Aahvan - 2 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 2

Featured Books
Categories
Share

આહવાન - 2

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨

મિકીન ઉપાધ્યાય ફોન મુકતાંની સાથે નજીક ધસી આવેલાં ટોળાંને સંબોધતાં બોલ્યો, " શું થયું ?? આ ભીડ શેની છે ?? "

ત્યાં જ ડઝનબંધ માઈક સાથે ટોળું નજીક આવતાં બોલ્યું, " સર શું આ વાત સાચી છે કે આપની કામગીરી પણ આંગળી ચીંધાતા આજે આ કોરોનાનાં કપરા કાળમાં પણ આપને માટે ખાસ મીટીંગ ગોઠવાઈ છે....આખરે સત્ય શું છે ?? "

મિકીન કદાચ સત્યને પારખી ગયો છે એ કંઈ જ પણ અત્યારે બોલવાં નથી ઈચ્છતો એણે કહ્યું, " જે પણ નિર્ણય હશે સૌની સામે આવી જ જશે....!! " કહીને એ ફટાફટ પોતાની કેબિનમાંથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસવા ગયો ત્યાં પણ લોકોની પ્રશ્નોની ભરમાર સર્જાઈ....આખરે એ કદાચ આ સ્થિતિ માટે મક્કમ હોવાં છતાં પણ લોકોનાં દિલ સુધી પહોંચીને પણ આજે દૂર ધકેલાઈ જાય એવી સ્થિતિમાં મૂકાઈ ગયો હોવાથી એ સીધો જ ગાડી પોતે ડ્રાઈવ કરીને ત્યાંથી નીકળી ગયો....!!

**********

સ્મિતનું મગજ ચકરાવા લાગ્યું. એને થયું દરેક જગ્યાએ કેમ પોલિટિક્સ ગુસી ગયું છે આજે.... વિદેશમાં લોકોને આવું રિસર્ચ અને અત્યારે તો કોરોનાનાં કપરાં કાળમાં કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યાં છે કે કંઈ પણ કરો એની વેક્સિન કે કોઈ યોગ્ય દવા શોધો... એનાં વિના લાખો લોકો પોતાનો જીવ ગુમાવી બેસશે‌‌...પણ કંઈ જ નહીં થાય.

એણે મોબાઈલ હાથમાં લીધો... ભારતનાં અનેક રિસર્ચ સેન્ટરની ડિટેઈલ ફરીથી નીકાળી. આ કંઈ સ્મિત માટે નવું નહોતું....બસ છેલ્લાં એક વર્ષથી ઠરીઠામ થયો છે... હંમેશાં આગળ વધવાની એની ચાનક એને આટલાં મોટાં રિસર્ચ સેન્ટરમાં લઇ આવી છે....!!

અલબત એ આ પહેલાં ઈન્ડિયાનાં બેસ્ટ અને મોટાં રિસર્ચ સેન્ટરમાં પોતે બે વર્ષ કામ કરી ચૂક્યો છે કેટલાંય એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે. પણ પોતાનાં વ્હાલાં ગુજરાતની ઓથમાં રહેવાની એક જીજીવીષા એ એને અહીં અમદાવાદની ધરતી પર લઈ આવી. એ પોતે જ નહીં પણ એની ત્રિપુટી વિકાસ વિરાણી, સ્મિત પાટિલ અને મિકીન ઉપાધ્યાય આ ત્રણેયની જુગલબંધી...!!

સ્મિતે ફટાફટ બીજાં એક બે નાની કંપનીનાં દરવાજા ઠકઠકાવાનું વિચાર્યું. સેન્ટર ગમે તેટલું મોટું હોય , ગમે તેટલાં કરોડોનું રોકાણ હોય પણ યોગ્ય સમયે કામ માટે તમને સગવડ ન મળે તો શું કરવાનું ??

એણે તરત જ બીજી બે જગ્યાએ પોતાનાં બાયોડેટા મોબાઈલમાંથી જ મોકલી દીધાં. એણે ખબર છે કે આવાં સમયમાં કોઈ જલ્દી બોલાવશે નહીં... છતાં એણે આશા ન છોડી. સાથે એ લોકડાઉનના સમયમાં પણ પોતાનું આઈ કાર્ડ લઈને એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં એને એક પોતાની જાતને સાબિત કરવાની આ દુનિયા માટે કંઈ કરી શકવા માટે મદદ મળે એની આશા છે...!! ને ફટાફટ બાઈક એ દિશામાં હવાની સેર છોડતું એક મંઝિલની દિશામાં ભાગ્યું...!!

*************

સ્મિત એક નાની ગરીબ ઝુંપડપટ્ટીવાળા લોકોની વચ્ચે આવી ગયો‌....!! આ લોકડાઉનમાં પોલીસનાં બંદોબસ્ત વચ્ચે પણ ચાલીની એક નાનકડી જગ્યામાં નાનાં બાળકો ત્યાં બિન્દાસ્ત બનીને રહી રહ્યાં છે.

સ્મિતે વિચાર્યું કે આ પોલીસ અહીં જ ઉભી છે કડક બંદોબસ્ત બનાવવાં...જે મને દેખાય છે એ એમને પણ દેખાતું જ હશે ને ?? તો શા માટે એ લોકો એમને ઘરમાં રહેવા નહીં કહેતાં હોય ?? "

ત્યાં જ પોલીસનું ધ્યાન એની પર પડતાં એણે એક સીટી મારીને સ્મિતને એની તરફ બોલાવ્યો.

સ્મિતની પર્સનાલિટી પણ કંઈ કમ નહોતી. સારી એવી સાઈટ, બાંધો મિડીયમ ને ઘઉંવર્ણો ચહેરો ને ફ્રેન્ચ સ્ટાઈલમાં રાખેલી દાઢી પણ કદાચ આટલાં દિવસોમાં થોડી વધીને વધારે ઘેરી બની ગઈ છે છતાં એનાં ચહેરાં પરના એ બ્લેક કલરનાં ચહેરાં એ કોઈ મોટો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ રીતે કહી રહ્યાં છે... એનું કપાળ જાણે એ દેશનો એક અપ્રતિમ યોદ્ધા હોય એવું સુચવી રહ્યો છે.

સ્મિત પોલીસ પાસે પહોંચ્યો ને પોલીસ કંઈ પણ પૂછે એ પહેલાં જ બોલ્યો, " સ્મિત પાટીલ... રિસર્ચ સાયન્ટિસ્ટ..." કહીને પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું.

પોલીસ : " હમમમ...તો અહીં ?? અત્યારે ?? "

સ્મિત બોલ્યો, " બસ એક ખાસ કારણ...કોઈ મને રિસર્ચ માટે મળી જાય તો સ્વેચ્છાએ એનાં માટે આવ્યો છું..."

પોલીસ : " હમમમ...કોરોના વેક્સિન ?? " કહીને જોરજોરથી હસવા લાગ્યો.

સ્મિત : " શું થયું સાહેબ ?? કેમ હસો છો ?? "

પોલીસ : " આજકાલ સૌ કોઈ એવું વિચારી રહ્યાં છે કે પોતે કોરોનાની વેક્સિન શોધી કાઢશે....એ કંઈ ખાવાના ખેલ છે કંઈ ?? પેલાં અમેરિકા, ચીન ને સ્પેન જેવાં દેશોનાં વૈજ્ઞાનિકો આટલાં સમયમાં કંઈ શોધી નથી શક્યાં તો આ તમે શું કરવાનાં ?? "

સ્મિતને જાણે આ ચોટદાર વાક્યોની કોઈ અસર ન થઈ કે પછી એણે યોગ્ય સમયની રાહ જોવા ચૂપ રહેવામાં જ શાણપણ સમજ્યું.

સ્મિત જાણે વાતને ખસેડતાં બોલ્યો, " સાહેબ તમે અહીં લોકોને ઘરમાં રાખવા માટે અહીં છો ને ?? તો પછી પેલું ખૂણામાં રમતું બાળકોનું ટોળું જેને દેખાય છે એ તમને પણ દેખાતું હશે ને ?? "

પોલીસ ઈન્સપેક્ટર હસીને બોલ્યાં, " હા દેખાય છે જ ને કેમ શું થયું ?? બહાર ફરી રહ્યાં છે એમ જ ને ?? "

સ્મિત : " હમમમ..."

પોલીસ : " ચાલો મારી સાથે અંદર..." ને પછી એ પોલીસ ઈન્સપેક્ટર સ્મિતને અંદર ચાલીમાં લઈ ગયો....ને એ દ્રશ્ય બતાવ્યું. એક નાનકડાં રૂમમાં સાત આઠ જણાનું કુટુંબ... માતા-પિતા ને સાથે એમનાં પાંચ છ છોકરાં... લગભગ બધાં જ ઘરની આ સ્થિતિ છે... ઘરની બહાર એક ચૂલો ને અંદર એક નાનકડો પ્રાઈમસ...માને મોટી દીકરીઓ રોટલાને શાક ભેગાં થવા મથામણ કરી રહી છે....ઘર તો આખું એ ચુલાના ધૂમાડાથી ભરેલું છે... આંખો પણ બળવા લાગે...!! બહાર બે ચાર ડોશાઓ ઠેકઠેકાણે તૂટેલી પાટીઓવાળાં ખાટલે બેઠાં છે.

પોલીસ ઈન્સપેક્ટર : " બોલો સ્મિતભાઈ....આ બાળકો એમનાં ઘરમાં સુરક્ષિત છે ?? કે એ લીમડાનાં છાયા નીચે એકબીજાંની નજીકમાં ?? એમનાં આ કપડાં તો જુઓ ?? બારીઓ જેવાં બાકોરાં તો ક્યાંક થીંગડાંઓનો નાનકડો મેળો છે...તો વળી ક્યાંક તો સીધું નગરદ્રારની જેમ મોટો છિદ્રોરૂપી પ્રવેશદ્વાર.... ત્યાં માસ્કનું બ્રહ્મજ્ઞાન ક્યાં એમનાં ગળે ઉતરે ?? ભગવાન તો હજુયે એની કૃપા તો વરસાવે જ છે...જો હું પરાણે આ લોકોને પરાણે ઘરમાં રહેવાની ફરજ પાડુ અને કહેવાતાં આપણાં સોશિયલ ડિસ્ટંન્સીગ માટે કહું તો કદાચ કાલે એમનાં બે દિવસમાં ઘરમાં ગુંગળાઈને મરી જવાનાં સમાચાર ન્યુઝપેપરનાં ક્યાંક બચેલા ખૂણે ચોક્કસથી આવે...."

સ્મિત હસવા લાગ્યો ને બોલ્યો, " માનો કે ના માનો આપણાં વિચારોમાં કંઈ જ તો સામ્યતા છે જ....!! સાચી વાત છે એમની જગ્યા તો બચેલા ખૂણે જ આવે...બાકી નેતાઓની એક છીંક પણ ન્યુઝપેપર કે ટીવી ન્યુઝની હેડલાઇન હોય...!!

પોલીસ : " હું એક મહિનાથી આ લોકો માટે જમવાનું એક સંસ્થામાંથી મંગાવી આપતો હતો....મજુરી પણ બંધ થઈ કરે શું આ લોકો ?? "

સ્મિત : " મેં આ જગ્યા વિશે ઘણું સર્ચ કર્યું ને સાંભળ્યું છે એ બાદ અહીં આવ્યો છું...પણ એમની સ્થિતિ તો મેં ધાર્યું હતું એનાં કરતાં પણ દયનીય છે...."

પોલીસ ઈન્સપેક્ટર: " આ તો એક જ શેરી છે આની પાછળ બીજી પાંચ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી માનવમેદની આનું જ પ્રતિબિંબ છે‌...."

સ્મિત : " તો હું એમને વેક્સિન પ્રયોગ માટે લઈ જઈ શકુું ?? તો એમને ખાવાં પીવાની એટલાં દિવસની કોઈ સમસ્યા નહીં રહે..."

પોલીસ : " પણ જીવતાં આવે એની શું ગેરંટી ?? સફળતા મળવાની કેટલી ગણતરી ?? "

સ્મિત : " માફ કરશો એ તો હું પ્રયોગ વિના નહીં જણાવી શકું..."

પોલીસ ઈન્સપેક્ટર : " થોડીવાર ઉભાં રહો હું આવ્યો...." કહીને એ ઝૂંપડાઓ તરફ મક્કમ ચાલે પહોંચી ગયાં...!!

શું એ લોકો વેક્સિન પરીક્ષણ માટે જવાં માટે તૈયાર થશે ?? પોલીસ ઈન્સપેક્ટર સ્મિતને પરવાનગી આપશે ખરાં ?? સ્મિત હવે શું કરશે પોતાની ચેલેન્જ પૂરી કરવા માટે ?? મિકિન ઉપાધ્યાયનું ભવિષ્ય ખરેખર દાવ પર મુકાઈ જશે ?? શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો, આહવાન - ૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......