આગળ જોયું એ મુજબ ત્યારે વિધવા હોવું એ શ્રાપથી પણ બદતર હતું...હવે આગળ...
શ્યામલી યુવાનીના ઉંબરે ઊભી જ હતી અને એક શુરવીર સાથે જન્મોજન્મના બંધને બંધાવા નદીની જેમ ઊછળતી હતી. એને એક એવી પણ મહેચ્છા હતી કે જે ઘરમાં એના શુભ પગલા પડે ત્યાં લક્ષ્મીજી ફુલોના ઢગલે બેઠા હોવા જોઈએ.. નબળું ઘર કે નબળી વાત એને ગોઠતી નહીં..
એ ઘણીવા એકલી પડતી ત્યારે કાનુડાને ધમકાવતી, વ્હાલ કરતી અને ફરિયાદ પણ કરતી કે.....
ન સંભળાય વેદના કેમ કરૂં હવે
રણમાં , થળમા કે ભવનમાં કે
હવે તો છેલાજી, છળ ના..ના..ના
શ્યામલીની માવડી (ચંદા) એને કહેતી પણ ખરી કે દિકરી આ જીંદગી પાંચ દનની દિવાળી સમ છે. પાંચ દિવસમાં જ જીંદગીની ઓળખાણ પડી જાય પણ ખોટા અભરખે ન જીવતી કારણ અરીસો પણ વધુ લુછી તો ધુંધળો થાય આ તો આપણી જીવતરની વાત છે. ચંદાનું એકનું શ્યામલી માનતી પણ ખરી..છેવટે મમતાળી માવડી હતી એ...
એ જમાનામાં મોજશોખ એટલે વારપરબે ભરાતા મેળા.. તરણેતરના મેળાનું ટાણું ડોકિયું કરતું હતું ને બધી સાહેલી ભેળી શ્યામલી પણ પોતાના સાટું કાપડાને ઓઢણા લેવા કાજ બાજુના નગરમાં જાય છે. રંગબેરંગી લુગડાના ઢગલે મધમાખીઓ ચોંટી હોય એમ બધી યુવતીઓ કમખા, કાપડા, ઘેરદાર ઘાઘરા ને ભાતભાતના આભલિયાળી ઓઢણી જોઈ સૌ હરખાય છે.. શ્યામલી એક લાલ ને કાળેરી ઝાંયવાળા ઘાઘરાની સંગે કાળું ફુમતીયાળુને હારે રેશમને મોતી મઢેલી દોરીવાળો કમખો પસંદ કરે છે. અને હરહંમેશની જેમ લાલ,પીળી ને કાળી ઓઢણી માથે રાખી આભલે પોતાનું મુખદર્શન કરે છે..
એ આભલામાં એક અજાણ્યો ચહેરો એના ચહેરાને એક નજરે તાકતો દેખાય છે. એ અજાણ્યા વ્યક્તિએ પણ પાંપણ ઢળકાવી ડોકને નમાવીએ ઓઢણી શ્યામલી પર ચાર ચાંદ લગાવે છે એવો મુક ઈશારો કર્યો..
શ્યામલી શરમાઈને પાછળ જોવા મોં ફેરવે છે કે એ યુવાન આગળ ચાલતી પકડી લે છે. પણ શ્યામલીના આંખમાં કદાવર કાઠી, ચપળતાની ચાલ અને જાણે રાધાનો શામળિયો ત્યાં જ હાજર હોય એવો ભાસ થાય છે.. એ યુવાન પણ સાવજની જેમ તેજીલો, આંખે અણીયાળો ને મૂંછે વાંકડિયો હતો.. શ્યામલી પણ એ સાવજને જોઈ મનમાં જ વિચારે છે કે 'એકવાર મળ્યો કે ન મળ્યો એવો આ જુવાનિયો હ્રદયમાં રાજ કરી બેઠો.. ક્યાં શોધવો એને? કોણ ઓળખતું હશે એ અજાણ્યાને. હવે એને મેળાનો મોહ નહોતો. જલ્દી ઘરે જઈને આભલિયે મલકાઈ ગયેલો ચહેરો એને બેચેન બનાવી ગયો હતો.
સાંજ
પડયે બધી સાહેલીઓ કાનુડાના ગીતો ગાતી પાછી વળે છે. ગાડું પણ એ ગીતોમાં સુરીલુ લાગે છે. એ ગાડે આવા શબ્દો સંભળાય છે....
સાસુડીના જાયા , કયારે તેડા મોકલો
રૂપકડી રાત વીતી જાય અલબેલા....કયારે તેડા ....
પાંપણની પાળ તુટી જાય અલબેલા...કયારે તેડા...
શમણાના સાદ તો સંભળાય અલબેલા...કયારે તેડા...
ઢોલીના ઢોલ તુટી જાય અલબેલા ...કયારે તેડા...
વરણાગી વાતોના વહેણ વહી જાય અલબેલા...કયારે....
અને, આમ જ ગામના પાદરે એક પંખીડાનું ટોળું કલબલાટ કરતું પોતાના માળે ફરે છે...
.................ક્રમશઃ.................
લેખક : શિતલ માલાણી
૨૪/૯/૨૦૨૦
ગુરુવાર