Sundari Chapter 31 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૩૧

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૩૧

એકત્રીસ

લગભગ બીજો અડધો કલાક સુંદરી અને વરુણે આવી જ રીતે હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં ગાળ્યો. વરુણને તો ઘરે જવાની કોઈજ ઈચ્છા ન હતી પરંતુ...

“અગિયાર વાગી ગયા? ખબર જ ન પડી હેં ને? તમારે મોડું થતું હશે.” સુંદરીએ અચાનક જ કહ્યું.

“ના ના, આજે તો રવિવાર છે એટલે...પણ હા ઘરે લોકો ચિંતા કરે એ પહેલાં પહોંચી જવું સારું.” વરુણે પોતાની લાગણીઓને સમજાવી દેતાં સુંદરીને કહ્યું.

“હા બરોબર છે. એમને ચિંતા જરાય ન થવી જોઈએ.” સુંદરીએ પણ પોતાનું એ સ્મિત આપતા કહ્યું જે સ્મિત પર વરુણ તેની જાત કુરબાન કરી દેવા માટે હંમેશા તૈયાર રહેતો હતો.

વરુણ તરતજ સોફા પરથી ઉભો થયો અને મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો. સુંદરી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. વરુણે દરવાજો ખોલ્યો અને સુંદરી તરફ પાછો વળી અને તેને આવજો કર્યું. જવાબમાં સુંદરીએ પણ સ્મિત સાથે તેને આવજો કર્યું.

વરુણ ઓટલો ઉતરી અને પોતાની બાઈક પાસે ગયો. બાઈકને કિક મારી અને તેને ચાલુ કરી. સુંદરીના બંગલાનો ઝાંપો બંધ હોવાથી તેણે બાઈકમાં બેઠાબેઠા જ લાંબા થઈને તેને ખોલ્યો અને બાઈક બહાર લીધી. બંગલાની બહાર આવી જવાને લીધે હવે તે એ ઝાંપો બંધ કેમ કરે તેની અવઢવમાં હતો.

“તમે રહેવા દો, હું બંધ કરી દઈશ.” સુંદરી ઓટલા પરથી નીચે ઉતરતાં જ બોલી.

વરુણે ફરીથી સુંદરીને આવજો કર્યું અને પોતાની બાઈક ચલાવી મૂકી. સુંદરી પોતાના સ્મિત સાથે ઝાંપો બંધ કરવા તેની નજીક આવી અને તેણે જ્યારે પોતાની જમણી તરફ જોયું તો તેની સોસાયટીની ગલીના નાકે પેલો અજાણ્યો વ્યક્તિ પોતાનું બાઈક પાર્ક કરીને તેના પર બેઠો હતો અને તે પોતાના કાળા કાચના ગોગલ્સમાંથી સુંદરી તરફ જ જોઈ રહ્યો હતો.

જે વરુણના સહારે સુંદરી કોલેજથી ઘેર સુરક્ષાનો અનુભવ કરતી આવી હતી એ જ વરુણ તો હવે ત્યાંથી જતો રહ્યો હતો. પ્રમોદરાય પણ ઘરે ન હતા. સુંદરીનું હ્રદય ફરીથી ગભરામણને કારણે દોડવા લાગ્યું. સુંદરીએ હવે વધુ કોઈ વિચાર કર્યા વગરજ ઝાંપો બંધ કર્યો અને દોડીને ઓટલા પર કુદકો મારીને પોતાના ઘરમાં ઘુસી ગઈ અને ઘરનો મુખ્ય દરવાજો લોક કરી દીધો અને પોતાની પીઠ દરવાજા સરસે ચાંપીને આંખો બંધ કરીને જોરજોરથી શ્વાસ લેવા લાગી.

“અરુમા...” સુંદરીના બન્ને હોઠ વચ્ચેથી સરી પડ્યું....

==::==

“શું વાત છે?” વરુણના ઘરમાં આવતાની સાથેજ હર્ષદભાઈ બોલી ઉઠ્યા.

“શું થયું?” વરુણને તેના આવા અચાનક થયેલા સ્વાગતથી આશ્ચર્ય થયું.

“તમારા ચહેરા પર જે ચમક છે એ અદભુત છે પુત્ર!” હર્ષદભાઈ આંખો નચાવતા બોલ્યા.

“પરસેવાની ચમક છે, પપ્પા.” વરુણે વાત ઉડાવતા કહ્યું.

“ના, ના આજે ભાઈના ચહેરા પર એક અનોખી ચમક છે. તમે સાચું કહો છો પપ્પા.” બીજા રૂમમાંથી ઈશાની લિવિંગ રૂમમાં આવતાની સાથેજ બોલી.

“ચૂપ રે’ ને કાગડી!” વરુણે છાશિયું કર્યું.

“ઈશાની મને લાગે છે કે તારા ભાઈને કોઈક મળી ગયું છે.” ઈશાનીએ પોતાના સૂરમાં સૂર પુરાવતાં હર્ષદભાઈનો ઉત્સાહ પણ વધ્યો.

“હા નહીં તો ચહેરા પર આટલી ચમક ન હોય.” ઈશિતા હર્ષદભાઈ જે સોફા પર બેઠા હતા તેની પાછળ ગઈ અને હર્ષદભાઈના ગળામાં પોતાના બંને હાથ નાખી અને તેમને વળગીને વરુણ સામે હસતાં હસતાં બોલી.

“તમે બંને બી સાવ ક્રેક છો. આજે સન્ડે છે, આજે કૉલેજમાં કોઈ ન હોય. અમે ફક્ત પ્રેક્ટીસ કરવા ભેગા થયા હતા.” વરુણ હવે કંટાળી ગયો હતો.

“સાડાસાત વાગ્યે પ્રેક્ટીસ શરુ થાય તો મેક્સીમમ સાડા નવ સુધીમાં તો પતી જવી જોઈએને, પપ્પા?” ઈશાનીએ બાઉન્સર ફેંક્યો.

“અને અત્યારે કેટલા વાગ્યા ઈશાની?” હર્ષદભાઈએ હસતાં હસતાં પૂછ્યું.

“સાડા અગિયાર.” ઈશાનીએ એક સેકન્ડની પણ રાહ જોયા વગર કહી દીધું.

“તો દોઢ કલાક....?” હર્ષદભાઈએ કહ્યું.

“હું મારા પ્રોફેસરને ઘરે હતો, એ અમારા કો-ઓર્ડીનેટર છે.” વરુણે સ્પષ્ટતા કરી.

જો કે એ પ્રોફેસર સુંદરી છે એ હકીકત વરુણે અધ્યાહાર રાખી.

“તારા ભાઈએ તો સાવ નિરાશ કરી દીધા.” હર્ષદભાઈએ નિસાસો નાખ્યો.

“સમય આવે બધું થશે પપ્પા, તમે ચિંતા ન કરો. તમે જે મને હુકમ આપ્યો છે એનું હું જરૂર પાલન કરીશ. અને હજી તો હું એફવાયમાં છું યાર.” વરુણે ગર્ભિત ભાષામાં તેના પિતાને કહી દીધું કે તે તેમના આદેશ અનુસાર કૉલેજમાંથી જ તેમના ઘરની વહુ લઇ આવશે.

“ઠીક છે. મારી ધીરજની પરીક્ષા લેતો રહે. બીજું શું!” હર્ષદભાઈ સોફા પરથી ઉભા થતાં બોલ્યા.

“મમ્મી ક્યાં છે?” વરુણ રસોડા તરફ જોતાં બોલ્યો.

“આજે સન્ડે...એટલે કિટીમાં...” હર્ષદભાઈએ બેડરૂમ તરફ ચાલતાં ચાલતા કહ્યું.

“કેમ ભૂખ લાગી છે?” ઈશાની મેગેઝીન વાંચતા બોલી.

“ના નાસ્તો તો હું કરીને આવ્યો છું.” વરુણ એમનેમ જ બોલી ગયો.

“હેં?” આટલું સાંભળતા હર્ષદભાઈ અને ઈશાની બંને એકસાથે જ બોલી પડ્યા.

“તમે લોકો નહીં સુધરો...” વરુણ હસી પડ્યો અને પોતાના બેડરૂમમાં ઘુસી ગયો.

==::==

શિયાળાની શરૂઆત થઇ ચૂકી હતી પરંતુ ઘરના મુખ્ય દરવાજાને પોતાની પીઠ સાથે જડી દઈને ઉભેલી સુંદરી પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી.

“અરુમા...” સુંદરીના બન્ને હોઠ વચ્ચેથી સરી પડ્યું....

એણે પોતાની ઓઢણીથી કપાળ લુછ્યું અને દોડીને સોફા પર પડેલો તેનો મોબાઈલ તેણે ઉપાડી લીધો. એક સેકન્ડની પણ રાહ જોયા વગર સુંદરીએ અરુણાબેનનો નંબર કોન્ટેક્ટ્સમાંથી શોધીને ડાયલ કર્યો.

“હ..હલ્લો અરુમા... તમે ઘરે આવી જશો? અત્યારેજ?” સુંદરી હજી પણ હાંફી રહી હતી.

“શું થયું બેટા? તું ગભરાયેલી લાગે છે. બધું ઠીક તો છે ને?” અરુણાબેનનો ચિંતાતુર જવાબ આવ્યો.

“ચિંતા જેવું તો છે, પણ તમે ઘરે આવો હું તમને બધી જ વાત કરું છું.” સુંદરી બોલી.

“હું તારે ઘેર આવુંજ છું, પણ તું પહેલા મને તારી ગભરામણનું કારણ કે.” અરુણાબેને મજબૂત અવાજ સાથે કહ્યું.

“મને લાગે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે... આજે સવારથીજ.” સુંદરીએ જવાબ આપતાં કહ્યું.

“ઓહ! તો તો હું હમણાં જ આવી તું શાંત થઇ જા, પ્લીઝ.” અરુણાબેને સુંદરીને હિંમત આપતાં કહ્યું.

“તમે રાતના કપડાં અને આવતીકાલે કોલેજ જવા સુધીના કપડાં પણ લેતા આવજો.” સુંદરીએ અરુણાબેનને સૂચન કર્યું.

“તો પછી તું જ આવી જા ને? કાલે સાથે જઈશું કોલેજે.” અરુણાબેને કહ્યું.

“એ વ્યક્તિ મારા પર સતત નજર પણ રાખી રહ્યો છે. અત્યારે મારા ઘરની બહાર પણ ઉભો છે. અને પપ્પા છેક ગુરુવારે મુંબઈથી પાછા આવશે. હું અત્યારે નીકળીશ તો એ મારી પાછળ પાછળ છેક તમારા ઘર સુધી પહોંચી જશે અને ક્યાંક વચ્ચે રસ્તામાં મને હેરાન કરે તો?” સુંદરીએ પોતાનો ડર વ્યક્ત કર્યો.

“તો તો હમણાં આવીને ખબર લઇ લઉં એની. તું ચિંતા ન કરીશ.” અરુણાબેને ગુસ્સામાં પોતાના દાંત ભીંસીને કહ્યું.

“ના ના ના ના... તમે એમનેમ જ આવી જાવ. એને કશું ન કહેતા. ક્યાંક એ તમને કશું કરી ન દે. મારા સમ!” સુંદરી વધુ ગભરાઈ.

“ઠીક છે દીકરી. બસ તું ચિંતા ન કરતી. હું બસ વીસ મિનિટમાં જ આવું છું.” અરુણાબેને કહ્યું.

“હા તમે આવો, બને તેટલા જલ્દી. હું તમારી રાહ જોવું છું. પછી કાલે આપણે સાથે જ કોલેજ જઈશું અને ત્યાંથી હું તમારે ઘેર આવી જઈશ ગુરુવાર સુધી રહીશ.” સુંદરીના અવાજમાંથી ગભરામણ દૂર જવાનું નામ નહોતી લેતી.

“એ બધું હું આવું પછી નક્કી કરીશું. અત્યારે તું બસ દરવાજો અને બારીઓ બંધ રાખીને બેસ. હું તારે ઘેર પહોંચીને તને બહારથી તારા મોબાઈલ પર કૉલ કરું પછી જ દરવાજો ખોલજે.” અરુણાબેને સુંદરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું.

“હા, પણ તમે જલ્દી આવો...” અને સુંદરી ભાંગી પડી.

“બેટા... રડવાનું બંધ કર. તું આમ રડીશ તો મારો રસ્તો કેમ કપાશે? હું મારી કાર કેમ ડ્રાઈવ કરી શકીશ? બોલ તો?” હવે અરુણાબેનની ચિંતા વધી ગઈ.

“તમે શાંતિથી આવો. હું સ્વસ્થ થઇ જઈશ.” સુંદરીએ ડૂસકું ભરતાં અરુણાબેનને વિશ્વાસ આપવાની કોશિશ કરી.

“બસ! ફક્ત વીસથી પચીસ મિનીટ. પછી હું તારી સાથે જ છું, જ્યાં સુધી પ્રમોદભાઈ ન આવે ત્યાં સુધી ઓકે? હવે હું કૉલ કટ કરું?” અરુણાબેન બોલ્યા.

“હા... આવો.” સુંદરીએ સામેથી કૉલ કટ કરી દીધો.

ફોન કટ કર્યા બાદ સુંદરી બાથરૂમમાં ગઈ અને વોશબેઝિનનો નળ જોરથી ચાલુ કરીને પોતાનો ચહેરો ધોવા લાગી. ચહેરા પર લગભગ વીસથી પચીસ છાલક માર્યા બાદ સુંદરીએ પાણીથી નીતરતો પોતાનો ચહેરો અરીસામાં જોયો અને જોતી જ રહી. પછી બાજુના હુકમાં લટકાવેલા નેપકીનથી તેને લુછી લીધો.

લગભગ અડધા કલાક બાદ સુંદરીના ઘરની ડોરબેલ વાગી. સુંદરી ગભરાઈ. તેને ખબર હતી કે અરુણાબેને તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે સુંદરીના ઘરે પહોંચીને તેને બહારથી મોબાઈલ પર કૉલ કરશે. પરંતુ અત્યારે એમ ન થયું અને સીધી ડોરબેલ જ વાગી.

ત્યાં ફરીથી ડોરબેલનો રણકાર થયો. સુંદરીની ગભરામણ વધી ગઈ. તેને થયું કે તે ઘરમાં એકલી છે એવી જાણ જો તેનો સવારથી પીછો કરી રહેલા પેલા વ્યક્તિને થઇ ગઈ હશે તો શું એ તેને હેરાન કરવા અહીં આવ્યો હશે?

બે ઘડી સુંદરીએ વિચાર્યું કે તે અરુણાબેનને કૉલ કરે અને કન્ફર્મ કરે કે શું તેઓ તેના ઘરની બહાર ઉભા છે? પરંતુ ત્યારબાદ બીજી જ સેકન્ડે તેને બીજો વિચાર પણ આવ્યો કે જો તે વ્યક્તિ અરુણાબેન નહીં હોય તો તેમને નાહક ચિંતા થશે અને ક્યાંક તે ઉતાવળે પોતાની કાર ડ્રાઈવ ન કરવા લાગે.

ત્યાં ત્રીજી વખત ડોરબેલ વાગી. સુંદરીની અસમંજસ તો વધી પરંતુ તેની સાથે તેના હ્રદયના ધબકારા પણ. સુંદરીનું શરીર ફરીથી પરસેવામાં ન્હાવા લાગ્યું.

કહેવાય છે કે જ્યારે મુસીબતે તમને દરેક તરફથી ઘેરી લીધા હોય અને તેનાથી દૂર થવાનો કોઈજ રસ્તો ન બચ્યો હોય ત્યારે તમને આપોઆપ હિંમત આવી જતી હોય છે. સુંદરીને પણ આ જ રીતે અચાનક જ હિંમત આવી ગઈ.

“જોઈ લઈશ જે થશે તે પણ આમ ક્યાં સુધી હું ડોરબેલના દરેક અવાજથી ડરતી રહીશ? અરુમા પણ રસ્તામાં જ હશે... એમને અહીં આવતા બહુ વાર નહીં થાય. પેલો કશું કરવાની કોશિશ કરશે ત્યાં તો અરુમા આવી જશે.” સુંદરીએ મનોમન વિચાર કર્યો.

સુંદરીએ બાદમાં આજુબાજુ જોયું અને તેને યાદ આવ્યું કે ઘણીવાર રાત્રે શેરીના કૂતરાંઓ ખૂબ ભસતાં હોય છે ત્યારે તેમને ભગાડવા સોફા નીચે પ્રમોદરાય કાયમ એક લાકડી રાખતા હોય છે. સુંદરીની આંખોમાં ચમક આવી ગઈ. તે સોફા નજીક ગઈ અને નીચી વળી અને પેલી લાકડી તેણે ઉઠાવી અને ફરીથી ઘરના મુખ્ય બારણા તરફ વળી.

ચોથી વખત ડોરબેલ વાગતાંની સાથેજ સુંદરીએ બારણું ખોલ્યું અને પોતાના હાથમાં રહેલી લાકડી ઉંચી કરી પરંતુ...

“તમે...?” સુંદરીની આંખો પહોળી થઇ ગઈ અને તેના હાથમાં રહેલી લાકડી એમનેમ ઉંચીને ઉંચી જ રહી ગઈ.

==:: પ્રકરણ ૩૧ સમાપ્ત ::==