Jingana jalsa - 7 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીંગાના જલસા - ભાગ 7

The Author
Featured Books
Categories
Share

જીંગાના જલસા - ભાગ 7

પ્રકરણ 7


આગળ આપણે ઉદય પુર અને નાથદ્વારા વિશે જોયું હવે આગળ......

નાથદ્વારાથી લગભગ દોઢથી બે કલાકની મુસાફરી બાદ એક હોટલમાં ચા-પાણી માટે બસ સ્ટોપ કરી. બસ ઊભી રહી મારી નીંદર ઉડી ગઈ,એટલી વારમાં જીંગાભાઈનો અવાજ સંભળાયો "ચાલો ભાઈ ચા- પાણીનો દસ મિનિટનો વોલ્ટ છે. જે લોકોને ચા પીવી હોય નીચે ઊતરે બાકીના સુતા રહેજો ચાલો... ચાલો..."

"એ જીંગાભાઈ આ બધાને ખબર જ હોય, બસ ઊભી રહી એટલે, તું આવી ખોટી રાડો શા માટે પાડે છે."

"રાજુભાઈ સુતા હોય એને કેમ ખબર પડે બસ ઊભી રહી એટલે જગાડવા તો પડે ને!"

"અરે યાર તું નહીં સુધરે!.."

"કેમ હું બગડેલો દેખાવ છું?તમારું શું બગાડ્યું કહો જોઇએ! આમ બગડેલો બગડેલો કરીને મને લાગે છે મારા લગ્ન નય (નહીં) થવા દયો!.."

"એ લગ્ન વારી હાલ હવે ચા પીવી હોય તો નીચે.. ડોબા!"

"જાને મંછાળી..તું.. તો આમેય નહીં થવા દે મારા લગ્ન .. બળબમ."

"એ ચાલો તમે બેય(બંને) બસ નીચે". કંટાળીને હું બોલ્યો.

બધાએ ચા-પાણી પીને બસમાં ગોઠવાયા અને પાછા "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" લતા મંગેશકરના સ્વરમાં 'પરદેશ જાકે પરદેશીયા' ગીતના સથવારે અમારી સવારી ચાલી નીકળી જયપુરના રસ્તે.

ચા પીધી હોવાથી હવે નીંદર તો આવે એમ હતી નહીં.એટલે મેં જીંગાને કહ્યું;"જીંગા તું પાણીથી આટલો બધો કેમ ડરે છે?"

"રાજુભાઈ હું સાતમા ધોરણમાં ભણતો ત્યારે અમારા ખેતરમાં પાણી વાળવા જાતો. મારો મોટો ભાઈ સુરત હીરા ઘસતો.મારો ભાઈ સુરતથી આવ્યો ત્યારે અમે ખેતરમાં ઘઉં વાવ્યા હતા અને નદીમાં મશીન (ડીઝલ એન્જિન પાણી ખેંચવાનું) માંડ્યું હતું. એક દિવસ સવારે મારા બાપુજી (પપ્પા) અમને બેય(બંને) ભાઈને ખેતર મૂકી ગયા અને મશીન ચાલુ કરીને પાણી વાળવાનું કહ્યું. મારા બાપુજી(પપ્પા) બીજી જમીન ભાગે વાવતા ત્યાં જતા રહ્યા. મોટાભાઈએ થોડીવાર પાણી વાર્યું, પછી મને કહે તું બપોર સુધી પાણી વારે તો તને પાંચ રૂપિયા આપીશ."

"હવે ત્યારે તો પાંચ રૂપિયા એટલે અત્યારના પાંચસો જેવા!. મેં તરત જ હા પાડી ને મારો ભાઈ પાંચની નોટ મને પકડાવી ને ઘેર જતો રહ્યો."

લગભગ દસ કે સાડા દસ થયા ત્યાં બાજુમાં કાકાની વાડીએ ચા માટે રાડ સંભાળી એટલે હું ત્યાં ચા પીવા ગયો. અમારે ગામડામાં આજુબાજુમાં એક ખેતરમાં ચા બને એટલે બધા ભેગા થઈને ચા પીવે. અમે બધાએ ચા પીધી પછી કાકાના શેરડીના વાળમાંથી બે સાંઠા શેરડી કાપતો આવ્યો. જ્યાં અમારા ખેતરમાં પાણીનો ધોરિયો એટલે કે નીક પાસે પહોંચ્યો ત્યાં પાણી આવતું ન હતું.હું તો સીધો નદીએ મશીન પાસે પહોંચ્યો. મશીન તો બરાબર ચાલતું હતું, એટલે કદાચ પાણીમાં ફુટવાલમાં કંઈક કચરો આવી ગયો હશે, એવું મનમાં લાગ્યું, એટલે હું નદીમાં પડ્યો (ત્યારે પાણીની બીક લાગતી નહીં). કેળ સમા પાણીમાં ડૂબકી મારી તપાસ કરી તો સાચે જ કંઈક ગાભા જેવું આડું આવી ગયું હતું. પગ ભરાવીને ગાભો બહાર કાઢ્યો, પણ એ ગાભામાં ડેંડો ( પાણીનો સાપ) હતો. એ સીધો મારા પગમાં ચડ્યો. એ વખતે તો અમે લાંબી ચડ્ડી કે જેને અત્યારે બરમુડો કહે એવી ચડ્ડી પહેરતા. ગાભામાંથી નીકળેલ ડેંડો ચડ્ડીમાં ચડી ગયો. હવે પાણીમાં ઠેકડાં કેમ મારવા! મેં ચડ્ડી કાઢી ત્યારે બહાર પાણીમાં જતો રહ્યો. ત્યારે ખૂબ નાનો હતો એટલે આખા શરીરે ધ્રુજારી ઉપાડી ગઈ,પણ કોને કહેવું. "

"માંડ માંડ બહાર આવ્યો ત્યાં મશીનમાં પાણી આપવા માટે એક પાતળી પાઇપ હોય એ નીકળી ગઈ. મહામહેનતે પાણીની પાઇપ ફીટ કરી,(મશીન બંધ કરવુ પોસાય નહીં કેમ કે પછી મારા થી ચાલુ થાય નહીં) ત્યાં મશીનમાંથી નીકળતા ગરમ પાણીની પાઈપ નીકળી ગઈ અને એ ગરમ પાણીનો ફુવારો મારા પર પડ્યો .આખું શરીર બળી હાલ્યું. અલબત પાણી બહુ ગરમ ન હતું એટલે ફોડલા ના ઉપાડ્યા. હું તરત જ મશીનની બીજી બાજુ ગયો,મશીન બંધ કરવા. પણ લાંબો સમય પાણી વગર મશીન ચાલ્યું એટલે મશીનનો હેડ સીકી ગયો અને એમાંથી મોબીલના ( કાળું ઘાટું ઓઈલ) છાંટા મને ઉડ્યા. મારા મોઢા પર ને કપડાં પણ કાળા કાળા ટપકા થઈ ગયા. માંડ માંડ મશીન બંધ કર્યું. હવે અત્યારની જેમ ત્યારે મોબાઈલ તો હતા નહીં કે ફોન કરીને બાપુજીને બોલાવું,એટલે હવે ઘેર જવાનું નક્કી કર્યું. ડીઝલનું ખાલી ડબલુ એક હાથમાં લીધું અને બીજા હાથમાં શેરડીના સાઠા ...અધૂરામાં પૂરું એક તો આખું શરીર ગરમ પાણીથી બળતું હતું ને પગમાં કાંટો વાગ્યો.. મારી તો કઠણાઇ બેઠી... કાંટો કાઢી લંગડક લંગડક ચાલવા લાગ્યો..માંડ ગામનું પાદર આવ્યું. મારો આવો વેશ જોઈ ગામના પાદરમાં રહેતા કૂતરા પાછળ દોડ્યા.. મારી લંગડક ગાડી માંડ ઘરે પહોંચી.. પણ ઘરના બધા મારો આવો વેશ જોઈને હસવા લાગ્યા. બાએ (મમ્મી) મને ઠંડા પાણીથી નવડાવ્યો ને ભાઈ પછી જે ધ્રુજારી છૂટી તે આજ દિવસ સુધી .... હજુ પણ પાણી દેખીને ધ્રુજારી ઉપડી જાય. મે ત્યારે જ નક્કી કર્યું કે હું ભાઈની જેમ બહાર કમાવા જઈશ. પણ આપણને સુરત હીરામાં જામ્યું નહીં.હવે સુરત હીરામાં શું થયું એ પછી કહીશ.તમને બગાસા આવે છે તો સુઈ જાવ.

પછી તો મેં પણ હસતા હસતા ડ્રાઇવર પાછળની સીટમાં લંબાવ્યું.વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બિરલા મંદિર જયપુરથી થોડે આગળ એક ધર્મશાળાના પાર્કિંગમાં બસ ઊભી રહી. ભગત બાપાએ ધર્મશાળાના સંચાલક સાથે વાત કરી, અમને નાવા- ધોવા અને શૌચ ક્રિયા માટે વ્યવસ્થા કરી આપી.

બધા છ વાગે ચા ગાંઠિયાનો નાસ્તો કરવા બસ પાસે આવ્યા અને નાસ્તો કરી સીધા બિરલા મંદિર પહોંચ્યા.

બિરલા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર બાવીસ કરોડના ખર્ચે તૈયાર થયું હતું. લક્ષ્મીનારાયણ મંદિર શ્રી મોહન બિરલા તથા શ્રીમતી રુક્ષ્મણી દેવી બિલાની પ્રેરણાથી હિન્દુસ્તાન ચેરિટી ટ્રસ્ટ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. આખું મંદિર આરસપહાણથી બનાવેલ છે.મંદિરની એકબાજુએ સમુદ્રમંથન, બીજી બાજુ શિવ ધનુષ ભંગ, ત્રીજી બાજુ ગંગા ઉત્તરાયણ અને ચોથી બાજુ રાસલીલાના સ્ટેચ્યુ કોતરેલ છે. આ મંદિર સવારે છ વાગ્યા થી બપોરના બાર વાગ્યા તથા બપોરના ત્રણ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ઉનાળામાં તથા શિયાળામાં સમયમાં અડધા કલાક જેટલો ફેર રહે છે.જીણા નકશીકામ માટે પ્રસિદ્ધ આ મંદિર ઉપર ત્રણ વિશાળ, સુંદર ઘુમટ બહારથી જોતા જ મંદિરની શોભા વધારે છે.

બિરલા મંદિરથી અમે રામનિવાસ ઉદ્યાન પહોંચ્યા.

1868માં મહારાજ સવાઈ રામસીંગે આ બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. ત્રીસ એકરથી વધુ જગ્યામાં ફેલાયેલ આ બાગ અંગ્રેજો વખતના રોયલ લાઈફ સ્ટાઈલ જોવા માટે પ્રખ્યાત છે. આ વિશાળ ગાર્ડનની યાદોને અમે કચકડામાં સંઘરીને ચાલી નીકળ્યા જલ મહેલ જોવા.

માન સરોવર તળાવમાં વચ્ચે આવેલ આ જલ મહેલને 'રોમેન્ટિક મહેલ'પણ કહેવામાં આવે છે. આ મહેલની અંદર પ્રવેશવાની મનાઈ છે ,એટલે અમે બસમાંથી જ આ મહેલ જોઈને સીધા જ કનક વૃંદાવન ગાર્ડનમાં ઉતર્યા.

આ કનક વૃંદાવન ગાર્ડન જયપુરનું સુંદર, અદભુત, અને વિવિધ ફિલ્મોના શૂટીંગ માટે પ્રખ્યાત છે. 'લાલ બાદશાહ,' 'સબસે બડા ખિલાડી,' ' નસીબ' જેવા અનેક ફિલ્મોના ગીતો અને અમુક સીનનું આ ગાર્ડનમાં શૂટિંગ કરવામાં આવ્યું છે, એવું અહીંના ગાઈડે અમને જણાવ્યું.

આ ગાર્ડન મહારાજ સવાઈ જયસિંહે બનાવડાવ્યું હતું .તથા 1714 માં ભગવાન ગોવિંદજીને અહીંયા પ્રસ્થાપિત કર્યા. વૃંદાવનના ભગવાન ગોવિંદજીને અહીંયા બેસાડ્યા તેથી આ ગાર્ડનનું નામ કનકવૃંદાવન ગાર્ડન રાખવામાં આવ્યું. આ બાગમાં રાધા કૃષ્ણની રાસલીલા સુંદર રીતે દર્શાવવામાં આવી છે. અહીંયા જુદી જુદી જગ્યા પર સ્પીકર રાખવામાં આવ્યો છે, જેમાં સિંહ, વાઘ, ઘોડા જેવા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનો અવાજ આવ્યા રાખે છે, અહીંયાથી અમે સીધા જ 'આમેરનો કિલ્લો'જોવા નીકળ્યા.

આમેરનો કિલ્લો વાસ્તુ કલા તથા હસ્તકલા હાર્ટ માટે પ્રખ્યાત છે.લાલ પથ્થરથી બનેલ ફરતે દિવાલ તથા ઉચ્ચા પહાડી પર બનેલો આ કિલ્લો દુરથી જોતા જ આપણા મનને મોહિત કરી દે છે. અહીંયા એક દીવાને આમ છે ,જેમાં આમ જનતા પોતાની ફરિયાદ મહારાજ સવાઈ જયસિંહને કરતી અને બીજું દિવાન-એ-ખાસ છે ,જેમાં ખાસ મહેમાનોને રાખવામાં આવતા. ત્યાં એક શીશ મહેલ બનેલો છે, જે આખો કાચનો બનેલો છે. આ કાચ બેલ્જિયમમાંથી મંગાવવામાં આવ્યા હતા. અહીંયા એક ભોંયરું( સુરંગ) છે.જે સીધા જ જયગઢ કિલ્લામા નીકળે છે. હાલ આ ભોયરૂ (સુરંગ) બંધ રાખવામાં આવ્યું છે. અહિયાં પણ સુંદર બગીચો આવેલ છે, જેમાં જાણીતું ગીત 'મારે હિવળામે નાચે મોર' તથા 'જોધા અકબરના' એક ગીતના અમુક દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

આમેર કિલ્લાથી અમે હવા મહેલ તરફ રવાના થયા.

આમેર કિલ્લા થી લગભગ દસ કિલોમીટર દૂર આવેલ હવા મહેલ પહોંચતા અમારે ત્રીસ થી પાંત્રીસ મિનિટ થઈ.

1899માં મહારાજ સવાઈ પ્રતાપસિંહે બનાવેલ અને વાસ્તુકાર લાલચંદે ડિઝાઇન કરેલ હવા મહેલ પાંચ માળનો પિરામિડ આકારનો બનેલ છે.આ મહેલમાં નવસો ત્રેપન નાની-નાની બારીઓ છે, જેને જરૂખા પણ કહેવામાં આવે છે, અને એને કારણે જ આખો મહેલ હંમેશા ઠંડો રહે છે. આ હવા મહેલને 'પેલેસ ઓફ વિંડસ' પણ કહેવામાં આવે છે. શાહી મહિલાઓને શહેરમાં થતા ઉત્સવો જોવા માટે આ મહેલ બનાવવામાં આવ્યો હતો. આ મહેલના ઉપરના માળે જવા માટે દાદર નહીં, પણ ઢાળ (રેમ્પ) બનાવવામાં આવ્યા છે. બહારથી જોતા ભગવાન કૃષ્ણના મુગટ આકારનો આખો મહેલ દેખાય છે .આ મહેલ અને તેનું નકશીકામ જોઈ આપનું મન એના ઉપર આફરીન થઈ જાય છે.

અહીંયાથી અમે પહોંચ્યા 'જંતર મંતર વૈધશાળા' માં.

મહારાજા સવાઈ જયસિંહ બીજાએ ગાણિતિક યંત્ર વાળી જંતર મંતર વેધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. મૌસમની,લોકલ ટાઇમ, ગ્રહ નક્ષત્રો અને ગ્રહણ જેવી ઘટનાઓની જાણકારી અહીંથી મેળવી શકાય છે.

અહીંયા એક વિરાટ સમ્રાટ યંત્ર છે ,જે દુનિયાની સૌથી મોટી સૂર્ય ઘડી છે. જેનું નામ ' બુક ઓફ વર્લ્ડમાં' પણ લખાયેલ છે.જેની ઉંચાઈ લગભગ ૨૭ મીટર જેટલી છે. ૧૯મી સદીમાં આ જંતર-મંતરની હાલત ખરાબ થતાં અંગ્રેજોએ આ જંતર મંતર વૈધશાળા ની મરામત કરાવી હતી.આ જંતર-મંતરને યુનેસ્કો દ્વારા 'વૈશ્વિક ધરોહરમાં' સામેલ કરવામાં આવી છે.

જંતર એટલે સાધનો અને મંતર એટલે ફોર્મ્યુલા, આવો કંઈક અર્થ થાય છે, જંતર-મંતરનો.આવી જ વૈધશાળા દિલ્હી, મથુરા, વારાણસી અને ઉજ્જૈનમાં પણ આવેલી છે, જેનું નિર્માણ પણ મહારાજા જયસિંહ બીજાએ કરાવ્યું હતું,પણ જયપુરની વૈધશાળા સૌથી મોટી ગણવામાં આવે છે.

જંતરમંતર તથા તેના વિવિધ સાધનો જોઈને એ વખતના મહારાજા સવાઈ જયસિંહની ખગોળીય વિદ્યા તેમજ ગણિત વિદ્યા પ્રત્યે ખૂબ જ માન ઉત્પન્ન થાય છે.

લગભગ અઢી વાગ્યાની આસપાસ અમે બપોરા એટલે કે બપોરનું ભોજન કર્યું.

સાડા ત્રણ વાગ્યે અમે જયગઢ કિલ્લો જોવા રવાના થયા. લગભગ ૧૧ કિલોમીટરની મુસાફરી બાદ અમે જયગઢ કિલ્લામાં પહોંચ્યા.

આ કિલો મહારાજ સવાઈ જયસિંહ બીજાએ બનાવ્યો હતો.આ કિલ્લાને 'જીત કા કિલ્લા' પણ કહેવામાં આવે છે. આ કિલ્લાની ડિઝાઇન વાસ્તુકાર વિદ્યાધરે કરી હતી. ખૂબ ઊંચાઇ પર બનાવવામાં આવેલો હોવાથી આ કિલ્લા પરથી આખું જયપુર જોઈ શકાય છે.આ કિલ્લાની લંબાઇ ત્રણ કિલો મીટર જેટલી છે, જ્યારે પહોળાઈ એક કિલોમીટર છે. અહીં એશિયાની સૌથી મોટી તોપ પણ છે. આ તોપનું નામ જયબાણ છે, જેમાંથી ગોળો લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર પડતો. ચાર હાથીથી આ તોપ ફેરવવામાં આવતી. આ ધાતુની બનેલ તોપનું દશેરાના દિવસે પૂજા કરવામાં આવે છે.

એક એવી પણ માન્યતા છે કે મહારાજા માનસિંગ પ્રથમે પોતાનો ખજાનો આ કિલ્લામાં છુપાવ્યો હતો. ઇન્દિરા ગાંધીની સરકારે આ ખજાનાની શોધ કરાવી પણ તેમને કંઈ મળ્યું હતું નહીં.

લગભગ અમે પાંચ વાગ્યાની આસપાસ ગુલાબી શહેરમાં ફરવા નીકળ્યા ,થોડી ખરીદી માટે.

અમે ચાલતા થયાં ત્યાં ભગતબાપા અમને કહે " એલા છોકરાઓ આ ઉઘાડપગાને પણ લેતા જાવ. આને ચપ્પલ લઇ દેજો. અમને 200 રૂપિયા આપ્યા અને અમે જીંગાભાઈને લઇને ચાલતા થયા. એક ફૂટવેરની દુકાનમાં પહોંચ્યા. ત્યાં શેઠે કામ પર રાખેલ છોકરાને જોઈ જીંગાભાઈ બોલ્યા "એલા ભાઈ મારે ચપ્પલ લેવાના હૈ."

"ક્યા નંબર હૈ? દિખાઓ.."

"દિખાઉં કેસે, મારા ચપ્પલ એક તો અંબાજી ધરમશાળા મેં હૈ ઔર બીજા કુતરા લેકે ભાગા હૈ. ઇસ પગમેં આવે એસા દિખાવ." પગ ઊંચો કરતા જીંગો બોલ્યો.

અમને હસવું આવ્યું, મહામહેનતે દબાવી રાખ્યું. ત્યાં દુકાનવાળા શેઠ ઉભા થયા અને બોલ્યા;"ભાઈ ગુજરાતીમાં બોલો હું પણ ગુજરાતી છું,બોલો કેવા ચંપલ જોવી છે?"

જીંગો હસતાં હસતાં બોલ્યો;"પહેરીને ઝડપથી દોડી શકાય તેવા આપો."

હવે શેઠે પણ હસતા હસતા બોલ્યા;"તો તો સાદા ચપ્પલ લઇ જાવ."એમ કહી 60 રૂપિયા વાળા ચંપલ બતાવ્યા. જીંગાએ લીધા પણ રૂપિયા આપવા માટે માથાકૂટ ચાલુ કરી અને બોલ્યો;"જો ભાઈ તમે ગુજરાતી, અમે પણ ગુજરાતી. એટલે આપણે ભાઈ ભાઈ કહેવાય માટે આ ૪૦ રૂપિયા લઇ લ્યો."

"એલા ભાઈ ગુજરાતી છો એટલે જ 60 રૂપિયા કીધા.નહીં તો અમે 80માં વહેંચીએ છીએ."

"હાલો(ચાલો) તમારું પણ રહી જાય અને મારું પણ થઈ જાય તમે 50 રૂપિયા રાખી દો."

અંતે અમે 50 રૂપિયામાં જીંગાના પગમાં ચપ્પલ પહેરાવ્યા અને લગભગ સાડા છ વાગ્યે અમારી બસ આગ્રાના રસ્તે રવાના થઇ.

રાજસ્થાન સરહદ અમારે બાર વાગ્યા પહેલા છોડી દેવાની હતી, કેમ કે બાર વાગ્યે અમારે રાજસ્થાનની પરમીટ પૂર્ણ થતી હતી, એટલે બસ થોડી વધુ ઝડપથી ચાલવા લાગી 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ' ગીતના સથવારે.

લગભગ આઠ વાગ્યાની આસપાસ પાલડી મીના વિસ્તારના પેટ્રોલ પંપ પર બસ ઉભી રહી. અહિયાં જ અમારે સાંજનું ભોજન કરવાનું હતું.

પરોઠા અને સેવ ટમેટાનું શાક જમ્યા બાદ પાછી અમારી સવારી ચાલી નીકળી....

અમે લગભગ રાજસ્થાન સરહદથી 35 કિલોમીટર દૂર હતા ત્યારે બધા પ્રવાસી મિત્રો મોજે ચડયા. એટલામાં એક બસે અમારી બસનો ઓવર ટેક કર્યો અને બસની અંદર બેઠેલા છોકરા ઓએ અમને ઠેંગો દેખાડ્યો.અમે બધાએ વિજયભાઈને કહ્યુ કમોન વિજયભાઈ કમોન. એટલે વિજયભાઈએ પણ બસ ભગાવી મૂકી અને પેલી બસને ઓવરટેક કર્યો. એટલે અમે બધાએ બારીમાંથી હાથ બહાર કાઢી એમને ઠેંગો દેખાડ્યો.

બસની સ્પીડ સો-સવાસો કિલોમીટર ઉપર ચાલતી હતી અને અચાનક જ આગળનો કાચ દરિયાના મોજા ઉછળે તે રીતે ઝીણી કટકી સ્વરૂપે ટુટયો. સદનસીબે મે ચશ્મા પહેર્યા હતા એટલે કાચની કટકી ચશ્મામાં ભટકાણી,જો કે શરીરમાં બે-ત્રણ જગ્યાએ કાચના ટુકડાના ઉઝરડા પડ્યા. પણ કાચ ઉપર જે નામનું સ્ટીકર ચોટાડેલ હતું તેથી એ સ્ટીકર સાથે ચોટેલ કાચનો મોટો ટૂકડો વિજયભાઈના હાથ ઉપર પડ્યો. મહામહેનતે વિજયભાઈ બસ કંટ્રોલ કરી અને રોડની એક સાઇડ ઉભી રાખી.ફસ્ટ એઈડ બોક્સ કાઢી,વિજયભાઈના હાથમાંથી કાચનો ટુકડો કાઢી પાટો બાંધ્યો પણ ડોક્ટરને બતાવવું જરૂરી લાગ્યું.પાછો શિયાળાનો સમય એટલે આગળના કાચ વગર ગાડી કેમ ચલાવવી.અધૂરામાં પૂરું ભગત બાપા બસ ચલાવતા પણ ગુજરાત પૂરતી. આસપાસ પૂછ્યું તો જાણવા મળ્યું કે 20 થી 25 કિલોમીટર પાછા જાવ ત્યાં ગેરેજ અને દવાખાનું મળી જશે.આગળતો પચાસ કિલોમીટર સુધી કઈ નહીં મળે.

ક્રમશ::::::

સરહદ પાર કરવાનો સમય પૂરો થાય ગયો ત્યારે જીંગાભાઈએ કઈ રીતે દંડ ભરતા બચાવ્યા એ જાણવા વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 8....

આપના પ્રતિભાવની રાહે રાજુસર....