રાજકારણની રાણી ૧૮
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૮
જનાર્દન સુજાતા વિશે વિચારતા હતો અને ત્યારે જ રવિનાએ ઓફર માટે ફોન કર્યો એ પરથી લાગ્યું કે નસીબ પોતાની તરફેણમાં હતું. સુજાતાને ત્યાંથી નીકળ્યા પછી જનાર્દનને શંકા થવા લાગી હતી. તેને થયું કે આ પ્રામાણિકતાની દેવી તેની બધી મહેનતનો શિરપાવ માથું પકડીને રડવાનો વારો લાવે એવો તો નહીં આપે ને? તેની વાતો પરથી એવો અર્થ નીકળતો હતો કે તે પોતાનું નહીં પણ પ્રજાનું અને રાજકારણનું ભલું કરવા નીકળી છે. એને ખબર નથી કે આ એવો કિચડ છે જેમાં ભલભલા ફસાઇ ગયા છે. મારી ભલાઇ જો એ ના જોવાની હોય તો એને ટિકિટ અપાવીને જીતાડવા સુધીની મહેનત કરતાં પહેલાં વિચાર કરવો પડશે.
તે રવિનાના ફોનની વાતો યાદ કરવા લાગ્યો.
રવિનાએ 'કેમ છો? જતિનભાઇ તો દેખાતા જ નથી કેમ?' કહીને વાતની શરૂઆત કરી હતી.
"હું મજામાં છું અને જતિનભાઇ અત્યારે ક્યાંક આરામ કરવા જતા રહ્યા છે." પોતે સુજાતાની મદદમાં છે એનો અંદેશો જનાર્દને હજુ આવવા દીધો ન હતો. જો રવિના સાથે જવાથી વધારે લાભ થતો હોય તો તે સુજાતાને બાજુ પર રાખીને ગેમ રમી શકે એમ હતો.
"ખરું થયું નહીં જતિનભાઇ સાથે? એ છોકરી કોણ હતી એનો પત્તો લાગ્યો કે નહીં? રાજકીય વ્યક્તિઓએ આ બાબતે ચેતવા જેવું ખરું! ખેર હવે તમે કોના માટે કામ કરો છો?" રવિના ધીમે ધીમે પોતાની વાત પર આવતી હતી.
"પોતે કેવી છે એની ખબર છે ને?" એમ કહેવાનું ટાળી "હું તો પક્ષ માટે જ કામ કરવાનો ને? જતિનભાઇ સાથે જે થયું એ એમના કર્મનું ફળ હશે..." કહી જનાર્દને પોતાનું પત્તુ ખોલ્યું નહીં.
"પક્ષમાં પણ ઘણા મોટા માથા છે. તમારી પહોંચ અને શાખ ઘણી છે એટલે કોઇનો ડાબો હાથ બની ગયા હોય એની અમને થોડી ખબર પડે?" કહી રવિનાએ વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો.
"હા...હા...રવિનાબેન, રાજકારણમાં તો 'લાલો લાભ વગર લોટતો નથી' જેવું હોય છે એની તમને તો ખબર જ છે. લોકો લાભ માટે પક્ષ બદલી નાખે છે તો હું પક્ષના હોદ્દેદાર ના બદલી શકું?" રવિનાને કોઇ ઇશારો કરતો હોય એમ જનાર્દન હસીને બોલ્યો.
'મેં એટલે જ તમને ફોન કર્યો છે. તમે જો કોઇના હાથ નીચે કામ ના કરતા હોય તો મને સાથ આપવા સંપર્ક કરો.' રવિનાએ મનની વાત કરી દીધી.
જનાર્દન મૂછમાં હસ્યો. તેને થયું કે બધા મારી સત્તા અને શક્તિને પિછાણે છે. રવિના તો જતિનને ખુશ કરીને જ આગળ આવી છે. એની મહત્વાકાંક્ષા પહેલાથી જ વધારે રહી છે. એની સાથે કોઇ સોદો કરી શકાય એમ છે.
જનાર્દને જ્યારે ઓફર આપવાની વાત કરી ત્યારે તેણે રૂબરૂમાં મળવાનું કહ્યું હતું. જનાર્દન ઘરે પહોંચ્યો ત્યાં સુધી કેવા લાભની ઓફર કરવી એનો જ વિચાર કરતો રહ્યો. ઘરે પહોંચ્યો ત્યારે પત્ની હિમાની રસોઇ બનાવીને રાહ જોતી હતી. એણે મેસેજ પણ કર્યો હતો. જનાર્દને મીટીંગમાં હોવાનો જવાબ આપ્યો એ પછી હિમાનીએ ફરી કોઇ મેસેજ કર્યો ન હતો.
"જમવાનું પીરસી દઉં?" હિમાનીએ પહેલો જ પ્રશ્ન કર્યો.
"હા, જલદી..." કહી જનાર્દન રવિના વિશે જ વિચારવા લાગ્યો.
હિમાનીએ જમવાનું પીરસતાં કહ્યું:"શું વાત છે આજે ખોવાયેલો લાગે છે?"
"જતિનભાઇ રાજકારણમાંથી ખોવાય ગયા પછી હું વિચારોમાં વધારે ખોવાયેલો લાગું છું નહીં?"
"હા, તમે બધું મને કહ્યું છે એ સારું છે. એવા ખરાબ માણસની ચૂંગાલમાંથી છૂટી ગયા એ સારું થયું. સુજાતાબેન સારી મહિલા છે. તમને યોગ્ય મહત્વ આપશે અને લાભ પણ કરાવશે."
"ખબર નથી શું લાભ થવાનો છે. હવે રવિનાએ મને એના કામ કરવા ઓફર આપી છે..."
"હેં? એને રાજકારણમાં ટોચ પર જવાના અભરખા વધી રહ્યા છે. પણ એ બાઇ સારી નથી. તમે એનાથી દૂર જ રહેજો. એના ધંધા બધા જાણે જ છે..."
"આપણે એના ધંધા સાથે શું લેવાદેવા? સુજાતાબેન મોં ખોલીને કંઇ બોલતા નથી કે એમને આગળ લાવવામાં મદદ કરીશ તો શું ફાયદો થશે. આટલું જોખમ લઇને એમને સાથ આપ્યો છે. પણ એમણે આશ્વાસન જ આપ્યું છે. રાજકારણીઓના આશ્વાસનની તને ખબર છે ને?"
"પણ મને વિશ્વાસ છે કે સુજાતાબેન તમારી કદર કરશે. એ બીજા રાજકારણી જેવા નહીં હોય. તમે જતિનને ધૂળ ચાટતો કરવામાં એમની મદદ કરી છે એનું અહેસાન તો રહેશે જ. પછી જેવી તમારી મરજી,,,"
"રવિનાની ઓફર જાણવામાં વાંધો પણ શું છે? જોઇએ તો ખરા કે તે શું ઇચ્છે છે. આ બધો ખેલ ચાર મહિનાનો છે. પછી પાંચ વર્ષ સુધી કોઇ જલદી આપણો ભાવ પૂછવાનું નથી."
હિમાનીએ જનાર્દનને એની રીતે આગળ વધવા સંમતિ આપી દીધી.
બીજા દિવસે ફોન કરીને જનાર્દને રવિના સાથે મુલાકાત ગોઠવી દીધી. રવિનાએ એને બાજુના શહેરની એક મોટી હોટલમાં લંચ માટે બોલાવ્યો હતો. જનાર્દન હોટલમાં પહોંચ્યો અને બુક કરેલા ટેબલ પર જઇ રવિનાની રાહ જોવા લાગ્યો. હોટલ આલિશાન હતી. જનાર્દને મેનુ જોયું તો કોફીના બસો રૂપિયા હતા. તેને ખ્યાલ આવી ગયો કે રવિના સારું કમાઇ રહી છે. પાલિકાની પ્રમુખ બનીને તેણે ઘરમાં પૈસા ભરવાનું શરૂ કરી દીધું છે. એ મોટી ઓફર કરશે એવું લાગી રહ્યું છે. જનાર્દન આગળ વિચાર કરે એ પહેલાં જ રવિના આવી પહોંચી. સાડીમાં તે પરી જેવી લાગતી હતી. રવિના આવી મોટી હોટલમાં પોતાના રૂપનો પ્રકાશ પાથરવા બ્યુટીપાર્લરમાં જઇને આવી હતી એ જનાર્દનના ધ્યાન બહાર ના રહ્યું.
"ક્યારે આવ્યો જનાર્દન?" રવિના આવતાની સાથે જ કોયલની જેમ ટહુકી. અને શરારતી અદા કરી. બીજો કોઇ પુરુષ હોત તો તેનો અંદાજ અને રૂપ જોઇને પાણીપાણી થઇ ગયો હોત. જનાર્દન એને સારી રીતે ઓળખતો હતો. જતિનને એણે પોતાના રૂપથી પાગલ કરી દીધો હતો.
'બસ, દસ મિનિટ થઇ હશે..." કહી જનાર્દને ફોનમાં આવેલો એક મેસેજ જોવા સ્ક્રીનલોક ખોલ્યું.
"જનાર્દન, ફોનને હવે સાઇલન્ટ મોડ પર જ મૂકી દેજે. આપણે અગત્યની ચર્ચા કરવાના છે..." રવિનાએ પોતે ફોનને સાઇલન્ટ મોડ પર મૂકતાં કહ્યું.
"હા, એ જ કરતો હતો." કહી જનાર્દન હસ્યો.
રવિનાએ વેઇટરને બોલાવી પંદર મિનિટ પછી લંચ મોકલવાની સૂચના આપી દીધી. પછી જનાર્દન તરફ આંખ મીંચકારી બોલી:"હવે કોઇ આપણાને ડિસ્ટર્બ નહીં કરે..."
"હા, બોલો તમારી શું ઓફર છે?"
"ઓફર આપતાં પહેલાં આપણે કામ શું કરવાનું છે તે નક્કી કરી લઇએ."
"કોઇ કામ મારા માટે અશક્ય નથી એ તમે જાણો જ છો."
"છતાં કહી દઉં કે મને ધારાસભ્યની ટિકિટ અપાવવામાં મદદ કરવાની અને ટિકિટ મળ્યા પછી સુજાતાબેન, અંજના કે જે કોઇ બીજા પક્ષમાંથી જો ચૂંટણી લડે તો તેમને હરાવવાની મહેનત કરવાની...."
જનાર્દનને થયું કે તે પોતાને જીતાડવાની વાત કરવાને બદલે બાકીનાને હરાવવાની વાત પર ભાર આપી રહી છે. રાજકારણમાં આવીને હોંશિયાર થઇ ગઇ છે. તે આગળ બોલી:"એમને એટલી ખરાબ રીતે હરાવવાના કે મારી જીત આપોઆપ મોટી સાબિત થાય...."
"હા, જરૂર એવું થઇ શકે...પણ ટિકિટ મળી ગયા પછી."
"તો એ માટે મારી ઓફર છે...દસ કરોડ રૂપિયા!"
રવિનાની ઓફર સાંભળી જનાર્દન ચોંકી ગયો. જતિને ક્યારેય દસ લાખની વાત કરી ન હતી. સુજાતાએ તો પૈસાની જ વાત કરી નથી. અને આ દસ કરોડ રૂપિયા આપવાની વાત કરી રહી છે. જનાર્દનને રવિનાએ ફરી ચોંકાવ્યો. તે તેની નજીક મોં લાવી નીચેના હોઠ પર જીભ ફેરવતાં બોલી:"બોનસમાં મારો સાથ પણ મળશે!"
જનાર્દનને થયું કે રવિના પૂરેપૂરી ધંધાદારી બાઇ બની ગઇ છે.
રવિનાએ આગળ કહ્યું:"જો હમણાં ઇચ્છા હોય તો આ હોટલમાં એક રૂમ બુક કરાવી રાખી છે. ટોકન તરીકે બપોરને રંગીન બનાવી દઉં. તું પણ યાદ કરશે અને આગળ કામ કરવાનો તારો ઉત્સાહ વધશે."
"અરે! આ શું વાત કરો છો? હું એક પરિણીત પુરુષ છું..."
"હું પણ કયાં કાચી કુંવારી છું!"
"મારો મતલબ છે કે મારા પોતાના કેટલાક સિધ્ધાંતો છે. આપણે આ મુદ્દો છોડી દઇએ...."
"જતિન તો આવી તક શોધતો રહેતો હતો. તું ઠુકરાવી રહ્યો છે. ખેર..."
"આજે જતિન એ કારણે જ ગાયબ થઇ ગયો છે એનો તમને ખ્યાલ છે જ. ઓકે, હું તમારી 'દસ'વાળી ઓફર વિશે વિચાર કરીને જવાબ આપીશ. તમે જમવાનું મંગાવો..."
જનાર્દન રવિના સાથે મુલાકાત કરીને ઘરે આવ્યો અને હિમાનીને મુલાકાતની આખી વાત કરી ત્યારે તે વધારે ચોંકી ગઇ અને બોલી:"સાવ જ નિર્લજ્જ બાઇ છે. તમારું રાજકારણ આવી સ્ત્રીઓએ જ ગંદું બનાવ્યું છે. એને કહેવું હતું ને કે કોઠા પર બેસી જા....ખરેખર દેશને સુજાતાબેન જેવી સ્ત્રીઓની જ જરૂર છે."
જનાર્દન કહે:"આપણાને શું ફરક પડે છે કે એ સ્ત્રી કેવી છે? તું વિચાર કરને... આટલી મોટી રકમ આપણે જિંદગીભર મહેનત કરીશું તો પણ કમાઇ શકવાના નથી. એની ઓફર તો સારી છે..."
"મને તમારા આ રાજકારણમાં કંઇ ખબર પડતી નથી. હું તો તમે કહો એટલું જ જાણું છું. તમારે જે કરવું હોય એ કરો પણ તમે તમારા પરસ્ત્રીને સ્પર્શ નહીં કરવાના સિધ્ધાંતને વળગી રહેશો એનો મને વિશ્વાસ છે." કહી હિમાની એને પ્રેમથી વળગી પડી.
જનાર્દનના ફોનની રીંગ વાગી. તેણે હળવેથી હિમાનીને અળગી કરી અને જોયું તો સુજાતાનો ફોન હતો. "શું એને મારી રવિના સાથેની મુલાકાતની ખબર પડી ગઇ હશે? એના સંપર્ક વધી ગયા છે. રાજકારણમાં તે ઝડપથી આગળ વધી રહી છે." વિચાર કરતાં જનાર્દને ફોન ઉઠાવ્યો. સામેથી સુજાતા બોલી:"જનાર્દન, તું ઘરે જ છે ને? તારી પત્ની હિમાની સાથે વાત થઇ શકશે?"
જનાર્દન સહેજ થોથવાયો:"હા –હા, ઘરે જ છું. ફોન આપું છું...."
જનાર્દનને થયું કે હિમાની સાથે સુજાતાએ શું વાત કરવી હશે? તેમને મારી રવિના સાથેની મુલાકાતની ખબર પડી ગઇ હશે અને એની માહિતી આપવા માગતી હશે? હિમાની સાથે એમને કોઇ સંપર્ક નથી અને વાત કરવાનું કોઇ કારણ પણ ઊભું થયું નથી. મારી અંગત બાબતોમાં એણે માથું મારવાની શું જરૂર પડી?
જનાર્દન વિચારમાં ડૂબેલો હતો ત્યાં સુધીમાં હિમાનીએ સુજાતા સાથે વાત કરીને ફોન મૂકી દીધો હતો. હિમાની ખાસ કંઇ બોલી હોય એવું લાગ્યું નહીં. સુજાતાએ શું વાત કરી હશે? કેમ ફોન કર્યો હશે? કોઇ રેસીપી પૂછવા તો ફોન ના જ કર્યો હોય.
"જનાર્દન, સુજાતાબેન મને એમના ઘરે બોલાવે છે. કહે છે કે એક ખાનગી વાત કરવાની છે..." હિમાની જનાર્દન સાથે વાત કરતી વખતે પોતે નવાઇ પામી રહી હતી.
વધુ ઓગણીસમા પ્રકરણમાં...
****
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.