remando ek yodhdho - 4 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | રેમન્ડો એક યોદ્ધો - 4

Featured Books
Categories
Share

રેમન્ડો એક યોદ્ધો - 4

રેમન્ડો સુતર્બ વનસ્પતિ સાથે ગુફા બહાર..


તિબ્બુરનું આક્રમણ અને વેલ્જીરિયા ઉપર આધિપત્ય..


કમ્બલા પત્ની અને પુત્રી સાથે ટુમ્બીયા પર્વત તરફ ભાગ્યો..


_______________________________________


બીજે દિવસે વેલ્જીરિયા પ્રદેશના બધા લોકો કોણ સેનાપતિ બનશે એ જોવા માટે વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાના નિવાસ્થાન આગળ એકઠા થયા હતા. બપોર થવા આવી હતી છતાં અમ્બુરા અને રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી લઈને પાછા ફર્યા નહોંતા. આખી જનમેદની સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડોની વાટ જોતી બેઠી રહી. પણ એ બન્ને સાંજ થઈ ગઈ હોવા છતાં પાછા ના ફર્યા એટલે ચિંતાતુર ચહેરે બધા પોત પોતાના કબીલાઓ તરફ જવા લાગ્યા.


શાર્વીનું મોઢું આજે સાવ ઉતરી ગયેલું દેખાતું હતું. એને સતત રેમન્ડોની ચિંતા સતાવતી હતી. બસ ફક્ત એક જ વાર જોયેલા આ નવયુવાન પ્રત્યે એનું દિલ પ્રબળ રીતે આકર્ષાઈ ગયું હતું. સાંજ સુધી અમ્બુરા અને રેમન્ડો પાછા ના ફર્યા એટલે એના પિતા કમ્બુલાએ ટુમ્બીયા પર્વત તરફ અમ્બુરા અને રેમન્ડોની શોધ માટે સૈનિકો મોકલ્યા. પણ અંધારું થયું ત્યારે નિરાશ વદને બધા સૈનિકો ફક્ત રેમન્ડો અને અમ્બુરાના ખચ્ચરો લઈને પાછા ફર્યા. ટુમ્બીયા પર્વતની તળેટીમાં જ સૈનિકોને ચરી રહેલા બન્ને ખચ્ચરો મળ્યા પણ અમ્બુરા અને રેમન્ડોનો કોઈ જ પત્તો લાગ્યો નહીં. જયારે શાર્વીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે એ આઘાતમાં સરી પડી.


*********************************


રેમન્ડો જેવો ભાલાને બહાર ખેંચવા ગયો કે તરત જ દીવાલ એક દરવાજાની માફક એક તરફ ખસી ગઈ. રેમન્ડોના શરીરમાં નવી જ રોનક પ્રસરી ગઈ. જાણે ચારેય બાજુ શૂન્યતા હોય એવું એને લાગી રહ્યું હતું. હવા તો એના શરીરને સ્પર્શતી જ નહોતી. એણે પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તો એ ચોંકી ગયો. કારણ કે એના શ્વાસ બંધ હતા છતાં એ જીવી રહ્યો હતો.


સમય તો જાણે થંભી ગયો હોય એવું એને લાગતું હતું હતું. ભૂખ , તરસ , પીડા , ઈચ્છા , લાગણી બધું જ એનામાં શૂન્ય થઈ રહ્યું હતું. એણે પોતાની વીતી ગયેલી જીંદગીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ વીતી ગયેલી જીંદગીના ચિત્રો પણ એને ધૂંધળા દેખાવા લાગ્યા અને થોડીક વાર પછી તો સાવ ભૂંસાઈ જ ગયા.


એ કોણ હતો..? ક્યાંથી આવ્યો હતો..? અને ક્યાં હતો..? બસ એ પ્રશ્નો જ એના મગજની દીવાલો સાથે અથડાઈ રહ્યા હતા.


એણે આગળ જોઈને ધીમેથી પગ ઉપાડ્યા અને આગળ ચાલવા માંડ્યો. અજવાળું રંગીન થતું જતું હતું. દીવાલો ચળકતી હતી. આજુબાજુથી ના ઓળખી શકાય એવા પ્રવાહીની ગંધ આવી રહી હતી. પ્રવાહીની જે ગંધ આવી રહી હતી એ સુગંધ હતી કે દુર્ગંધ એ ઓળખવું એના માટે મુશ્કિલ બની રહ્યું હતું.


સામે જ ના સમજાય એવા આકારના મોટા દરવાજાઓ જેવું હતું. એણે એક દરવાજાને હળવેકથી ધક્કો માર્યો. જેવો દરવાજાને ધક્કો માર્યો કે એ દરવાજો સીધો જઈને સામેની દીવાલ સાથે જડાઈ ગયો. અને રેમન્ડોએ અંદર પ્રવેશ કર્યો.


મોટો ખંડ હોય એવું એને લાગ્યું. દીવાલો પથ્થરોની હતી કે કોઈ બીજા પદાર્થની એ ઓળખી શકાયું નહીં. દૂરથી કંઈક કોતરણીઓ કરેલી હોય એવું લાગ્યું પણ નજીક જઈને એને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો તો આખો ખંડ અલગ જ પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. અને સામેથી બધી જ દીવાલો ખસી ગઈ.


દીવાલો ખસી જતાં જ સામેનું દ્રશ્ય સાવ અલગ અને નવાઈ પમાડે એવું હતું. ગુફાની દીવાલમાંથી એકદમ ઘટ્ટ શ્વેત પ્રવાહી ઝરતું હતું અને એક નીક જેવી રચનાનામાં થઈને મોટા ચોગાન જેવા વિસ્તારમાં લહેરાઈ રહેલી કેટલીક વનસ્પતિઓ સુધી પહોંચતું હતું.


એ વનસ્પતિઓનો અલગ જ રંગની હતી. શ્વેત અને લીલા રંગના મેળવણથી નવો જ રંગ ઉદ્દભવે એવી એ વનસ્પતિઓ હતી. રેમન્ડો હવે પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તો હવે એના શ્વાસ ચાલતા હોય એવો એને ભાસ થયો. તરસ અને ભૂખનો અહેસાસ પણ એને થવા લાગ્યો. આજુબાજુના વાતાવરણમાં બદલાવ આવ્યો હોય એવું એને લાગવા માંડ્યું.


ફરીથી ભૂતકાળ એની નજર સમક્ષ આવીને ખડો થયો.


ધૂંધળા ચિત્રો ફરીથી સ્પષ્ટ થવા લાગ્યા. પોતે સુતર્બ જડીબુટ્ટીની શોધમાં નીકળ્યો હતો એ યાદ આવ્યું. ગુફામાંની ભયકંર ચીસો અને દીવાલ સાથે જડેલા ભાલમાં ફસાઈને મૃત્યુ પામેલા અમ્બુરાનું સ્મરણ થયું. એની આંખોમાં આંસુઓ ઘસી આવ્યા કારણ કે ભલે અમ્બુરા એનો દુશ્મન હતો પણ તેઓ બન્ને એક જ માતૃભૂમિના સંતાન હતા.


તરસ બહુજ લાગી હતી એટલે એણે ઉભા થઈને દીવાલમાંથી ઝરી રહેલા શ્વેત પ્રવાહીને પીવાનો પ્રયત્ન કર્યો. જે નીકમાંથી પ્રવાહી વહી રહ્યું હતું એ નીકમાં બન્ને હાથ નાખીને એણે જેવો એ પ્રવાહીનો ખોબો ભર્યો કે એ નવાઈ પામી ઉઠ્યો. કારણ કે એ પ્રવાહી સાવ વજન રહિત હતું. બસ ફક્ત દેખાઈ રહ્યું હતું કે એના ખોબામાં કંઈક છે પણ એના વજનનો અહેસાસ એને જરાય નહોંતો થતો.


ખોબામાંથી એ પ્રવાહીના ટીપાં નીચે વહી રહેલી નીકમાં પડતા હતા પણ વમળ ઉત્પન્ન થયા વગર જ એ પ્રવાહીના ટીપાં વહી રહેલા પ્રવાહીમાં ભળી જતાં હતા.


એણે ખોબો ભરેલું પ્રવાહી મોંઢેં ધર્યું અને પીવાનો પ્રયત્ન કર્યો. ખોબો ખાલી થઈ ગયો પણ કંઈ પેટમાં ગયું હોય એવો અહેસાસ એને ના થયો. બીજા બે ત્રણ ખોબા ભરીને એણે એ પ્રવાહી પી લીધું. પણ પેટમાં કંઈ વજન જેવું લાગ્યું નહીં. ફક્ત ભૂખ અને તરસ બન્ને મટી ગઈ હોય એવો અહેસાસ એને થયો.


હવે એણે પાછા ફરવાનો નિર્ણય કર્યો. પેલી વનસ્પતિઓ જોતાં જ એને ખ્યાલ આવી ગયો હતો કે એ જ સુતર્બ વનસ્પતિ હશે. એણે એ વનસ્પતિઓમાંથી ઘણી બધી વનસ્પતિઓ લઈ લીધી અને એક પોટલું બાંધ્યું. પછી એ પાછળ ફરીને ચાલવા લાગ્યો પણ થોડેક દૂર ગયો તો એના પગ થંભી ગયા. એ પાછો ફર્યો. અને કમરે વીંટાળેલી એક ચામડાની થેલી કાઢી. અને પેલી નીકમાં વહી રહેલું ઘટ્ટ શ્વેત પ્રવાહી એ ચામડાની થેલીમાં ભરી લીધું. પછી એ થેલીને પાછી કમરે બાંધી દીધી.


રેમન્ડો હવે સુતર્બ વનસ્પતિ મળી એની ખુશીમાં આનંદથી ચાલવા લાગ્યો. થોડેક દૂર ગયો ત્યાં તો એના પગમાં એક શ્વેત પથ્થરની ઠોકર વાગી. ઠોકર વાગતાની સાથે જ એ દીવાલોથી ઘેરાઈ ગયો. પહેલા હતું એવું જ વાતાવરણ એની આજુબાજુ સર્જાઈ ગયું. એ આગળ ચાલવા લાગ્યો અને જ્યાંથી એ આ અજીબ સામ્રાજ્યમાં પ્રવેશ્યો હતો ત્યાં આવીને ઉભો રહ્યો. અંદરની તરફ ખોસેલા ભાલાને એ જેવો અડક્યો કે વચ્ચેની દીવાલ ખસી ગઈ. એ બહાર આવ્યો.


ઉપર તરફ જઈ રહેલી સીડીએ એ ચડવા માંગતો હતો ત્યાં તો એની નજર ઘાયલ અવસ્થામાં મૃત બનીને પડેલા અમ્બુરાના શરીર ઉપર પડી. બાજુમાં એની મશાલ પણ પડી હતી. એણે એક હાથથી અમ્બુરાના શરીરને ઊંચકવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો નવાઈ સાથે જ અમ્બુરાનું શરીર સરળતાથી ઊંચકાઈ શકાયું. કારણ કે એણે જે શ્વેત ઘટ્ટ પ્રવાહી પીધું હતું એના કારણે એના શરીરમાં નવા જ પ્રકારની અદ્ભૂત શક્તિનો સંચય થયો હતો.


એ ઉપરની તરફ ચડવા લાગ્યો.. ફરીથી એના પગલાંનો ભયકંર અવાજ એના કાને અથડાવવા લાગ્યો. ધીમે ધીમે ડગલાં ભરતો એ ગુફાની બહાર આવ્યો.


**********************************


આ બાજુ વેલ્જીરિયા પ્રદેશમાં હાહાકાર મચી ગયો. વેલ્જીરિયા પ્રદેશનો કોઈ જ સેનાપતિ નથી એની જાણ કમ્બુલાના જાની દુશ્મન તિબ્બુરને થઈ. તિબ્બુરે વેલ્જીરિયા પ્રદેશ ઉપર હુમલો કર્યો. યોગ્ય માર્ગદર્શક વાળો સેનાપતિ ના હોવાથી અડધા જ દિવસમાં કમ્બુલાનું સૈન્ય હારી ગયું. અને તિબ્બુરે પોતાનું આધિપત્ય વેલ્જીરિયા પ્રદેશ ઉપર સ્થાપી દીધું. તિબ્બુરના ભયથી કમ્બુલા પોતાની પુત્રી શાર્વી અને પત્ની જેસ્વી સાથે બચેલા થોડાંક સૈનિકોને સાથે ખચ્ચરો ઉપર બેસીને ટુમ્બીયા પર્વત તરફ ભાગી ગયો.


(ક્રમશ)