" કાળજાના ટૂકડાનો ન્યાય "
નાનકડા શહેરની સિટી હોસ્પિટલમાં કાગારોળ મચી ગઇ . પેશન્ટ અને એમના સગાવ્હાલાની અવરજવર ચાલુ હતી . ડોક્ટર્સ પોતાની ડ્યુટી પર હાજર થવાની તૈયારી હતી અને એજ સમયે એક બાઈ હોસ્પિટલના કોરિડોરમાં જોરશોરથી આક્રંદ કરતી પ્રવેશી અને રડતા રડતા બોલતી રહી . " હે મારા ભગવાન મારા કાળજાના ટુકડાને કોઈ બચાવો , મારા લાલને બચાવો ... ડોક્ટર તો બીજો ભગવાન જ છે ને ,.... એને જલ્દી બોલાવો ....
રિસેપ્શન પર ઉભેલી નર્સ દોડીને બાઈ આગળ ગઈ . અને એને સમજાવતા બોલી. " શાંતિ રાખો બેન અને રડ્યા વગર બોલો શુ થયું છે ? "
બાઈના આક્રંદથી બે ચાર ડોક્ટર્સ પણ આવી ગયા ...
રોકકળ કરતી બાઈના ખોળામાં એના કાળજાનો કટકો બેભાન અવસ્થામાં પડ્યો હતો . બાઈ પોતે કામવાળી હતી .
સવારના પોતે કામ કરવા નીકળતી જ હતી ત્યાં એમની દીકરીને એકદમથી પેટનો દુખાવો ઉપડતા જોરજોરથી ચીસો પાડવા લાગી હતી . એટલે કામેં જવાનું પડતું મૂકી પોતાના કાળજાના ટુકડાને તુરંત હોસ્પિટલ લઈ આવી .
એ બાઈનું નામ વસંત હતું . વસંતતો નામ પ્રમાણે ખીલેલી વસંત જેવી હતી . ઈશ્વરે રૂપ તો ખોબો ભરી ભરીને આપ્યું હતું , નમણી, નાજુક અને રૂપાળી , એમાંય લાલકલરનો સાડલો એટલે વસંતના રૂપનો ઔર નિખાર આવતો હતો .
લગ્નના કેટલાય વર્ષે એના ખોળે દીકરીએ જન્મ લીધો હતો . દીકરીના જન્મના એકાદ વર્ષમાં જ એના ધણીનું મૃત્યુ થયું હતું .
વસંતને એની દીકરી જ એના જીવનનો સહારો હતી . દીકરીના દુઃખમાં પોતાના શરીરની પરિસ્થિતિનું ભાન ના રહ્યું .
સાડલાનો છેડો સરકીને નીચે જમીન ફેલાય ગયો હતો . કાળા ભમ્મર વાળ અને એમાં નિખરતો રૂપાળો દેહ ,
એક ડોક્ટર એની નજીક આવી એના ખભે હાથ મુકતા બોલ્યા " ચિંતા નહિ કરો , તમારી દીકરીની સારવાર માટે પૂરું ધ્યાન આપવામાં આવશે .
ડો.ના શબ્દોમાં કૃપાદ્રષ્ટિ હતી . પણ આંખોમાંની કૃપાદ્રષ્ટિ કૈક અનોખી જ હતી . પોતાની ગંદી , બીભત્સ નજરોથી એ વસંતને જોઈ રહ્યો હતો . નર્સને કહી એમની દીકરીને અંદર લઈ જવામાં આવી . એપેન્ડિક્સના સખત દુખાવાના કારણે અંદર જ પસ થઈ ગયું હતું . એટલે ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ હતું .
કાળજાના ટુકડાને ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવી . એ દરમ્યાન ડોકટરે વસંતને પોતાની કેબિનમાં બેસવા કહ્યું . ત્યાં બેસતા જ વસંત બોલી ' સાહેબ હું જ્યાં કામ કરૂં છું એ શેઠાણીએ કહ્યું છે હમણાં બધો ખર્ચો એ આપી દેશે . એટલે જે ખર્ચો થાય એ ..... પણ મારા લાલને બચાવી લેજો સાહેબ ...' ,
' અરે આ તો સાવ સામાન્ય ઓપરેશન છે . બધુ ઠીક થઈ જશે .
" વસંતના માથાના વાળથી લઈને ચહેરા ઉપર હાથ ફેરવતા ડો.બોલ્યા , અરે તારાથી કંઈ ઓપરેશનના પૈસા થોડા લેવાય ? , ' તું અહીં જ બેસ , હમણાં તારી દીકરીનું ઓપરેશન થઈ જશે . અને સાજી સારી થઈ જશે .
વસંતને ડો.સંદીપનો વ્યવહાર કૈક ઠીક ન લાગ્યો . એમના હાથનો સ્પર્શ એને અગ્નિ જેવો લાગતો હતો . પણ સવાલ દીકરીના ઇલાજનો હતો એટલે ચૂપચાપ બેઠી રહી .
✨✨✨✨✨
કાળજાના ટુકડાનું ઓપરેશન ખૂબ સફળ રીતે થઈ ગયું . પરંતુ જેનું કાળજું પોતાની દીકરીના ઈલાજ માટે ચીસાચીસ કરી રહ્યું હતું એ સાવ શાંત થઈ ગયું હતું . નર્સ દોડીને એની માઁ પાસે આવી પરંતુ વસંત પોતાની જિંદગીના બાકીના શ્વાસ દીકરીના નામે કરી પોતાના ધણી આગળ સ્વધામ પહોંચી ગઈ હતી .
ડો. સંદીપે જાહેર કરી દીધું ' એ રડતી હતી ત્યારથી જ એનો શ્વાસ બહુ રૂંધાતો હતો . મને એની તબિયત વધારે ગડબડ લાગી રહી હતી . હું કેબિનમાં આવું એ પહેલાં તો એણે શ્વાસ છોડી દીધા હતા .
હોસ્પિટલની એક આધેડ ઉપરની નર્સે પોતાની નજર સામે જોયુંતો સ્પેશ્યલ વોર્ડના કોર્નરમાં આવેલ એક રૂમમાં વસંતનો દેહ ઠંડી હાલતમાં પડ્યો હતો . થોડીવાર પહેલા જ એ રૂમમાંથી રડવા કકળવા અને ડો.ને કરગરવાની અવાજ આવી રહી હતી . અને અટલી વારમાં તો બધું શાંત ??? નર્સનું પૂરું શરીર ધ્રુજી ઉઠ્યું . દરવાજાની તડમાંથી જોયેલ એ દ્રશ્યને કારણે એનું મન આવેશમાં આવી ગયું હતું . ડો.વિરુદ્ધ જઈને બાકીના સ્ટાફને ફરિયાદ કરું કે શું ? , પરંતુ બીજી જ મિનિટે પેરેલીસીસથી ગ્રસ્ત પોતાના પતિનો ચહેરો આંખો સામે તરવરી વળ્યો .
ખેર , ઇશ્વર દરેકને એના કરેલા કર્મોનું ફળ આપે જ છે . એવું વિચારીને બીકની મારી ચૂપચાપ પોતાના કામમાં લાગી ગઈ .
બપોરનો અઢી ત્રણનો સમય થયો હશે ત્યાં ફરીથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ. હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ કોરિડોરમાં જમા થઈ ગયો . " શુ થયું ? શુ થયું ? બોલતા બોલતા જાણવાની ઉત્સુકતાવશ એકબીજાની સામે જોવા લાગ્યા .
પેલી આધેડ ઉંમરની નર્સ પણ એ સમયે ત્યાં હાજર જ હતી . અને એના કાનમાં શબ્દો પડ્યા
' ડો.સંદીપની દીકરી સ્કૂલેથી આવતી વખતે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યાં ફુલસ્પીડમાં આવતા ટ્રક નીચે ....
કોરીડરમાં આવેલી મોટી ગણપતિની પ્રતિમા સામે નર્સ પોતાના ચહેરા પર એક વિજયી સ્મિત સાથે હાથ જોડતી ઉભી રહી .