Pranaybhang - 10 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 10

Featured Books
Categories
Share

પ્રણયભંગ ભાગ – 10

પ્રણયભંગ ભાગ –10

લેખક - મેર મેહુલ

ઘણાં દિવસથી સિયાનું ક્લિનિક બંધ હતું. વિજયે આ વાત નોટિસ કરી હતી. આગળના દિવસે સવારે વિજય કોલેજ જતાં પહેલાં સિયાના ઘરે પહોંચી ગયો.

“ઓહહ વિજય, આવને અંદર” સિયાએ બેતોરમાં કહ્યું.

“ઘણાં દિવસથી ક્લિનિક બંધ છે તો મેં વિચાર્યું મેડમને મળતો આવું” ઘરમાં પ્રવેશતાં વિજયે કહ્યું, “કંઈ થયું છે ?”

“તબિયત સારી નહોતી એટલે” સિયાએ જવાબ આપ્યો.

“ડૉક્ટર પણ બીમાર થાય ?” વિજયે હસીને પુછ્યું.

“કેમ ?, ડૉક્ટર માણસ નથી હોતાં ?” સિયા પરાણે હસી.

“અરે તમારી પાસે તો લોકો દવા લેવા આવે છે એટલે તમને ઈલાજ ખબર હોયને”

“બીજા લોકો જે ઇલાજથી સાજા થાય અમે પણ એ જ દવાથી સાજા થઈએ છીએ, અમે કંઈ વિશેષ જડીબુટ્ટીઓનો ઉપયોગ નથી કરતાં”

“એ પણ છે” વિજયે કહ્યું.

“ક્યાં છે તારો દોસ્ત ?” સિયાએ પુછ્યું, “થોડાં દિવસથી દેખાતો કેમ નથી ?”

“અખિલની વાત કરો છો ?” વિજયે કહ્યું, “બે દિવસથી તો હું પણ નથી મળ્યો”

“એનું તો એક્સિડન્ટ થયું હતુંને ?”

“તો પણ જોબ પર જાય છે.મોડી રાતે હું સુઈ ગયો હોય ત્યારે જમવા આવે છે અને જમીને ઘરે જતો રહે છે”

“સારું, તું શું લઈશ?, ચા કે કૉફી ?”

“અરે કંઈ નહીં મેડમ, મારે કૉલેજ જવા લેટ થાય છે. હું બસ તમારાં હાલચાલ પુછવા જ આવેલો” વિજયે ઉભા થતાં કહ્યું, “હું નીકળું હવે”

“આવતો રહેજે” સિયાએ સ્મિત સાથે કહ્યું, “મને ગમશે”

“ચોક્કસ ડોક્ટર મેડમ” કહેતાં વિજય હળવું હસ્યો અને કોલેજ જવા નીકળી ગયો.

વિજયના ગયાં પછી સિયાને અહેસાસ થયો, તેને ક્લિનિક પર જવું છે. તૈયાર થઈને સિયા ક્લિનિકે જવા નીકળી ગઈ. ક્લિનિક પર પણ તેનું મન ના લાગ્યું એટલે બપોરે પાછી આવતી રહી. અખિલ હવે નહિ આવે એવું સિયાને લાગવા લાગ્યું હતું એટલે તેણે નવી નવલકથામાં પોતાનું ધ્યાન પરોવ્યું.

રાતે સિયા બાલ્કનીમાં બેસીને નવલકથા વાંચી રહી હતી. ના ઇચ્છવા છતાં સિયાનું ધ્યાન વારંવાર સામેની બાલ્કની પર જતું હતું. એકવાર અખિલ બાલ્કનીમાં આવીને ચાલ્યો ગયો હતો પણ સિયાએ એ વાત નોટિસ નહોતી કરી. તેણે પોતાનું ધ્યાન નવલકથા વાંચવામાં કેન્દ્રિત કર્યું.

થોડીવાર પછી ડૉરબેલ વાગી. સિયાના ચહેરા પર કાન સુધી સ્માઈલ ખેંચાઈ આવી. બુક બાજુમાં રાખી ઝડપથી એણે દરવાજો ખોલ્યો. તેની સામે અખિલ ઉભો હતો.

સિયા સાથે ઝઘડો કરીને અખિલ ઘરે આવ્યો ત્યારે અખિલનો ગુસ્સો સાતમાં આસમાને હતો.

‘એણે મને બીજા છોકરાઓની જેમ જ અખિલ ગુસ્સામાં બબડયો, તેને ગલતફેમી ના થાય એટલે હું બંને વચ્ચે સ્પેસ મેન્ટેઇન કરતો હતો અને તેણે એક જ વાતમાં તેનાં વિશેના મારાં વિચારો બદલી નાંખ્યા’

ગુસ્સામાં અખિલ સુઈ ગયો હતો. સવારે જાગ્યો એટલે તેણે સિયાને ચિઠ્ઠી લખીને સંબંધ પૂરો કરવાનું નક્કી કરી લીધું. સિયાનાં ઘરનાં દરવાજા નીચેથી ચિઠ્ઠી અંદર નાંખી અખિલ જોબ પર જતો રહ્યો.ઘણું વિચાર્યા પછી તેને અહેસાસ થયો કે તેણે ગુસ્સામાં મોટી ભૂલ કરી છે. લડાઈનો અંત સબંધ પૂરો કરીને નથી થતો, સમસ્યાના સમાધાન માટે વાતો થવી જોઈએ. ગેરસમજ થઈ હોય તો એ દૂર કરવી જોઈએ અને પછી પણ જો કોઈ રસ્તો ના મળે તો સંબંધ પૂરો થવો જોઈએ.

અખિલે વિચારવામાં ઘણાં દિવસો લઈ લીધા. બે દિવસ પછી સિયાનો જન્મદિવસ હતો, અખિલે એ પહેલાં સિયા સાથે વાત કરવાનું નક્કી કર્યું, એટલા માટે રાતે તેણે બાલ્કનીમાં આવીને સિયા શું કરે છે એ જોઈ લીધું.પોતે ગુસ્સામાં ઘણુંબધું બોલી ગયો હતો એનાં માટે અખિલને સિયા પાસે માફી માંગવી હતી એટલે રાતનો સમય જોઈને અખિલ સિયાના ઘરે પહોંચી ગયો.

અખિલ સિયા સામે ઉભો હતો. સિયાનાં ચહેરા પર ન સમજી શકાય એવા હાવભાવ હતા. સિયા અંદરથી ખુશ હતી પણ બહાર તેણે ગાલ ફુલાવેલા હતા.

“સૉરી” અખિલે ન સંભળાય એવાં અવાજે કહ્યું.

“શું કહ્યું ?” સિયાએ કહ્યું, “સંભળાય એમ બોલ”

“સૉરી” અખિલ થોડું જોરથી બોલ્યો.

“ઇટ્સ ઑકે” સિયાએ બેરુખીથી કહ્યું, “અંદર આવીશ કે આટલું કહેવા જ આવ્યો હતો ?”

“તું કહે તો હું ચાલ્યો જાઉં છું” કહેતાં અખિલ ઘૂમ્યો.

“રુક ઑય” સિયાએ કહ્યું અને પાછળથી તેને હગ કરી ગઈ.

“આ શું કરે છે ?” અખિલે પોતાની છાતી પર રાખેલા સિયાનાં હાથ પર હાથ રાખીને કહ્યું.

“ડોન્ટ સૅ, એક દોસ્ત આટલું તો કરી જ શકે” સિયાએ કહ્યું.

અખિલ હસવા લાગ્યો.

“અરે હું તો એમ કહું છું કે તારે આલિંગન જ કરવું હોય તો સીધી રીતે કરને, આમ પાછળથી શું કામ વાર કરે છે ?”

“હું જે રીતે એડજસ્ટ થઈ શકતી હતી એ રીતે કર્યું, તને કોઈ પ્રૉબ્લેમ છે ?”

અખિલે સિયાને અળગી કરી, સિયા તરફ ઘૂમ્યો અને ફરી આલિંગનમાં લઇ લીધી, “હવે કોઈ પ્રૉબ્લેમ નથી”

“તું આટલા દિવસ કેમ ના આવ્યો ?” સિયાએ ફરિયાદ કરી, “હું રોજ તારી રાહ જોતી”

“ખબર છે મને” અખિલે કહ્યું, “હું પડદા પાછળથી બધું જોતો હતો”

“નાલાયક…” સિયાએ અખિલની છાતીએ મુક્કો માર્યો, “તું હજી નથી સુધર્યો”

અખિલ ફરી હસવા લાગ્યો.

“બોલને..” સિયાએ ફરી કહ્યું, “કેમ આટલાં દિવસ ઘરે ના આવ્યો ?”

“મને ગિલ્ટી ફિલ થતું હતું” અખિલે કહ્યું, “ગુસ્સામાં હું ઘણું બધું બોલી ગયો હતો અને પછી મને મારી જ ભૂલ પર પસ્તાવો થયો પણ મેં જ મારાં પગ પર કુલ્હાડી મારી દીધી હતી”

“તને ગિલ્ટી ફિલ થતું હતું તો મને કહેવાય, એકલાં એકલાં ઘૂંટાઇને શું મળ્યું તને ?” સિયાએ કહ્યું.

“એ વાત છોડને હવે, ચાલ અગાસી પર સિગરેટ પીએ”

બંને અગાસી પર આવ્યાં. સિયાએ એક સિગરેટ સળગાવી.

“તને હાથે કેમ છે હવે ?” સિયાએ અખિલનો હાથ હાથમાં લઈ હથેળી તપાસતાં પૂછ્યું.

“દુઃખે છે હજી પણ એ તો સારું થઈ જશે” અખિલે કહ્યું.

“તું ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતો ?” સિયાએ પુછ્યું.

“શું કરું યાર, મને ગુસ્સો આવે ત્યારે હું શું કરું એ મને જ ખબર નથી રહેતી, બસ મનમાં આવે એ બોલી નાખું” અખિલે કહ્યું, “સિરિયલી આઈ એમ સૉરી, મેં તારી સાથે ગંદુ બિહેવીયર કર્યું છે”

“હમણાં તે જ આ વાતને છોડવાની વાત કરી હતી અને ફરી તું જ એ વાતને વચ્ચે લાવે છે. ધીસ ઇસ નોટ ફૅર”

“મને સાચે ગિલ્ટી ફિલ થાય છે” અખિલે કહ્યું, “તે જસ્ટ મારો ઓપિનિયન પૂછ્યો હતો, મારાં પર તે જરા એવું પણ દબાણ નહોતું આપ્યું અને મેં….”

“બસ કરને હવે” સિયાએ સિરિયસ થતાં કહ્યું, “એક અઠવાડિયા પછી આપણે આવી રીતે બેસીને વાતો કરીએ છીએ, તું ક્યાં આવી વાતો કરીને મૂડ સ્પોઇલ કરે છે”

“અચ્છા તો તું બોલ કંઈક નવીન” અખિલે કહ્યું.

“અમમમ…મારો બર્થડે પ્લાન કર્યો છે કે પછી ગુસ્સામાં એ પણ ભૂલી ગયો?”

“મેં તને પ્રોમિસ આપેલું છે” અખિલે સિયાના ગાલ ખેંચીને કહ્યું, અખિલને સિયાના ગાલ રેશમ જેવાં મુલાયમ લાગ્યા, “તે લાઈફમાં કોઈ દિવસ સેલિબ્રેટ નહિ કર્યો હોય એવો યાદગાર બર્થડે આપણે સેલિબ્રેટ કરીશું”

“અને મારાં ગિફ્ટનું શું ?” સિયાએ કહ્યું, “કંઈક ગિફ્ટ તો આપવું પડેને?”

“તું તો ગજબ છે યાર” અખિલ હસ્યો, “બધું સામેથી જ માંગી લેવાનું ?”

“હક છે મારો” સિયાએ કહ્યું, “તારે આપવું જ પડશે ગિફ્ટ”

“આપીશ..આપીશ..”અખિલે કહ્યું, “એ દિવસ તો આવવા દે”

“મને તારું ગિફ્ટ ના ગમ્યું તો ?” સિયાએ આંખો ઊંચી કરીને વિચારવાનું નાટક કરતાં પુછ્યું.

“એવું બનશે જ નહીં” અખિલે કહ્યું, “પણ જો તને ના પસંદ આવે તો મને કહી દે જે. તને જે પસંદ આવે એ લઈ આપીશ”

“અરે બકા, હું તો મજાક કરું છું” સિયાએ હસીને કહ્યું, “ગિફ્ટનો મતલબ શું થાય એ ખબર છે ને ?, કોઈ પોતાની પસંદગીની વસ્તુ બીજાને આપે એને ગિફ્ટ કહેવાય અને તારી પસંદની વસ્તુને હું કેવી રીતે ઠુકરાવી શકું ?”

“તો પરમ દિવસે સવારે વહેલા ઉઠી જજે” અખિલે કહ્યું, “આપણે બંનેએ બહાર જવાનું છે”

“વહેલા ઉઠીને ક્યાં જવાનું છે ?” સિયાએ પુછ્યું.

“એ બધું તું ના વિચાર, હું જેટલું કહું એટલું તારે કરવાનું છે”

“તું મને કંઈ ઊંધું-ચત્તું તો નથી કરાવવાનો ને ?”

“ઊંધું-ચત્તું વાળી” અખિલે ડાબા હાથે જોરથી સિયાનાં માથે ટપલી મારી, “તારાં આ ઊંધા-ચત્તા થવામાં જ આપણો ઝઘડો થયો હતો”

સિયા હસવા લાગી.

“લઈ લે, તું પણ હવે માથામાં મારીને બદલો લઈ લે” સિયાએ અખિલની સામે માથું ઝુકાવીને કહ્યું.

અખિલે ફરી સિયાનાં માથામાં ટપલી મારીને કહ્યું, “થેંક્યું,માથું નીચું કરવા માટે”

( ક્રમશઃ )