'અરે વાહ... શું ડ્રેસ છે !! ડિઝાઇન તો સારી છે, પણ બસ કલર બહુ ડાર્ક છે... જરીક આછો કલર હોત તો... અહા... શું મજા આવી જાત... નીલી એક કામ કર આને તું રાખી લે...આ મારે લાયક નથી... પણ હાં તારા પર સારો લાગશે... આમેય તું મારીથી થોડી કાળી છે તો આવા કલર તને અને ડ્રેસ તને ચાલે સમજી... તું જ રાખ... હું તો બ્લુ જીન્સ અને ગુલાબી ટીશર્ટ લઈશ હું તારાથી વધુ ગોરી એટલે ગુલાબી ટીશર્ટ મસ્ત લાગશે ' હંમેશાની આદતની જેમ રોહિણીએ મોં મચકોડતા રીતસરની બેઈજ્જતી સાથે ડ્રેસ નીલિમાના મોં પર ફેંકયો. નિલીમાને પણ મન થતું કે જીન્સ ટીશર્ટ પહેરે પણ મા હંમેશા કહેતી કે તને સારા નથી લાગતા. એટલે ચૂપ રહેતી.
રોહિણીને અપમાનિત કરવાની આદત હતી અને નીલીને અપમાનિત થવાની... ઘરમાં આ પહેલી વાર નહોતું બન્યું. કોઈ વાર તહેવાર હોય કે પછી કોઈ સારો પ્રસંગ પણ હંમેશા નાની બહેન રોહિણીના કપડાં જ મોંઘા અને ફેન્સી આવતા. બધી જ જીદ પૂરી કરતી. નીલી તો ઘરમાં જીદ કરવાનીયે હિમ્મત નહોતી કરી સકતી. ભાઈ બહેન માં બાપ સહુની વિચારી હંમેશા મન મારીને રહી જતી. જોકે નીલીના દુઃખથી એની દાદીમા સિવાય કોઈને ખાસ ફર્ક પડતો નહોતો. હંમેશા રોહિણી ઘરનાની ચહીતી હતી તો એવું નહોતું કે નીલીએ કોઈ ગુનો કર્યો હતો... નીલી નો ગુનો માત્ર એટલોજ હતો કે તે રોહિણી જેટલી સુંદર નહોતી. ક્યારેક નીલી વિચારતીયે ખરી મનની સુંદરતા ના કોઈ મોલ નથી ? પણ એની પાસે કોઈ જવાબ નહોતો...પોતાની જાત સાથે વાત કરવાની તો એને બચપણથી આદત હતી પણ આજકાલ તે પોતાની જાતને વધારે સવાલો પૂછવા લાગી હતી... જોકે હજુ તે 13 વર્ષની હતી પણ સમજદારી ઉમર કરતા પહેલા આવી ગઈ હતી... પહેલા તો બાળક બુદ્ધિ કઈ સમજાતું નહોતું કે તેની સાથે શું થઇ રહ્યું હતું પણ હવે એ બધું સમજતી હતી... એવું નહોતું કે પોતીકાંઓના આ પારકાપણાથી નીલીને દુઃખ નહોતું થતું... બહુ દુઃખ થતું... ઘરના પાછલાં બારણાં પાછળ જઈ બારણાની ઓથે સંતાઈને ચુપચાપ રડ્યા કરતી. ક્યારેક અચાનક માં આવી જતી તો ફટાફટ આંસુ લૂછી બોલી પડતી ' મમ્મા જોતો મારી આંખમાં કચરું ગયું છે, ક્યારનું આંખમાં સળવળે છે પણ નીકળતું નથી... '
માં હંમેશા મુજબ જવાબ આપતી 'જા આંખો ધોઈ લે હજારો કામ ઘરમાં પડ્યા છે... ' કહી મા ઘરકામોમાં પરોવાય જતી... પણ દાદીની ઘરડી નજરો નીલીની ચાલાકી પકડી પાડતી...ને નીલીની હાલત જોઈ દાદીનું હૈયું વલોવાય જતું...
સ્કૂલનું હોમવર્ક પતાવી જમીને પછી માં ને ઘરકામમાં મદદ કરી. રાતને ઊંઘવાના સમયે રાજા રાણી અને પરીઓની વાર્તા દાદા પાસેથી સાંભળી હંમેશા એના નાનકડા મનમાં સવાલ ઉઠતો કે પરી કે રાજકુમારી રોહિણી જેવી સુંદર જ હોય ? મારા જેવો સામાન્ય દેખાવની ન હોય ? નીલી ક્યારેક દાદીને પુછીયે નાખતી...' દાદીમા બધી રાજકુમારીઓ રોહિણી જેવી સુંદર જ હોય ?' દાદી માથે હાથ ફેરવી કહેતી ' નારે મારી લાડલી... રાજકુમારી તો બિલકુલ તારા જેવી હોય મનથી સુંદર, પરોપકારી, સાહસી... સમજી મારી રાજકુમારી ... ' એ સમયે ખરેખર નીલી પોતાની જાતને રાજકુમારી સમજવા લાગી ને એજ વિચારોમાં ઊંઘી ગઈ. તે એને સપનાએ એવા જ આવ્યા કે તે એક રાજ્યની કવીન છે પણ સવાર થતા જ એની વિરાસત લૂંટાઈ ગઈ ને સપનાની દુનિયામાંથી બહાર આવી હકીકત સાથે જીવવા લાગી. સ્કૂલે જવા માટે બેગ તૈયાર કરી ટિફિન નો ડબ્બો ભરવા નીલી રસોડામાં જતી જોતી તો પરવળનું શાક... રોહિણીનું ફેવરિટ... ક્યારેક ભાઈની પસંદગીનું બનતું તો ક્યારેક બહેનના...નીલીની પસંદ ના પસંદ સાથે ક્યાં કોઈને લેવા દેવા હતી... હાં ઘરમાં ફોઈ હતી ત્યારે જરૂર નીલી માટે મનગમતું શાક બનાવતી... સ્કૂલનું હોમવર્ક કરાવતી ક્યારેક ફરવાયે લઇ જતી ખરી... પણ ફોઈના લગ્ન પછી નીલી સાવ એકલતા અનુભવતી... દાદી દાદા હતા પણ માં આગળ એમનું ક્યાં કઈ ચાલતું હતું... નીલીને બહુ દુઃખ થતું જયારે દાદા દાદી અને માં વચ્ચે ઝગડો થતો. પણ એ કશું કરી શકે એમ નહોતી.નીલી ને પણ માં કે બહેન વઢતી ત્યારે દાદી વચ્ચે પડતી. નીલી ને સમજાવતીયે ખરી 'દીકરી મારી બોલતા શીખ, પોતાના માટે લડતા શીખ આમ બધાનું વિચારી મન મારીને ડરી ડરીને ક્યાં સુધી રહીશ. ' પણ નીલી એ હિમ્મત ઘરમાં ક્યારેય દાખવી સકી નહીં. ત્યારે પણ નહીં જયારે સ્કૂલ બેગ પણ ફાટવા આવી જતું . માંડ માંડ એકાદ મહિનો ખેંચાઈ તો સારું... છેલ્લા ત્રણ વર્ષથી એકજ બેગ વાપરી નીલી પણ કંટાળી હતી... ભાઈ બહેનની જેમ દર વર્ષે નવી બેગ લેવાનો રિવાજ નીલી માટે નહોતો... જઈ પણ નીલી માટે સામાન લેવાની વાત આવતી તો આર્થીક તંગી બધાને યાદ આવી જતી... આખરે દરેક વખતે સમજણ તો નીલી એજ દેખાડવી પડતી કે જૂની વસ્તુઓ થી ચલાવી લઈશ. ભલે તે બેગ હોય કે નોટબુક... નોટબુક પણ પાછળ વર્ષના ભાઈ બહેન અને પોતાની મળી જેટલા પાનાં બચ્યા હોય એમાંથી પાનાં ફાડી...નોટ બને એટલી બનાવવી બાકી પછી અમુક નોટબુક આવતી. ગાઈડ તો જોવાય નહોતા મળતાં હાં ક્યારેક નાના દાદા કે ફોઈ અપાવતી ખરી... એવું નહોતું કે ઘરમાં આર્થીક તકલીફ નહોતી... અફકોર્સ હતી પરંતુ તકલીફ તો એ હતી કે હંમેશા નીલીએ જ દરેક વાતમાં મન મનાવવું પડતું.
આજે ફરી એવુજ બન્યું રોહિણીએ તોફાન કરી પાણીનું માટલું તોડી નાખ્યું ને નીલીનું નામ લઇ લીધું... નીલીને મા નો ખુબ માર પડ્યો...ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા એ ઘરના પાછલાં બારણાં થી બહાર નીકળી આંબાના ઝાડ નીચે જઈ આંબાના ઝાડને બાથમાં લઈને રડવા લાગી... ત્યાં જ દાદી દૂરથી આવતી દેખાઈ... નીલી નું મન ખુબ ભરાઈ આવ્યું... દાદી જેમ નજીક આવતી ગઈ તેમ તે વધુ જોરથી રડવા લાગી...
એને થયું દાદી ગળે વળગાડી સમજાવશે પ્યાર કરશે આશું લુછશે... પણ આમાંથી આજે એક કશું બન્યું નહીં...
દાદીએ આવીને જોરથી નીલીની તમાચો મારી દીધો... નીલી ચોંકી ગઈ... નીલીની આસું ભરી આંખો પ્રશ્નાર્થ નજરે દાદી સામે જોઈ જાણે પૂછી રહી હતી....
' દાદી તમે પણ... ?'
* * *