Jingana jalsa - 9 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 9

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 9

પ્રકરણ 9


આગળ આપણે જયપુર વિશે જાણ્યું હવે આગળ...

લગભગ આઠ વાગ્યે મથુરામાં એક ધર્મશાળામાં ઉતારો નક્કી કર્યો. રસોઈની તૈયારી થવા લાગી. ચાપાડી શાક બનાવવાનો પ્રોગ્રામ હતો. અમે બધા આજુબાજુ ચક્કર મારવા જતા હતા ત્યાં જ જીંગાભાઈ ચાપડી માટે જાડો લોટ જેને અમારી કાઠીયાવાડી ભાષામાં ભૈડકુ કહેવાય છે તેનું બાચકું( નાનો કોથળો) લેવા માટે બસ ઉપર ચડ્યો. અને મંછાબહેન તે ભૈડકાનું બાચકું નીચે ઉતારવા માટે બસની પાછળનાં દાદરમાં અડધે સુધી ચડી ને ઉભા રહ્યા.જીંગો ઉપરથી બાચકું લઈને નીચે ઉતરતો હતો.બસના દાદારના બે પગથીયાં નીચે ઉતર્યો ત્યાં તેના હાથમાંથી બાચકું લસર્યું. સીધું પડ્યું મંછાબહેનના માથે! મંછાબહેન અને બાચકું બન્ને નીચે પડ્યા.બાચકાનું અડધું ભૈડકુ નીચે અને અડધું મંછાબહેન ઉપર પડ્યું.મંછાબહેન આખા ભૈડકા વાળા ભરાઈ રયા(રહ્યા).આખા શરીર પર લોટ વેરાયો હોવાથી મંછાબહેન ધોરા ધોરા(સફેદ) દેખાવા લાગ્યા.માથે,મોઢે બધે જ લોટ.

"એ જનાવર જો તો ખરો, હાથમાં બાચકું સરખું પકડી પણ નથી શકતો. આજ તો તે મારું ઢીંઢું ભાંગી નાખ્યું ડોબા."

જીંગાભાઈ પણ મશ્કરી ચાલુ કરતા બોલ્યા ;" એકદમ ભૂત લાગે છે મંછાળી .મથુરાની શેરીમાં નીકળતો છોકરા પાછળ દોળશે અને રાડો પાડશે કે મંછાળી ભૂત...ભૂત..."

"જાને ડોબ...જાણી જોઇને બાચકું મારા ઉપર નથી નાખ્યું ને? "

"એ બળબમ, આતો હાથમાંથી લસરી ગયું એટલે બાકી આપણે સાવ તારા જેવા જાડી બુદ્ધિના નથી હો."

"હા બુદ્ધિનો ખજાનો છે તારી પાહે(પાસે).એલા ભાઈ કોઈને બુદ્ધિ જોઈતી હોય તો આ જનાવર પાસે થી લઇ લેજો."

અમને પણ મંછાબહેનને જોતા હસવું આવી ગયું.આ જોઈ જીંગો મોજમાં આવી ગયો,"જો મંછાળી આજ બધા તારા દાંત(હસે) કાઢે છે. વળવાંદરી આજ ચોખી ભૂત દેખાય છે બળબમ."

"એ હુરધન તારા કરતા તો હું સારી જ દેખાવ છું.ડફોળ,દાગીના,નમૂના,ડોબા જેવા. તને જોઈને તો આ જંગલના જનાવર પણ ભાગી જાય."

"તને જોઈને તો આ આખી બસ તારા ઉપર હશે છે હળબમ."

"આજે ચાપડી કરવાની છે એ આટલા ભૈડકાથી થઇ જશે કે કેમ એ તો પહેલા જોવો.પછી આ લમણાં જીક કરજો."ભગત બાપ ગુસ્સે થતા બોલ્યા.

"અત્યારે તો થઇ જશે પણ, સવારે દરાવવા જવું જોહે(જોશે)".મંછાબહેન લોટ ખંખેરતા ખંખેરતા બોલ્યા.

"સારું તો સવારે જીંગા તું અહીંયા ક્યાંક દરવાનું મીલ હોઈ તો દરાયાવજે."

"હા ભગતબપા."

બધા સાંજનું ભોજન આરોગી આરામ કરવા આડા પડ્યા ને બધા ઘસઘસાટ સુઈ ગયા.વહેલી સવારે નાહી પરવારીને બસે આવ્યા.બધાએ નાસ્તો કર્યો અને નીકળી પડ્યા કૃષ્ણ જન્મભૂમિ પર....

સૌ પ્રથમ અમે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સ્થળના દર્શને જવાના હતા. જન્મસ્થાનના મુખ્ય દરવાજાની બન્ને બાજુએ સુંદર દ્વારપાળની મુર્તિ રાખવામાં આવી છે.દરવાજાની ઊપર અર્જુનનો રથ ભગવાન ચલાવતા હતા એ મૂર્તિ રાખી છે. ભગવાનનું જન્મ સ્થળ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પહેલું ગર્ભ ગૃહ, બીજું કેશવદેવ મંદિર અને ત્રીજુ ભાગવત ભવન.

ગર્ભગૃહએ કારાવાસ છે,જેમાં કંસે વાસુદેવ અને દેવકીજીને બંદી બનાવીને રાખ્યા હતા. અને એ જ સ્થળે ભગવાનનો જન્મ થયો હતો.આ ઐતિહાસિક સ્થળ તથા ભગવાનના ચરણો જે જગ્યા પર પડ્યા હતા તે જગ્યાનાં દર્શન કરી મનને અદકેરી શાંતિનો અહેસાસ થયો.

ભગવાન કેશાવદેવનું મંદિર આ સ્થળનું સૌથી પ્રાચીન મંદિર છે. અહીંયા ભગવાન શ્રીકૃષ્ણની ખૂબ જ સુંદર અને આકર્ષિત મૂર્તિ છે.

અહીંયા બીજા પણ ઘણા બધા મંદિરો છે. જેમાં જગન્નાથ રાયનું મંદિર છે,જેમાં જગન્નાથ શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રની મૂર્તિ રાખવામાં આવી છે.આ સિવાય અહીંયા મહાદેવ બાબા, હનુમાનજી મહારાજ, સીતા-રામ-લક્ષ્મણ,શેરાવલી માતાનું મંદિર છે .અહીંયા મંદિરની છત પર ભગવાનની વિવિધ લીલાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. મંદિરની પરિક્રમામાં તામ્રપત્ર પર સંપુર્ણ ભાગવત ગીતા લખેલી છે. અહીંયા હોળી ખૂબ જ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં તથા જન્માષ્ટમીમાં અહીંયા સૌથી વધુ માનવ મહેરામણ ઉમટે છે.

કૃષ્ણ જન્મની પાછળ મહાદેવના મંદિરના દર્શન કરી અમે સીધા જ 'મથુરા સરકારી મ્યુઝીયમ' જોવા રવાના થયા.આ મ્યુઝીયમનો સમય સવારના ૧૦ થી બપોરના ચાર ત્રીસનો છે. સોમવારે આ મ્યુઝીયમ બંધ રહે છે.

મ્યુઝિયમના બહાર ગાર્ડનમાં ભગવાન બુદ્ધની ખૂબ જ પ્રાચીન અને સુંદર મૂર્તિ ત્યાં પ્રવેશ કરતા દરેક પ્રવાસીના મનને મોહિત કરી લે છે.

આ મ્યુઝિયમમાં મથુરા શૈલીમાં બનેલ વિવિધ મૂર્તિઓ જોવા મળે છે.લગભગ પહેલી સદીથી લઈને છઠ્ઠી સદી સુધીની ઘણી બધી મૂર્તિઓ આ સંગ્રહાલયમાં દ્રશ્યમાન થાય છે. અહીંયા ભગવાન બુદ્ધની મૂર્તિનો નીચલો ભાગ રાખેલ છે ,જેમાં બ્રાહ્મહી લિપિમાં લખેલ લેખ દેખાય છે.

આ મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માટીની મૂર્તિ બનાવવા માટે ડાઈ (ફર્મો) બનાવવામાં આવે છે, અને તેનાથી બનેલી મૂર્તિ બંને જોવા મળે છે.આ ફર્માની બનાવટમાં કારીગરની હસ્તકલા ઉપર આપણે ખરેખર આફરીન થઈ જવાય એટલી અદભુત રીતે ફર્મા બનાવેલ છે. મ્યુઝિયમ જોઈને અમે 400 મીટર દૂર આવેલ હોળી ગેઇટ પાસે ગયા.ત્યાં ખૂબ બધી મીઠાઈની વેરાયટીઓ જોવા અને ખાવા મળે છે, પણ ખિસ્સામાં ભાર હોય તો!

હવે અમે પહોંચ્યા રાજાધિરાજ દ્વારકાધીશ મંદિર.વિશાળ બાંધકામ અને એકદમ બારીક નકશીકામ ,કલર કામ જોતાજ આપણા મન પ્રફુલ્લિત થઈ જાય છે. અમે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અમે બધા બપોરના ભોજન માટે બસ પાસે આવ્યા.

જમીને અમે સીધા વિશ્રામ ઘાટ પર આવીને થોડો વિશ્રામ કર્યો.

મથુરામાં કુલ પચ્ચીસ ઘાટ છે.જેમાંથી વિશ્રામઘાટ મુખ્ય અને મોટો ઘાટ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભગવાન કૃષ્ણ અને બલરામે કંસ વધ કર્યા બાદ અહીં આવીને આરામ કર્યો હતો. યમુના નદીની સફર કરવા માટે અહીંયા હોળી મળી રહે છે. આ ઘાટ પર માતા યમુનાનું ખૂબ જ પ્રાચીન મંદિર છે. તેમાં પાંચ પંડિત જ્યોત સાથે સવાર-સાંજ આરતી કરે છે, આરતીના દ્રશ્ય ખુબજ સુંદર દેખાય છે. વિશ્રામ ઘાટ પર હોળીની સફર માણી યમુનાજીના પાણીની મોજ કરી.હવે અમે ગરતેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા. આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે ,અહીંના લોકોનું કહેવું છે કે આ મંદિર કૃષ્ણ સમયનું છે.

મહાદેવના દર્શન કરીને અમે સીધા જ ગીતામંદિર જોવા ચાલી નીકળ્યા.શેઠશ્રી જુગલકિશોરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું એટલે આ મંદિરને બિરલા મંદિર પણ કહેવામાં આવે છે.આ મંદિરની સામે જ એક લાલ પથ્થરનો સ્થંભ છે, જેમાં આખી શ્રીમદ ભાગવત ગીતા લખેલ છે.

હવે અમે બસમાં ગોઠવાયા અને બસ નીકળી પડી ભગવાનની બાળલીલા જ્યાં થઇ છે તે સ્થળે,એટલે કે ગોકુળ જવા.

ગોકુળ મથુરાથી લગભગ પંદર કિલોમીટર દૂર છે, અમે ત્રીસ-પાંત્રીસ મિનીટની મુસાફરી બાદ ગોકુળ પહોંચ્યા.

સાંકડી ગલીઓમાંથી પસાર થતા થતા અમે નંદભુવન પહોંચ્યા. આ એ જગ્યા છે કે જ્યાં વાસુદેવ શ્રીકૃષ્ણને મુકવા આવ્યા હતા.શ્રાવણ સુદ આઠમની મધ રાતે.કારવાસના દરવાજા આપો આપ ખુલી ગયા અને દ્વારપાળો સુઈ ગયા.એ આખી કથા બહુ પ્રચલીત છે,માટે અહીંયા એનું વર્ણન ટુંકાવી દઉં છું.

નંદભુવનના ગર્ભ ગૃહના દર્શન માટે ગયા.અહીંયા નંદબાબા ,જશોદામૈયા અને કાન્હાની સુંદર મૂર્તિઓ બિરાજમાન છે.સાથે સાથે અહીંયા યોગમાયાનું જન્મ સ્થળ મંદિર પણ છે. અમે એમના દર્શન પણ કર્યા.આ યોગમાયાને વાસુદેવ સાથે લઇ ગયા હતા,કારાવાસમાં. ભગવાનનું બાળપણ જે ઘરમાં વીત્યું એ ઘરને અમે મન ભરીને માણ્યું અને અમારા જીવનને ધન્ય કર્યું.

નંદભુવનથી અમે નંદઘાટના દર્શન કર્યા. અહીંયા ગોકુળની પનિહારીઓ પાણી ભરવા આવતી અને ભગવાન પોતાની લીલાઓ કરતા. અહીંયા યમુના નદી એકદમ સ્થિર રીતે વહે છે.યમુનાજીના કાઠડે ઠેર ઠેર કદમના ઝાડ હવામાં લહેરાતા દેખાય છે. કદમના ઝાડ જોઈને ભગવાનની બાળલીલાઓ યાદ આવી જાય છે.સાથે સાથે એક નવી જ તાજગીનો અહેસાસ થાય છે.

ગોકુલની યાદો અમે કેમેરામાં સંગ્રહી રમણરેતી મંદિર જોવા નીકળ્યા, જે ગોકૂળથી લગભગ બે કિલોમીટરની દૂરી પર આવેલ છે. અહીંયા રમણબિહારી શ્રીકૃષ્ણ અને રાધાની નયનરમ્ય મૂર્તિ છે. અહીંયા આરતી વખતે હાથી પોતાની સૂંઢમાં ટંકોરી લઈને વગાડે છે, તથા વારાફરતી પોતાના પગ ઊંચા કરી નૃત્ય કરે છે. જે આ સ્થળનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.અહીંયા સાધુઓ માટે ઘાસની કુટિરો બનાવવામાં આવી છે.આ નઝારો આપણને પ્રાચીન કાળના ઋષિ-મુનીઓના આશ્રમની યાદ તાજી કરાવી જાય છે. રમણરેતી સ્થાન ઉપર ચારે બાજુ નજર કરો ત્યાં સર્વત્ર રેતી જ દેખાય છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન તેમના બાળ સખાઓ સાથે આ જગ્યા પર રમતો રમવા માટે આવતા હતા.એક એવી માન્યતા છે કે આ રેતીમાં આળોટવાથી આપણા જીવનના અને શરીરના દુઃખોનો નાશ થાય છે. અમે પણ આ રેતીમાં આળોટ્યા.

હવે સાંજનો સમય થયો એટલે પાછા ઉતારા તરફ ચાલી નીકળ્યા.મથુરા ધર્મશાળા આવીને ફ્રેસ થવા લાગ્યા.રસોઈ બનતી હતી.ગરમા ગરમ પુરી અને બટાટાનું શાક સાથે કોબી ગાજરનું સલાટ આરોગ્યા.બધા સાંજનું ભોજન પતાવી મન હળવું કરવા મથુરાની બજાર જોવા નીકળ્યા.

"રાજુભાઇ તમે જાવ છો એ બાજુ ક્યાંય દરણું દરવાનું મીલ હોઈ તો મને કહેજો ભૈડકું દરાવવું પડશે."

"હા હશે તો અહીંયા કહીં જાશુ."એમ કહી નીકળ્યા. થોડે દુર મીલ જોયું એટલે હું પાછો બસે આવ્યો .

જીંગી અને ભગત બાપ ઘઉં લઈને ભૈડકું દરાવવા ચાલ્યા.મને પણ સાથે લીધો.

ઉભી બજારે બાચકું માથા પર અને હું તથા ભગતબાપ જીંગાની પાછળ ચાલતા થયાં.

મીલ પાસે જઈને જીંગા ભાઈ બોલ્યા; "ચાચા આ ઘઉંના ભૈડકા દરવાના હૈ."

"વો કૈસા હોતા હૈ."મીલ વાર ભાઈને ભૈડકામાં ન સમજાયું એટલે પૂછ્યું.

"વો થોડા જાડા આટા હોતા હૈ.એનાથી ભાખરી બનતી.હૈ.ભાખરી એટલે જાડી રોટી.સમાજ ગયે."

"ભૈયા તુમે ક્યાં કરવાના હૈ કુછ સમજમે આયે ઐસે બોલીયે."

"અરે ભાઈ ભૈડકા એટલે આટા, મગર થોડા જાડા." આને કેમ સમજાવવું.

આ બધું જોઈને હું બોલ્યો;"ચાચા વો જો લડું બનતે હૈ ના ઉસકા કૈસા આટા બનાતે હો વૈસા આટા ચાહિયે."

"હા તો ઐસે બોલોના કી લડું કે લીયે આટા ચાહિયે."

"હા ભાઈ તુમ સમજે એટલે હેમ ભી સમજે.ચાલો હવે ફટાફટ દરી દો."

"દરી મતલબ ક્યાં?"મીલ વાર ભાઈને વળી કંઈક નવું લાગ્યું એટલે પૂછ્યું.

"અરે ભાઈ એ ગેહુ હૈ ઉસે પીસ દો ઐસા બોલતા હૈ યહ."

"થીક હૈ.અધા ઘંટે બાદ આકે લે જાના."

અમે ત્યાંથી આવ્યા...રસ્તામાં જીંગો બોલ્યો;"સાવ ડોબા જેવો હતો.કેટલુ સમજાવ્યું તોયે ન સમજ્યો."

"જીંગા એ ડોબો નહોતો. એને તારે હિન્દીમા સમજાવવાનું હતું અને તું આવું હિન્દી બોલેતો એ થોડો સમજે?"

"એટલે હું ડોબો એમ કહેવનું થાય છે ને તમારું!"

"હવે એ તું જે સમજે એ."વાત ટૂંકાવતા હું બોલ્યો.

"કા ડોબા શુ માથા કુટ કરી મીલ વાર હારે?"

"એ બળબમ તને કોણે કીધું?"

" એતો તું આ રાજુભાઇ હારે(સાથે) માથા કુટ કરતો આવતો હતો એટલે સમજી જાવ ને કે ભાઈસાબ (ભાઈસાહેબ) કઈક પરાક્રમ કરીને જ આવ્યા હશે."

અમે બધા હસતા હસતા જમવા બેઠા.અને રાતે વહેલા સુઈ ગયા કેમ કે વહેલી સવારે વૃંદાવન ધામ જોવા જવાનું હતું.

ક્રમશ:::

વૃંદાવન ધામમાં જીંગાભાઈ અને વાંદરા વચ્ચે મોટું યુદ્ધ થવાનું છે. સાથે સાથે વૃંદાવન ધામ વિશે માહિતી તો ખરી જ .તો વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 10....

આપના પ્રતિભાવની રાહે રાજુસર.....