ajanyo shatru - 23 in Gujarati Fiction Stories by Divyesh Koriya books and stories PDF | અજાણ્યો શત્રુ - 23

Featured Books
Categories
Share

અજાણ્યો શત્રુ - 23

છેલ્લે આપણે જોયું કે મેરી અને મિલી રાઘવના બંગલો પર જાય છે. ત્યાં તેમની મુલાકાત ત્રિષા અને નતાશા સાથે થાય છે. નતાશા રશિયન માફિયા માટે કામ કરે છે, એ જાણી મેરી અને જેકના પગ તળેથી જમીન સરકી જાય છે.

હવે આગળ.....

******

મિલી અને ત્રિષાની હાલત એક જેવી હતી, એ બન્નેએ મેરી તથા જેકના ચેહરાના ઊડેલા રંગ જોયા, પણ કેમ રશિયન માફિયાનું નામ સાંભળીને એ બન્ને એટલા ડઘાઈ ગયા હતા, એ સમજાતું નહતું. એ બન્નેએ ટીવી અને ફિલ્મોમાં રશિયન માફિયાનું નામ સાંભળ્યું હતું, પણ અસલ જીંદગીમાં કદી રશિયન માફિયા વિશે જાણવાનું થયું નહીં, ના કોઈ દિવસ તેમનો પનારો પડ્યો હતો.

મેરીનું મગજ ફાટફાટ થતું હતું. એક તો નતાશા રશિયન અને એમાં પણ એ રશિયન માફિયા માટે કામ કરતી હતી, અને રાઘવે કદાચ વિરાજ સિવાય કોઈની પણ સલાહ વિના જ તેને એટલા મોટા અને જોખમી મિશનમાં શામેલ કરી હતી. રખેને સમય આવ્યે નતાશા ફરી જાય તો કેવડી મુશ્કેલી ઊભી થાય અને તે બધાની શું હાલત થાય? એ મેરી માટે વિચારવું પણ કઠિન હતું. કેમકે રશિયન માફિયાને ભારતમાં સીધી રીતે કોઈ કામ કરવાનું હતું નહીં, પણ ચાઈના અને રશિયાની બોર્ડર બહુ મોટી હતી અને તેમની આવન જાવન નિયમિત રીતે ચાલુ રહેતી. હવે રખેને પોતાના ફાયદા માટે રશિયન માફિયા ચાઇનીઝ સત્તાધીશોને મિશન વિશે માહિતગાર કરી દે તો?

જોકે મેરીની ચિંતા અનુચિત પણ નહતી, કેમકે આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈ રશિયાએ એ માથાભારે સંગઠન પર થોડી ઘણી પણ લગામ લગાવી હતી, અને એટલે જ તેઓ થોડા સમયથી આર્થિક રીતે અને વ્યવસાયમાં પણ નબળા પડતા હતા, પણ જો આવે વખતે તેમને ચીન જેવો સાથી મળી જાય તો, તેમની બધી મુશ્કેલીઓનો અંત આવી જાય, માટે તેઓ આવું પગલું ભરતાં અચકાઈ નહીં.

"પરંતુ, તને આ મળી ક્યાં? "જેકથી ન રહેવાતા તેણે આખરે રાઘવને પૂછી જ લીધુ.

" એ અત્યારે અગત્યનું નથી, સમય આવ્યે એ પણ ખબર પડી જશે. "

" ના, અમારે તેના વિશે પૂરી માહિતી જોઈએ, પછી જ આગળની વાત થશે, હું તેના પર ભરોસો કરી શકુ નહીં. "રાઘવનો જવાબ સાંભળી જેક તો ચુપ થઈ ગયો, પરંતુ મેરી તેની વાતનો તંતુ સાધતા બોલી.

રાઘવ થોડીવાર મૌન રહ્યો. પછી કંઈક વિચારીને બોલ્યો," નતાશા સાથે મારી મુલાકાત અહીંની ભારતીય એમ્બેસીના મિલિટરી એટેચીએ કરાવી હતી. મારે તેમના પાસેથી થોડી અગત્યની માહિતી જોઈતી હતી, પણ કોઈ કારણોસર તેમને મળવાનું શક્ય ન બન્યું. માટે તેમણે મને નતાશાની ભલામણ કરી ". પછી મેરી સામે ખંધુ હસતા બોલ્યો," આપણા જેવા લોકોને સારા ખરાબ દરેક સાથે ઓળખાણ રાખવી પડે છે અને એમ્બેસીમાંથી મને જાણ થઈ કે નતાશા રશિયન માફિયાને છોડવા માંગે છે, પણ કોઈની મદદ વિના એ શક્ય નહતું, તો મેં તેની સાથે સોદાબાજી કરી લીધી. એ આપણને મિશનમાં મદદ કરે બદલામાં આ આખી દુનિયામાં તેને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડવાની જવાબદારી આપણી. "

" એ તો બરોબર, પરંતુ કાલ સવારે તે ફરી નહીં જાય અને આપણો સાથ છોડી નહીં દે, એની શું ગેરન્ટી? "મેરીને હજુ પણ નતાશાનો વિશ્વાસ આવતો નહતો.

" એ તો તમે પણ ન ફરી જાવ એની શું ગેરન્ટી? "ક્યારનો ચુપ બેસેલા વિરાજે વાતચીતમાં ઝંપલાવ્યું.

મેરી ચેહરા પર એક અણગમાનાં ભાવ આવી ચાલ્યા ગયા, જાણે તેની ચોરી પકડાઈ ગઈ હોય. તેને લાગ્યું કે વિરાજ તેના મનની વાત જાણી તો નહીં ગયો હોય ને. મેરીનો ઈરાદો પણ એવો જ હતો, જો આ મિશનથી પોતાનો કોઈ ફાયદો ન થતો હોય તો તેને આ મિશનમાં કોઈ રસ નહતો.

"જુઓ, આપણે બધા એકબીજાની સચ્ચાઈ જાણીએ જ છીએ અને જો આપણામાંથી એક પણ જણ ફૂટી ગયું તો નથી તેનું ભલુ થવાનું કે નથી બાકીનાઓનું,અને ચીન આપણામાંથી કોઈને નહીં છોડે. સાચી વાત કે નહીં, મિસ મેરી?"વિરાજ પછી રાઘવે પણ મેરીને એજ લહેકામાં કહ્યું.

પરંતુ મેરી કંઈ કહે એ પહેલાં મિલી બોલી, "પણ જો આ કામમાં તમને લોકોને સાથ ન આપું તો?"

રાઘવ, વિરાજ અને જેકે એકસાથે ફરી મેરી તરફ જોયું, કેમકે મેરીએ મિલીને મનાવવાની જવાબદારી લીધી હતી અને મિલીને અહીં હાજર જોઈ બધાને વિશ્વાસ હતો કે મિલી તેમની સાથે જોડાવા માટે રાજી થઈ ગઈ છે, પરંતુ મિલી તો કંઈક જુદું જ બોલી રહી હતી.

મેરીને હવે ખરેખર ગુસ્સો આવતો હતો. પહેલા નતાશા પછી વિરાજ અને રાઘવ અને હવે મિલી. તેના બધા પાસા અવળા પડતા હતા. તેને અત્યારના અને વર્ષો પહેલાંના રાઘવમાં જમીન આસમાનનો ફર્ક નજર આવતો હતો. પણ એ બધુ વિચારવાનો અત્યારે સમય નહતો. અત્યારે તો તેને કેમેય કરીને મિલીને મનાવવાની હતી. કેમકે જો મિલી ન માને તો રાઘવ સાથે તે આગળના મિશનમાં જોડાઈ ન શકે. તેના દેશની જાસૂસી સંસ્થામાં તેના નામ પર બટ્ટો લાગે અને એના કરતાં પણ મહત્ત્વની વાત એ હતી કે મિલીને યોજનાની અને તેની સાથે જોડાયેલા લગભગ દરેક વ્યક્તિની જાણકારી હતી અને જો તે આડી ફાટે તો બધાના એકસાથે રામ નામ સત્ય થઈ જાય.

મિલીની વાત સાંભળી જેક, મેરી અને નતાશાના જીવ હજુ ઉચ્ચક હતા. પરંતુ રાઘવ, વિરાજ અને ત્રિષા એકદમ શાંત બેઠા હતા. કારણ કે ત્રિષા કદાચ જાણતી હતી કે હવે આગળ શું નાટક ભજવવાનું છે! તેને જે રીતે આ મિશનમાં જોડાવા માટે રાજી અથવા તો મજબૂર કરવામાં આવી હતી, એવી જ રીતે કદાચ મિલીને પણ મજબૂર કરવામાં આવે!

ત્રિષાનો શક સાચો પડતો હોય એમ થયું પણ એમજ. પહેલાં મેરીએ અને પછી રાઘવ તથા વિરાજે મિલીને મનાવવાની કોશિશ કરી. ત્રિષાનું ઉદાહરણ આપી પણ કોશિશ કરી જોઈ, પણ એ ન માનતા રાઘવ અને વિરાજે પોતાની આખરી બાજી ખેલી લેવાનું નક્કી કરી લીધું.

"મિસ મિલી, જો તમે અમારી સાથે અમારા બધાની સત્ય હકીકત જાણીને પણ કામ ન કરો અને અમે તમને જવા દઈએ, તો આ દુનિયામાં અમારાથી મહામૂર્ખ કોઈ ના કહેવાય. "રાઘવ મિલીને ધમકાવતા કહ્યું.

" એટલે તમે કહેવા શું માંગો છો? જે કહેવું હોય તે સાફ સાફ કહો... "

" તો સાંભળો, અત્યારે તો હિંદુ રીતી રિવાજ પ્રમાણે તમારો અંતિમ સંસ્કાર શકય નહીં બને, પરંતુ એક વાતની ખાતરી આપીશ કે અહીંથી જતાં પહેલાં તમારા અંતિમ સંસ્કાર કરીને જ જઈશ.... "આ વખતે રાઘવના સ્થાને વિરાજે જવાબ આપ્યો.

" એટલે તમે લોકો સાચ્ચે જ એને મારી નાખશો? " ત્રિષાએ ભયમિસ્રિત અવાજે કહ્યું. કેમકે એને ખાતરી તો હતી જ કે છેલ્લે રાઘવ અને વિરાજ આવો જ કોઈ દાવ રમશે. પણ આટલા ચોખ્ખા શબ્દોમાં અને એટલી જલ્દી, એની ત્રિષાને આશા નહતી.

" તમે લોકો મને ગમે તે કરી લો, પણ હું આ ખોટા કામમાં તમારો સાથ નહીં જ આપુ. "વિરાજની વાત સાંભળી મિલી વધારે ઉશ્કેરાઈ ગઈ હતી.

મિલીને ઉશ્કેરાયેલી જોઈ જેક રસોડામાંથી તેના માટે પાણી લઈને આવ્યો. જેકે મિલીને પાણી આપી તેની પીઠ પર હાથ પસારી તેને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યો. કારણ કે તે જાણતો હતો કે મિલી હવે ગમે તેટલા ધમ પછાડા કરી લે, તેનો અહીંથી છૂટકારો થલાનો નહતો. અને તેના કારણે જ મિલી અહીં હાજર હતી.

"ઓકે, મિસ મિલી તમને તમારી જાનની ફિકર નથી, પરંતુ તમારી નાનાં કારણે તમારા ચહીતા કોઈ બીજાની જાન જાય એવું તો તમે નહીં જ ઈચ્છો?" રાઘવે ઘાતકી નજરે જેક સામે જોઈ મિલીને કહ્યું.

મિલી પગથી માથા સુધી ધ્રુજી ગઈ. તેને કદી એવો વિચાર નહતો આવ્યો કે આ લોકો જે જેકના સાથી હતા. જેકના નામ પર તેને બ્લેકમેલ કરશે. "પણ એ તો તમારો સાથી છે, મારવી હોય તો મને મારો. તેને કેમ વચ્ચે લાવો છો?"

"કેમકે તને માર્યા પછી એ અમારો સાથી નહીં રહે... તો તેને પણ અત્યારે જ ખતમ કરી દઈએ.. અમારી પાસે વધારે સમય નથી વેડફવા માટે.. "વિરાજે જેકની ગરદર પાછળથી પકડતા મિલીને કહ્યું.

" ભલે, હું તમારો સાથ દેવા તૈયાર છું, પણ જેકને કંઈ ના થવું જોઈએ.. "જેકની હાલત જોઈ મિલીએ પોતાની હાર સ્વીકારી લીધી.

ત્યારબાદ વિરાજે મેરી અને મિલીને તેમના ફ્લેટ પર રવાના કરી દીધા.તે પણ કોઈ કામ માટે તેમની પાછળ પાછળ જ જેકને સાથે લઈ બહાર ગયો. નતાશા પણ બહાર બગીચામાં ટહેલવા માટે ગઈ. હોલ ધીમે ધીમે ખાલી થઈ ગયો. હવે ફક્ત રાઘવ અને ત્રિષા એ બે જ હોલમાં બચ્યા હતા.

"તે મિલી અને જેકને મારવાની ખોટી ધમકી જ આપી હતી ને? "ત્રિષાએ રાઘવને પ્રશ્ન કર્યો.

" હા....."રાઘવે ફક્ત એકાક્ષરી જવાબ આપ્યો.

"અને જો મિલી જેકને મારવાની ધમકીથી પણ ન માની હોત તો...? "ત્રિષા એ ફરી પ્રશ્ન કર્યો.

" તો..... તો.... જવાબ તને સાંભળવો ગમે એવો નથી. "કહેતા રાઘવ પણ પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

*****

શું મેરીનો નતાશા પરનો શક સાચો પડશે? કે મેરી પોતે જ ફરી જશે? શું રાઘવ સાચે જ મિલીને મૌતના હવાલે કરી દેત? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.