Unknowingly (71) in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (71)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (71)

આ તરફ નિયતિ પોતાની ભૂલ સમજી ધિરજનાં ઘેર જવાં નિકળી પડી. બીજી તરફ ધિરજ પોતાની જવાબદારી સમજી અમીને શોધવા નિકળી પડ્યો. અમી પાસે ના ફોન હતો કે ના કોઈ રહેવાનું ઠેંકાણુ. એટલે ધિરજ પાસે કોઈ રસ્તો હતો નહીં તેની સુધી પહોંચવાનો. પણ અમીને જ્યાં છોડીને ચાલ્યો હતો તે જગ્યા હજું તેને બરાબર યાદ હતી. અને ધિરજ વિચારી રહ્યો હતો કે ત્યાં જ આસપાસ ક્યાંક તેનું ઠેંકાણું પણ મળી જશે. આ તરફ નિયતિ ધિરજનાં ઘેર પહોંચી પણ તે અથવાં અમી તેને મળ્યા નહીં એટલે નિયતિએ ધિરજને ફોન કર્યો . નિયતિનો પ્રશ્ન કે તે ક્યાં છે તેનો જવાબ ધિરજ પાસે નહતો. તે શું બોલે તે સમજાતું નહતું. પણ આજે નહીં ને કાલે નિયતિને બધું ખબર પડી જ જશે, ખબર પડી જશે કે અમી તેની સાથે નથી રહેતી અને ધિરજને પણ ખબર નથી તે ક્યાં અને કેવી હાલતમાં છે એટલે બધો દોષ ધિરજ પર જ આવવાનો છે . અને ક્યાંક બહારથી ખબર પડશે તો કદાચ નિયતિને વધારે દુઃખ થશે એમ વિચારી ધિરજે નિયતિને બધું સાચુ સાચુ કહેવાં તેને પણ એ જ જગ્યા બોલાવી જ્યાં ધિરજ જઈ રહ્યો હતો. નિયતિ નહતી સમજી રહી કે કેમ તેને ત્યાં બોલાવવામાં આવી છે પણ નિયતિનું ધ્યાન અમીને મળવાનું , તેને જોવાનું હતું. એ માટે તે કોઈ પણ જગ્યા જવાં તૈયાર હતી. અને નિયતિનું બાઈક એટલી ઝડપથી દોડ્યું કે જાણે હવાને ચીરીને માત્ર અમી સુધી ઉભું રહેવાનું હતું.

અંદાજે ધિરજ અને નિયતિ એક જ સમયે પહોંચ્યા. અને નિયતિની અમીને જોવાની તડપ વધી રહી. " વેધ... અમી ક્યાં છે?.. મારે તેને મળવું છે. કદાચ મેં થોડો વધારે જ ગુસ્સો કરી દીધો હતો તે દિવસે અમી પર. અને પહેલીવાર લાફો પણ મારી દીધો હતો. કદાચ મારે નહતું કરવું જોઈતું. મેં તેને બહું રડાવી હશે ને?!... એક તો તેને જલદી ચુપ પણ નથી કરાવી શકતું કોઈ!.. એક વખત રડવાનું શરૂ કરે એટલે બસ રડ્યે જ જાય. તેને રડવું પણ નાની નાની વાતમાં આવી જાય છે તો આ વાત પર તે કેટલું રડી હશે તેની કલ્પના પણ હું નથી કરી શકતી. એટલે જ તો બધું છોડી બસ તેને મળવાં આવી છું. તું ચુપ કેમ ઉભો છે ... બોલ ને અમી ક્યાં છે?.... અને તમેં આમ રોડ વચ્ચે કેમ આવ્યા હતાં?.. ક્યાંય જતાં હતાં?.." નિયતિનાં પ્રશ્નોની ટ્રેન ઉભી રહેવાનું નામ જ નહતી લેતી. પણ ધિરજ નીચું માથું કરી બસ બધું સાંભળી રહ્યો હતો. તેનામાં હિંમત નહતી નિયતિની આશા ભરેલી નજરોને જોવાની. પણ બધું કહેવું જરૂરી હતું એટલે તેણે ગમેં તેમ કરી હિંમત એકઠી કરી લીધી અને એક એક કરી બધી વાત કહેવાનું શરૂ કર્યું. ધિરજ ધીમે ધીમે બધું વિસ્તારમાં સમજાવતો ગયો , પોતાનું અમી, નિયતિ અને વંદિતાને મળવું, લગ્નની વાત, મિત્રતા, અમી સાથેના ઝઘડા, અમીનાં લગ્ન રોકવાનાં પ્રયત્્ન , વંદિતાનું અમી સાથે ઝઘડવું કે તેની વાત ના માનવી , અમીનું તેની સાથે લગ્ન અને લગ્ન પછી પણ વગર કોઈ હક્ક જતાયે બસ ચુપચાપ તેનાં જીવનમાંથી ચાલ્યા જવું અને એકલા બધાનાં તર્ક અને અપશબ્દોનો સામનો કરવાં ચાલી નિકળવું અને તેને બચાવવા બધો દોષ પોતાના માથે લઈ લેવો એ બધી વાત નિયતિને કહેતો ગયો. નિયતિ મૌન બની બસ બધું સાંભળતી રહી. ધિરજની વધતી વાતો નિયતિને પોતાની નજરોમાં જ પોતાને ઘેરવી રહી હતી. પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી રહી હતી. પોતાનાં અમી પરનાં હક્ક પર શક કરી રહી હતી અને બસ પોતાની ભૂલોનાં બોજ નીચે દબાતી જતી હતી. બોજ એ વાતનો કે નિયતિએ ડગલે ને પગલે અમીને ખોટી સમજી. તેને ઘર તોડનારી અને પ્રેમનો ખોટો ઉપયોગ કરનારી સમજી. પણ નિયતિને પોતાની સમજણ શક્તિ પર જ શક થવાં લાગ્યો હતો.

ધિરજની બોલાયેલી વાતો અને કહેવાયેલાં શબ્દો તેને પોતાનાં કર્યાનાં પછતાવા તરફ લઈ જઈ રહ્યા હતાં. આજે જ્યારે નિયતિને સમજાવી રહ્યો ત્યારે તેને પોતાની ભૂલ દેખાય રહી હતી. નિયતિ અને અમી બંનેનાં આંસુ ધિરજે જોયાં હતાં તેમની પરિસ્થિતિને ઘણી નિકટતાથી અનુભવી હતી. આજથી પહેલાં ધિરજ સમજતો હતો કે તેનાં દુઃખથી વધારે મોટું દુઃખ કોઈનું નહી હોય શકે અને તેની આંધળી પટ્ઠીમાં તે ખોટાં ને ખોટાં કામો કરે જતો હતો. પણ આજે અમીનું અને નિયતિની લાગણીઓ જોઈ તેની આ વાત પર પણ તેને પછતાવો થવાં લાગ્યો હતો. ગળગળા અવાજે હવે તે વધારે કશું કહેવાની હાલતમાં નહતો અને અચાનક વાતાવરણમાં સન્નાટો ફેલાય ગયો. દુઃખ , તડપ અને પછતાવો નિયતિ અને ધિરજ બંનેને થઈ રહ્યો હતો. પોતાનાથી નારાજ બનેલાં બંનેને અમી પાસે માફી માંગવી હતી પણ આજે તો એ હક્ક પણ તેમના હાથમાંથી છૂટી ગયો હતો. " ક્યાં શોધીએ હવે અમીને?.." નિયતિએ ધીમેથી પુછ્યું. ધિરજ આશ્ચર્યમાં પડી ગયો " હેં?.. આ શું હતું?.. મેં આટલી મોટી વાત કરી અને નિયતિ એ મારી ભૂલો પર મને એક શબ્દ પણ ના કહ્યો?.. અને ગુસ્સો પણ ના કર્યો?!.. કેમ!..." પોતાનાં જ મનમાં વિચારવાં લાગ્યો. પણ કોઈ પ્રશ્ન કરતાં વધારે જરૂરી અમીને શોધવી હતી એટલે તેણે પણ નિયતિનો સાથ આપવાં પોતાને તૈયાર કરી લીધું. અને અમીની શોધ ચાલુ થઈ .

આસપાસ રહેતાં - ફરતાં બધાં લોકોને પુછવાં લાગ્યા. આસપાસની દૂકાનો પર પણ પુછી વળ્યા પણ કોઈ જવાબ મળી નહતો રહ્યો. એ રસ્તે આગળ વધતાં પોતાની કોશિશ પણ આગળ ચલાવી. એક એક વ્યકિત ને પુછતાં ફરતાં પાગલોની માફક બસ અમીને શોધતાં. પણ છેવટે તેમનાં હાથમાં નિરાશા જ લાગી. શું કરે સમજાતું નહતું. દિવસની રાત થઈ ચુકી હતી પણ અમી વિશે એક પણ વસ્તુ ખબર નહતી પડી.

હવે તો નિરાશાથી પાંપણો પણ ભિંજાવા લાગી હતી. " ક્યાં છે મારી અમી!.. બિચારી છોકરી એટલી ભોળી છે ક્યાં ગઈ હશે !... તેણે કશું ખાધું પણ હશે કે નહિ!.. તે કોઈ દિવસ રાત્રે ઘરની બહાર નથી રોકાય... તેને તો હંમેશા રાત પડે ને પોતાનાં ઘેર જ ઉંઘ આવે એમ કરી આવતી રહેતી. કોઈ દિવસ પોતાનાં મિત્રનાં ઘેર પણ નથી રહી . અને હવે તેનાં બધાં મિત્રોને પુછી જોયું છે તેમનાં કોઈનાં ઘેર નથી તો આખરે તે ક્યાં ગઈ હશે અને એ પણ લગ્નનાં કપડાંમાં. ક્યાં સુધી તે પહેરી રાખશે એ જ બધું!.. તેને કેટલી તકલીફ પડી હશે!.. બે-ચાર દિવસ તો એમ જ નિકળી ગયાં છે!.. ક્યાં હશે અમી!... " નિયતિ બોલવાં લાગી. ધિરજ તેની વાત સાંભળી રહ્યો હતો. તે પણ જાણતો હતો કે કેટ કેટલી મુશ્કેલીનો સામનો કરી ચુકી હશે. પાછળથી બધી વાત સાંભળી રહેલો એક ગરીબ માણસ બોલી ઉઠ્યો " શું તમેં પેલી ગાંડી છોકરીની તો વાત નથી કરતાંને જે દિવસ-રાત લગ્ન હોય તેમ તૈયાર થઈ ને ફરતી હતી બે- ત્રણ દિવસ પહેલાં!... " નિયતિ અને ધિરજનું ધ્યાન પાછળ તે વ્યકિત પર પડ્યું. રોડની કિનારી પર આરામ કરતો એ માણસ દેખાવે સાવ ગરીબ હતો. " કોની વાત કરો છો તમેં?.." ધિરજે પુછ્યું. " અરે એક છોકરી જે બે દિવસ પહેલાં ફરતી હતી . એક રાત તો એ ત્યાં ખૂણામાં પણ ઉંઘી હતી. દેખાવે તો સારા ઘરની લાગી રહી હતી. સુંદર પણ હતી. પણ ખબર નહીં કેમ આમ રોડ પર પડી રહી હતી. રડતી પણ હતી બહું અને પોતાનામાં સમાયને બસ ખુણામાં પડી રહી હતી. પણ કદાચ બહાર રહી નહતી કોઈ દિવસ , બહું નાજુક હતી મચ્છરોથી ઝઘડતી રહી આખી રાત. દેખાવે તો લાગતું હતું કે તેણે કશું ખાધું પીધું નથી . પણ છતાં બે દિવસ વગર ખાધે વિતાવ્યા. હિંમતવાળી કહેવાય હોં. પણ આખરે તેનાં શરીરે જવાબ આપી દીધો. અને તે બેહોંશ થઈ ને પડી ગઈ. બધાને લાગ્યું એ ગાંડી છે તો કોઈએ તેને મદદ ના કરી. પણ .. એ છોકરો આવ્યો અને તેને ઉઠાવી ગયો. " તે માણસે બધી વાત સમજાવી. " ક..ક્યાં લઈ ગયો એ તેને?.." ધિરજે અટકતાં પુછ્યું. તે માણસે જવાબ આપ્યો " એ તો ખબર નથી . પણ એ પછી તે છોકરીને જોઈ નથી. " ધિરજ અને નિયતિની આંખો આ બધું સાંભળી પહોળી રહી ગઈ. વિચાર્યું હતું તેનાં કરતાં પણ વધારે પીડા અમીએ સહન કરી હતી. એ માણસની દરેક વાત ધિરજને અંદરથી તોડી રહી હતી. તેનાં મનને હચમચાવી રહી હતી. તેને અમી સાથે વિતાવેલી બધી વાતો અનાયાશે જ યાદ આવવાં લાગી. તેની મુસ્કાન, તેનું કામ, તેનું ધ્યાન રાખવું , તેની સંભાળ અને દરેક વાતને ખુશીથી શણગારી દેતી અદા. તેનાં હસવાનો અવાજ ધિરજનાં કાનમાં ચોખ્ખો સંભળાય રહ્યો. અમીની વાતો, તેનો ગુસ્સો અને તેની રડતાં રડતાં પણ સહજતાથી સમજાવેલી વાતો ધિરજને સંભળાય રહ્યો હતો. અને જેટલી યાદ અમીની આવી રહી તેટલું જ તે પોતાનાથી નારાજ થતો રહ્યો. તેનું લોહી ઉકળી રહ્યું હતું અમીની પીડા સાંભળીને. કેમ કરીને અમીને શોધી લઉં તે જ તેનાં મનમાં ચાલી રહ્યું હતું. પણ રાત ઘણી થઈ હતી એટલે નિયતિએ તેને જવાં ના દીધો અને ઘેર પાછા ફર્યા. " કાલે જઈને અમીને શોધી લઈશું. ચિંતા ના કર." આટલું બોલી નિયતિ ત્યાંથી ચાલી ગઈ.

રાત લાંબી હતી. એક ક્ષણ પણ નિયતિ કે ધિરજની આંખનો પલકારો ના વાગ્યો. ઉંઘથી તો જાણે સંબંધ તોડીને બસ સવાર થવાની રાહ જોઈ રહ્યા હતાં. બીજી તરફ અમીનું મન ગભરાય રહ્યું હતું. કોઈ કારણ વગર જ તેની ઉંઘ ઉડી ગઈ હતી. આજે તેને બધાની બહું યાદ આવી રહી હતી. અને તે ક્ષણે ક્ષણે ઉદાસ બની રહી હતી. કૌશલ પણ કાંઈ વધારે ખુશ દેખાય નહતો રહ્યો. આકાશમાં ટમટમતાં તારાં જોતાં કશુંક વિચારી રહ્યો હતો. લાંબી કાળી રાત બધાની ઉંઘ ચોરી ગઈ હતી છતાં સવાર પડવામાં જાણે મોડું કરી રહી હતી.

પણ સવાર પડતાં જ કૌશલ અમી પાસે આવ્યો અને બેઠાં બેઠા જ સૂતી અમીને જગાડી કહ્યું " ઉઠી જા અમી... કેટલાં દિવસથી આમ ઘરમાં જ પડ્યા રહ્યા હોય તેમ લાગે છે. તુ મને રાજકોટ શહેર નહીં બતાવે?.. તું આ શહેરની તને સૌથી વધારે ગમતી જગ્યાઓ નહીં બતાવે?..." કાચી ઉંઘમાંથી ઉઠતી અને પરાણે આંખો ખોલતી અમીએ ધીમેથી બગાસા ખાતા કહ્યું " હેં?... તમને આટલી સવારમાં ફરવાં જવું છે?.. " કૌશલે હસતા હસતા કહ્યું " અરે ના.. ના... અત્યારે નથી કહેતો. પણ તું તૈયાર તો થા. પછી નિકળાય ને!.. " ધીમેથી અમીએ કહ્યું " હમમમ.. સાચી વાત. હું ફટાફટ રેડી થઈ ને મળું તમને બહાર. પછી આપણે બધે ફરીશું. અને નાસ્તો પણ બહાર જ ખાય લઈશું હા... " અમીનો ચહેરો ચમકી ઉઠ્યો. અને તે બેડ પરથી કૂદકો મારી નહાવા ચાલી ગઈ. " બસ આ જ ખુશી તો જોવી હતી ... કાલથી તું કેટલી ઉદાસ જણાતી હતી. હવે થોડું બહાર ફરીશ તો મૂડ અને મગજ બન્ને સારાં થઈ જશે. " કૌશલ જતી અમીને જોઈ જાતે જ બોલવાં લાગ્યો.

કૌશલનાં આવવાથી અમીને એ સહારો મળી ગયો હતો જેની જરૂર તેને ઘણાં સમયથી હતી. અમી તૈયાર થઈ એટલે કૌશલ અને અમી બંને ફરવાં નિકળી પડ્યા. આ બાજું નિયતિ અને ધિરજનાં પગલાં થંભ્યા નહતાં. અમીની શોધમાં તેમની કામકાજ તો દિવસનાં ઉગવા સાથે જ શરૂ થઈ ચુક્યું હતું. એક એક પગલું ભરતાં , લોકોને પુછતાં વળતાં તે અમીને શોધી રહ્યા હતાં. આ તરફ અમી અને કૌશલ પોતાની મસ્તી મજાક માં ખુશી ખુશી ફરી રહ્યા હતાં. વગર કોઈ કારણ, વગર કોઈ મંજિલ બસ પોતાની મન મરજીથી તેઓ પોતાનો સમય માણી રહ્યા હતાં. અમીનાં ચહેરાં પર પહેલાની માફક ખડખડાટ હસવાનો ભાવ અને આંખોમાં ચમક ધીમે ધીમે પાછી આવી રહી હતી. કૌશલ જેટલાં દિવસથી અમીને મળ્યો ત્યારથી આજે પહેલીવાર તેને આટલી ખુશ જોઈ હતી. તેને અમીનાં ચહેરાંમાં એ નાની અમથી અમી દેખાય રહી હતી. તેનાં અવાજ અને હસીમાં તેને એ નિર્દોષ અમી દેખાય રહી હતી જેને કૌશલ અને રેવા પહેલીવાર મળ્યા હતાં જ્યારે રચનાનાં લગ્નની વાત માટે વિનયને સમજાવવા ચોરીછુપીથી તેનાં ઘરમાં ઘૂસી ગયાં હતાં. કૌશલ આગળ જૂંનાં બધાં દિવસો એકસાથે જ આવવાં લાગ્યા હતાં. સામેં બેઠેલી અમી પોતાની વાતો કહી રહી હતી પણ અચાનક જ કૌશલ પોતાની જૂની વાતો વાગોળી જાતે જ હસવાં વાગ્યો . આ જોઈ અમી અચંબામાં પડી ગઈ અને કૌશલને પોતાની સપનાની દૂનિયામાથી જગાડી પુછવાં લાગી " શું કૌશલભાઈ?.. હું ક્યારની કશુંક બોલી રહી છું અને તમેં તો પોતાનામાં જ હસી રહ્યા છો!.. શું વિચારતાં હતાં કે આટલું ખુશ થઈ ગયાં?.." " અરે ના.. એવું કશું નથી. બસ આ તો તને મળ્યો ત્યારથી પહેલીવાર આટલી હસતા રમતાં જોઈ તો બસ જૂનાં દિવસો યાદ આવી ગયાં. યાદ છે તને!.. હું અને રેવાં કેવાં તારાં ઘરમાં ઘૂસી ગયાં હતાં અને પછી રેવા પકડાય પણ ગઈ હતી ,.કેટલું વઢ્યા હતાં શેરસિંહ કાકા. અને પછી રેવાએ તેનો ખબર નથી શું જાદૂ ચલાવ્યો કે તેણે શેરસિંહ કાકાની સાથે તારું પણ મન જીતી લીધું હતું!.. અને પછી એ લગ્નમાં તારાં ને વંદિતાનાં ઝઘડાં રેવાને લઈ ને. કે કોણ સૌથી વધારે વ્હાલ કરે છે રેવાને અને કોનો હક્ક વધારે છે તેને દીદી કહેવાનો!... બસ એ બધી વાતો જ યાદ આવી એટલે હસવું આવી ગયું. કેટલી મજાથી રહેતાં હતાં ને બધાં. " કૌશલની દરેક વાતમાં રેવાની હાજરી સંભળાય રહી હતી અમીને . પણ તેને અત્યારે કશું કહેવું કે પુછવું રેવા વિશે એ બરાબર ના લાગ્યું. એટલે તેણે મૌન સેવ્યું અને તેની ખુશીમાં ખુશ થઈ ગઈ.

કૌશલ અને અમી જમ્યા પછી થોડે દૂર સુધી ચાલતાં ચાલતાં અને વાતો કરતાં નિકળી રહ્યા. નસીબ કહો કે કૂદરતની મદદ પણ નિયતિ અને ધિરજ પણ તે જ રસ્તે હતાં. થોડેદૂરથી આવી રહેલી નિયતિને અચાનક અમીનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો પણ તેને પોતાનાં કાન પર વિશ્વાસ ના થયો. પોતાનો વ્હેમ સમજી તેણે ધ્યાન ના આપ્યું. પણ જેવી જ નજર થોડે દૂર સુધી દોડી કે તેને આગળ ચાલતી અમી નજરે પડી. નિયતિનો ખુશીનો પાર ના રહ્યો. તેનાં મોઢેં અવાજ નહતો નિકળી રહ્યો. તેણે ધિરજનો હાથ ઝંઝોડતાં તેને ઈશારો કરી અમીને જતાં બતાવી. ધિરજ પણ અમીને જોઈ ખુશીથી ઉછળી પડ્યો. પણ જેવું જ ધ્યાન તેની બાજુમાં ગયું કે તરત જ તેને કોઈ છોકરો દેખાયો. બંને આગળ ચાલતાં હતાં એટલે તેમનાં ચહેરાં બરાબર દેખાતા નહતાં. ધિરજની ખુશી તેને બાળવાં લાગી. અમી કોઈ બીજાં છોકરાં સાથે ફરે છે અને એ પણ હસતી - રમતી આ વાત ધિરજથી બરદાશ નહતી થઈ રહી. જાણે- અજાણે તે અંદરથી ગુસ્સાની આગમાં ઝંઝોળાય રહ્યો હતો. " તેની સાથે કોણ છે?.. " ધિરજે નિયતિને પુછ્યું. પણ નિયતિને પણ સમજાય નહતું રહ્યું " ખબર નથી. ચાલ જઈને જોઈએ. " નિયતિ અને ધિરજ ફટાફટ તેમની નજીક પહોંચ્યા.

પોતાની મસ્તીમાં મગ્ન બની અમી અને કૌશલ ચાલી રહ્યા હતાં. અમી પોતાની નાની મોટી વાતો કૌશલને સંભળાવી રહી હતી. અને કૌશલ તેને સાંભળતો ચાલી રહ્યો હતો. સાથે સાથે બોલતાં બોલતાં અમી રસ્તાની વચ્ચે ના જતી રહે તે માટે તેનો હાથ પણ પકડીને ચાલી રહ્યો હતો. આ જોઈ ધિરજને ગુસ્સો આવવાં લાગ્યો. તેણે પાછળથી બૂમ પાડી અમીને બોલાવી. અમીનો હસતો ચહેરો પાછળ તરફ વળ્યો અને અચાનક તેના ચહેરાની મુસ્કાન ગાયબ થઈ ગઈ. તેની સાથે સાથે કૌશલ પણ પાછળ વળ્યો . પણ જેવો જ કૌશલ પાછળ ફર્યો કે તરત નિયતિ અને કૌશલે એકબીજાને જોયાં અને બસ સ્તબ્ધ રહી ગયાં. ઘણાં લાંબાં સમય પછી તે બંને એકબીજાની સામેં અને એ પણ એટલાં નજીક હતાં કે તેમની હાજરી અનુભવાય રહી હતી. નિયતિ આજે રેવા બની રહી હતી. તેની નજરો કૌશલ પરથી ઉતરી જ નહતી રહી. કૌશલ પણ એકીટશે વગર કોઈ પલકારો માર્યે રેવાને જોઈ રહ્યો હતો. તે બંનેનો સમય તો ત્યાં જ થંભી ગયો. મોંઢામાંથી શબ્દ નહતો નિકળી રહ્યો કે ના તેમને આજુબાજુનો એકપણ શબ્દ સંભળાય રહ્યો હતો. તેમને સંભળાય રહ્યું હતું તો એકબીજાનું મૌન. મૌન જે બૂમો પાડી પાડીને વાતો કરી રહ્યું. આંખોનો એ સ્પર્શ જે મનને ભિંજાવી રહ્યો. હ્રદયનાં ધબકારાં એટલાં વધી ગયાં હતાં કે કૌશલ અને રેવા એકબીજાનાં ધબકાર પણ સાંભળી શકતાં હતાં. ચહેરાં પર કોઈ ભાવ નહતો. મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું પણ વર્ષો પછી બંનેનો આત્મા જીવી ઉઠ્યો હતો. અને વગર વાક્યોની વાતો થવાં લાગી.

કૌશલ : રેવા.......... આખરે તારો ચહેરો જોવાં તો મળ્યો.

રેવા : કેમ... ફોટો નહતો કોઈ!.. કે રાખ્યો જ નહતો?!...

કૌશલ : તને લાગે છે કે તારી કોઈ વસ્તું પોતાનાથી દૂર કરી હશે?...

રેવા : બરાબર... પુછવાં માટે મરી રહી છું.... કેમ છે તું?...

કૌશલ : કેવો હોઈશ તારાં વગર!... બસ જીવી રહ્યો છું જવાબદારીથી ઘેરાય ને... તું કહે ને તું કેમ છે?...

રેવા : કેવી લાગું છું?..

કૌશલ : પહેલાં કરતાં પણ વધારે ખુબસૂરત. પહેલાં કરતાં પણ વધારે સમજદાર અને સરળ. પણ...

રેવા : પણ શું?..

કૌશલ : પણ લાગે છે કે સમજદાર બનવામાં તારી બધી મસ્તી છીનવાય ગઈ છે. બહું શાંત લાગી રહી છે. જવાબદારીઓનાં ભાર નીચે થોડી દબાયેલી પણ જણાય રહી છે.

રેવા : મસ્તી , મજાક અને ઝઘડાં કે જીદ્દ તો એટલે હતી કે મને ખબર હતી કે તું છે મારાં બધાં નખરાં ઉઠાવવાં. તું છે મારી બધી વાત માનવાં , મને બધાથી બચાવવાં , મારી સંભાળ લેવાં. પણ હવે તો તું નથી ને... તો બસ તું છૂટ્યો તો મસ્તી પણ છૂટી ગઈ.

કૌશલ : પણ મને તો એ નખરાળી છોકરી જ ગમતી હતી.

રેવા : કૌશલ....

કૌશલ : હા બોલને.... તારી વાતો સાંભળે સદીઓ વીતી છે.

રેવા : કૌશલ મને રડવું આવે છે.... એવું લાગે છે કે પલકો ઝબકી લેશે તો આંસુ સરી પડશે.

કૌશલ : ખબરદાર જો એકપણ આંસુ આંખોમાં આવવાં દીધું તો!... રડવાનું શું એમાં...

રેવા : મને નથી ખબર કે આ તને જોવાની ખુશીનાં આંસુ છે કે તારાં વગર આટલો સમય વિતાવવાનાં દુઃખનાં આંસુ છે!.. પણ મને બહું રડવું આવે છે. તું કેમ મારાંથી દૂર થયો જ....

કૌશલ : બિલકુલ રડતી નહીં હા.. નહીં તો હું પણ રડી પડીશ. તને ખરેખર લાગે છે કે આપણે એકબીજાંથી દૂર થયાં હતાં?... શું હું તારાં મનમાં તારી સાથે નહતો?..

રેવા : અને હું?.. હું હતી તારી સાથે?..

કૌશલ : મારી પાગલ છોકરી..... તને તો મેં દૂનિયાથી બચાવી, સંતાડી હંમેશાં મારાં મનમાં જીવતી રાખી છે.

રેવા : મને તારી બાથમાં નહીં ભરે?... પકડી લે ને જોરથી મને . એટલી જોરથી કે હું તારાંથી દૂર જ ના જઈ શકું.

કૌશલ : પકડી શકતો હોત તો એ દિવસે જ પકડી લેતો ને... જે દિવસ તું મને છોડીને ગઈ હતી. હું એવું નથી કરી શકતો....

રેવા : મનમાં છું તો હાથમાં કેમ નહીં?...

કૌશલ : બસ થયું હવે. બધી નારાજગી ભૂલીને આવી જા ને મારી નજીક. પહેલાની માફક ઝઘડો કર, જીદ્દ કર પણ એ ઝઘડામાં અને જીદ્દમાં મારી પાસેથી મને જ માંગી લે ને. સાચવી લે ને, તારાં આ દુપટ્ટામાં સંતાડી લે. હવે નથી જવું તારાંથી દૂર.

અને નિયતિને એક જોરદાર ઝટકો વાગ્યો. તેનું ધ્યાન તુટ્યું અને જોયું તો ધિરજ તેને જગાડી રહ્યો હતો. અને એક ઝટકામાં રેવા નિયતિમાં ફેરવાય ગઈ. એ નિયતિ જેનો કોઈ સંબંધ કૌશલ સાથે નહતો. " કોણ છે અમી આ ?.. " ધિરજે કૌશલ તરફ ઈશારો કરતાં પુછ્યું. " દીદી... તમેં?.. " અમીએ ધિરજનો જવાબ ના આપતાં પોતાનો પ્રશ્ન પુછી લીધો. રડતા રડતાં નિયતિ અમીને વળગી પડી. પોતાની બધી ભૂલોની માફી માંગવી હતી પણ રડવાનું જ રોકય નહતું રહ્યું. નિયતિનાં અમીને જોઈ ખુશીનાં આંસુ નિકળી રહ્યા હતાં. નિયતિની હૂંફ અને પ્રેમ પાછો મેળવી અમીની આંખો અને મન ચમકી ઉઠ્યો હતો. અને તે પણ નિયતિને એટલી જોરથી વળગી રહી કે જાણે કોઈ વાતની ચિંતા નહતી. ધિરજની ધિરજ ખુટી રહી હતી. પણ તેને અમી અને નિયતિના મિલાપમાં ખલેલ નહતો પહોંચાડવો. એટલે ધિરજ કૌશલ નજીક જઈ તેને જ પુછવાં લાગ્યો " તું ઓળખે છે અમીને?.. " કૌશલનું ધ્યાન ધિરજ તરફ ગયું અને તે બોલ્યો " હું તો ઓળખું છું તેને. પણ તું આજ સુધી અમીને ઓળખી જ નથી શક્યો. જો ઓળખી લીધી હોત ને તો આજે તેં તેને પોતાનાથી દૂર જ ના જવાં દીધી હોત. પતિ છે ને તું તેનો?.. એ પહેલાં મિત્ર હતો ને?.. તો પણ ના ઓળખી શક્યો?!... " કૌશલનાં જવાબથી ધિરજની બોલતી બંધ થઈ ગઈ. છતાં તેને જાણવું હતું કે તે કોણ છે એટલે તેણે ફરી પુછ્યું " હું તો તેનો શું લાગું છું એનાથી કોઈને મતલબ ના હોવો જોઈએ. તું એ કહે કે તું એનો શું લાગે વળગે છે?.. " " ભાઈ છું તેનો.... મોટો... કૌશલ નામ છે મારું . હજું કશુ પુછવું છે?.. " કૌશલે જવાબ આપ્યો. અને ધિરજની ઓળખાણ કૌશલ સાથે થઈ ગઈ. આ સાંભળી ધિરજ ચુપચાપ ઉભો રહી ગયો.

પણ નિયતિનું કૌશલ અને કૌશલનું નિયતિ ને મળવાનું હજું બાકી હતું. કેવી રીતે વ્યવહાર કરશે જ્યારે તે એકબીજાને આમને સામને વાત કરવાં ઉભાં હશે!...



ક્રમશઃ