Dear Paankhar - 12 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૧૨

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૧૨

આકાંક્ષાએ ઘરે પહોંચીને, સાંજનું જમણ તૈયાર કર્યું , બાળકોને સુવડાવીને, દમયંતીબહેન અને ભરતભાઈ સાથે વાત કરવા રૂમમાંથી બહાર આવી .

" અમોલનો ફોન આવ્યો હતો. ડિવોર્સની વાત કરતાં હતાં અને કહેતા હતા કે એમને તન્વી સાથે લગ્ન કરવા છે. " આકાંક્ષાનાં અવાજમાં રુદન સાફ મહેસૂસ થયી રહ્યું હતું.

" પાગલ કરી નાખ્યો છે મારા છોકરાને પેલી એ !! મને એમ કે થોડા વખત માં પાછો આવશે, પરંતુ એ હવે એની જોડે લગ્ન કરવા માંગે છે ? એ નહીં થવા દઉં ! કોઈ સંજોગે નહીં ! હું વાત કરીશ અમોલ સાથે . " દમયંતીબહેન ગુસ્સે થઈને બોલ્યા.

" જો‌ એ વાત માનવાનો હોત તો પહેલાં જ માની ગયો હોત. પાછો આવશે ? શું ખોટી આશા રાખીને બેઠી છું .અરે ! તું જ નહીં આપણે બધા ખોટી આશા રાખીને બેઠા છીએ અહીં. એ કાંઈ હવે સુધરવાનો નથી. " ભરતભાઈએ નિઃસાસો નાખતા કહ્યું.

" મને તો લાગે છે કે એ અમોલને ફસાવીને એનો ઉપયોગ કરી રહી છે. અમોલનાં ‌પૈસે લહેર કરવા મળે ને !! " દમયંતીબહેન ગુસ્સામાં લાલ પીળા થઈ રહ્યા હતા.

" આપણાં જ છોકરાંમાં ખોટ હોય ત્યાં બીજા પર શું આંગળી ચીંધી એ? " ભરતભાઈ દમયંતીબહેનને સમજાવતા કહ્યું.

" મમ્મી... પપ્પા…. અત્યાર સુધીની વાત અલગ‌ હતી પરંતુ હવે કદાચ મારે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. મને તમારા સહાકારની જરૂર છે. " આકાંક્ષાએ ‌હાથ જોડીને આજીજી કરતાં કહ્યું.

" અરે ! આ શું કરે છે ? અમે તારી સાથે જ છીએ બેટા ! પૂરેપૂરો વિશ્વાસ છે તારા પર. તે હંમેશા તારા પહેલા કુટુંબની ભલાઈ નો જ વિચાર કર્યો છે . " દમયંતીબહેને આકાંક્ષાનાં હાથ પકડતા કહ્યું.

" મને એવુ લાગે છે કે મારે એક વખત અમોલને રૂબરૂ મળીને વાત કરી જોવી જોઈએ. ત્યાં સુધી કદાચ ગૌતમ ભાઈ પણ આવી જશે. તો એમની પણ સલાહસૂચન લઈ જોઈશ. " આકાંક્ષા એ પોતાના વિચાર મૂકતાં કહ્યું.

" ભલે ! મને પણ એ ઠીક લાગે છે. તું અત્યારે કશું પણ વિચાર કર્યા વગર નિરાંતે સૂઈ જા. સવારે વાત કરીશું. હિંમત રાખજે. બધુ ઠીક થઈ જશે. " દમયંતીબહેને આશ્વાસન આપતાં કહ્યું.
આકાંક્ષા રુમ‌‌માં ગઈ. ઉંઘવાનો પ્રયત્ન કર્યો , પરંતુ સૂઇના શકી. બેઠી થઈને બારી પાસે ગઈ. બારીમાંથી ઠંડી હવાની લહેર આવી રહી હતી. આકાંક્ષાને થોડું સારું લાગ્યું. એને યાદ આવ્યું કે એક વાર ડૉ.શિવાલીએ કહ્યું હતું. ' જ્યારે મન ગમગીન હોય ત્યારે ખુલ્લું આકાશ, ઠંડી હવા અને મનગમતાં ગીતો સાંભળવા, એ દવાનું કામ કરે છે. ' ડ્રોવરમાંથી હેડફોન કાઢયા , કાનમાં નાખીને ગીતો સાંભળવા લાગી.ધીરેધીરે વિચારો શાંત થવા લાગ્યા અને એની આંખ લાગી ગઈ.

સવારે બાળકોને સ્કૂલ મોકલ્યા પછી અમોલને ફોન કર્યો. કૉફી શોપમાં મળવાનું નક્કી કર્યું. અમોલ કૉફી શૉપમાં મળવા આવ્યો ત્યારે આકાંક્ષા પહેલેથી જ આવીને ત્યાં બેઠી હતી.

" હાય!!! ! તો !!! બોલ ! કેવીરીતે કરવી છે પ્રોસેજર ? " અમોલે આવતાંની સાથે જ સીધું અને સ્પષ્ટ પૂછ્યું.
"શેની પ્રોસેજર ? " આકાંક્ષાએ આશ્ર્ચર્ય વચ્ચે પૂછ્યું.
" અરે ! કાલે વાત થઈ'તી ને ? ભૂલી ગઈ ?" અમોલે‌ અચરજથી પૂછ્યું.
" હું નહીં તમે ભૂલો છો. પહેલા સપ્તપદીનાં વચન ભૂલ્યા. પછી બાળકોને ભૂલ્યા. હવે મા‌બાપને ભૂલ્યા. " ફક્ત કટાક્ષજ નહીં આક્રોશ પણ ભણકતો હતો આકાંક્ષાના અવાજમાં.

" અરે ! એમને‌ કેવીરીતે ? અત્યારે એમની વાત ક્યાં કાઢું છું ? એ લોકો વચ્ચે કેવીરીતે આવ્યા ? " અમોલ થોડો બોખલાયી ગયો.

" આપણા ડિવોર્સ પછી એ કોની સાથે રહેશે ? એ પણ વિચાર્યું હશે ને તમે ? " આકાંક્ષાએ ધારદાર અદામાં પૂછ્યું.

" તારી જ સાથે. તું જેમ રહું છું અત્યારે એમ જ. હું નવો ફલેટ લઈ લઈશ. તમારે ડિસ્ટર્બ થવાની જરૂર નથી. " અમોલે કહ્યું.

" ડિસ્ટર્બ તો બધાં છે! અને બહુ જ છે. બસ તમને દેખાતા નથી કે તમારે જોવા નથી. મારે પહેલાં જ ડિવોર્સ આપી દેવા જોઈતા હતા. તમે કોઈ પણ પ્રકારની આશા રાખવાને લાયક જ નથી. " આકાંક્ષા એ ગુસ્સામાં બોલી રહી હતી.
" પણ‌ હવે બસ. Enough is enough . મને એક એક વસ્તુ ની સ્પષ્ટતા જોઈએ. ઘર, બાળકોનાં ભવિષ્ય માટે મૂડી, મમ્મી પપ્પા જો‌ મારી સાથે રહે તો‌ એમના આવનાર ભવિષ્યમાં અણધાર્યા ખર્ચાની મૂડી અને રોજિંદા ખર્ચાને‌ પહોચી વળવાની મૂડી. વ્યવસ્થિત વકીલ દ્વારા સ્પષ્ટીકરણ જોઈએ છે મને. " આકાંક્ષાએ બેધડક કહી દીધું.

અમોલે આકાંક્ષાને આવા આક્રોશ‌થી વાત કરતાં કયારેય જોઈ નહોતી . એને વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે આ એજઆકાંક્ષા છે. અમોલ બધી સ્પષ્ટ વિગતો સાથે ‌ ફરી મળવા તૈયાર થઈ ગયો. અને બન્ને ત્યાં થી છૂટાં પડ્યાં.

આકાંક્ષાની આંખમાં ના તો‌ આંસુ હતાં , ના તો ચહેરા પર કોઈ માયૂસી. એ જોઈને અમોલ પણ હેરાન હતો. મનમાં વિચાર્યું , ' આકાંક્ષા કેટલી બદલાયેલી લાગે છે. આજે મને એ એક સક્ષમ સ્ત્રી લાગી . મારી આગળ ગિડગિડાવા ની જગ્યા એ એણે પોતાના પોઈન્ટ મૂક્યા અને એ પણ સહેજ પણ‌ ખચકાટ વગર. સાચે જ એને દુઃખ નહીં થાય મને ડિવોર્સ આપવામાં ? એની આંખોમાં મક્કમતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતા હતાં . ડરની તો‌ ક્યાંય જગ્યા જ નહોતી. જાણે ‌મારા હોવા ના હોવાનો એને કોઈ ફરક જ નથી પડતો. અને આ બાજુ તન્વી છે. આમ જોવા જઈએ તો એમ્પલોઈડ! છતાંય કેટલી પસેસીવ છે ! અને હંમેશા અસુરક્ષિત લાગણીઓ સાથે જીવે છે.

આકાંક્ષા ઘરે ગઈ. બાળકો બાગમાં રમવા જવા માટે તૈયાર જ બેઠા હતા. થોડો નાસ્તો અને પાણીની બોટલ લઈને બધા બાગ‌માં ગયા. ત્યાં વૉકિગ ટ્રેક પર દમયંતીબહેન અને ભરતભાઈ ચાલવા ગયા. આકાંક્ષા બાળકો‌ને હિંચકા , ઉંચક -નીચક , લપસણી પર રમાડવા લાગી. ત્યાર પછી પકડા- પકડીની રમત રમ્યા. અને પછી ગોળાકાર વતૃળમાં બેસીને નાસ્તો કર્યો. મોક્ષ અને મોક્ષાની એ સૌથી ગમતી જગ્યા હતી, જ્યાં એ લોકો એમની મમ્મી સાથે મધુર સમય વિતાવી શકતાં હતાં.

બાળકો એ પણ હવે એમના પિતા વગર નું જીવન જીવવાનું સ્વીકારી લીધું હતું. પહેલા તો કયારેક અમોલને મળવાની જિદ કરતાં પરંતુ ધીરે ધીરે એમને અમોલ તરફ લગાવ ઓછો થઈ રહ્યો હતો.

" આજે બહુ જ…. મજા … આવી. " મોક્ષા એ કહ્યું.
" મને લપસણી ખાવા ની બહુ મજા આવી. " મોક્ષે કહ્યું.
" મમ્મા ! જે છોકરો લપસણી પરથી પડી ગયો‌ એને બહુ વાગ્યું હતું ? મોક્ષ પણ બહુ મસ્તી કરે છે. એનો કહેજો મસ્તી ના કરે. " મોક્ષા એ આકાંક્ષા ને કહ્યું.
" હા ! કદાચ ફ્રેકચર થઈ ગયુ લાગતું હતું. મોક્ષ ! તું ‌ મસ્તી ઓછી કર હો ! " આકાંક્ષાએ મોક્ષને કહ્યું.
" હું મસ્તી નથી કરતો. આ મોક્ષા હંમેશા મારી ફરિયાદ કરે છે. " કહી મોક્ષાનાં વાળ ખેંચ્યા.
દમયંતી બહેને બન્ને ને શાંત પાડ્યા. અને પછી વાતને વાળવા માટે વાર્તા કહેવા લાગ્યા.

(સ્ત્રીની સક્ષમતા એ કમાતી છે કે નહીં એના પર નહીં પરંતુ જિંદગીની વિપરીત પરિસ્થિતિઓમાં કેવીરીતે સમસ્યાનો ઉકેલ લાવે છે; એના પર આધારિત છે. )

(ક્રમશઃ)