Jivan Aek Sangharsh - 5 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | જીવન - એક સંઘર્ષ... - 5

Featured Books
Categories
Share

જીવન - એક સંઘર્ષ... - 5

" જીવન -એક સંઘર્ષ..." પ્રકરણ-5

આશ્કા અને ઐશ્વર્યા બંને ખૂબ થાકી ગયા હતા એટલે બંને શાંતિથી સૂઈ ગયા. ઐશ્વર્યાએ પણ રાત્રે વિતાડ્યું નહિ એટલે આશ્કાને થોડી રાહત લાગી કે અહીં આવીને વિતાડે નહિ તો બહુ સારું... મને તકલીફ ઓછી પડે. અને ખરેખર જાણે ઐશ્વર્યા પોતાની મમ્મી ની પરિસ્થિતિ સમજતી હોય તેમ એકદમ ડાહી ડમરી થઇ ગઇ હતી.

બીજે દિવસે આશ્કા સવારે વહેલી જ ઉઠી ગઇ હતી. અને ઐશ્વર્યા ઉઠે તે પહેલા તેણે ઘણુંબધું કામ પતાવી દીધું હતું.

ભગવતીબેનને આશ્કાને દીકરી આવી તે બિલકુલ ગમ્યું ન હતું. કદાચ દિકરો આવ્યો હોત તો ભગવતીબેન આશ્કાને અપનાવી લેત અને બધું બરાબર પણ થઇ જાત પણ આશ્કાનો ખરાબ સમય જાણે હવે શરૂ થવાનો હતો તેથી તેની કૂખે પણ દીકરી અવતરી હતી.

સવારે ભગવતીબેન ઉઠ્યા એટલે જોયું તો આશ્કાએ તેમના ઉઠ્યા પહેલા ઘણુંબધું કામ પતાવી દીધું હતું.
પણ તેણે તેની મરજી પ્રમાણે પોતાના રૂમની ગોઠવણીમાં અને કીચનની થોડી વ્યવસ્થામાં ફેરફાર કર્યા હતા જે ભગવતીબેનને બિલકુલ ગમ્યું ન હતું. ભગવતીબેન ઉઠ્યા એટલે આશ્કાએ તેમને માટે તરત જ ગરમાગરમ ચા બનાવી દીધી અને સમીર માટે નાસ્તામાં પૌંઆ બનાવ્યા હતા તો તેમને પણ આપ્યા.
આશ્કા પહેલાની બધી જ વાતો ભૂલીને સાસુ ભગવતીબેન કે સમીર પ્રત્યે સહેજ પણ રોષ રાખ્યા વગર એક નવી જિંદગીની શરૂઆત કરવા માંગતી હતી પણ ભગવતીબેન એમ સહેલાઈથી આશ્કાને છોડી દે તેમ ન હતા.

તે ચા-નાસ્તો કર્યા પછી કીચનમાં ગયા તો તેમણે જે ફેરફાર જોયા તેનાથી તે ખૂબ ચિડાઇ ગયા અને આશ્કાને બોલાવીને ખખડાવવા લાગ્યા કે, " કોને પૂછીને આ બધું આમથી આમ અને આમ થી આમ કરી દીધું છે...??

આશ્કાએ શાંતિથી જવાબ આપ્યો કે, " મમ્મી પણ, કીચનમાં આખો દિવસ મારે કામ કરવાનું હોય છે મને ફાવે તેમ હું વસ્તુ મૂકું તો મને કામ કરવામાં સરળતા રહે.અને તેમાં તમને શું વાંધો છે તે મને સમજાતું નથી."

ભગવતીબેન ખૂબજ ગુસ્સા સાથે બોલ્યા કે, " ના, આ ઘરમાં હું જે કહું તે જ થવું જોઈએ મને પૂછ્યા વગર આ ઘરમાં તારે તારી જાતે કોઇ ફેરફાર કરવાનો નહિ આ તારું ઘર નથી મારું ઘર છે. આજે કર્યું એ કર્યું ફરીથી આવું ન બનવું જોઈએ. " અને પછી પોતાની ઇચ્છા પ્રમાણે પાછું હતું તેમ બધું જ ગોઠવી દીધું.

આશ્કા પોતાના મમ્મી-પપ્પાની ઈજ્જત અને પોતાની દીકરી માટે થઇને ભગવતીબેનનો ગુસ્સો અને સમીરનું વર્તન બધું જ ચૂપચાપ સહન કરીને રહેતી હતી.

હવે ઐશ્વર્યા થોડી મોટી થઇ ગઇ હતી. તે આખા ઘરમાં ભાખોડીયા ભરીને દોડતી હતી. ઐશ્વર્યાને કારણે થોડું ઘર ગંદુ થાય તે પણ ભગવતીબેનને જરાય ગમતું નહિ. આશ્કાની પાસે આખો દિવસ ઘરમાં જાડુ-પોછા કરાવ્યા કરતા. ઐશ્વર્યાને ચોવીસ કલાક ડાઇપર પહેરાએલું રાખવું પડતું એટલા બધા ભગવતીબેન સ્ટ્રીક્ટ હતા.

થોડા સમય પછી ભગવતીબેનને અને રામકિશન ભાઇને પંદર દિવસ માટે જાત્રાએ જવાનું થયું. એટલે ભગવતીબેને આશ્કાને તેમજ ઘરના નોકરને ઘરની તમામ સૂચનાઓ આપી ઘર છોડ્યું અને જાત્રાએ જવા નીકળી ગયા.

થોડા દિવસ માટે આશ્કા બિલકુલ એકલી હતી એટલે તેને થયું કે, હું એકલી છું તો થોડા દિવસ નિરાલીને અહીં રોકાવા માટે બોલાવું તો મારે પણ થોડી કંપની રહે. તેણે સમીરને પૂછ્યું એટલે સમીરે તેને " હા " પાડી. તેણે પપ્પાને ફોન કરીને નિરાલીને પોતાના ઘરે રોકાવા બોલાવી લીધી.

નિરાલી આશ્કાના ઘરે હતી અને ભગવતીબેનના દરરોજ ફોન આવતા, તેણે બે-ત્રણ દિવસ આ બધી વાતો સાંભળી એટલે તેને આખીય હકીકતનો ખ્યાલ આવી ગયો. પછી તેણે આશ્કાને પૂછ્યું તો આશ્કાએ ફરી આ વખતે પણ નિરાલીને જવાબ આપ્યો કે, " ના ના, એવું કંઇ નથી. એ તો મમ્મીનો થોડો સ્વભાવ ગરમ છે એટલે એવું કંઇકનું કંઇક બોલ્યા કરે બાકી એવું કંઇ નથી.

આશ્કા નિરાલીને તેના પ્રોબ્લેમની વાત કરે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં....