Emporer of the world - 22 in Gujarati Adventure Stories by Jainish Dudhat JD books and stories PDF | Emporer of the world (જગતનો સમ્રાટ) - 22

Featured Books
Categories
Share

Emporer of the world (જગતનો સમ્રાટ) - 22

જગતનો સમ્રાટ (ભાગ-21)



આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ઘરે આયોજિત ભોજન સમારંભમાં હાજર તમામ લોકો ખૂબ પ્રસન્ન હોય છે. એવામાં આચાર્ય સાહેબ પર આવેલ એક ફોનના લીધે તેઓ ચિંતિત બની ગયા. તેઓ રાજેશભાઈ અને આનંદ સરને લઈને એકાંતમાં વાત કરવા માટે જાય છે. આચાર્ય સાહેબ બંનેને પોતાની ચિંતાનું કારણ જણાવે છે. રાજેશભાઈ અને આનંદ સર પોતાનાથી બની શકે એટલી તમામ મદદ કરવાની બાંહેધરી આચાર્ય સાહેબને આપે છે, જેથી આચાર્ય સાહેબની ચિંતા દૂર થાય છે. આ તમામ વાતો ગુરુજી સાંભળી જાય છે અને તેઓ મનોમન એક નિર્ણય લે છે. હવે આગળ,



#######~~~~~~~#######~~~~~~~#######



આચાર્ય સાહેબ, આનંદ સર અને રાજેશભાઈની વાતો ગુરુજીના કાને અનાયાસે જ સંભળાઈ ગઈ હતી. સાંભળ્યા બાદ ગુરુજી એક નિર્ણય લે છે અને થોડે દૂર બેઠેલા ત્રણેય તરફ આગળ વધે છે. જેવા ગુરુજી ત્રણેય તરફ આગળ વધ્યા કે આચાર્ય સાહેબ ગુરુજીને આવતા જોઈ જાય છે. તેઓ તરત જ રાજેશભાઈ અને આનંદ સરને આ વાતથી વાકેફ કરે છે અને તમામ પોતાની વાતનો ટોપિક બદલવા લાગે છે. તેઓને એ વાતનો જરાય અંદાજો નથી કે ગુરુજી તેમની વાતો સાંભળી ગયા છે.



ત્રણેય હવે એજ વિચાર કરતા હતા કે ગુરુજી તેમને અહીંયા બેસીને કઈ વાતો પર વિચાર વિમર્શ કરતા હતા એવું પૂછશે તો શું જવાબ આપવો. પરંતુ ગુરુજીના મનમાં તો બીજું જ કઈક ચાલી રહ્યું હતું એ વાતથી ત્રણેય જણાં અત્યારે અજાણ હતા. ગુરુજી ત્રણેય પાસે આવીને ઊભા રહ્યા અને તેમને જણાવ્યું કે, "તમારા ત્રણેયની વાતો અનાયાસે જ હું સાંભળી ગયો છું. આચાર્ય સાહેબ મને રાજેશ અને આનંદ ભાઈની વાત યોગ્ય લાગે છે. તમારે એમની મદદ સ્વીકારી લેવી જોઈએ અને હા આ વાત તમારા ત્રણ નહિ પણ આપણા ચાર સિવાય બીજા કોઈને નહિ ખબર પડે એની ખાતરી આપુ છું."



આચાર્ય સાહેબ સહિત રાજેશભાઈ અને આનંદ સરને પણ ગુરુજીની વાત સાંભળીને ખુશી તો થઈ સાથે નવાઈ પણ લાગી કે તેમની વાતો ગુરુજી કઈ રીતે જાણી ગયા. ગુરુજી તેમને બધી વાતો કહે છે કે કેવી રીતે તેઓ રાજેશભાઈને શોધતા શોધતા આવી પહોચ્યા અને અજાણતા જ તેમણે બધી વાતો સાંભળી. તેમ છતાં ગુરુજી આચાર્યને ફરી એકવાર આશ્વાસન આપે છે કે તેઓ આ સમસ્યા વિશે કોઈને પણ નહિ જણાવે અને આચાર્ય સાહેબને સામેથી મદદ કરવાની તૈયારી પણ દર્શાવે છે. આચાર્ય સાહેબ ગુરુજીને હાલ પૂરતો આભાર પ્રગટ કરે છે અને કહે છે કે જો જરૂર પડશે તો તેઓ ચોક્કસ ગુરુજીની મદદ સ્વીકારશે.



આ બધી ચર્ચા સમાપ્ત થયા બાદ બધા પાછા મહેમાનો પાસે આવી ગયા. કોઈએ આ બાબત પર કઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું કે આ ચારેય ઘણા સમયથી તેમની વચ્ચે હાજર નહોતા. તેમના ત્યાં પહોંચતા જ તમામ મહેમાનો રજા લઈને પોતપોતાના ઘરે જવા નીકળે છે. રાજેશભાઈ તમામ મહેમાનોનો પોતાના ઘરે આવવા માટે આભાર માને છે, તથા તેમને ગેટ સુધી મુકવા માટે પણ જાય છે. બધા મહેમાનો રાજેશભાઈની મહેમાન નવાજીથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેઓ પણ રાજેશભાઈને પોતાને ત્યાં આમંત્રિત કરવા માટે આભાર વ્યક્ત કરે છે.



મોટા ભાગના મહેમાનો વિદાય લઈ ચૂક્યાં છે. અત્યારે બસ ગણ્યા ગાંઠ્યા લોકોની હાજરી જ દેખાઈ રહી છે. જેમાં જૈનીષ અને દિશાનો પરિવાર, આનંદ સર મીતાબેન તથા આચાર્ય સાહેબ અને તેમના પત્ની જ બાકી રહ્યા છે. રાજેશભાઈ આચાર્ય સાહેબને સ્પર્ધા વિશેના સમાચાર જૈનીષ અને દિશાને જણાવવા માટે કહે છે, અત્યારે બંનેના માતા પિતા પણ હાજર હોવાથી રાજેશભાઈને આ વાત અત્યારે જ જણાવી દેવી જોઈએ એવું લાગ્યું. આચાર્ય સાહેબ ચૂંટણીને કારણે રાષ્ટ્રીય કક્ષાનો સાંસ્કૃતિક ઉત્સવ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે એવા સમાચાર જૈનીષ અને દિશાને આપે છે. સમાચારથી બંનેને થોડું દુઃખ થાય છે, પણ તેમના માતા પિતા સાથે હોવાથી તેઓ બંનેને સંભાળી લે છે.



" જે પણ થાય છે તે આપણા સારા માટે જ હોય છે" ગુરુજી જૈનીષ અને દિશાને આશ્વાસન આપતાં કહે છે. "તમે સંગીતમાં તો પારંગત થઈ જ ગયા છો, હવે તમારે શરીરને પણ ફાયદો થાય એવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ મારા મત મુજબ. પછી તમારી બંનેની ઈચ્છા." એમ કહી તેઓ સ્મિત કરે છે. રાજેશભાઈને આ સાંભળીને થોડીક નવાઈ જરૂર લાગી પણ તેમને તરત જ ગુરુજીની આસિસ્ટન્ટ વાળી વાત યાદ આવી ગઈ. જેવું ગુરુજી તરફ અચરજના ભાવ સાથે ગુરુજી તરફ જોયું, ગુરુજીએ સ્મિત સાથે માથું હકારમાં હલાવ્યું. આખરે રાજેશભાઈ સમજી ગયા કે તેમણે સમ્રાટના જીવનમાં તેમનું યોગદાન ક્યાં અને કઈ રીતે આપવાનું છે.



ગુરુજીના ધ્યાનનો સમય થઈ ગયો હોવાથી તેઓ બધા પાસે વિદાય લઈને ઘરમાં જવા પ્રસ્થાન કરે છે. જૈનીષ બીનીતભાઈને ઘરે જવાની વાર છે કે નહિ તે પૂછીને ગુરુજીને મળવા જવાનું કહે છે, જેને બીનીતભાઈ હા પાડીને સ્વીકારે છે. જૈનીષ ગુરુજીને મળવા ઘર તરફ જતો હોય છે તો દિશા પણ તેની સાથે જવાનું વિચારીને દિનેશભાઈ તરફ જોયું. દિનેશભાઈએ પણ તેને હા પાડી એટલે તરત જ દિશા જૈનીષની સાથે ચાલવા લાગી.



ગુરુજીને અંદાજો હતો જ કે જૈનીષ તેમને મળવા આવશે એટલે તેઓ હજી ધ્યાનમાં બેઠા નહોતા. જૈનીષ અને દિશા તેમની પાસે આવીને ઊભા રહ્યા એટલે ગુરુજીએ બંનેને આસાન પણ બેસવા કહ્યું. બંને ગુરુજીના કહ્યા પ્રમાણે બેસી ગયા. ગુરૂજીએ જૈનીષ તરફ જોયું અને કહ્યું "જે કાંઈ જાણવાની ઈચ્છા હોય તે પૂછી શકો છો. હું કોઈ વાત છુપાવવા માંગતો નથી સમ્રાટ."



ગુરુજીના મોઢે પોતાનું સમ્રાટ તરીકે ઉદબોધન સાંભળીને જૈનીષને ઘણી નવાઈ લાગી. "ગુરુજી, મારૂ નામ તો જૈનીષ છે, સમ્રાટ નહી. તમને ગેરસમજ થઈ છે." જૈનીષ પોતાના નામનો ખુલાસો કરે છે. જવાબમાં ગુરુજી મંદ મંદ સ્મિત કરે છે અને કહે છે, "હજી તમને નહી સમજાય. એવું સમજી લો કે હું તમને હુલામણા નામથી બોલવું છું. એ તો ચાલશે ને ?" અને સ્મિત એમનું વધુ રેલાય છે. જૈનીષ તો અત્યારે કઈ સમજી શકાય એવી સ્થિતિમાં હતો જ નહી, પણ હુલામણા નામનો ઉલ્લેખ થયો એટલે દિશા તરત જ વાતમાં વચ્ચે ટપકી, "ગુરુજી, હુલામણા નામથી બોલાવવો હોય આને તો કૃષ્ણ કહેવું પડશે સમ્રાટ નહી." અને ખડખડાટ હસવા લાગી.



દિશાની વાત સાંભળી ગુરુજી પણ જરાક વધારે હસ્યા અને જૈનીષ એ દિશા બાજુ જોઈને સ્મિત કરતાં કરતાં નકારમાં માથું હલાવ્યું અને દિશાને સંબોધીને બોલ્યો, " તારું ચાલે તો તું તો મારું નામ જ બદલીને કૃષ્ણ કરી દેય."
આમ બંને વચ્ચે ચાલતો વાર્તાલાપ ગુરુજી માણતા રહ્યા અને પોતાને ધન્ય અનુભવવા લાગ્યા. જૈનીષ અને દિશા વચ્ચેનો સંવાદ પૂરો થયો એવો જ જૈનીષ ગુરુજી સાથે વાર્તાલાપ કરવા તેમની તરફ જોવા લાગ્યો. કંઈ પણ પૂછવા જાય એ પેહલા જ ગુરુજી જૈનીષને કહે છે, "હું જાણું છું તમારા મનના દરેક પ્રશ્નને અને તેમના જવાબ પણ હું આપીશ આપને સમ્રાટ."



આ સાંભળીને જૈનીષ ખરેખર ચોંકી ગયો હતો. તેને હવે ગુરુજી રહસ્યમય લાગવા લાગ્યા હતા. કઈ રીતે કોઈ તેના મનમાં રહેલ વાતો કે પ્રશ્નો જાણી શકે તે સમજી શકાતું ન્હોતું. ત્યાં જ ગુરુજી તેને બધા પ્રશ્નોના જવાબ આપવા લાગે છે.



#######~~~~~~~#######~~~~~~~#######



શું પ્રશ્નો છે કે જેના જવાબ લેવા જૈનીષ ગુરુજી પાસે આવ્યો ?

ગુરુજી જૈનીષને તમામ હકીકત જણાવશે ?

ગુરુજીના જવાબ મળ્યા બાદ જૈનીષ શું કરશે ? જોઈએ આવતા ભાગમાં,


#######~~~~~~~#######~~~~~~~#######


રાધે રાધે

હર હર મહાદેવ