Darkness of the moon -3 in Gujarati Adventure Stories by શિતલ માલાણી books and stories PDF | અમાસનો અંધકાર -3

Featured Books
Categories
Share

અમાસનો અંધકાર -3

શ્યામલી એક નમણી નાગરવેલ સમી વિવાહના અભરખા સેવતી હતી ત્યાં જ તરણેતરને મેળે એક અજાણ્યા યુવાનને જોઈ એને નજરમાં વસાવીને ઘરે પહોંચે છે. હવે આગળ.....

ગોધુલી વેળાએ સરખી સાહેલડીનું ટોળું ગીતો ગાતા ગાતા ઘરે પહોંચે છે. શ્યામલી એની માતા ચંદાબાઈને પોતે લીધેલા ઘાઘરા અને કમખાની જોડ બતાવે છે. કે એની માતા વચાળે જ બોલી ઊઠે છે કે "ઓઢણું તો કાળી ભાતનું જ હશે ને ! " અને શ્યામલી હસતા હસતા 'હા' કહે છે...

શ્યામલી સાંજે વાળુપાણી પતાવીને રૂમના આભલામાં એ ઓઢણી માથે ઓઢી શમણામાં ખોવાઈ જાય છે કે પોતે એક સુંદર યુવકની પરિણીતા બની છે.. હાથોમાં મહેંદી રચાવી છે એ મહેંદીનો રંગ પણ ઘાટેરો લાલ અને થોડો કાળાશ પડતો , માથાના ગુંથેલા કાળા કેશમાં મોગરાની વેણી , અને ઘોર અંધારામાં હાથમાં રામણદિવડો ઝગમગ કરતો સાસરીયાને દ્રારે એની નણંદલના ફટાણા સાંભળે છે ને મનમાં મુસ્કાય છે...

કી દા'ડે ચોરી લીધા દલડા, મારા વીરના
પાતલડીએ કામણ કીધા, મારા વીરના
આંખલડીએ શિકાર કર્યા, મારા વીરના
ઘરચોળા માંગી લીધા, સોનેરી ચીરના
જાનુ જોડાવી ઘર વસાવી લીધા, મારા વીરના

આવા શમણામાં ખોવાયેલ હતી ત્યાં જ ઓરડાના બારણાની સાંકળ ખખડતા એ ચમકી ઊઠી.. બારણું ખોલીને જોયું તો એની માતા સામે ઊભી હતી.. એ શ્યામલીને જોતી રહી એક નજરે અને બોલી , હવે તું પરદેશી પંખી બની જાઈશ..દિકરી માવતર કેટલા દિવસ ????

શ્યામલી અને એની માતા બેય ગળે વળગી એકબીજાને મનોમન સમજે છે કે સમાજની રીત તો નિભાવી જ પડે...

આ બાજુ જુવાનસંગ જમીનદાર પોતાની કુટનિતીથી આજુબાજુના બીજા ચાર ગામ એના કબજામાં કરે છે. એ પોતે હવે પગને જમીન પર અડાડીને હાલે એ કક્ષાથી ઊંચે પહોંચી ગયો હતો. ભારોભાર અભિમાન એના હાસ્ય અને વાતોમાં છલકાતું. એને પોતાના ગામમાં એક ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો. જુવાનસંગને એના નામથી સૌ ઓળખતા પણ પોતે સારા કામથી ઓળખાય તેમ જ પોતાની પાપલીલા છતી ન થાય જેવી કે હત્યા, લુંટફાટ, ગેરકાયદેસરના કબ્જાની જમીનોના વેચાણ અને લંપટલીલા એ ઢાંકવાનો આંચળો એટલે દેવસ્થાનક.... એ મંદિરના ભુમિપુજનના મુહૂર્તખાતે એ આજુબાજુના ગ્રામજનોને નિમંત્રે છે..
મંદિરના મુહૂર્તના નિમંત્રણ માટે એ પોતાના મરી ગયેલા ભાઈના યુવાન પુત્ર વીરસંગને ગામોગામ મોકલે છે..વીરસંગ બધે હરતો ફરતો શ્યામલીના ગામ પહોંચે છે..એ ખુબ થાકયો હોય છે તે ગામને પાદરે કુવાની બાજુમાં વડલાને હેઠ ઘોડાને બાંધી પોરો ખાય છે ત્યાં જ શ્યામલી એની સાહેલી સંગે હેલ લઈને પાણી ભરવા આવે છે..

બધી પોતપોતાની હેલ ભરતા ભરતા વાત કરતા કરતા મશ્કરી કરે છે. અચાનક જ શ્યામલીનું ધ્યાન વીરસંગ તરફ જાય છે...એ ઓળખી જાય છે કે આ જુવાનિયો તો મેળામાં આભલામાં દીઠો તો એ જ છે... એ તરત નીચું જોઈ જાય છે ત્યાં વીરસંગ એ બાજું આવતો જણાય છે. એ એક યુવતીને ગામના મુખીનું ઘર કઈ તરફ છે એવું પુછે છે.. યુવતી જે શ્યામલીની સખી છે એ જમણી તરફ આંગળી ચીંધી રસ્તો બતાવે છે..... ખરેખર , શ્યામલી જ મુખીની દિકરી હોય છે.

શ્યામલી એની સખીને રસ્તામાં મેળામાં ઘટેલી આભલાને ઓઢણીવાળી વાત કરે છે. એ એમ પણ કહે છે કે આવો જુવાનિયો જો ભવોભવનો સાથી બને તો જીવતર જીવવાની મજા જ કંઈક અલગ હોય..

વીરસંગ ત્યાં શ્યામલીને જોઈ મનોમન હરખાય છે એ પણ શ્યામલીને તીરછી નજરે જોઈ ચાલવા મંડે છે ને સરપંચના ઘરે પહોંચે છે.. વીરસંગ માટે કેસરવાળું દુધ બનાવવા શ્યામલીની માતા રસોડામાં જાય છે..વીરસંગ ગામના મુખીને ખાટલે બેસી જુવાનસંગનું નિમંત્રણ પાઠવે છે..

એટલી વારમાં શ્યામલી પણ આવે છે. હવે બેયની નજર સામસામે ટકરાય છે. વીરસંગ થોડીવાર બેસીને નીકળવાની તૈયારી કરે છે અને રસ્તામાં શ્યામલીની સખીને કહેતો જાય છે કે સાંજ ઢળે એ શ્યામલીને ગામની બહાર મળવા મોકલે...એ એની રાહ જોશે.....

શ્યામલી મળવા જાશે કે નહીં જાય એ આવતા ભાગમાં....
....................... ક્રમશઃ............................


લેખક : શિતલ માલાણી

૨૫/૯/૨૦૨૦

શુક્રવાર