Andhayug - Real Picture of Mahabharat and Bharat in Gujarati Book Reviews by Dr Tarun Banker books and stories PDF | અંધાયુગ: મહાભારત ને ભારતકાળનુ વાસ્તવચિત્ર

Featured Books
Categories
Share

અંધાયુગ: મહાભારત ને ભારતકાળનુ વાસ્તવચિત્ર

અંધાયુગ, ધર્મવીર ભારતીની એવી કૃતિ જેને 'ન ભૂતો ન ભવિષ્યતિ' પણ કહી શકાય. 1954ના સપ્ટેમ્બર મહિનામાં લખાયેલ આ કૃતિના અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. હિન્દી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર્ ધર્મવીર ભારતીનુ આ પદ્યનાટક એક અસાધારણ નાટક લેખાયુ છે. મહાભારતના કથાબીજ આધારિત આ નાટક કુરુકુળના બે પિતરાઈ ભાઇઓ પાંડવો અને કૌરવો વચ્ચે ૧૮ દિવસ ચાલેલા મહાસંગ્રામ પછીની ગાથા છે. આ યુદ્ધ રોકવા શ્રીકૃષ્ણએ પ્રયત્ન કર્યો પણ...? નિયતિને કોણ ટાળી શકે..? આ મહાસંગ્રામના અંતે આંગળીના વેઢે ગણાય તેટલા જ લોકો બચ્યા. માત્ર કૌરવો જ નહિ પણ પાંડવકુળના પાંચેય સંતાનો પણ... ‘અંધાયુગ’ અઢાર દિવસના યુદ્ધ પછીની કથા છે. ધર્મવીર ભારતી લખે કે 'અંધાયુગ' ક્યારેય ન લખાતું જો તે લખવું કે ન-લખવું મારા હાથમાં હોત. પણ તેમણે આ કૃતિ લખી અને એવી લખી કે..? અનેકોવાર તેનું મંચન થયું. જુદાં-જુદાં અનેક સ્વરૂપે ને સમયાવધિ અનુસાર.

સ્થાપના, પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, અંતરાલ, ચોથો અંક, પાંચમો અંક અને સમાપન સુધી વિસ્તરેલ આ કૃતિ મહાભારતના 18માં દિવસની સંધ્યાથી લઈને પ્રભાસતીર્થમાં કૃષ્ણના મૃત્યુની ક્ષણ સુધીનો તેનો વિસ્તાર સોએક પેજની કૃતિમા કરાયો છે. જે હજારો વર્ષના ઇતિહાસ અને તેની વિભીષિકાને આંખ સમક્ષ તાદશ્ય કરે છે. તેનો પ્રારંભ જ અત્યન્ત રોચક અને નાટયાત્મક છે.

યુદ્ધ પછી,

આ અંધકારમય યુગ અવતર્યો છે.

જેમાં સ્થિતિ, મનોવ્રત્તિ અને આત્મા બધું વિકૃત છે,

મર્યાદાની બહુ પાતળી રેખા છે,

એય ગૂંચવાઈ છે બંને પક્ષોમાં,

માત્ર કૃષ્ણમાં જ તેને ઉકેલવાની હિંમત છે.

તે ભવિષ્યનો રક્ષક છે, અનાસક્ત છે

બાકીના, મોટાભાગના અંધ છે

માર્ગવિહીન, આત્મહીન, શિથિલ

અંતરની અંધાગુફાનાં વાસી

આ કથા છે આંધળાઓની

કે કથા છે પ્રકાશની, અંધોના માધ્યમથી.

અપાર પીડા અને કટુસત્ય સાથે આક્રોશ અહીં સ્પષ્ટ દેખાય છે. સત્તા અને સંપત્તિ માટે લડી મારેલાં, કુળનાશી માટે બીજું કહી પણ શું શકાય।.! મર્યાદાના લીરેલીરા તો બંને પક્ષે ઉડાવ્યાં હતાં. પાંડવોએ થોડા ઓછા અને કૌરવોએ થોડા વધુ. ને અંતે સૌથી વધુ શોસવું પડ્યું સ્ત્રીઓએ. પહેલા અંક્નો આરંભ કથાગાયનથી થાય : “ટુકડે ટુકડે હો બિખર ચૂકી મર્યાદા, ઉસકો દોનોં હી પક્ષોને તોડા હૈ, યહ અજબ યુદ્ધ હૈ, યહાં નહીં કિસી કી ભી જય, દોનોં પક્ષો કો ખોના હી ખોના હૈ.” અને પછી આવે કલ્પના (Imagination) અને વર્ણન (Narration) નો અદભુત સમન્વય..!

ફરી રહેલાં બે વૃદ્ધ પ્રહરી વચ્ચેના વાર્તાલાપ સ્થિતિ-પરિસ્થિતિના ભેદને પ્રસ્તુત કરે છે. ભયાવહ અવાજ સાંભળી ભયભીત પ્રહરીઓ આસપાસ નજર કરે. ત્યાં તો અચાનક અંધકાર છવાય..! બંને વચ્ચેનો વાર્તાલાપ: આંધળા રાજાની પ્રજા ક્યાં સુધી જોશે..! કંઈજ નથી દેખાતું. અચાનક વાદળ ક્યાંથી આવ્યા..? વાદળ નથી આ તો લાખો-કરોડો ગીદ્ધોનું ટોળું છે. તેમની ખુલેલી પાંખને કારણે પ્રકાશ અવરોધાયો છે. પરિણામે અંધકાર છવાયો છે. બંને પ્રહરી ગીદ્ધોથી બચવા ઢાલ નીચે સંતાઈ જાય. ત્યાં તે કુરુક્ષેત્ર તરફ વળી જાય. મોત જાણે ઉપરથી જતી રહી. અપશુકન છે આ. ન જાણે શું થશે..?

'અંધાયુગ'મા મહાભારતના માધ્યમથી આજના ભારતની વાત પણ વણી લેવાઇ હોય તેઓ આભાસ ઊભો થાય છે. મહાભારત સમય ભગવાન કૃષ્ણ યુદ્ધ રોકવા નો પ્રયત્ન કર્યો હતો. ભારત આઝાદ થયું પછી મોહન અર્થાત મહાત્મા ગાંધીએ વિભાજન રોકવાનો પ્રયાસ કયો હતો. પરંતુ આમ કરવામાં એ બંને નિષ્ફળ રહ્યા હતા અને પરિણામે બંને સ્થિતિઓમાં લાખો લોકોના મોત થયા હતા. મહાભારત સમયે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું, ને ભારતની આઝાદી સમયે મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી તોફાનો થયા. અખંડ ભારતના બે ટુકડા થયા. પાકિસ્તાન ભારતમાં અલગ પડ્યું. આ બંને વિભીષિકા એકબીજાની સમાંતરે ચાલતી કથાઓ છે અને એટલે જ એકસરખી પણ ભાસે છે. યુદ્ધની ભયાનકતાને આલેખતું નાટક ‘અંધાયુગ’ – અને વિભાજનની ઘટના સમાંતરપણે જોવા-સમજવામાં આવે તો વાચકના ચિત્તમાં સંઘર્ષ ઉભો કરે છે. આપણને સમજાય છે કે માનવસંહારના કારણે દેશની નિર્દોષ પ્રજા પિસાય છે અને વિનાકરણે જવાબદાર પણ ઠરે છે.

આ રચના પછી સંવેદનશીલ મનુષ્ય તરીકે અને વિશેષ તો સર્જક તરીકે ધર્મવીર ભારતી મનોમન ભારે રિબાયા, પીડાયા, મનમાં વિચારોનું યુદ્ધ લડ્યા. કારણ ભારત હોય કે મહાભારત બન્ને કિસ્સમા યુદ્ધ ટાળવા મથનાર હારેલાઓ માટે દોષી બન્યા..! ભારત આઝાદ થયુ પણ મહાત્માની હત્યા કરવામા આવી. મહાભારતમા પણ આવુ જ થયુ ને..! ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને અશ્વત્થામા સહિત ઘણાએ કૃષ્ણને ખલનાયક ગણ્યા..! કૃષ્ણએ ગાંધારીએ આપેલા અકાળ મૃત્યુનો શાપ સ્વીકારવો પડ્યો. ‘અંધાયુગ’નો મધ્યસૂર પણ આવો જ છે. કૃષ્ણ હોય કે ગાંધી સત્ય માટે લડ્યા ને અંતે...

‘અંધાયુગ’નો અંત પણ ‘પ્રભુ કી મ્રુત્યુ’ પ્રકરણ સાથે જ આવે છે. કૃષ્ણના મ્રુત્યુ પછી આવનારા અંધાયુગની ત્યા વાત કરવામા આવી છે. મહાત્માના અવસાન પછીય ભારતમા પણ આવો જ યુગ આવ્યોને..? કદાચ હા. કારણ સત્તા જ સાધન અને સાધ્ય પણ બની ગયા..! ને પ્રજા..? નાટકના અંતે પડદો પડે ત્યારે આવતો ધ્વનિ ઘણુ કહી જાય છે. તે દિવસથી વિશ્વ પર આંધળા યુગની શરૂઆત થઈ. તે પૂર્ણ નથી થતો વારંવાર પુનર્જિવિત થાય છે. દરેક ક્ષણે ક્યાંકને ક્યાંક કૃષ્ણનું મૃત્યુ થાય છે. દરેક ક્ષણે અંધકાર વધુ ને વધુ ગાઢો બનતો જાય છે. આપણા બધાના મનમાં આ યુગ ઉંડો ઉતરી ગયો છે. અંધકાર છે, અશ્વત્થામા છે, સંજય છે અને એ આપણી દાસવ્રુતિ પણ..! આંધળી શંકા-કુશંકાઓ છે. શરમજનક પરાજય છે. બ્રહ્માસ્ત્રના ડરથી માનવી હંમેશા બચતો રહ્યો છે, કારણ આંધળી શંકા-કુશંકા, દાસપણું અને પરાજયનો ભય. મહાભારતની વાતના મધ્યમથી ભારતની વાત ‘અંધાયુગ’ની પંક્તિઓ વચ્ચેનો અર્થ તો કહે છે, પણ બિટવિન ધ લાઇંસ અને બિયોંડ ધ લાઇંસ જોઇશુ તો અનેક અર્થઘટનો વાચકને મળી રહે છે. કદાચ એટલે જ આજે ‘અંધાયુગ’ લખાયાના 60થી પણ વધુ વર્ષ પછીય કે મહાભારત ખેલાયાના પાંચેક હજાર વર્ષ પછીય આખી વાત દરેક સમયે પ્રસ્તુત લાગે છે.