દરેકે કુંભારને માટીકામ કરતાં જોયા હશે અને તેનાં પર સુશોભન કરતી કુંભારણને પણ! સુંદર વાત એ છે કે સારામાસી આ બંને કામ વર્ષોથી ખુદ કરે છે.
આદિકાળથી માનવના પોષાક અને ખોરાકનાં વિકાસ સાથે તેને સંગ્રહવા માટેનાં સાધનોનો વિકાસ સમયાંતરે થતો ગયો. એ સાધનો માટે સૌથી મહત્વનો કાચો માલ, તે કુદરતી માટી. આમ માનવજીવનમાં માટીકળાનો ઉદભવ થયો. મોહેં-જો-દડો અને હડપ્પામાંથી માટીનાં મળેલા નિત્ય વપરાશનાં વાસણો તથા મડદા દાટવાની કોઠીઓ ઉપર ખુબ સુંદર અને અલંકૃત ભાત જોવા મળે છે. આ ઉપરથી ફલીત થાય છે કે એ પ્રજાનો માટીકળા પ્રત્યેનો પ્રેમ જીવનનાં અંતિમ ક્ષેત્ર સુધી વિસ્તરેલો હતો.
દરેક સંસ્કૃતિમાં માટીકામનો વિકાસ કરનાર સામાન્ય કુંભકાર હતો. ગ્રામ્ય વિસ્તારમાં તો કુંભકાર એ માટીકામનો રાજા છે પણ કચ્છ પાસે તો માટીકળાની રાણી છે નામ છે: સારામાસી, જે ન ખાલી ઘાટ ઘડે છે પણ તેનાં પર સુંદર ડિઝાઇન કરીને નયનરમ્ય બનાવી દે છે.
અસ્તિત્વનાં સંઘર્ષમાં પગરણ માંડીને સંનિષ્ઠ જીવન તરફની આગેકૂચ જેના માટે કોઈ દિવસ મૃતપ્રાય સાબિત નથી થઈ અને આવાં અનુભવનિચોડ કિસ્સાઓ સાંભળવા તેમને વારંવાર મળવાની ખેવના જન્માવતી રહે તેવું છે સારામાસીનું વ્યક્તિત્વ. માત્ર કચ્છ નહીં પણ વિદેશીઓનાં ચિત્તમાં પણ કુંભકારિણી સારાબેનનું વ્યક્તિત્વ “સારામાસી” તરીકે પ્રખ્યાત છે.
મૂળ લોડાઈનાં સારામાસી; લગ્ન પછી ખાવડા સ્થિત થયા, પણ માટીકળાનો કસબ નાનપણથી જ તેમની પાસે છે. જેમ પ્રજાપતિ બ્રહ્માજી પંચતત્વમાંથી માણસ, પશુ-પક્ષીને પેદા કરે છે તેમ સારામાસી પણ પંચતત્વ: માટી, પાણી, પ્રકાશ, હવા ને અગ્નિમાંથી માટીનાં વાસણો ઘડે છે. માસીએ બનાવેલા લાલ પોલિશવાળાં માટીનાં વાસણો, ઘડાઓ, નાનીમોટી તારાંકિત સુશોભનની વસ્તુઓ વગેરે માટીકામની કળાના વિકાસનું પ્રમાણ દર્શાવે છે. ફરક માત્ર એટલો છે કે લગ્ન પહેલાં પિયરીયું ને લગ્ન બાદ સાસરીયું સારામાસીનાં આ કળાના માધ્યમથી આર્થિક સહારો મેળવી રહ્યાં છે.
આજે પણ માટીને એક જ ઢબથી મસળી, કાલવી, ઠારીને યોગ્ય રીતે કેળવી, ચાકડા ઉપર ચઢાવીને જુદાજુદા આકારો તે પોતાની હસ્તકળાથી તૈયાર કરે છે. માટીની શોધ તો સારામાસી એક ભૂસ્તરશાસ્ત્રીની અદાથી કરી શકે છે. માટીકળાના કસબી સારામાસી આજુબાજુના પર્યાવરણ સાથે ખૂબ નિકટતાથી કામ કરે છે તેથી તેઓ પ્રકૃતિનાં પનોતા વંશજ છે તેવું કહી શકાય.
ગ્રામ્ય વિસ્તારમાં તો કુંભકાર એ માટીકામનો રાજા છે પણ કચ્છ પાસે તો માટીકળાની રાણી છે નામ છે : સારામાસી, જે ન ખાલી ઘાટ ઘડે છે પણ તેનાં પર સુંદર ડિઝાઇન કરીને નયનરમ્ય બનાવી દે છે.
સારામાસી અને તેમના પરિવારની બનાવટ વિશેષ છે કેમ કે તેઓ માટીકામની વસ્તુઓ પર ગ્લેઝથી કાચ જેવો ચળકાટ આપે છે. ગ્લેઝ એ સુશોભન અને રક્ષણની પ્રાથમિક પ્રક્રિયા છે. તેનો એક મહત્વપૂર્ણ ઉપયોગ છિદ્રાળુ વાસણને પ્રવાહીથી સુરક્ષિત બનાવવાનું છે અને દેખાવમાં પણ તે વધુ ચમકદાર અને આકર્ષક લાગતા હોવાથી ગ્રાહકોની પહેલી પસંદમાં આવતાં હોય છે.
સદીઓથી વિકસિત આ હસ્તકલા- કારીગરી આજે પણ એક અગત્યનાં ગૃહઉદ્યોગ તરીકે ચાલુ છે. ગમે તેટલા વિકસીત ઢબનાં યંત્રો સાથે કારખાનાંઓ સ્થપાયાં, રંગરોગાનના સંશોધનો થયાં પણ માટીકળાની કારીગરીમાં કંઈ ઝાઝો ફેર પડ્યો નથી. ઘરવખરીમાં, તહેવારો તથા પ્રસંગોમાં માટી બનાવટની અમુક વસ્તુઓનો આજે પણ ઇજારો છે જ.
સારામાસી માટીકળામાં આવેલાં પરિવર્તનની વિષે કહે છે કે, “પહેલાંનાં સમયમાં માટીકામ કરનાર (કુંભાર)નાં ગામનાં લોકો સાથે ગાઢ સંબંધો બનતા હતા કારણ કે તે લોકોને માટીના વાસણો પૂરા પાડતા હતા અને લોકો માટીના વાસણો પર સંપૂર્ણપણે નિર્ભર હતા. પરંતુ આજે તેનું સ્થાન સ્ટીલ, કાચનાં વાસણોએ લીધું છે એટલે રોજિંદી જરૂરિયાતમાં માટીમાંથી નિર્મિત વસ્તુઓનો ઉપયોગ નહિવત જેવો છે પરંતુ શહેરોમાં ગામડીયું વલણ માણવા દેશી રેસ્ટોરાં ખૂબ ચાલે છે, તેમાં માટીના વાસણોનો વધારે ઉપયોગ થતો હોવાથી અમુક આવા શહેરોમાંથી સ્પેશિયલ ઓર્ડર તેઓને મળતા હોય છે.” સદીઓ જૂની વસ્તુઓ તો સારામાસી બનાવે જ છે પણ કચ્છમાં રણોત્સવ ચાલુ થયા પછી વિદેશીઓની ખાસ માંગ પર અવનવી ડિઝાઇનવાળી વસ્તુઓ પણ બનાવી આપે છે. વિદેશી સહેલાણીઓ ખરીદીની સાથે માટીકળાને શીખવા માટે વધુ આતુર હોય છે તેથી તેનાં વર્કશોપ પણ અમદાવાદ, દિલ્હી જેવા શહેરોમાં સારામાસી લઈ ચૂક્યા છે.
‘કોવિડ મહામારી’ના સમયમાં એક સુંદર વસ્તુ દીકરા સાથે તેમણે બનાવી, માટીનું લાઉડસ્પીકર- સાંભળીને નવાઈ લાગીને? પણ હા, ખૂબ સુંદર બનાવટ જે લોકોને ખરેખર પસંદ પડી છે, જેનો 25 નંગનો ઓર્ડર પણ તેમને મળી ચૂક્યો છે.
જો માટીનાં વાસણો તૂટી જાય તો? મારા આ સવાલનો જવાબ સારામાસીએ આપ્યો કે, ‘અમદાવાદ હું સૌપ્રથમ ઓર્ડર લઈને ગઈ ત્યારે આવું જ બનેલું કે ઘાટ ઘડેલા સુંદર નમુનાઓને બદલે ભુક્કો થઈ ગયેલી માટી પહોંચી. તે સમયથી જ વિચાર આવ્યો કે આ કળાને કચ્છ બહાર પહોચાડવી એ કોઈ ઉપાય વગર શક્ય નથી, ત્યારથી જ પેકિંગનો વિશેષ ખર્ચ કરીને ખાતરી મેળવી કે માવજતથી વસ્તુ અમદાવાદ જ નહીં બલ્કે વિદેશમાં પણ પહોંચાડી શકાશે.’ ‘ઘરે વસ્તુ સલામત પહોંચે તોજ મારા ખાતામાં રૂપિયા મોકલજો.’ એ હદ સુધીની ખાતરી આપીને સારામાસી ગ્રાહકને નિશ્ચિંત બનાવી દે. હું તો એમજ કહીશ કે કચ્છનાં પાણીદાર લોકોની કસદાર છાપ સારામાસી જેવાં કસબીઓને લીધે જ શક્ય છે. વર્ષ 2001માં સારામાસીને માટીકાળામાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતા સાથે સક્રિયતા દાખવવા બદલ મધ્ય પ્રદેશ સરકાર ધ્વારા ‘અહલ્યા દેવી પુરસ્કાર’થી સન્માનીત કરવામાં આવ્યા છે.
દિવાળીમાં દીવડાની હારમાળા હોય કે ઉનાળામાં ફ્રીજને ટક્કર મારતા માટલાનું પાણી કે પછી કડકડતી ઠંડીમાં કુલડીમાં ચા પીવાની લહેજત, આપણી માટીની મહેક કઈક અલગ જ છે. દીકરીઓ આજકાલ સ્ટીલ અને કાચના ડિનરસેટ દહેજમાં લઈને જાય છે, પણ શું ભોજનનાં અસલ સ્વાદની જાળવણી સાથે માટીની સુગંધનો ભેળ તેમાં મળશે ખરો?
બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આકર્ષક લાગતા ચાઇનીઝ કોડિયા આવી જતા આપણા કારીગરોની મૂળભૂત હસ્તકળા પર મરણતોલ ફટકો પડ્યો છે પરંતુ હજુ પણ માટીકળાને સાચવવા તેઓ એટલો જ સંઘર્ષ કરી રહ્યા છે. માટીના વાસણો સામે ચાઇનીઝ બનાવટો જીતી જાય તેમ લાગી રહ્યું છે. લોકો કહે છે કે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો પણ શું દેશી બનાવટને લોકો સ્વીકારશે? માત્ર સરકાર નહીં પણ આપણી સહ-ભાગીદારી સાથે જ ‘લોકલથી વોકલનો’ સંકલ્પ સિદ્ધ કરી શકાશે. આમ માટીકળાને સરકાર તથા સંસ્થાકીય મદદ દ્વારા સન્માનિત કરવી જરૂરી ને સ્વભાવીક છે જેથી લોકોના મનની સુષુપ્ત ઈચ્છાઓ ફરી વેગવંતી બને.
કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન
તારીખ: 30/06/2020