pratham milan - 4 in Gujarati Love Stories by Aarti books and stories PDF | પ્રથમ મિલન - 4 - પ્રસ્તાવ

The Author
Featured Books
Categories
Share

પ્રથમ મિલન - 4 - પ્રસ્તાવ

એ સમયે મારા માસીનો છોકરો દસમાં ધોરણમાં હતો. એનુ ગણીત સહેજ કાચું એટલે માસા એ મને એને ગણીત ભણાવવાની જવાબદારી આપેલી..

હું કૉલેજથી રોજ આવી શૌર્યને (માસીનો છોકરો) ટ્યુશન આપવા એમના ઘરે જતી..
મન તો હજુ મક્કમ હતું, કે દેવ મળી જાય તો પણ એની સામે જોવુ નહી..!

એક દિવસ હું માસીના ઘરેથી નીકળી તો બાહર રમાઆન્ટી અને માસી વાત કરી રહ્યા હતા..

"દેવને સારૂ છે ને હવે? " માસી રમાઆન્ટીને પૂછી રહ્યા હતા.

દેવનું નામ કાને પડતા જ મક્કમ મન ઢીલું પડી ગયું, એમાં પણ એની તબિયતની વાતો થતી હતી એટલે હું ત્યાં ઊભી રહી..

"હા, ભગવાનની દયાથી હવે તો સાવ સારૂ થઈ ગયું છે." રમાઆન્ટી બોલ્યા..

"શું થયું હતું...?" મારાથી પુછ્યા વગર રહેવાયુ નહીં.

"ડેન્ગ્યુ..! પણ હવે તો સાવ સારૂ છે એને.. એ જો કોમન પ્લોટમાં સોસાયટીના છોકરાઓ સાથે જન્માષ્ટમીના દિવસે થનાર રાસની પ્રેક્ટિસ કરે છે.." રમાઆન્ટી મારી સામે વાત કરતા બોલ્યાં..

કોમન પ્લોટ મારા ઘરે જતા વચ્ચે આવતો, દેવને મેં દુરથી જોયો એણે પ્રેક્ટિસમાં વ્યસ્ત હોવાથી મને જોઇ નહીં.. પણ મને એકવાર મળીને એની ખબર પુછવાનું મન થયું, પણ તરત જ ફેસબુક વાળી ઘટના યાદ આવી અને હું ઘર તરફ રવાના થઇ..

એ રાત્રે મને ઊંઘ જ ન આવી.. મારા દિમાગ અને દિલ વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો.. ફેસબુક વાળી ઘટના એ દિમાગ પર એટલી અસર કરેલી કે હું એનો ગુનેગાર દેવને માનતી, પણ દેવથી પ્રેમ પણ હતો એટલે દિલ એને નિર્દોષ માનતું. અને હકીકતે એ નિર્દોષ જ હતો ને..! આખરે હૈયાની હઠ આગળ દિમાગે નમતું જોખ્યું..! અને દેવને આવતી કાલે મળવું એવુ મેં નક્કી કર્યુ..

બીજા દિવસે શૌર્યના ટ્યુશન બાદ હું ધારાને લઇ કોમન પ્લોટમાં પહોંચી ગઈ..

"આરતી, મને આવા રાસમાં સહેજ પણ ઇન્ટરસ્ટ નથી અને તું ઢસડી લાવી.. "

"મને ખાલી જોવુ છે કે કેવો રાસ કરવાના છે બસ, હમણાં આપડે જતા રહીશું.." હું આજીજી કરતા બોલી.

એટલામાં દેવની નજર અમારા પર પડી.. એ તરત જ અમારી પાસે આવ્યો..

"હાઇ, તમે બંને અહીં?"

"અમમ આ ધારાને રાસમાં પાર્ટ લેવો છે તો એ મને લઇ આવી.. "

ધારા આટલુ સાંભળતા જ મારી સામે ગુસ્સે થઈને જોઈ રહી..

"હા હા હા ધારાને ગરબાની તાળી માંડ માંડ આવડે છે અને રાસ?? " વિશાલ (દેવનો બેસ્ટ ફ્રેન્ડ) ધારાને ચીડવવા લાગ્યો..

"મારી સાથે તો મસ્તી રહેવા દે હં વિશાલ.. અને મને કંઈ રાસમાં રસ નથી.. દેવભાઇ, આતો આરતીને જોવુ હતું એટલે અમે આવ્યા હતા.." ધારા ગુસ્સામાં બોલી ગઈ...

અને દેવ મારી સામે જોઈ રહ્યો.. હું નજર ચોરતી રહી..

"તને ગમે છે રાસ.? " વિશાલે મને પુછ્યું..

"અરે, એ તો મારી ગરબા ક્વીન છે. " મારો જવાબ ધારા આપી રહી..

"હા, તો તું મારી રાધા બનીશ? " દેવે ઉતાવળે મને પુછ્યું..

એના આ પ્રશ્નથી અમે બધા મૌન થઈ ગયા..

"આઇ મીન, રાસમાં મારી પાર્ટનર બનીશ..? " દેવ વાત ક્લિયર કરતા બોલ્યો..

મારા મને તો બંને પ્રશ્નના જવાબ હા જ હતા..!!

આમ તો દેવની પાર્ટનર એની જ સોસાયટીની છોકરી વૈશાલી હતી, પણ એ પ્રેક્ટિસમાં આવતી નહોતી તેથી દેવે મને પાર્ટનર તરીકે લીધી હતી..
હજુ તો પ્રેક્ટિસના બે ત્રણ દિવસ થયા હતા, ત્યાં વૈશાલીને
ખબર પડી કે મેં એને રિપ્લેસ કરી છે, અને એણે મારા વિરુદ્ધ મોરચો માંડી દીધો.. સોસાયટીની બહારના કોઈ પણ સોસાયટીની એક્ટિવિટીમાં પાર્ટ ન લઇ શકે.. અને એની આ વાતનો બધાએ સાથ પણ આપ્યો અને હું એ રાસમાંથી નિકળી ગઈ..!

રાસમાંથી તો નિકળી ગઈ હતી પણ છતાં હું શૌર્યના ટ્યુશન પછી પ્રેક્ટિસ જોવા જતી હતી... અલબત્ત, મારી અને દેવની વાત તો નહોતી થતી પણ જે આંખો વાતો કરતી હતી એ શબ્દોમાં સમાય એમ પણ નહોતી..!

જન્માષ્ટમીનો દિવસ આવ્યો.. મને પણ ઘરેથી ધારાના ઘરે રોકાવાની પરમીશન મળી ગઈ હતી...પ્રોગ્રામ શરૂ થયો..

"મધુબનમેં જો કનહ્યા કિસી ગોપીસે મિલે, રાધા કેસે ન જલે...... " રાસનું એ ગીત જાણે મારા મનની વાત કરી રહેલું...! દેવ અને વૈશાલીને સાથે રમતા જોઈ ખરેખર મન જલી રહ્યું હતું...!

"ગો ગો ગો ગોવિંદા...... " સોંગ સાથે મટકી ફૂટી અને જય કનૈયા લાલ કી નો જયનાદ ગુંજી ઉઠ્યો...
પ્રોગ્રામ પુરો થતાં જ માસીએ મને હાકલ કરી, અમે ઘરે જવા નીકળ્યા, પણ ધારાએ એની ઇયરરીંગ ખોવાઈ છે એવુ બહાનુ બનાવી માસીને જવા કહ્યું, અને મને પાછી ખેંચી આવી. મને સમજાયું નહીં કે એ એવુ કેમ કરી રહી હતી.. ત્યાં જ એણે કહ્યું કે દેવને મારૂ કામ છે...!

દેવને મારૂ શું કામ હતુ એની મને અણસાર આવી ગઈ હતી..!
ધારા બહાર ઊભી રહી હું પાછી કોમન પ્લોટમાં પહોંચી.. ત્યાં લગભગ બધી લાઇટ્સ બંધ થઈ ગઈ હતી, અંધારામાં એ ઝાંખો દેખાય રહ્યો હતો..

"સોરી, આજે ચા નથી..! " એ ગયા વર્ષની ચા યાદ કરી હસતા હસતા બોલ્યો..

"અરે વાંધો નથી પણ એ ચાની રેસીપી મારે જાણવી હતી, એ સ્વાદ ગયો નથી હજુ..! "

અને અમે બંને હસી પડ્યા..

આજ સુધી જે વાત આંખો કરતી હતી એ જ વાત હોઠો પર આવી રહી હતી..

"તો, બનીશ તું મારી રાધા..? " દેવે વાત વાતમાં પૂછી લીધું...

જવાબ તો તમને બધાને પણ ખબર જ છે..!
વાતો વાતોમાં સમય વીતતો હતો, પણ જાણે અમને બંનેને એની ભાન જ નહોતી..! થોડી વારમાં ધારાએ બુમ મારી, અને ન ખૂટે એવી વાતો અડધી મુકીને હું માસીના ઘર તરફ વળી..

રસ્તામાં ધારા મને છેડી રહી હતી...

"હું વિચારું છું કે તને ભાભી કહીશ કે દેવભાઇને જિજુ..!"

"ધારા, ચુપ કોઈ સાંભળશે.. "

"કોઈ નવરુ નથી હવે સાંભળવા, બોલને તારા છોકરાવની હું ફઈ બનું કે માસી..?? " ધારા હસતા હસતા બોલી રહી હતી...

હું એનુ મોઢુ દબાવી શાંત કરવા મથી રહી... આખરે એ ચુપ રહી.. અમે ઘરે પહોંચ્યા....

એ પછી હું અને દેવ મળ્યા નહોતા, અલબત્ત વાતો થતી રહેતી..
અને પછી આવી નવરાત્રિ...!
જેની રાહ હું આખુ વર્ષ જોતી હતી..આ વખતે કોઇ પરિક્ષા પણ નહોતી એટલે ઘરેથી પણ રમવા માટે કોઈ ના પાડે એમ નહોતું..

નવરાત્રિના પહેલા બીજા દિવસે તો ખાસ કંઈ રમઝટ નહોતી જામી પણ મારે તો દેવ સાથે રમવા મળતુ એ જ ખરી રમઝટ હતી..!

ત્રીજા દિવસે માસીએ મને કોલ કરેલો કે આજે રમાઆન્ટીનો આરતીનો વારો છે અને એમણે મને આરતીની થાળી ડેકોરેટ કરવા બોલાવી હતી... આરતીનો ટાઈમ તો સાત વાગ્યાનો હતો પણ હું પાંચ સાડા પાંચ વાગ્યાની આસપાસ દેવના ઘરે પહોંચી ગઈ હતી...

રમાઆન્ટીની થાળી તૈયાર કરી હું માસીના ઘરે ગઈ..
આરતી થવામાં હજુ થોડી વાર હતી, પણ હું અને ધારા કોમન પ્લોટમાં પહોંચી ગયા હતા.. દેવ પણ એના દોસ્તો સાથે થોડે દૂર બેઠો હતો...

એમા વિશાલે માતાજીની ગરબી તૈયાર કરી રહેલા મહારાજને પુછ્યું.., "મહારાજ, આજે કોની આરતી છે..? "

મહારાજે તો સ્વભાવિક રીતે જવાબ આપ્યો, "દેવની..!"

દેવ સાથે બેઠેલા એના બધા ફ્રેંન્ડસ દેવને ચીડવવા બોલી રહ્યા, "દેવ તારી આરતી છે..??? "
"દેવ તારી આરતી છે?! "

દેવની સાથે હું પણ શરમાઈ ને લાલ બની રહી હતી.. ધીમે ધીમે સોસાયટીના લોકો આવવા લાગ્યા અને પછી બધા શાંત થયા..
છતાં એ જ્યારે આરતી ઉતારવા ગરબીની નજીક આવ્યો જ્યા હું અને ધારા હતા, ત્યાં ધારાએ પણ મસ્તી કરતા પૂછી લીધું, "દેવભાઇ તમારી આરતી છે?! "

"હા, મારી જ છે.. હવે કાંઈ? " એ મારી સામે જોઈ હસીને બોલ્યો.. હું અવાક્ બની એની સામે જોઈ રહી...

માતાજીની આરતી શરૂ થઈ..
આરતી ભલે વારા પ્રમાણે આવતી પણ લાભ બધાને મળતો.. રમાઆન્ટી એક પછી એક સોસાયટીની મહીલાઓને આરતી માટે કહી રહેલા.. બાદમાં ઈશારાથી મને અને ધારાને પણ આરતી ઉતારવા બોલાવ્યા.. દેવ હું અને ધારા આરતી ઉતારી રહ્યા હતા ત્યાં થોડી વારમાં ધારા ખસી ગઈ.. હું પણ હવે આરતી મુકી બીજા કોઈને આપવા જવા ગઈ ત્યાં દેવે આરતીની થાળી નીચે મારો હાથ દબાવી રાખ્યો...! એની ઈચ્છા સાથે આરતી ઉતારવાની હતી.. એ ક્ષણ મારા માટે અમુલ્ય બની ગઈ હતી.. મન તો થયુ માતાજી પાસે માંગી લઉં કે આમ દર વર્ષે સજોડે આરતીનો લાભ મળે, પણ માં એ જે કંઈ માંગ્યા વગર આપ્યુ હતુ એ પણ અતુલ્ય હતુ..!
એ ક્ષણને વિશાલ મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યો હતો.. આજે પણ કદાચ એના ફોનની ગેલેરીમાં હજારો ફોટા વચ્ચે એ ફોટો સેવ હશે..!

ક્રમશઃ