પડછાયારૂપી રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કેવી રીતે કરવી એ વાતથી પરેશાન કાવ્યાને નયનતારાની યાદ આવી કે એ પોતાની મદદ કરી શકે છે પણ એ ક્યાં રહે છે એના વિશે કાવ્યા જાણતી ન હોવાથી નયનતારાને કેવી રીતે શોધવી એ પોતાના મમ્મી અને સાસુ સાથે ચર્ચા કરી રહી હતી.
અચાનક જ વીજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો. હોલની બારીમાંથી જોરદાર પવન સાથે વરસાદની વાંછટ અંદર આવવા લાગી. કાવ્યા ઊભી થઈને બારી બંધ કરવા ગઇ. તે બારી પાસે પહોંચી બારી બંધ કરવા ગઇ ત્યાં જ તેની નજર તેના ઘરના બગીચા પાસેના દરવાજા પર પડી. દરવાજાને અડીને કોઈ સ્ત્રી વરસાદથી બચવા માટે ઊભી હતી.
કાવ્યા તેને જોઈને જ ઓળખી ગઈ અને જોરથી બૂમ પાડી ઉઠી, "મમ્મી, જલ્દી આવો અહીં, જુઓ ત્યાં કોણ ઊભું છે?"
કાવ્યાનો અવાજ સાંભળી રસીલાબેન અને કવિતાબેન દોડીને ત્યાં આવી ગયાં અને બારીમાંથી બહાર તે સ્ત્રી તરફ જોવા લાગ્યા.
કાળાં રંગના કપડાં અને લાંબા કાળા વાળ જોઈને રસીલાબેન અને કવિતાબેન તેને તરત જ ઓળખી ગયા કે આ એ જ નયનતારા છે જે કાવ્યાને મળી હતી. તેઓ કાવ્યા તરફ પ્રશ્નાર્થ ભરી નજરે જોવા લાગ્યા. કાવ્યાએ માથું હલાવી સહમતી આપી દીધી કે આ એ જ નયનતારા છે.
કાવ્યા દોડીને મુખ્ય દરવાજો ખોલીને બહાર ગઈ. રસીલાબેન છત્રીઓ લેવા અંદર ગયા અને બહાર આવ્યા ત્યાં કવિતાબેન પણ બહાર જતા રહ્યા હતા. રસીલાબેન પણ બહાર ગયા અને જોયું તો કાવ્યા દરવાજો ખોલીને નયનતારાની સામે ઊભી હતી. રસીલાબેન એ ત્યાં પહોંચી બધાને એક એક છત્રી આપી. નયનતારાએ છત્રી લેવાની ના પાડી દીધી.
"હું તમને જ શોધવા નીકળવાની હતી અને તમે સામેથી જ મળી ગયાં." કાવ્યા હાંફળી ફાંફળી થઈને બોલી રહી હતી.
"હા હું જાણું છું કે તું મને મળવા માગે છે એટલાં માટે જ તો હું અહીં આવી છું." નયનતારા કાવ્યા તરફ સ્મિત કરીને બોલી.
"કાવ્યા, પહેલાં નયનતારાજીને અંદર તો આવવા દે.. પછી વાત કર." કવિતાબેન બોલ્યા.
"હા. સોરી મમ્મી.. નયનતારાજી આવો ઘરમાં અંદર આવો, ત્યાં બેસીને વાત કરીએ." કાવ્યા આગ્રહ કરતાં બોલી.
"ના.. હું અંદર નહીં આવું. આ ઘર અપવિત્ર છે જ્યાં સુધી એ આત્માને શાંતિ નહીં મળી જાય ત્યાં સુધી તારું ઘર અપવિત્ર રહેશે અને મારાથી ત્યાં પગ નહીં મૂકી શકાય." નયનતારા સપાટ અવાજે બોલી.
"હા તો મારે તમારી મદદની જરૂર છે. તમે મારા પર મહેરબાની કરીને મારી મદદ કરો અને મને આ મુસીબતમાંથી બહાર કાઢો.." કાવ્યા બોલી.
"હું બધું જ જાણું છું કાવ્યા. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું મારા પર છોડી દે અને આજે રાત્રે દસ વાગ્યે શહેરની બહાર જે પહાડી છે ત્યાં આવી જજે." નયનતારા સુચના આપતા બોલી.
"ત્યાં શા માટે?" રસીલાબેન એ સવાલ કર્યો.
"કારણકે મેં પડછાયાને સૌપ્રથમ વખત ત્યાં જોયો હતો." નયનતારા પહેલાં કાવ્યા એ જવાબ આપી દીધો.
"હા.. તું સાચી છે કાવ્યા. વિધિ ત્યાં જ કરવાની છે જ્યાં તે પહેલી વાર એ પડછાયાને જોયો હતો." નયનતારા કાવ્યાની સાથે સહમત થતાં બોલી.
"હા તો અમને જણાવો એ વિધિમાં શું સામગ્રી જોઇશે અમે એ લઈને તૈયાર રાખીએ." રસીલાબેન બોલ્યાં.
"તમે લોકો એની ચિંતા ના કરો. હું એ બધું જ લઈને આવીશ. તમે લોકો સમયસર ત્યાં આવી જજો." નયનતારા બોલીને હાથ જોડીને ત્યાંથી જતી રહી. બધા તેને જતી જોઈ રહ્યા અને મનોમન તેનો આભાર માની રહ્યા.
બધાએ અંદર આવીને સોફા પર પડતું મૂક્યું. નયનતારાએ જાણે તેમનો બધો જ ભાર હળવો કરી દીધો હતો.
"મમ્મી, હું એકદમ ખુશ છું અત્યારે. હવે રોકીની આત્માને મુક્તિ મળી જશે અને પછી આપણી જિંદગી પાછી પહેલાં જેવી ખુશખુશાલ થઈ જશે." કાવ્યા બોલી રહી હતી ત્યારે તેનાં અવાજમાં અને ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી.
"હા બેટા, હવે બસ એક વાર એ વિધિ કોઈ અડચણ વગર થઇ જાય એટલે શાંતિ થઈ જાય." કવિતાબેન બોલ્યા.
વાતોમાં ને વાતોમાં જ રાત પડી ગઈ અનેબધાં એ રાતનું વાળું કરી તૈયાર થઈ ગયા. ઘડિયાળમાં સાડા નવ વાગવા આવ્યા એટલે બધા કારમાં બેસી શહેરની બહાર આવેલી પહાડી તરફ નીકળી ગયા. વરસાદના લીધે રસ્તા ભીના હતાં અને ક્યાંક ક્યાંક પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં. કાવ્યા ધ્યાનથી કાર ચલાવી રહી હતી.
પહાડી પાસે પહોંચીને કાવ્યા એ કાર રોકી અને બારીમાંથી એ પહાડીને જોઈ રહી. પહાડી નિર્જન અને બિહામણી લાગી રહી હતી. કાવ્યા એ ઊંડો શ્વાસ લીધો અને કારને સરખી પાર્ક કરી બહાર નીકળી ગઈ. રસીલાબેન અને કવિતાબેન પણ બહાર નીકળી ગયા.
બધા જ પહાડી તરફ જોઈને અંદરથી ડરી રહ્યા હતા પણ કોઈ કશું બોલ્યાં નહીં. કાવ્યાને તો અંદરથી એકદમ ડર લાગી રહ્યો હતો અને ગભરામણ થઇ રહી હતી. તે મન મક્કમ કરી આગળ વધી પહાડી ચઢવા લાગી અને પાછળ કવિતાબેન તથા રસીલાબેન ચઢી રહ્યા હતા.
પહાડી નીચેથી જ ડરામણી લાગી રહી હતી જે ઉપર જતાં વધુ ને વધુ ડરામણી ભાસી રહી હતી. ચારે તરફ જંગલી કાંટાળી વનસ્પતી જ દેખાઈ રહી હતી અને તેના પર અજીબ અવાજે કાઢી રહેલા નિશાચર પક્ષીઓ બધાને ડરાવી રહ્યા હતા.
કાવ્યા સૌથી આગળ હતી અને સામેથી અચાનક એક એક ફૂટ જેવડું ચામાચીડિયુ ઊડતું આવ્યું અને કાવ્યા નાં મોઢા પર ચોંટી ગયું. કાવ્યા જોરજોરથી ચીસો પાડવા લાગી. કવિતાબેન અને રસીલાબેન કાવ્યા પાસે આવી ગયા અને ચામાચીડિયાંને જોઈને હેબતાઈ ગયા. ચામાચીડિયુ કાવ્યા ના મોં પર બચકાં ભરી રહ્યું હતું અને કાવ્યા તેને પોતાનાથી દૂર કરવા માટે હાથ વડે તેને પકડવા માટે પ્રયત્ન કરી રહી હતી પણ તે ચામાચીડિયુ તેના હાથમાં આવતું જ ન હતું.
રસીલાબેન આમતેમ નજર દોડાવવા લાગ્યાં કે કંઈક એવી વસ્તુ મળી જાય કે તેનાથી તેઓ ચામાચીડિયાંની ચુંગાલમાંથી પોતાની લાડલી વહુને છોડાવી શકે. અચાનક તેમની નજર ઝાડ પરથી તૂટીને નીચે પડી ગયેલાં એક સોટી જેવાં લાકડાં પર પડી. તેઓ દોડીને ત્યાં પહોંચી ગયા અને લાકડું ઉપાડીને કાવ્યા પાસે ગયા. તેમણે જોરથી લાકડું ચામાચીડિયાં તરફ ઉગામ્યું અને ચામાચીડિયાંને વાગતાં તે દૂર ફેંકાઈ ગયું. તે ફરી પાછું ઊભું થાય એ પહેલાં બધાં ત્યાંથી દુર ભાગી ગયા.
સલામત સ્થળે પહોંચ્યા બાદ રસીલાબેન અને કવિતાબેન કાવ્યા પાસે ગયા અને તેના ચહેરા પર જોયું તો નાક અને ગાલ પર ચામાચીડિયાંના બચકાંના લીધે ચીરા પડી ગયા હતા અને લોહી નીકળી ગયું હતું. કવિતાબેન કાવ્યાને એક પથ્થર પર બેસાડીને પોતાની સાડીનો પાલવથી ધીમે ધીમે કાવ્યાના ચહેરા પરના ઘા સાફ કરવા લાગ્યા.
"બેટા, ચાલ હવે ઘરે.. બસ બહુ થયું હવે. કેટલી વેદના સહન કરીશ તું.." કવિતાબેન રડવા લાગ્યા.
"હા કાવ્યા, કવિતાબેન સાચું કહે છે. આમ અમે તને મુસીબતમાં ના મૂકી શકીએ. તારે હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર છે બેટા. ચાલ હવે નથી કરવી કોઈ વિધિ." રસીલાબેન પણ રડમસ અવાજે બોલ્યા.
"ના મમ્મી, તમે બન્ને આ શું બોલી રહ્યા છો.. અહીં સુધી આવ્યા પછી પાછાં હટી જાઉં. આ તો કોશિશ કર્યા પહેલાં જ હાર માની લેવા બરાબર છે. તમે તમારા વિધાર્થીઓને નીડર બનવાની શિખામણ આપો છો અને પોતે પણ આટલા નીડર હોવા છતાં મને આવી શિખામણ આપો છો?" કાવ્યા મક્કમ સ્વરે બોલી.
"ના બેટા, જરાય નહીં. હું તને પાછળ હટવાની સલાહ ક્યારેય નહીં આપું." કવિતાબેન ગર્વથી બોલ્યા અને કાવ્યા ના ઘા સાફ કરીને કાવ્યા નાં માથે પ્રેમથી ચૂમી હેત કરવા લાગ્યા. રસીલાબેન એ પણ કાવ્યા ના માથે હાથ ફેરવીને બોલ્યા, "ચાલો હવે ઉપર જઈએ.."
બધા ઊભા થઈને ચાલવા લાગ્યા અને થોડી જ વારમાં પહાડીની ટોચ પર પહોંચી ગયા જ્યાં નયનતારા બધી તૈયારી કરીને તેમની રાહ જોઈ રહી હતી.