one childish thing you have made and one childish thing i have done in Gujarati Motivational Stories by Bhavna Jadav books and stories PDF | એક ભોળપણ તારું, એક નાદાની મારી

Featured Books
Categories
Share

એક ભોળપણ તારું, એક નાદાની મારી

કલમ વાર્તા સ્પર્ધા - 2

વિષય - ભોળપણ

મિતા આજ ખૂબ રડી રહી હતી.

મમ્મી એ કારણ પૂછતાં રડતા રડતા કહ્યું, " આજે રીતુ જોડે મારે ઝગડો થયો, અને અમારે બહુ બોલાચાલી થઈ મને એણે એટલું પણ કહ્યું કે, હવે આપણી દોસ્તી કટ . અને પછી એણે કરીના જોડે દોસ્તી કરી લીધી મને બન્નેએ મળીને ખૂબ ચિડવી આજે, હવે હું એ બન્નેને ક્યારેય નહીં બોલવું"

માસૂમ દીકરીને આવી રીતે એની બેસ્ટી જોડે ઝગડો થવાથી આકુળવ્યાકુળ થતી જોઈને એના મમ્મી સલોનીને આશ્ચર્ય થયું; આટલી નાની ઉંમરે આવો ગુસ્સો અને સ્વમાનની લડાઈ ..!
ખરેખર, આજકાલના છોકરાઓ બહું જલ્દી મેચ્યોર થતા જાય છે..

પછી સલોનીએ દીકરીને સમજાવતા કહ્યું; "પણ બેટા કારણ શું હતું ઝગડાનું?"

રડી રડીને સૂઝી ગયેલી આંખોમાં આંસુ લૂછતાં મિતું બોલી , " બસ મારી પેન્સિલ મારા કંપાસમાં નહોતી અને મારે ટીચર લખાવે એ ક્લાસવર્ક કરવાનું હતું. અને મેં એની પાસે પેન્સિલ માંગતા એણે ના પાડી એ પણ કરીના નકચડીના કહેવાથી, હજુ કાલે જ એ એની બહેનપણી બની છે પૈસાદાર છે એટલે એણે એને ચોકલેટ્સ આપીને દોસ્તી કરી અને રીતુ એની સાથે દોસ્તી કરીને મારી સાથે ઝગડો કર્યો."

હીબકાં ભરતી મિતા એ આગળ ઉમેર્યું,
" બસ મને બહુ દુઃખ થયું એણે એક દિવસની દોસ્તી માટે મારી એક વર્ષની દોસ્તી ભૂલાવી દીધી , પછી ખોટું તો લાગે જ ને?"

મમ્મી એ રડતી દીકરીના આંસુ લૂછતાં સમજાવ્યું , "જો બેટા ઝગડો થયો એનું કારણ જો સહી હોય તો તું તારી જગ્યાએ વ્યાજબી છે, ના બોલાવતી એને, પણ જો સાવ નજીવી બાબતમાં ઝગડો કર્યો હોયતો એ ઝગડાને ભૂલીને ફરી દોસ્તને મનાવી લેવામાં જ શાણપણ છે.. જો બેટા ખરા દોસ્ત બહુ મુશ્કેલી થી મળે છે, એમને આમ નજીવી બાબતમાં છોડીને જતા ન રહેવાય."

અને જાણે આજ શબ્દો ની રાહ જોઈ રહી હોય એમ મિતું બોલી ઉઠી; "તો મમ્મી આ વાત તારે સમજવાની જરુર છે. પાપા સાથે ફુઈના કારણે નાની વાતમાં તારે ઝગડો થયો હતો ને? એક રાખડી બાંધવા બાબતે તને વહેલા પિયર જવા ના મળ્યું, એટલે તું પપ્પાને એ માટે દોષ આપીને મને લઈને મામાને ઘેર આપણે રહેવા આવી ગયા છીએ , ખરુંને .! તો શું એ વ્યાજબી કારણ હતું.. તું બપોર પછી ફુઈના આવ્યા બાદ પણ જઇ શક્તિ હતી ને! તારે સવારે જ જવું જરૂરી હતું..?"

અને દીકરીની આ વાત સાંભળીને સલોનીના દિમાગમાં ચમકારો થયો, આટલી નાની દીકરીએ ભોળપણમાં આટલી મોટી વાત સમજાવી દીધી એ જોઈને એણે મિતુને ખોળામાં લઈને ચૂમી લીધી અને પછી સુહાસને ફોન જોડ્યો અને સોરી કહીને પિયરિયાને અલવિદા કહીને સાસરે સોહામણું સફર ખેડવા દીકરી સાથે ચાલી નીકળી.

અને મિતું એ પાપાને મેસેજ કરીને કહ્યું; "પ્લાન સક્સેસ ડેડા, લવયુ we are coming..😊"

પપ્પા એ રીપ્લાય આપ્યો ," થેંક્યું માય એન્જલ. લવ યુ ટુ"


સાર : આપણે પણ ઘણી વાર ભોળપણ કરીએ છીએ સંબંધોમાં આમ તુસ્છ વાતને વળગીને રહીએ છીએ અને પ્રેમને તેમજ સ્નેહને મહત્વ આપતા નથી, સંબંધોમાં બન્ને તરફી પ્રયાસ હોવા જોઈએ તોજ સંબંધોમાં મીઠાશ રહેશે અને જો એકાદ પક્ષે ભૂલથી એમ કડવાશ ઉમેરાઈ ગયી તો એ મિઠો-મધુરો સંબંધ ડહોળાઈ જતા વાર નહીં લાગે અને એમાં પછી પહેલા જેવી મીઠાશ નહીં રહે માટે બહેતર છે કે નાદાની ના કરવી અને સંબંધો સાચવી લેવા આ દુનિયામાં કરોડો વચ્ચે જો કોઈ એક સાથે લાગણી બંધાઈ હોયતો એ સ્પેશ્યલ જ હોવાનું એ સ્પેશ્યલ ને સાચવી લેવાની જવાબદારી આપણી જ છે.. તો સાચવી લો વહેલાસર..અને આનંદથી જીવો


સમાપ્ત😊
આભાર💐