ગામડાની પ્રેમકહાની
નિશાંત રાણપુરના પુલ પર બેઠો હતો. એ સમયે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો.
ભાગ-૧૯
સવારે પક્ષીઓનાં કલબલાટથી સુરજદાદાએ દર્શન દીધાં. રાત્રિના વરસાદ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચારેતરફ હરિયાળી છવાઈ ગઈ હતી.
સુમન સુરજની કિરણ પોતાનાં ચહેરા પર પડતાં જ જાગી ગઈ. બારી તરફ નજર કરતાં, ઝાડ પરથી ઉડતી ચકલીને જોઈને સુમનના ચહેરા પર ખુશી આવી ગઈ. જે ફરી એક જ પળમાં ઓસરી ગઈ.
સુમન માટે તેની આઝાદી છીનવાઈ ગઈ હતી. એ ઉડતી ચકલીની જેમ સુમન આઝાદ નહોતી, કે આ ઘર છોડીને ક્યાંક દૂર જઈ શકે. એ વિચારથી જ સુમનની આંખ સવાર સવારમાં જ ભીની થઈ ગઈ.
"હમણાં બધાં મહેમાનો આવવાં લાગશે. જલ્દી તૈયાર થઈ જાજે." સુશિલાબેને આવીને કહ્યું.
સુમન કમને ઉભી થઈને, નાહીને, તૈયાર થવા લાગી. લાલ કલરની, મોટી ભરતકામ કરેલી બોર્ડરવાળી સાડી પહેરીને, સુમન પોતાનાં રૂમની બારી પાસે જઈને બેસી ગઈ. આંખમાં સપનાંઓ તૂટયાંનુ દુઃખ, ને દિલ પર મનનથી અલગ થયાનો ભારોભાર અફસોસ હતો.
જીવનમાં ક્યારેક દિવસની આવી શરૂઆત થશે. એવું તો સુમને ક્યારેય વિચાર્યું પણ નહોતું. ધીમે-ધીમે બધાં મહેમાનો આવવાં લાગ્યાં. સુમનને લેવાં બે છોકરીઓ આવી. સુમન તેની સાથે નીચે ગઈ.
નિશાંતના મમ્મી-પપ્પા પણ આવી ગયાં હતાં. પણ, નિશાંત ક્યાંય દેખાતો નહોતો. નિશાંતે પોતે સુમન સાથે સગાઈ નહીં કરે, એમ કહ્યું હતું. એ વાત સુમનને યાદ આવતાં જ સુમને નિશાંતને કોલ કર્યો. પણ, નિશાંતનો ફોન પણ બંધ આવતો હતો. એ સમયે જ મનન આવ્યો.
"બેટા, મહેમાનોનાં જમવાની વ્યવસ્થા જોઈ લે ને." સુશિલાબેને મનનને કહ્યું.
મનન સુમન તરફ એક ઉડતી નજર કરીને, કામ કરવાં લાગ્યો. સુમને મનન સાથે વાત કરવાની કોશિશ કરી. પણ, મનને સુમન પર ધ્યાન જ નાં આપ્યું. સગાઈનો સમય થતાં જ કાનજીભાઈ અને કોકિલાબેન પણ આવી ગયાં. ધનજીભાઈ તેમની પાસે જઈને બેસી ગયાં.
આરવ એક ખૂણામાં ઉભો ઉભો બધું જોતો હતો. સુમન કે મનન કોઈ પણ પોતાનાં હક માટે કાંઈ કરવાં તૈયાર નહોતું. એવામાં આરવ પણ લાચાર બની ગયો હતો. તે પણ નિશાંતને ફોન કરી રહ્યો હતો. પણ, કાલ રાતથી તેનો ફોન પણ બંધ આવતો હતો.
"આ શું થઈ રહ્યું છે?? ધનજી કેમ કાંઈ બોલતો કે કરતો નથી??" દેવરાજભાઈએ આરવને પૂછ્યું.
"કદાચ સુમનની કિસ્મતને આ જ મંજૂર હશે." આરવ પોતાનો જવાબ આપીને જતો રહ્યો.
દેવરાજભાઈ પણ અચાનક આવી પડેલી મુસિબતથી ડઘાઈ ગયાં હતાં. તે ધનજીભાઈ પાસે ગયાં. પણ, ધનજીભાઈ તો બધાં મહેમાનો સાથે વાત કરવામાં એટલાં વ્યસ્ત હતાં, કે તેમણે દેવરાજભાઈ સામે નજર સુધ્ધાં નાં કરી.
"પ્રેમિલાબેન, નિશાંત ક્યાં છે?? હજું સુધી આવ્યો કેમ નહીં??" સુશિલાબેને પ્રેમિલાબેનને પૂછ્યું.
"એ તૈયાર થતો હશે. અમારે તેને તૈયાર થતાં વાર બહું લાગે." પ્રેમિલાબેને હસીને જવાબ આપ્યો.
પ્રેમિલાબેનનો જવાબ સાંભળી, સુશિલાબેન ફરી પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. સુમન જઈને સગાઈ માટે તૈયાર કરેલ સ્ટેજ પર બેસી ગઈ. સગાઈનુ મુહુર્ત થઈ ગયું હતું. છતાંય નિશાંત આવ્યો નહોતો. તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો.
મહેમાનો બધાં આવી ગયાં હતાં. હવે તો સુશિલાબેન પણ થોડાં ગુસ્સે થયાં હતાં. તે પ્રેમજીભાઈ સાથે વાત કરવા તેમની પાસે જવાં લાગ્યાં. ત્યારે જીગ્નેશ આવ્યો. તે ખૂબ જ ડરેલો દેખાતો હતો. એનાં હાથમાં એક કાગળ પણ હતો. પ્રેમજીભાઈ અને પ્રેમિલાબેન તરત જ જીગ્નેશ પાસે ગયાં.
"શું થયું?? નિશાંત ક્યાં?? તું એને તારી સાથે નથી લાવ્યો??" પ્રેમજીભાઈખ જીગ્નેશને પૂછ્યું.
જીગ્નેશ પ્રેમજીભાઈના એટલાં સવાલો સાંભળ્યાં પછી પણ ચૂપ રહ્યો. આખરે પ્રેમિલાબેને જીગ્નેશના હાથમાં રહેલ કાગળ લઈ લીધો, ને તે એમાં લખેલું લખાણ વાંચવા લાગ્યાં. કાગળ વાંચતાં જ પ્રેમિલાબેન પૂતળાની માફક ઉભાં રહી ગયાં.
સુશિલાબેન માટે હવે રાહ જોઈ શકાય એમ નહોતું. પ્રેમિલાબેન કાંઈ કહે એ પહેલાં જ સુશિલાબેને તેમનાં હાથમાં રહેલો કાગળ વાંચી લીધો. કાગળ વાંચતાં જ સુશિલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ.
"તમારાં લાડકા દીકરાને આવું જ કરવું હતું. તો તમે અમારી દીકરીનો હાથ માંગવા શાં માટે આવ્યાં હતાં??" સુશિલાબેને પ્રેમિલાબેનને પૂછ્યું.
"નિશાંતને તો સુમન પસંદ હતી. તેની હાં સાંભળ્યાં પછી જ અમે અહીં આવ્યાં હતાં. પણ, ખબર નહીં કેમ, મારાં દીકરાએ આવું પગલું ભર્યું!?" પ્રેમિલાબેને રડતાં રડતાં કહ્યું.
"તમારો દીકરો તો જતો રહ્યો. હવે મારી દીકરીનું શું?? અમારું તો આખાં રાણપુરમાં નાક કપાઈ ગયું ને!?" સુશિલાબેન ખૂબ જ ગુસ્સામાં હતાં.
ધનજીભાઈએ સુશિલાબેનને શાંત કરવાની કોશિશ કરી.તે સુશિલાબેનને પોતાનાં રૂમમાં લઈ ગયાં. સુશિલાબેન હજી પણ ગુસ્સે હતાં.
"મારાં તો નસીબ જ ફૂટેલા છે. બીજી વખત બહારનાં લોકોએ આવીને આ રીતે મારો ભરોસો તોડ્યો છે. ખબર નહીં, આજકાલનાં છોકરાઓને શું થઈ ગયું છે!! ક્યારે શું કરશે, કાંઈ ખબર જ નથી પડતી." સુશિલાબેન પોતાની કિસ્મતને કોસવા લાગ્યાં.
"હું એટલે જ તને કહેતો, કે સમજ્યાં વગર કાંઈ નાં કરાય. પણ, તને તો સુમનના લગ્નની એટલી ઉતાવળ હતી, કે દર વખતે એક થી એક ચડિયાતા નમૂનાઓ શોધી લાવતી." ધનજીભાઈને તકનો લાભ લેતાં સુશિલાબેનને કહેવાનું શરૂ કરી દીધું.
"હવે મને ક્યાં એવી ખબર હતી, કે નિશાંત આવું કાંઈ કરી બેસશે!!" સુશિલાબેને થોડાં નબળાં પડીને કહ્યું.
"હવે તું હું કહું એમ કરવાં તૈયાર હોય. તો મારી નજરમાં એક છોકરો છે. જો તું હાં પાડે, તું હું અત્યારે જ તેની સાથે વાત કરું." ધનજીભાઈએ થોડાં આનંદિત સ્વરે કહ્યું.
"કોણ છે એ છોકરો?? એ સુમન પસંદ આવશે?? શું એ અહીં આવ્યો છે??" સુશિલાબેને ઉભાં થઈને, એકીસાથે કેટલાંય સવાલો પૂછી લીધાં.
"એ મનન છે, કાનજીભાઈનો છોકરો!! તને તો ખબર જ હશે. એણે તારી કેટલી મદદ કરી હતી. છોકરો એકદમ સીધો છે. મોટાં લોકોને બહું માન આપે. આજકાલનાં છોકરાઓ જેવો નથી." ધનજીભાઈએ મનનના વખાણ કરતાં કહ્યું.
"મનન માનશે?? કાનજીભાઈ અને કોકિલાબેન આ બધું થયાં પછી સુમનને સ્વીકારશે??" સુશિલાબેને ધનજીભાઈને પૂછ્યું.
"એ બધું તમે મારાં પર છોડી દો. હું એ બધાંને સમજાવીશ." ધનજીભાઈએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
સુશિલાબેન ખુશ થતાં થતાં ધનજીભાઈ સાથે નીચે આવ્યાં. ધનજીભાઈએ મનન પાસે જઈને મનનને બધી વાત કરી. મનને કાનજીભાઈ અને કોકિલાબેનને સમજાવ્યાં.
"સુશિલાબેન, તમે બિલકુલ ચિંતા નાં કરો. અમને સુમન પસંદ છે. અમે અત્યારે જ સુમન સાથે મનનની સગાઈ કરાવવાં તૈયાર છીએ." કોકિલાબેને સુશિલાબેનને કહ્યું.
સુશિલાબેન તો કોકિલાબેનની વાત સાંભળીને ઉછળવા લાગ્યાં. સુમન ઉભી ઉભી બધું જોતી હતી. જીગ્નેશ નિશાંતના મમ્મી-પપ્પાને લઈને જતો રહ્યો હતો. સુમનને તો જીગ્નેશે લાવેલ કાગળમાં શું લખ્યું હતું. એ જાણવાનો મોકો પણ નહોતો મળ્યો.
"બેટા, તું મનન સાથે સગાઈ કરીશ?? નિશાંત સાથે સગાઈ કરાવવાની જીદ્દ મેં જ કરી હતી. પણ, એનાં વિશે મને કોઈ જાણકારી નહોતી. મનન સારો છોકરો છે. તારાં પપ્પાને પણ એ પસંદ છે. મનને પણ હાં પાડી છે. મહેરબાની કરીને તું પણ માની જા બેટા!!" સુશિલાબેને સુમનને આજીજી કરતાં કહ્યું.
સુમનને તો સુશિલાબેનની વાત પર વિશ્વાસ જ નાં આવ્યો. સુમને એક નજર ધનજીભાઈ તરફ કરી. એમણે મૂક સહમતી આપી દીધી. સુમન મનનની કાલની હરકતથી દુઃખી હતી. છતાંય સુશિલાબેન અને ધનજીભાઈની ખુશીને ધ્યાનમાં રાખીને, તેણે સગાઈ માટે હાં પાડી દીધી.
સુશિલાબેને તરત જ બધાંને ખુશખબરી આપી. કાનજીભાઈએ સુમન માટે સગાઈની રિંગની વ્યવસ્થા પણ કરી લીધી. બંનેની ધામધૂમથી સગાઈ થઈ ગઈ. બધી મુસીબતો થાળે પડી ગઈ, ને ખુશીઓએ સુમનના જીવનમાં દસ્તક દીધી.
(ક્રમશઃ)