાની પાસે જઈને તેને હાથ જોડીને વિનંતી કરતાં બોલી.
"કાવ્યા, આની કાંઈ જરૂર નથી બેટા. આપણે કોઈ બ્રાહ્મણ પાસે વિધિ કરાવી લઈશું. ચાલ કાવ્યા ઘરે જઈએ." કવિતાબેન બોલ્યા.
"મમ્મી, પ્લીઝ તમે ચૂપ થઈ જાઓ. આ વિધિ આજે જ કરવાની છે અને જો આજે નહીં થાય તો એ પડછાયો શું કરશે એની કલ્પના પણ હું નથી કરી શકતી. મમ્મી, મારે અમન સાથે સુખેથી જીવન પસાર કરવું છે. જ્યારથી એ પડછાયો અમારા જીવનમાં આવ્યો છે ત્યારથી અમે પરેશાન છીએ. નયનતારાજી કહે છે એમ કરીએ તો જ અમે પડછાયાથી છુટકારો મેળવી શકીશું. તો પ્લીઝ તમે સહકાર આપો." કાવ્યા પોતાના મમ્મી પાસે જઈને રડતાં રડતાં કરગરવા લાગી..
"હા ઠીક છે બેટા. તમે લોકો જે વિધિ કરવી હોય એ કરો. હું ત્યાં દૂર બેઠી છું." કવિતાબેન કાવ્યાના માથે હાથ ફેરવીને બોલ્યા અને સામે તૂટેલા ઝાડના થડ પર બેસી ગયા.
કાવ્યા પોતાની જગ્યાએ આવીને બેસી ગઈ. નયનતારા કાવ્યાની નજીક આવી અને હાથમાં કંકુ લઈ કાવ્યાના કપાળ પર રગદોળી દીધું અને પછી યજ્ઞના કુંડની બીજી બાજુ જઈને બેસી ગઈ અને યજ્ઞમાં અગ્નિ પ્રગટાવીને મંત્રોચ્ચાર શરૂ કરી દીધાં અને દરેક મંત્રના અંતે યજ્ઞમાં ઘીની આહુતિ આપી રહી હતી. રસીલાબેન કાવ્યાની પાછળ બેસી ગયા.
કવિતાબેન યજ્ઞથી ક્યાંય દૂર જઈને બેઠાં હતાં જ્યાંથી તેમને યજ્ઞ દેખાઈ રહ્યો હતો અને મંત્રોનો અવાજ ધીમે ધીમે સંભળાઈ રહ્યો હતો.
થોડી વાર સુધી મંત્રોચ્ચાર કર્યા બાદ નયનતારા ઊભી થઈ અને એક મોટું તપેલાં જેવું પાત્ર લઈ આવી અને તેમાં પાણી જેવું દ્રવ્ય ભરી દીધું અને યજ્ઞની અગ્નિ ઉપર મૂકી દીધું. અગ્નિની પ્રચંડ જ્વાળાઓના લીધે થોડી જ વારમાં તો તે ઊકળવા લાગ્યું. આથી નયનતારા યજ્ઞની એક તરફ રહેલી બરણીઓ માંથી એક એક કરીને બધા હ્રદય ઊકળતા દ્રવ્યમાં નાખવા લાગી.
"આ કયા પ્રાણીઓના હ્રદય છે, નયનતારાજી?" કાવ્યા ઉત્સુકતાવશ બોલી.
"સિંહ, ઘુવડ, બાજ, ઘોડો અને હાથીનું એમ કુલ પાંચ પ્રાણીઓના હ્રદય છે આ." નયનતારા ઉત્સાહથી બોલી પછી તુરંત જ પોતાના સ્વભાવ પર કાબૂ મેળવી શાંત થઈ ગઈ. કાવ્યાને નયનતારાનું આમ ઉત્સાહીપણું થોડુંક વિચિત્ર લાગ્યું પણ તે ચુપ રહી.
નયનતારા કાવ્યા પાસે આવી અને તેનો હાથ પકડી સીધો કર્યો અને હથેળી પર ચાકુ ચલાવી લોહી કાઢ્યું અને તપેલાં જેવાં પાત્રમાં કાવ્યાનો હાથ ઝાટકી લોહી તેમાં નાખ્યું. કાવ્યાના મોંમાંથી દર્દભરી ચીસ નીકળી ગઈ. કવિતાબેન આ જોઈ દોડીને ત્યાં આવી ગયા પણ કાવ્યા એ હાથના ઈશારા વડે જ તેમને ત્યાં રોકી દીધા અને પોતે ઠીક છે એમ જણાવી દીધું.
"કાવ્યા, તું અતિ પવિત્ર અને પ્રેમાળ છે. આથી તારું લોહી એમાં નાખ્યું. મને માફ કરજે તારી પરવાનગી વગર જ મારે એ કરવું પડ્યું." નયનતારા બોલી.
"કાંઈ વાંધો નહીં નયનતારાજી!" કાવ્યા શાંતિથી બોલી પણ તેને હથેળીમાં અસહ્ય વેદના થઈ રહી હતી. તેમ છતાં વિધિ જલ્દી પૂરી કરવાના ઉદ્દેશથી તે દર્દ સહન કરી રહી હતી.
થોડી વાર પાત્રમાં રહેલું પાણી તેમાં નાખેલા હ્રદય અને કાવ્યાના લોહીને ઊકાળતુ રહ્યું અને નયનતારા કંઈક મંત્રોનું ઉચ્ચારણ કરતી રહી. દસેક મિનિટ આ વિધિ ચાલુ રહી પછી નયનતારાએ મંત્રોચ્ચાર સમાપ્ત કર્યો અને ત્યાં જ અચાનક તેમાં ધડાકો થયો. બધા એ સાંભળી ડરી ગયાં અને એ તરફ આવી જોવા લાગ્યા. ધડાકાના લીધે પાણી જેવું એ દ્રવ્ય આસપાસ ઉડ્યું હતું તેમ છતાં તેમાં બચેલું દ્રવ્ય ઉભરાઈને પાત્રની બહાર નીકળી રહ્યું હતું. અચાનક તેમાંથી ધીમે ધીમે એક માનવાકૃતિ ઊભી થઈ. બધા આ જોઈને ડરી ગયાં, પણ નયનતારાના મોં પર ચમક આવી ગઈ, ખતરનાક ચમક!
**********
વધુ આવતા અંકે
શું આ આત્માની મુક્તિ માટેની જ વિધિ છે કે પછી નયનતારા કંઈ બીજું જ કરી રહી છે એ જાણવા માટે વાંચતા રહો આ દિલધડક સસ્પેન્સ હોરર નોવેલનો આગલો ભાગ