Samantar - 26 - last part in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૨૬ અંતિમ

The Author
Featured Books
Categories
Share

સમાંતર - ભાગ - ૨૬ અંતિમ

સમાંતર ભાગ - ૨૬ અંતિમ

આગળના ભાગમાં આપણે જોયું કે 'નો મેસેજ નો કોલના' પાંચ દિવસ પૂરા થઈ ગયા છે. ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે પણ નૈનેશ હજી પણ ક્યાંક અટવાયેલો છે. હવે આગળ...

*****

રાતે એક વાગે બેલ વાગે છે. અડધી ઊંઘમાં ઝલક દરવાજો ખોલે છે ને જુવે છે તો સામે રાજ હોય છે. "તમે તો કાલે સવારે નીકળીને આવવાના હતાને.!?" રાજને અચાનક આવેલો જોઈને ઝલક આશ્ચર્યથી પૂછે છે...

"હા પણ પછી સાંજે જ નીકળવાનું નક્કી કર્યું જેથી રાતે આરામ થઈ જાય ને સવારથી રૂટિન ચાલુ થઈ જાય." અંદર પ્રવેશતા રાજ બોલ્યો...

"કેટલા વાગે નીકળ્યા હતાં.? ઝલકે પૂછ્યું...

"લગભગ સાત વાગે." રાજ બોલ્યો...

"ત્યારે તો આપણે ફોન પર વાત થઈ હતી અને તેં કહ્યું હતું કે ત્યાં ધોધમાર વરસાદ છે." ઝલક બોલી..

"હા... પણ પછી ધીમો પડ્યો એટલે નીકળી ગયા." રાજે કહ્યું...

"કેટલું રિસ્કી ડિસિઝન.!! એક તો ત્યાંના રસ્તા એકદમ વળાંક વાળા અને જોખમી, જો સહેજ ચૂક થાય તો જીવલેણ સાબિત થાય એવા અને ઉપરથી બધે વરસાદ..." રીતસર ખખડાવતી હોય એમ ઝલક બોલી...

"પ્લીઝ ઝલક, સવારે વઢી લેજે ને.! અત્યારે મને ફ્રેશ થઈને ઊંઘવા દે, બહુ થાક લાગ્યો છે." વચ્ચેજ ઝલકને અટકાવતા રાજ બોલ્યો.

ઝલકે પણ પછી વાત અટકાવીને ઊંઘવું જ યોગ્ય માન્યું ને લાઈટ બંધ કરી.

આખી રાત ચાલેલા ધોધમાર વરસાદ પછી આકાશ થોડું ઉઘડ્યું હતું. નમ્રતાની માથામાં કરી આપેલી ચંપીના કારણે કહો કે નૈનેશને પજવતી મૂંઝવણના ઉકેલ મળવાને કારણે, પણ કેટલાય દિવસે નૈનેશ શાંતિથી ઊંઘી શક્યો અને તેથી જ વહેલી સવારે એની આંખ ખૂલી ગઈ. એણે પથારીમાં હાથ ફેરવ્યો તો નમ્રતા ત્યાં નહતી. મોબાઈલ ચાલુ કરીને એણે સમય જોયો તો છ વાગ્યા હતા. એ ઊભો થઈને બાલ્કનીના હીંચકા ઉપર બેઠો. ખુશનુમા વાતાવરણ અને થોડું હળવું થયેલું મન, એને લાગ્યું આજ યોગ્ય સમય છે નિર્ણય લેવા માટે. અત્યારે એ કોઈ પણ ભાર વગર શાંત અને સ્થિર મનથી નિર્ણય લઈ શકશે. અને એ પહોંચી ગયો પ્રોજેક્ટ કેફેમાંથી છૂટા પડ્યા એ સમયની યાદમાં.

ઝલકથી છૂટા પડીને ઑફિસ પહોંચ્યા પછી પણ એના મનને ચેન નહતું પડતું. એને પોતાના પર સખત ગુસ્સો આવતો હતો અને રહી રહીને એજ વિચાર આવતો હતો કે ઝલક એના વિશે શું વિચારતી હશે.? ઝલકે કેટલો વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર અને એણે ભાવનાઓમાં વહી જઈને એના કપાળે કિસ કરી નાખી. એણે ઝલકને મેસેજ કરવાનું વિચાર્યું. એ વોટ્સઅપ ખોલવા જતો હતો ને વિચાર્યું કે અનાયાસે ઝલકનાં વોટ્સએપમાં કોઈની નજર પડી જાય અને એણે મેસેન્જર્ ખોલ્યું. માંફી માંગવા સાથે પોતાના મનના ચાલતા સવાલ અને ભાવ એણે લખી દીધા ને ઝલકના મેસેજની રાહ જોવા લાગ્યો. એનો ઑફિસથી નીકળવાનો સમય થઈ ગયો પણ હજી સુધી ઝલકનો રીપ્લાય ના આવ્યો એટલે એ ઉદાસ ને નાસીપાસ થઈને ઘરે જવા નીકળી ગયો.

ઘરે પહોંચીને એની એવીજ બેચેની યથાવત રહી પણ આજે હવે ઝલકનો રીપ્લાય આવવાની શક્યતા નહિવત્ હતી. રાતે ક્યાંય સુધી ઊંઘ ના આવતા જ્યારે એણે કંટાળીને રાતે એક વાગે ફેસબુક ખોલ્યું તો એના આશ્ચર્ય વચ્ચે ઝલકનો મેસેજ આવ્યો. અત્યાર સુધીમાં ઝલકે ક્યારેય રાતે મેસેજ નહતો કર્યો. જોકે એણે પણ ક્યાં કર્યો હતો, એક બે આપવાદને બાદ કરતાં.? બંને વચ્ચે જાણે એક વણકહી મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ જ હતી રાતે મેસેજ ના કરવાની.

ઝલકે કોઈ પણ ઔપચારિકતા વગર લખ્યું હતું, "હું સ્તબ્ધ થઈ ગઈ હતી એ પળે.! રિક્ષામાં ઘરે જતાં તો કેટકેટલા પ્રશ્નોએ મગજનો ભરડો લઈ લીધો હતો. આખા રસ્તે મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે મળવું ક્યાં જરૂરી હતું.? મારે તને મળવાની મારી જિજ્ઞાસા પર કાબૂ રાખવા જેવો હતો.! મને લાગ્યું કે આખરે તું પણ...

અને ઝલકે વાક્ય અધુરું છોડી દીધું...

"આગળ શું ઝલક.? હું પણ શું.?" નૈનેશે પૂછ્યું...

ઝલકનો કંઈ જવાબ ના આવતા નૈનેશે ફરી લખ્યું, "હું પણ એ પુરુષો જેવો નીકળ્યો જે ઓનલાઈન મિત્રતાના નામે સ્ત્રીની ભાવના જોડે રમત રમે છે એમ ને ઝલક.?"

"તારી મનશા ખોટી નહતી, એટલું તો પછી હું સમજી શકી નૈનેશ. પણ, એ સમયે પહેલો વિચાર કોઈને પણ ખોટો જ આવે, અને જે થયું એ યોગ્ય તો નહતું જ ને.!? ઝલકે લખ્યું...

નૈનેશે જવાબમાં ખાલી હમમ્ લખ્યું...

"ઘરે પહોંચ્યા પછી પણ મનમાં બસ એજ ઘૂમરાયા કરે કે આવું કેમ થયું.? એકપણ કામમાં ચિત્ત નહતું લાગતું, પછી થોડું શાંત મનથી વિચારતા હું અનુભવી શકી કે જે પણ કંઈ થયું એ ભાવનામાં વહી જઈને થયું. પણ, શું આગળ જતા ભાવનામાં વહી જઈને આ સંબંધ અલગ રાહ તો નહીં લે ને.? અને મને સૌથી વધુ પજવતો પ્રશ્ન કે આ જે થયું શું એ તારા અર્ધચેતન મનની કોઈ બીજી ભાવના તો નહીં હોય ને.!? તું સમજી રહ્યો છે ને નૈનેશ હું શું કહેવા માંગુ છું એ.?" ઝલકે વાત આગળ વધારતા એના મનની મૂંઝવણ રજુ કરી.

દિગ્મૂઢ થઈને નૈનેશ વાંચી રહ્યો ઝલકના પ્રશ્નોને. આખરે ઝલકે એજ પ્રશ્ન કર્યો જેનાથી એ ભાગી રહ્યો હતો. એણે સામે પ્રતિપ્રશ્ન કર્યો, "પ્લેટોનિક લવ.?"

"હમમ્... પ્લીઝ હું જે કહું છું એની ઉપર શાંતિથી વિચારજે. આપણે બંને એકબીજાની જિંદગી અને જીવનસાથી વિશે લગભગ બધું જ જાણીએ છીએ અને એ પણ કે આપણે એમને કેટલો પ્રેમ કરીએ છીએ. કહી શકાય કે એમના પ્રેમે જ આપણને મૈત્રીના બંધનમાં આ હદે બાંધ્યા. પણ વાત જ્યારે વિજાતીય પાત્રોની મૈત્રીની આવે ત્યારે ના ઈચ્છવા છતાં જાણબહાર જ કોઈ વાર એવું બની જતું હોય છે. અને આ વાત ખાલી તને જ નહીં પણ મને પણ એટલી જ લાગુ પડે છે." આટલું લખી ઝલક અટકી...

તો સામે છેડે નૈનેશ પોતાનો લાગણીઓને લઈને અસ્પષ્ટ હતો. એને સમજ નહતી પડતી કે આગળ શું કહેવું. એના મનનો અપરાધભાવ એને સ્થિર મને વિચારતા રોકી રહ્યો હતો.

"ઝલક, મેં જે કંઈ પણ કર્યું અથવા મારાથી જે પણ થઈ ગયું એના કારણે મન દોષની લાગણીથી ઘેરાઈ ગયું છે. હું બીજું કંઈ વિચારવાની સ્થિતિમાં જ નથી રહ્યો યાર..!! રહી રહીને હું મને જ ઠપકો આપી રહ્યો છું કે હું કેમ લાગણીઓ પર કાબુ ના રાખી શક્યો.? જાહેર જગ્યા પર લાંબુ વિચાર્યા વગર કરેલી મારી આ હરકતથી તારા અંગત જીવન પર પણ અસર થઈ શકે છે. હું જાણું છું, સ્વીકારું છું કે આ અક્ષમ્ય ભૂલ છે મારી અને એટલે તું જો આપણી મૈત્રીને અહીંયા જ અટકાવી દેવા ઈચ્છે તો એકપણ શબ્દ પૂછ્યા કે બોલ્યા વિના મને એ સ્વીકાર્ય રહેશે." લાંબુ વિચાર્યા વિના નૈનેશે લખ્યુ...

એકદમ અનપેક્ષિત જવાબ આવવાથી ઝલક સ્તબ્ધ હતી. એણે ધાર્યું નહતું કે આટલી જલ્દી એક સુંદર મૈત્રીનો અંત આવશે. બે પળ એણે વિચાર્યું અને પછી લખ્યું, "શું આપણે બે પરિપક્વ વ્યક્તિઓની જેમ નિર્ણય ના લઈ શકીએ.!? કોઈ પણ સંબંધનો અંત લાવવા કરતા જરૂરી છે એને ટકાવવો, એ બની રહે એના માટે બનતા પ્રયત્નો કરવા.!"

"હમમ્.." ઝલકની વાત સમજવાનો પ્રયત્ન કરતા નૈનેશે જવાબ આપ્યો...

"નૈનેશ, અહીંયા મને એક વાત કહેવી ખૂબ જ જરૂરી લાગે છે કે તેં મારા કપાળને ચૂમ્યું એમાં મને તારા વિચારોમાં કોઈ જ ખોટ નહતી દેખાઈ. તારા એ વર્તનમાં મારા માટેની તારી કાળજી અને તારા લગાવે જ ભાગ ભજવ્યો બાકી તું મને બીજે પણ ચુમી શક્યો હોત. જો હું આવી અદ્ભુત, દુર્લભ મૈત્રી ધરાવતી સ્ત્રી મિત્રની જગ્યાએ હું તારો પુરુષ મિત્ર હોત તો તું મને મળતા વ્હેંત જ ભેટી પડ્યો હોત એની મને ખાત્રી છે. પણ શું થાય.!? આપણી વિજાતીય મૈત્રી છે અને એટલે જ એને અમુક મર્યાદામાં સીમિત રાખવાની છે, નહીં તો એમાં બીજી લાગણી ભળતા વાર નહીં લાગે અને આપણી જિંદગીમાં ગૂંચવણો ઉભી થશે. આ થયા મારા વિચારો, જે મેં અનુભવ્યું અને જે મારી સમજે મને કહ્યું." ઝલકે પોતાના વિચારો રજુ કર્યા...

"હું સહમત છું.. તારા પ્રશ્નો, વિચારો અને આપણી મૈત્રીના ભાવિને લઈને તારી મૂંઝવણો સાથે. પણ હું અત્યારે કશું જ લાંબુ સમજી કે વિચારી શકવાની સ્થિતિમાં નથી, એકદમ અસ્થિર અને અસ્પષ્ટ છું. આ બધી પરિસ્થિતિને સમજવા મને થોડો સમય લાગશે.!" નૈનેશે લખ્યું...

અને પછી કંઇક વિચારીને તરત ઉમેર્યું, "હા, એજ સારું રહેશે, સમય... આપણે થોડો સમય આપીએ આપણને પોતાને. એ દરમિયાન હું પણ મારા લાગણી વિશે સ્પષ્ટ થાઉં અને તું આ મૈત્રીને આગળ વધારવી કે નહીં એ વિશે. હા.. એમ જ સારું રહેશે"

ઝલકને ખાસ સમજ ના પડી એણે પૂછ્યું, "મતલબ.?"

"આપણે થોડા દિવસ એક બીજા જોડે કોઈ પણ સંપર્ક ના રાખીએ. આ દિવસો દરમ્યાન પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે આપણા મનના ભાવ પણ.! અને પછી આપણી મૈત્રીના ભાવિનો નિર્ણય લઈએ તો.?" નૈનેશે કહ્યું...

"હા, એ સારો વિચાર છે." ઝલકે લખ્યું...

"એક અઠવાડિયું.. સાત દિવસનો ગાળો કેમનો રહેશે.?" નૈનેશે પૂછ્યું...

"આટલા સમયમાં આપણે એકબીજાની ઘણા નજીક આવી ગયા છીએ અને રોજ ચેટ કરવાનો જે નિત્યક્રમ બની ગયો છે એના પછી ઘણું અઘરું પડશે પણ આજ આપણા માટે યોગ્ય રહેશે." નૈનેશની વાતમાં ઝલકે સૂર પુરાવતા લખ્યું...

"ઓકે, તો ડન. હવે આપણે સાત દિવસ પછી એકબીજાને મેસેજ કરીશું. આ દિવસોમાં આપણે આત્મચિંતન કરીશું. શાંત ચિત્તે એકબીજા પ્રત્યેના આપણા ભાવને સમજવાનો પ્રમાણિક પ્રયત્ન કરીશું. જો ક્યાંય પણ કોઈને એમ લાગે કે આ સંબંધ કોઈ બીજું રૂપ લઈ રહ્યો છે કે લઈ શકે છે અને આગળ અંગત જીવનમાં ગૂંચવણો સર્જાઈ શકે છે તો એને પૂર્ણવિરામ આપી દઈશું. તો હવે સાત દિવસ પછી આપણે એકબીજાને આપણો નિર્ણય જણાવી દઈશું અને એક વ્યક્તિનો મૈત્રીનો અંત લાવવાનો નિર્ણય બીજી વ્યક્તિએ માન્ય રાખશે અને એ પણ એકપણ પ્રશ્ન પૂછ્યા વિના.!" નૈનેશે લખ્યું...

પાંચ મિનિટ તો પછી એમ જ વહી ગઈ, ના ઝલકે આગળ કંઇ લખ્યું અને ના નૈનેશે.

"શું આ આટલું સરળ છે.?" ઝલકે પૂછ્યું...

"ના... જરાય સરળ નથી મારા માટે તો. તને તો બે વાર અનુભવ થઈ જ ગયો ને મારા ચંચળ સ્વભાવનો. એક વાર તને જોવા માટે એક કોલેજીયનની જેમ મોલમાં આવી ગયો અને બીજી વાર આ... જેણે આપણને આજે આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા. કહેતા તો આજે કહી દીધું મેં કે સાત દિવસ 'no message no call' પણ મને ડર છે કે ક્યાંક હું જ આ પ્રોમિસ તોડીને તને મેસેજ ના કરી દઉં. નૈનેશે લખ્યું...

"મને પણ એજ ડર છે જે તને છે. તારી જોડે નાની મોટી વાત શેર કર્યા વિના તો મને પણ ક્યાં શાંતિ વળે છે. અને આ તો ઘણો મોટો નિર્ણય લેવાનો તો મુંઝવણો, પ્રશ્નો બધું જ થશે અને ક્યાંક કોઈ આવી પળમાં હું તને મેસેજ કરી બેસુ." ઝલકે લખ્યું...

"તો... શું કરીશું.!?" નૈનેશે પ્રશ્ન કર્યો...

"એક વસ્તુ થાય. કોઈ એવી મહત્વની વાત, કે પ્રશ્ન કે મુંઝવણ હોય તો એને મોબાઈલમાં નોટ્સ એપ્લિકેશનમાં લખી દઈશું અને સાત દિવસ પછી નિર્ણય લેતા પહેલા એકબીજાને એ બતાવીશું." ઝલકે ઉકેલ બતાવ્યો...

નૈનેશે તરત થમ્સ અપનો ઇમોજી સેન્ડ કરીને ડન કર્યું અને ઉમેર્યું કે, "તો બસ હવે મળીયે સાત દિવસ પછી આપણા એજ બપોરના સમયે આપણા નિર્ણય સાથે."

અને શીલજ રેલ્વે ક્રોસિંગની બરાબર સામે આવેલા પાંચ બેડરૂમના વિશાળ બંગલામાં પોતાના રૂમની બાલ્કનીના હીંચકા પર બેઠેલો નૈનેશ ત્યાંથી પસાર થતી ટ્રેનની વ્હિસલના અવાજ સાથે એકઝાટકે વર્તમાનમાં આવી ગયો. એણે મોબાઈલમાં સમય જોયો તો સાડા છ થયા હતા. એ હીંચકા ઉપરથી ઊભો થયો અને પસાર થતી ટ્રેનના ખાલી પાટાને જોઈ રહ્યો.

"એક જ રાહ છે અને મંઝિલ પણ એક છે,
તોય ક્યાં એમને એકથવાની કોઈ ચાહ છે.?
કેવા સમાંતર ચાલે છે પાટા શરૂથી અંત સુધી,
જાણે વણલખ્યો એમની વચ્ચે એક કરાર છે.!"

નૈનેશે એક ઊંડો શ્વાસ લીધો. સવારની તાજી હવા છાતીમાં ભરી અને સાથે એણે લીધેલો નિર્ણય પણ... ત્યાં ઊભા ઊભા જ એણે મોબાઈલમાં નોટ્સ એપ્લિકેશન ખોલી અને ઝલકને સંબોધીને એક મેસેજ લખ્યો...

*

ઝલક હજી સવારનું કામ પરવારીને બેઠી જ હોય છે અને એના ફોનમાં મેસેન્જરના મેસેજની નોટીફિકેશન આવે છે. એ મેસેજ ખોલે છે તો નૈનેશનો મેસેજ હોય છે. "ગૂડ મોર્નિંગ bff. શું આપણે ફરી એજ જગ્યાએ મળીને નિર્ણય લઈ શકીએ.? વિશ્વાસ રાખજે તને શરમ કે મુંઝવણમાં મુકે એવું હું કંઈ જ નહીં કરું."

બરાબર બે વાગે એજ કેફેમાં એજ ટેબલ પર ઝલક અને નૈનેશ આમનેસામને બેઠા હોય છે. કોફીનો ઓર્ડર અપાઈ ગયો હોય છે અને એકબીજાના નિર્ણયથી અજાણ બંને જણ ધડકતા હૈયે કોણ પહેલ કરે એની રાહમાં બેઠા હોય છે.

"ઓકે... આ બધું મારા કારણે થયું તો શરૂઆત પણ હું કરીશ." ચૂપકીદી તોડતા નૈનેશે કહ્યું અને એણે નોટ્સ એપ્લિકેશનમાં ઝલકને સંબોધીને જે મેસેજ લખ્યો હતો એ ખોલીને ઝલકને આપ્યો.

ઝલકે પ્રશ્નાર્થથી નૈનેશની સામુ જોતા ફોન હાથમાં લીધો અને મેસેજ વાંચવાનું ચાલુ કર્યું.

"છ દિવસ... ઘણા દિવસો લઈ લીધા મેં આટલો સહજ નિર્ણય લેવામાં. આ દિવસોમાં ઘણું બધું વિચાર્યું. તારા મારા જીવનમાં આવવાથી લઈને મહત્વનો ભાગ બનવા સુધીની એક આખી સફર પૂરી કરી, પણ આખરે મને સમજાયું કે આટલું બધું વિચારવાની જરૂર જ ક્યાં હતી.?"

કેટલી સરળ વાત હતી આમ તો સમજવા માટે. આપણા શોખ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને આપેલો સાથ બધું જ આપણી મૈત્રીને સામાન્ય કરતા વિશેષ બનાવતા હતા, એવા જ વિશેષ જેવા કૃષ્ણા એટલે કે દ્રૌપદી અને શ્રી કૃષ્ણ હતાં.

આમ તો મને ક્યારેય શ્રી કૃષ્ણ જોડે કરવામાં આવતી કોઈ સરખામણી ગમી જ નથી.! મારું દ્રઢ પણે માનવું છે કે એમના જીવનના કોઈ પણ પ્રસંગ જોડે આપણા જેવા સામાન્ય મનુષ્યોની સરખામણી હોઈ જ ના શકે. પણ અનાયાસે જ મને દ્રૌપદી અને કૃષ્ણની ઉત્કૃષ્ટ મૈત્રી યાદ આવી ગઈ અને એટલે જ હું નિર્ણય લઈ શક્યો. હવે હું એકદમ પ્રમાણિકપણે કહી શકું છું કે મારા મનમાં મૈત્રી સિવાય બીજો કોઈ જ ભાવ નહતો. હા... એમાં ઘેલછા હતી, અહોભાવ હતો, ઉત્કંઠા હતી, ઉત્કૃષ્ટતા હતી પણ બધું એક મિત્ર તરીકે.!

આપણે ફેસબુક જેવા માધ્યમથી મળ્યા, આપણી વાતો દ્વારા હું તને જાણતો થયો. જેમ જેમ હું તને વધારે જાણતો થયો એમ એમ તારા વ્યક્તિત્વથી વધુ ને વધુ આકર્ષિત થતો ગયો. તને મળવાની એક ઈચ્છા અજાણપણે જ મનમાં આકાર લેવા લાગી અને જ્યારે એ ઘડી આવી ત્યારે અભાનપણે જ મારાથી તારા કપાળે ચુંબન થઈ ગયું. જોકે એ મારી ભૂલ તો કહેવાય જ.!!

કદાચ બીજુ કોઈ આ વાત સમજી શકે કે ના સમજી શકે પણ મને આશા છે તું સમજી શકીશ કે સ્ત્રી પુરુષ વચ્ચે ખાલી પ્રેમ જ હોય એ જરૂરી નથી, આવી પણ મિત્રતા હોય..! અને એને પ્લેટોનિક લવ કે અધ્યાત્મિક પ્રેમનું નામ આપવા કરતાં મને મૈત્રીનો ઉત્કૃષ્ટ પડાવ કહેવું વધુ યોગ્ય લાગશે.

આ હતાં મારા વિચાર હવે તું જે પણ કંઈ નિર્ણય લઈશ એ એક પણ પ્રશ્ન પૂછ્યા વિના હું મંજૂર રાખીશ."

એકદમ ધ્યાનથી આખો મેસેજ વાંચી લીધા પછી ફોન આપવા માટે હાથ લંબાવીને ઝલકે નૈનેશની સામે જોયું ત્યારે એ એની સામે જ જોઈ રહ્યો હતો. એના ચહેરા પર જવાબ જાણવાની ઉત્કંઠા સાફ દેખાઈ આવતી હતી. ઝલકની આંખો સાથે એની આંખો મળતા જ નૈનેશ પોતાની નજર નીચી ઢાળી દીધી અને ફોન લેવા સામે હાથ લંબાવ્યો, પણ એના આશ્ચર્ય વચ્ચે ફોન પર ઝલકની મજબૂત પકડ હતી. એણે ઝલકની સામુ જોયું તો એના ચહેરા પર એજ ટ્રેડમાર્ક જેવું સ્મિત હતું અને એણે જગજીત સિંહની ગઝલનો એક શેર કહ્યો.

"आप भी आइये हमको भी बुलाते रहिये,
दोस्ती जुर्म नहीं दोस्त बनाते रहिये.."

આ સાંભળતા જ મુરઝાયેલા ચહેરે બેઠેલા નૈનેશનું સ્મિત ખીલી ગયું અને એણે એજ ગઝલનો છેલ્લો શેર કહ્યો..

"शक्ल तो आपके भी ज़हन में होगी कोई
कभी बन जाएगी तस्वीर बनाते रहिये.."

અને બોલ્યો, "મારા મનને જે મિત્રની શોધ હતી એ મિત્રની મને આજે તસ્વીર મળી ગઈ. થેન્ક્યુ સો મચ ઝલક મારા મિત્રનું એ અધુરું ચિત્ર પૂરું કરવા."

તો સામે ઝલક પણ એકદમ લાગણીશીલ થઈ ગઈ હતી અને આંખોમાં ધસી આવેલા પાણી સાથે એ ખાલી "સેમ ટુ યુ.." જ માંડ બોલી શકી.

*

એક વર્ષ પછી ફરી એજ જગ્યાએ નૈનેશ અને ઝલક બેઠા છે. ટેબલ પર એક કેક પડી છે જેના ઉપર હેપ્પી ફ્રેન્ડશીપ ડે લખ્યું છે. કોઈનું જરા પણ ધ્યાન આકર્ષિત ના થાય એમ એ બંને જણ કેક કાપે છે અને એકબીજાને ખવડાવીને હેપ્પી ફ્રેન્ડશીપ ડે વિશ કરે છે.

જોતજોતામાં એક વર્ષ તો ક્યાં પુરું થઈ ગયું ને નૈનેશ આપણી મુલાકાતને.? ઝલક બોલી...

"યસ... ક્યાં એક વખત આપણું મળવું અશક્ય લાગતું હતું અને ક્યાં આપણી આજ કેફેમાં ત્રીજી મુલાકાત." નૈનેશે કહ્યું...

"મને શું વિચાર આવે છે ખબર છે નૈનેશ, ધોળા વાળ ને હાથમાં લાકડી સાથે જ્યારે તું મળવા આવીશ ત્યારે કેવો લાગીશ.?" ઝલકે ખડખડાટ હસતા કહ્યું...

"તું ભૂલે છે ડિયર, તું મારા કરતાં બે વર્ષ મોટી છે એટલે તું વહેલી ઘરડી થઈશ." મંદ મંદ સ્મિત કરતાં નૈનેશ બોલ્યો...

"હુહ... તારે કાયમ આ યાદ કરાવવું જરૂરી જ હોય નહીં.!?" મોઢું ફુલાવીને ઝલક બોલી...

"એ વાત ફરી ક્યારેક ઝલક, આજે મારે તને એક જોરદાર ગુડ ન્યૂઝ આપવાના છે." નૈનેશ બોલ્યો...

"શું આટલા વર્ષે તું ફરી પપ્પા..." ઝલકે ખડખડાટ હસતા વાક્ય અધૂરું છોડ્યું...

"ના હવે, તને તો બસ મારી ખેંચવા માટે કોઈ ચાન્સ જોઈએ..." અને મોબાઈલમાં એક હેન્ડસમ છોકરાનો ફોટો ખોલીને એણે ઝલકની સામે ધર્યો...

"વાઉ... કોણ છે આ.!?" ઝલકે પૂછ્યું...

"સમ્યક... આની જોડે અનન્યાનું નક્કી કરવાનું છે." નૈનેશે કહ્યું...

"શું વાત કરે છે.? ક્યારે બધું નક્કી કર્યું અને મને કહ્યું પણ નહીં.?" ઝલક ઉત્સાહમાં બોલી...

"હજી બે દિવસ પહેલા જ અનન્યાએ ઘરે વાત કરી કે એ અને સમ્યક એક વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. મેં તને કહ્યું હતું ને એક જૈન ફ્રેન્ડ છે, એનો જ દિકરો છે આ. જાણીતા છે અને સરસ પરિવાર છે એટલે અમારે બીજુ ખાસ કંઈ જોવાનું નહતું. હા અનન્યાને થોડું ગોઠવાવું પડશે જૈન ફેમિલીના રીત રિવાજ પ્રમાણે પણ એણે જાતે જ પસંદ કર્યું છે એટલે વાંધો નહીં આવે." નૈનેશે કહ્યું...

"અને તું મને આજે કહે છે.?" ખોટો ગુસ્સો કરતા ઝલક બોલી...

"આપણી ફ્રેન્ડશીપ એનિવર્સરી આવતી હતીને તો મળવાનું તો હતું જ. એટલે મને થયું આ વાત હું તને મેસેજમાં નહીં પણ મળીને કહું." નૈનેશે કહ્યું...

"તો હવે તો તમે સસરાજી બની જવાના એમને.! ઝલકે કહ્યું...

"હા.. તો..! તારો પણ સાસુ બનવાનો વારો આવવાનો જ છે નજીકના ભવિષ્યમાં." નૈનેશે સામે કહ્યું...

"હમમ્... મને લાગે છે નૈનેશ હવે આવતા વર્ષે આપણે આમ ના મળવું જોઇએ." ઝલક કઇંક વિચારમાં હોય એમ બોલી...

"કેમ.? એકદમ શું થયું તને.?" નૈનેશે પૂછ્યું...

"તું હવે વેવાઈ બની જઈશ અને એક દીકરીના પિતા તરીકે તારે વધુ સાવચેત રહેવું પડશે. આમ આપણને કોઈ જોઈ જાય તો એની અસર તારી દીકરીના સંબંધ પર પણ પડી શકે છે." ઝલકે કહ્યું...

"મળાશે કે નહીં એના વિશે અત્યારથી કશું નથી વિચારવું. આમ પણ આપણે નક્કી કર્યું હતું કે દર વર્ષે આજના દિવસે, આજ સમય પર, આજ જગ્યાએ આપણે મળવાનો પ્રયત્ન કરીશું, તો કોઈ કારણવશ એકાદ વર્ષ ના મળાય તો ઇટ્સ ઓકે. પણ આપણે કંઈ કોલેજ જતાં વીસ કે પચ્ચીસ વર્ષના જુવાનો નથી, બે મેચ્યોર વ્યક્તિ છીએ. અને આપણે નથી કોઈ એવી જગ્યાએ કે એવી સ્થિતિમાં બેઠા કે આપણને કોઈ જોઈ જાય તો શરમમાં મુકાવું પડે. હા, માન્યું કે આપણા અંગત જીવનમાં કોઈ ખોટી ગૂંચ ના થાય એટલે આપણે આપણી મૈત્રીને પારિવારિક ના બનાવતા આપણા પૂરતી જ સીમિત રાખી, પણ હું રાહ જોઇશ એ સમય સુધી જ્યારે આપણી એકદમ ઉંમર થઈ ગઈ હશે ને આપણી મૈત્રી શરીરથી પર છે એ બધા સમજી શકશે. ત્યાં સુધી આપણો આ મૈત્રીનો સંબંધ આમ જ સમાંતર ચાલશે." નૈનેશે કહ્યું...

અને ઝલક મૂક સંમતિ આપતી હોય એમ નૈનેશની સામુ જોઈ રહી.

"લાગણીઓના હિલોળા સાથે સમાંતર ચાલ્યો આ સંબંધ,
લાગે જાણે ઈશ જાણી જોઈ કરે જીવનમાં આવા પ્રબંધ,
જીવન પર્યત રહેશે આ જ સમજદારીપૂર્ણ આપણો સાથ,
જોડાયેલા રહીશું ને રહેશે મૈત્રીનો ઉત્કૃષ્ટ સંબંધ અકબંધ."

*****

આ ભાગ સાથે સમાંતરની સફર અહીંયા જ પૂર્ણ થાય છે. સમાંતર એક કાલ્પનિક વાર્તા છે જેમાં પરણિત પાત્રોના ઓનલાઇન મૈત્રી જેવા સાંપ્રત સમયમાં ચાલતા વિષયને આવરી લેવામાં આવ્યો છે. આ પહેલા હું બે લઘુનવલકથા પ્રેમની પેલે પાર અને આકાશનો ભાગ બની છું પણ એકલા લઘુનવલકથા લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે જે સમાંતરના દરેક વાંચક મિત્રો વિના આટલો સુંદર પાર ના પડ્યો હોત. એક અઠવાડિયાની ધીરજ અને સુંદર પ્રતિભાવ આપીને ઘણા વાંચકોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર.

જય જિનેન્દ્ર..
©શેફાલી શાહ

*****
તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_