"ગુલાબનું ફૂલ"
એક બગીચામાં સરસ મજાનું ગુલાબનું ફૂલ ખીલેલું હતું. તેની ખુલ્લી, ફેલાઈ ગયેલી પાંખડીઓ ને નિહાળતા લાગી રહ્યું હતું કે તે ખૂબ જ ખુશ છે. થોડી જ ક્ષણોમાં ત્યાં માળી આવ્યો. અને ધીમે ધીમે બધા જ ફૂલો તોડીને ટોપલીઓમાં ભરવા લાગ્યો. છેવટે આ ગુલાબનું ફૂલ પણ બીજા ફૂલો સાથે ચૂંટાઈને ટોપલીમાં જતું રહ્યું. તેની પાંખડીઓ હજી પણ ખીલેલી હતી પણ, તેની ડાળી થી તે સહજ જુકી ગયું અને ખૂબ જ દુઃખી થઈ ગયું.
બીજા ફૂલો તેના કહ્યા વિના જ સમજી ગયા ને તેને સમજાવતાં કહ્યું કે દુઃખી શા કારણે થાય છે? તું ઈશ્વર નો આભાર માન કે તને ઈશ્વરના ચરણોનો સ્પર્શ કરવા કે તેમની માળામાં પરોવાનો મોકો મળ્યો.
ત્યાં જ ગુલાબના ફૂલે પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે મને ઈશ્વર ના ચરણોમાં કે માથાં પર શોભવું નથી. મારે તો મારા બગીચામાં રહીને આખા બગીચાને મારી સુગંધથી મંત્રમુગ્ધ કરવું હતું. ત્યાં આવતા વ્યક્તિઓ પણ મને જોઈને મને તોડવા માટે હાથ આગળ કરતાં પણ મારી સુગંધ લેતા જ તેઓ મને બસ નિહાળ્યા કરતાં, મારા વિના મારો બગીચો સુગંધ વગરનો કર્માઈ ગયો હશે.
ફૂલોની વાતો જ ચાલતી હતી ત્યાં માળી ફૂલોની ટોપલીઓ લઈને દુકાને પહોંચી ગયો. ત્યાં જઈને તેણે ટોપલીમાં મુકેલા ફૂલોને વહેંચી દીધાં. ત્યાં ફૂલો એકબીજાથી વિખૂટા પડી ગયા. ગુલાબનું ફૂલ તેના જેવા જ નવા મિત્ર સાથે બેઠું હતું. થોડીવાર પછી ક્યારનાય પડેલા ગુલાબે તેને જોઈને પૂછ્યું શું થયું મિત્ર તને, તું કેમ દુઃખી છે? ગુલાબના ફૂલને જોતા જ લાગી રહ્યું હતું કે તેને સંસારનાં સુખો જોઈતા હતા. તેના વિલા પડેલા મોઢાને જોઈને સ્પષ્ટ પણે કહી શકાય કે તેનું જીવન ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું તે અનુભવે છે.
ગુલાબના ફૂલે પોતાનું નીચે જુકેલું મો ઊચું કરતાં કહ્યું કે મારે..... મારે હજી જીવવું છે મારે તો મારી સોડમ થી બધાને મંત્રમુગ્ધ કરવા હતા. જ્યારે હું તો..... હું તો હવે ટુટી ગયું, મારી દરેક કળીઓ ધીમે ધીમે વિખરાઈ રહી છે. (ગુલાબનું ફૂલ પોતાના મનની વાત જણાવતાં જણાવતાં ભાંગી પડ્યું ને છેવટે રડવા લાગ્યું)
ત્યાં જ સામે બેઠેલા થોડા વધુ કર્માઈ ગયેલા ગુલાબના ફૂલે તેને પોતાના મનની વાત જણાવતાં કહ્યું કે, આ જીવન આપણું ટૂંકું જ છે આપણે આખું જીવન તે છોડ પર ના વિતાવી શકીએ. જો હવે કોઇ તને લઈ જાય અહીંથી તો ઠીક છે. નઈ તો, તારું મ્રુત્યુ અહીં નિશ્ચિત છે.
તમામ ફૂલો અવાચક થઈને પડયા હતા. થોડી થોડી વારે હળવી આંખો ખોલી એકબીજાને નીહાળી લેતાં.
ફૂલોની દુકાનમાં એક ગ્રાહક આવ્યું તેને તાજું, વધુ પાંદડીઓ વાળું, લાંબી ડાંડી વાળું એક સુંદર ગુલાબનું ફૂલ જોઈતું હતું તેને ટોપલીમાંથી એક ફૂલ પસંદ કર્યું અને દુકાનદારને પૈસા આપી દીધા. તેનું પસંદ કરેલું ફૂલ પેલા બગીચાના જ એક ગુલાબના છોડ નું ફૂલ હતું. તે પુરુષ ગુલાબના ફૂલને હાથમાં લઈને ઊંડો શ્વાસ ભરી ફૂલની સુગંધ માણવા લાગ્યો. ગુલાબના ફૂલે તેને નિહાળતા એક હળવું સ્મિત કર્યું.
તે પુરુષ તેની બાજુ વાળી સિટ પર ગુલાબનું ફૂલ મૂકીને ગાડી લઈને તેના રસ્તે નિકળી પડ્યો. તેણે તેની ગાડી એક સરસ મજાનાં બે માળનાં ઘરની આગળ પાર્ક કરી. ગાડીમાંથી ઉતરીને ગુલાબનું ફૂલ લઈને તે ઘરમાં પ્રવેશ્યો. આવડાં મોટા મકાનમાં ફક્ત તે પુરુષ અને તેની પત્ની જ રહેતા હતા. તે પુરુષે તેની પત્ની ને પાછળથી હળવું આલિંગન કયુઁ અને ઘુંટણે બેસીને તેની પત્નીને ગુલાબનું ફૂલ આપ્યું. તેની પત્ની ખુશીના મારે તેના પતિને બાથમાં ભરીને કપાળે ચુંબન કર્યુ.
તે ગુલાબ આ પ્રેમી પંખીડા ના મિલન અને પ્રેમ ને જોઈને ખુશ થઈ ગયું. તેને એ વાતનો તો ડર હતો જ કે તે હવે મૃત્યુ પામશે, તેનું મૃત્યુ નિશ્ચિત છે.
રાત્રીનું ભોજન પતાવીને બંને પતિ પત્ની ટેબલ પાસે ખુરશી લઈને સાથે બેઠા હતા. પત્ની એ એક ડાયરી લઈને તેના પતિના હાથમાં મુકી. તેનો પતિ એકીટસે તેની પત્ની ને જોઈ રહ્યો. પત્ની એ હળવું સ્મિત કરીને પોતાની ડાયરીનું એક પેજ ખોલ્યું અને એમાં ગુલાબનું ફૂલ મુકી દીધું. અને કહ્યું કે હું આ ગુલાબને ક્યારેય મારી અને મારી ડાયરી થી દૂર નહિ કરું. પત્ની ની આંખોમાં પોતાના પતિ માટે નો સંપૂર્ણ પ્રેમ છલકાઈ રહ્યો હતો.
ત્યાં બીજી બાજુ ગુલાબનું ફૂલ આંસુ વહાવી રહ્યું હતું. તેના ચહેરા પર એક અલગ જ ખુશીના આંસુ નજરે આવતા હતા. તે ઈશ્વરનો આભાર વ્યક્ત કરતા બોલ્યું કે 'હે ઈશ્વર તમે મને કોઈનાં પ્રેમનો વિશ્વાસ અને સુગંધ બનાવ્યું તે માટે તમારો ખૂબ ખૂબ આભાર.' તેનું આ વાક્ય પૂરું થતાં જ ડાયરી બંધ થઈ જાય છે.
-હિતાક્ષી