Pratishodh - 2 - 15 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 15

Featured Books
Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 15

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-15

200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન

પુષ્કર મેળામાં અયોજવામાં આવેલી તલવારબાજીની પુરુષોની પ્રતિયોગીતા જીતવાની સાથે માધવપુરના રાજા વિક્રમસિંહ પોતાના મનમાં વસી ગયેલી અંબિકાને પોતાની પત્ની બનાવવાનો હક મેળવી ચૂક્યા હતાં. પુષ્કર બ્રહ્માજી મંદિરમાં અંબિકા સાથે લગ્નગ્રંથીથી જોડાઈને જ્યારે વિક્રમસિંહ માધવપુર પહોંચ્યા ત્યારે પૂરું નગર પોતાના મહારાજ અને મહારાણીને વધાવવા છેક નગરનાં પ્રવેશદ્વાર સુધી આવી પહોંચ્યું હતું.

આ ટોળાની મોખરે હતાં વિક્રમસિંહના માતૃશ્રી અને માધવપુરના રાજમાતા એવા ગૌરીદેવી. પોતે મેળામાં આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં વિજયી બનીને પ્રભુતાના પગલાં પાડી ચૂક્યો છે એવો સંદેશો વિક્રમસિંહ માધવપુર મોકલી ચૂક્યો હતો. સંદેશો વાંચતાની સાથે જ ગૌરીદેવીનું હૈયું પોતાની પુત્રવધુનું મુખ જોવા તલપાપડ બન્યું હતું.

ભાનુનાથ પણ રાજમાતા ગૌરીદેવી સાથે જ મહારાજ અને મહારાણીને વધાવવા છેક પ્રવેશદ્વાર સુધી આવ્યા હતાં. અંબિકાને જોતા જ ગૌરીદેવીનું મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ચંદ્ર જેવી આભા અને આંખોમાં સૂર્ય સમુ તેજ ધરાવતી અંબિકાને જોઈ ગૌરીદેવી અને ભાનુનાથને વિક્રમસિંહને પુષ્કર મોકલવાના એમના નિર્ણય પર ગર્વ થયો.

વિક્રમસિંહ અને અંબિકા પહેલા રાજમાતા ગૌરીદેવીના ચરણસ્પર્શ કરી એમના આશીર્વાદ મેળવ્યા. અંબિકાની સૂની ડોકને જોતા જ ગૌરીદેવીએ પોતાની ગરદનમાંથી નવલખો હાર કાઢીને પોતાની પુત્રવધુની ગરદનમાં પહેરાવી દીધો. અનિચ્છા છતાં અંબિકાએ ગૌરીદેવીની લાગણીનું માન રાખ્યું અને હાર પોતાની સુંવાળી ગરદનમાં ધારણ કર્યો.

ગૌરીદેવી બાદ વિક્રમસિંહ અને અંબિકાએ કુલગુરુ ભાનુનાથના ચરણસ્પર્શ કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ બધાં પછી વિક્રમસિંહ અને અંબિકાનો માધવપુરના પ્રવેશદ્વારથી લઈને મહેલ સુધી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો. આખું નગર ફૂલોથી સજાવેલું હતું. નગરજનોનો ઉત્સાહ દેખતા જ બનતો હતો.

અંબિકાની આંખો આ બધું જોઈને ખુશીઓથી ઊભરાઈ આવી. જે સુખની પોતે કામના કરતી હતી એના કરતાં પણ પરમકૃપાળુ પરમાત્માએ પોતાને હજારગણું વધુ આપી દીધું છે એ વિચારી અંબિકા મનોમન પોતાના ઇષ્ટદેવનો આભાર વ્યક્ત કરી રહી હતી.

"શું થયું અંબિકા?" અંબિકાને સૂનમૂન જોઈ વિક્રમસિંહે પૂછ્યું. "કંઈ તકલીફ તો નથી ને?"

"તમે સાથે હોવ તો તકલીફ શેની." અંબિકા ચહેરા પર સ્મિત લાવી બોલી. "ક્યારેક ભગવાન એકસાથે ના ધાર્યાની ખુશીઓ આપે ત્યારે એ જીરવવું અઘરું હોય છે. મેં અત્યાર સુધી ઘણા દુઃખ અને તકલીફો સહન કરી છે પણ હવે.."

"પણ હવે...તમે માધવપુરના મહારાણી છો." અંબિકાની વાતને વચ્ચેથી કાપતા વિક્રમસિંહે કહ્યું. "અને મહારાણીને હવે કોઈ કષ્ટ ના પડે એનું ધ્યાન રાખવાની ફરજ માધવપુરના મહારાજની છે."

વિક્રમસિંહના આમ બોલતા જ અંબિકા ખિલખિલાટ હસી પડી, એને હસતા જોઈ વિક્રમસિંહનો ચહેરો પણ મલકી ઉઠ્યો.

માધવપુરમાં આવ્યાનાં બે દિવસ બાદ અંબિકા અને વિક્રમસિંહે પોતાના નગરજનોની હાજરીમાં ધામધૂમથી ફરીવાર લગ્ન કર્યાં. આ લગ્નપ્રસંગ એટલો ભવ્યાતિભવ્ય રાખવામાં આવ્યો હતો કે એ સમયે દેશભરમાંથી આવેલા અન્ય રાજાઓ પણ આ લગ્નપ્રસંગની તૈયારીયો જોઈને મોંમાં આંગળા ઘાલી ગયાં.

સાત દિવસ ચાલનારા ભોજન સમારંભ પછી તો માધવપુરના નગરજનોને તો ટેસડો પડી ગયો. સપનામાં પણ ના વિચાર્યા હોય એવા પકવાનો એમને આ ભોજન સમારંભમાં આરોગ્યા.

આ બધાંની પુર્ણાહુતી બાદ વિક્રમસિંહ અને અંબિકાના વૈવાહિક જીવનનો પ્રારંભ થયો. મધુરજનીની પ્રથમ રાત્રીએ અંબિકા વિક્રમસિંહમાં એ રીતે ખોવાઈ ગઈ, જાણે એક નદી એનાં સાગરમાં. બંને એકબીજામાં એ રીતે ઓતપ્રોત થઈ ગયાં કે ખુદનું અસ્તિત્વ ભૂલીને એકબીજામાં સમાઈ ગયાં.

પોતાના વૈવાહિક જીવનની સાથે વિક્રમસિંહ પોતાની માં ગૌરીદેવી અને કુલગુરુ ભાનુનાથની મદદથી રાજ્યનો પુરી નિષ્ઠાથી વહીવટ કરી રહ્યાં હતાં. જ્યારે એ સમયે રાજસ્થાનની ભૂમિમાં પાણીની ભારે અછત હતી ત્યારે વિક્રમસિંહે પોતાની બુદ્ધિશક્તિના જોરે જમીનમાં ખૂબ ઉંડેથી પાણી નિકાળવામાં સફળતા મેળવી. આ ઉપરાંત ચોમાસામાં માંડ ચાર-પાંચ વખત પડતા વરસસના પાણીને સંગ્રહ કરવાના પણ અવનવા કીમિયા કરી એમને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કેમ થાય એની પદ્ધતિ વિકસાવી દીધી.

માધવપુરની મધ્યમાં એક તળાવ બનાવી એમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો..જેનો ઉપયોગ નગરજનો પીવા માટે અને ખેતી માટે નિઃશુલ્ક કરી શકતા. પોતાના ઉદાર અને પ્રજાપ્રેમી સ્વભાવના લીધે માધવપુરનાં લોકો વિક્રમસિંહને ભગવાનની જેમ પૂજવા લાગ્યાં.

લગ્નના બીજા વર્ષે પોતે માં બનવાની છે એવા સમાચાર અંબિકાએ જ્યારે વિક્રમસિંહને આપ્યા ત્યારે એમનું હૈયું આનંદના અતિરેકમાં ઝૂમવા લાગ્યું. પોતે દાદી બનવાના છે એ સાંભળી ગૌરીદેવીએ સમગ્ર નગરમાં મીઠાઈઓ વેંચી.

અંબિકાના જ્યારે છેલ્લા મહિના જઈ રહ્યાં હતાં ત્યારે જ એના પિતાજીનું અવસાન થયું. આ મુશ્કેલ સમયમાં ગૌરીદેવી અને વિક્રમસિંહનો સ્નેહ અંબિકાની વ્હારે આવ્યો, જેને અંબિકાને આ પરિસ્થિતિમાં લડવાની હિંમત આપી. ગૌરીદેવીના આગ્રહ પર અંબિકાની સાવકી માં રેવતી પણ અંબિકાના પિતાજીના અવસાન બાદ માધવપુર રહેવા આવી ગઈ.

આખરે નવ મહિના બાદ અંબિકાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. પોતે બાપ બની ગયો છે એ જાણીને વિક્રમસિંહની આંખો હર્ષથી ઉભરાઈ આવી. પોતાના રાજકુમારના જન્મની ખબર સાંભળી માધવપુરવાસીઓએ દિવાળીની માફક ઘરે-ઘરે દિવા પ્રગટાવ્યા, મીઠાઈઓ બનાવી.

પોતાની પુત્રીની સાથે પોતાને જે પ્રમાણે માન-સમ્માન મળી રહ્યું હતું એ જોઈ રેવતીનું પથ્થર હૃદય પણ ઓગળી ગયું. પારકી દીકરી પ્રત્યે પોતે વર્ષોથી જે દાઝ મનમાં રાખી હતી એ બધી હવે નષ્ટ થઈ ચૂકી હતી.

અંબિકા અને વિક્રમસિંહના ઘરે પુત્ર જન્મને પાંચ દિવસ વીતી ગયાં હતાં અને છઠ્ઠો દિવસ આવવાનો હતો. રાજપરિવારની પરંપરાને અનુસરતાં છઠ્ઠીનાં દિવસે વિક્રમસિંહના પુત્રનું ભાનુનાથ નામકરણ કરવાના હતાં.

નામકરણની વિધિ માટે મહેલને સજાવવામાં આવ્યો હતો. ગ્રહો, નક્ષત્રોની મદદથી ભાનુનાથ વિક્રમસિંહના પુત્રનું નામકરણ તો કરવાના હતાં પણ સાથે-સાથે એનું ભવિષ્ય પણ ભાખવાના હતાં.

અંબિકા અને વિક્રમસિંહના પુત્રને મખમલના કપડામાં રાખીને ભાનુનાથના ખોળામાં રાખવામાં આવ્યો. રાજકુમારના જન્મ સમયે ગ્રહોની દશા અને દિશા પરથી ભાનુનાથે રાજકુમાર માટે જે નામ સૂચન કર્યું એ હતું 'જોરાવર'!

નામ સાંભળતા જ વિક્રમસિંહ, અંબિકા, ગૌરીદેવી સહિત નામકરણ વિધિમાં આવેલા દરેકનાં મુખ પર આ નામ ફરી વળ્યું. માધવપુરના સેનાપતિ અને વિક્રમસિંહના મિત્ર એવા વિરસેન દ્વારા રાજકુમાર જોરાવરની જય બોલાવવામાં આવી ત્યારે એ જયનાદના પડઘાએ પૂરા માધવપુરને પડઘાવી મૂક્યું.

"ગુરુવર, આ બાળકનું નામ તો તમે ખૂબ ઉત્તમ પાડ્યું..જોરાવર." હર્ષભર્યા સ્વરે ગૌરીદેવીએ ભાનુનાથને ઉદ્દેશીને કહ્યું. "હવે જરા આનું ભવિષ્ય ભાખીને એ જણાવો કે મારો પૌત્ર જોરાવર કેવું નામ કાઢશે?"

દાદીની આ ખુશી જોઈ ભાનુનાથે જોરાવરનું લલાટ જોઈ, સૂર્ય અને ચંદ્રના પડછાયા, ગ્રહોની ગતિ, નક્ષત્રોનો મેળાપ બધી જ વસ્તુઓનું પૂર્ણતઃ અધ્યયન કરવાનું શરૂ કર્યું. જેમ-જેમ ભાનુનાથ જોરાવરનું ભવિષ્ય ભાખી રહ્યા હતાં એમ-એમ એમના ચહેરાની રેખાઓ તંગ બની રહી હતી. કોઈ એવી વાત હતી જે એમનાં મનમાં વિષાદ પેદા કરી રહી હતી.

"શું થયું ગુરુવર? કોઈ ગંભીર વાત છે?" ભાનુનાથની ચુપ્પી અને ચહેરા પરનો ઉચાટ ખટકતા વિક્રમસિંહે પૂછ્યું.

"ના એવું કંઈ નથી..પણ આ તો રાહુ અને કેતુ બંનેની વક્ર ગતિને જોઈ થોડો વિચારે ચડ્યો હતો." ચહેરા પર મહાપરાણે સ્મિત લાવી ભાનુનાથે વિક્રમસિંહના પ્રશ્નનો જવાબ આપ્યો.

"તો પછી ગુરુવર, જોરાવરના ભવિષ્યમાં શું લખ્યું છે.?" અંબિકાની માં રેવતીએ અધિરાઈપૂર્વક પૂછ્યું.

"આપનો નાતીન પરમ પ્રતાપી થશે..સમગ્ર પરિવારનું નામ ઉજ્જવળ કરશે." આટલું કહી ભાનુનાથે જોરાવરને વિક્રમસિંહના હાથમાં રાખી દીધો.

એકતરફ જ્યાં પુત્રનું ભવિષ્ય સાંભળી અંબિકા અને વિક્રમસિંહ જ્યાં ખુશીથી ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા ત્યાં બીજીતરફ રાજમાતા ગૌરીદેવી સમજી ચૂક્યા હતાં કે ભાનુનાથ કંઈક છુપાવી રહ્યાં છે.

આ વિષયમાં અત્યારે એમને પૂછીને સુંદર પ્રસંગ બગાડવાની કોઈ ઈચ્છા નહીં હોવાથી એ પણ પોતાના પુત્ર અને પુત્રવધુની ખુશીઓમાં સામેલ થઈ ગયાં.

થોડીવાર બાદ પોતાને ધ્યાનમાં બેસવનો સમય થઈ ગયો છે એમ કહીને ભાનુનાથ પોતાના કક્ષ તરફ ચાલી નીકળ્યા. એમના ત્યાંથી ગયાંનાં થોડા સમય બાદ રાજમાતા ગૌરીદેવી પણ જોરાવરના ભવિષ્યમાં આખરે સાચેમાં શું લખ્યું હતું એની ઉત્કંઠા સાથે ભાનુનાથના કક્ષ તરફ ચાલી નીકળ્યા.!

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)