" જીવન - એક સંઘર્ષ..." પ્રકરણ-4
આપણે પ્રકરણ ત્રણમાં જોયું કે ભગવતીબેન અને સમીર એકાદ બે દાગીના અને એકવીસ જોડી કપડા લઇ દશ બાર સગાવ્હાલાને લઇને ઐશ્વર્યાને રમાડવા આવ્યા હતા.
આજે તે આશ્કાને અને ઐશ્વર્યાને પોતાની સાથે પોતાના ઘરે લઇને જ જવાના હતા. ઐશ્વર્યાને રમાડવાનો પ્રોગ્રામ પૂરો થયો એટલે રમાબેન અને નિરાલીએ બધાને માટે જમવાનું બનાવી રાખ્યું હતું તે બધા સાથે જમવા બેઠા.
જમીને તરત જ ભગવતીબેને આશ્કાને નીકળવા માટે તૈયાર થવા કહ્યું. આશ્કા છેલ્લા બાર મહિનાથી અહીં પપ્પાને ત્યાં મમ્મી-પપ્પા અને બેન નિરાલીની સાથે હતી એટલે આટલા બધા સમય પછી સાસરે જવાનું તેને થોડું આકરું લાગે છે અને તેમાં પણ વળી સાસુ ભગવતીબેનનો ત્રાસ, તેથી આશ્કા મનોમન જાણે ફફડી રહી હતી પણ પહેલા તો પોતે એકલી હતી હવે તેની સાથે સાથે તેની નાની બેબી હતી તેનું ફ્યુચર પણ તેણે જોવાનું હતું તેથી તેને સાસરે ગયા વગર છૂટકો ન હતો. તેમ તે વિચારી રહી હતી. કદાચ ઐશ્વર્યાને આવવાથી પરિસ્થિતિ બદલાઇ પણ જાય અને બધું બરાબર પણ થઇ જાય તેવું તે વિચારી રહી હતી. જે થાય તે ઇશ્વરની ઇચ્છા માની તેણે પોતાનો તેમજ દીકરી ઐશ્વર્યાનો સમાન પેક કરી લીધો.
અને હવે વિદાયની વસમી વેળા આવીને ઉભી રહી હતી, મમ્મી-પપ્પા અને નિરાલી પણ આશ્કાને તેમજ નન્હી સી જાન ઐશ્વર્યાને વિદાય આપતા આપતા ખૂબ રડી પડ્યા. રમાબેન અને મનોહરભાઇનું ઘર જાણે ખાલી ખાલી થઇ ગયું હતું. રમાબેને ખૂબ શિખામણો સાથે દીકરી આશ્કાને વિદાય આપી હતી. અને સાથે કહ્યું પણ હતું કે ઐશ્વર્યા થોડી મોટી થાય પછી અહીં મારી પાસે તેને મૂકી જજે હું તેને સાચવીશ એટલે તારે થોડી રાહત રહે. આશ્કા " હા મમ્મી, તું ચિંતા નહિ કરતી એ તો બધું હું સંભાળી લઇશ " કહેતી પણ મનોમન વિચારતી કે મારે કેટલું દુઃખ છે મમ્મી તને ક્યાં કહું...?? અને આ વિચાર માત્રથી દુઃખી થઇ જતી.
ભગવતીબેન અને સમીર આશ્કાને અને ઐશ્વર્યાને લઇને પોતાના ઘરે આવી ગયા હતા. આજે એક વર્ષ પછી આશ્કાએ પોતાના ઘરમાં પગ મૂક્યો હતો એક વર્ષથી તેણે શાંતિથી પોતાના પતિ સમીર સાથે વાત પણ કરી ન હતી અને તો પણ સૂઇ જવા માટે આશ્કાનો અને ઐશ્વર્યાનો રૂમ અલગ અને સમીરનો રૂમ અલગ હતો. આજે તો સમીરે તેની મમ્મીને કહ્યું પણ ખરું કે, " મારે ઐશ્વર્યા સાથે સૂઇ જવું છે, મને સૂઇ જવા દોને મમ્મી...?? " પણ ભગવતીબેને સમીરને ચોખ્ખી " ના " પાડી દીધી અને કહેવા લાગ્યા કે, " તું જ્યાં સૂઇ જાય છે ત્યાં જ તારે સૂઇ જવાનું છે, આશ્કા ભલે આવી તારી જગ્યા બદલાશે નહિ અને બદલવાનું કહેતો પણ નહીં. "
સમીર પોતાની મમ્મી આવું વર્તન કરીને શું કરવા માંગે છે તે કંઇ સમજી શકતો ન હતો. અને આવું જ કરવું હતું તો મને પરણાવ્યો શું કામ...?? એમ પણ વિચારતો હતો. પણ નાનપણથી જ ભગવતીબેને તેને એટલો બધો દબાવી દીધો હતો કે પોતાની મા આગળ તે કંઈજ બોલી શકતો ન હતો.
આશ્કા પણ ભગવતીબેને આજે આવું વર્તન કર્યું તેનાથી શૉક થઇ ગઇ હતી. તેણે હિંમત કરીને ભગવતીબેનને કહ્યું પણ ખરું કે સમીરને આજે મારી રૂમમાં સૂઇ જવા દો ને, કારણ કે ઐશ્વર્યા રાત્રે વિતાડે તો હું એકલી શું કરી શકું...?? સમીર સાથે હોય તો મને તકલીફ ન પડે. પણ ભગવતીબેન એકના બે ન થયા તે ન જ થયા. ભગવતીબેને આશ્કાને જવાબ આપી દીધો કે, રાત્રે ઐશ્વર્યા બહુ વિતાડે તો મને ઉઠડજો હું તમારી મદદ કરીશ અને પછી બધા પોતપોતાના રૂમમાં સૂઇ ગયા.
આશ્કા વિચારી રહી હતી કે, હવે થોડું જબરું થઇને આ ઘરમાં રહેવું પડશે નહિ તો મેળ નહિ પડે....
હવે આશ્કા શું કરે છે....વાંચો આગળના પ્રકરણમાં....