લોસ્ટેડ - 26
રિંકલ ચૌહાણ
"ભા....ભી....." જયશ્રીબેન માંડ આટલું બોલી શક્યા. જયશ્રીબેન ની ચીસ સાંભળી આરાધના બેન દોડતા એમના રૂમમાં આવ્યા.
"જયશ્રીબેન......" જયશ્રીબેનને જમીન પર પડેલા જોઈ આરાધનાબેન થી ચીસ પડાઈ ગઈ. જયશ્રીબેન બેહોશ થઈ ગયા હતા, ઘરમાં વિરાજભાઈ અને બન્ને સ્ત્રીઓ સિવાય કોઈ નહોતું. મોન્ટી, મીરા અને ચાંદની બહાર ગયા હતા આધ્વીકા ના કહેવા અનુસાર, જીજ્ઞાસા અને જીવન ઓફિસ ગયાં હતાં.
આરાધના બેન એ તરત એમ્બ્યુલન્સને ફોન કરી, પોતાના રૂમ તરફ દોટ મૂકી.
"વિરાજજી જયશ્રીબેન ને થોડો તાવ અને ચક્કર જેવું છે તો હું એમને હોસ્પિટલ લઈને જઉં છું. શાંતા સામાન લેવા ગઈ છે હમણાં આવતી હશે એ તમારું ધ્યાન રાખશે. તમે બીલકુલ ચિંતા ના કરશો, હું હમણાં પાછી આવું છું." બને તેટલી સ્વસ્થતા બતાવી આરાધના બેન જયશ્રીબેન જોડે આવ્યા, એમને ઊંચકી પલંગ પર સૂવડાવી એ દરવાજા તરફ આવી ગયા.
એમ્બ્યૂલન્સ સિટી હોસ્પિટલ આગળ આવીને ઊભી રહી ગઈ, તાબડતોબ જયશ્રીબેન ને એડમીટ કરી ને ઇલાજ ચાલું કરવામાં આવ્યો. આરાધનાબેન ગભરાહટમાં હોસ્પિટલના કોરિડોરમાં આંટા મારી રહ્યા હતા. થોડીવારમાં ડૉં. આઈ.સી.યુ. માંથી બહાર આવ્યા.
"ડૉં. શું થયું છે જયશ્રીબેન ને?" આરાધનાબેન ની આંખો ભરાઇ આવી હતી.
"ડોન્ટ વરી મિસિસ રાઠોડ, મિસિસ સોલંકી કોઈ વાતનો સ્ટ્રેસ લઈ રહ્યા છે એટલે બેહોશ થઈ ગયા. તમે ધ્યાન રાખજો કે એ વધારે સ્ટ્રેસ ના લે, તમે એમને ઘરે લઈ જઈ શકો છો."
***
"માસી પણ પોતાનો ફોન નથી ઉપાડતા, લેન્ડલાઇન કરી જોઉં." જયશ્રીબેનનો ફોન નોટ રિચેબલ આવતો હતો એટલે આધ્વીકા એ લેન્ડલાઇન પર ફોન લગાવ્યો. પૂરી રીંગ વાગી પણ ફોન રિસિવ ન થયો. એણે ગાડી ચાલું કરી અને ઘર તરફ લીધી.
"કોઈક તો એવી વાત છે જે ફઈ અને માસી છુપાવી રહ્યા છે, આ છોકરી વિશે જેટલી જલ્દી જાણકારી મળે એટલી જ જલ્દી હું ઘરે જઈ શકીશ. આજથી છઠ્ઠા દિવસે અમાસ છે, મારી જોડે માત્ર 5 દિવસ છે." આધ્વીકા મનોમન ગણતરી કરી રહી હતી.
***
"હેલ્લો રાજેશજી તમે જલ્દી ઘરે આવો..." હેતલબેન ફોન વાત કરતાં કરતાં રડી રહ્યા હતા. એમના અવાજમાં ગભરામણ હતી.
"હું આવું છું તું ચિંતા ના કર પણ શું થયું છે પૂરી વાત તો કર..." રાજેશભાઈ એ અવાજમાં બને એટલી મિઠાશ ઘોળી.
"મારો દીકરો ઘરમાં ક્યાંય નથી, તમે હાલ જ ઘરે આવો અને મારા દીકરાને શોધી લાવો ગમે ત્યાંથી.." હેતલબેન એ ફોન મૂકી દીધો. વીસેક મિનીટમાં રાજેશભાઈ ઘરે આવી ગયા, આવતાં જ એમણે રાડ પાડી," શું કરે છે તું ઘરમાં રહીને, પોતાની સંતાનનું પણ ધ્યાન નથી રાખી શકતી. જો મારા દિકરાને કઈ પણ થયું ને હેતલ તો તારા હાલ જોવા જેવા થશે." હેતલબેનનું રડવાનું અવિરત ચાલું જ હતું, રાજેશભાઈએ પોતાની ઓળખાણ કામે લગાડી અને ખોવાયેલ દિકરાને શોધવાનું કામ ચાલું કર્યું.
***
"સોનુંબેન ઓ સોનુંબેન..." બારેક વર્ષની ઉંમર નો છોકરો રાઠોડ હાઉસના આંગણે ઉભો હતો. આધ્વીકા બુમ સાંભળી બાર આવી.
"તમને મૂળજીકાકા ના ઘરે લઈ જવાનું કીધું તું મારા બાપાએ હેડો." દેશી લહેકામાં એ બોલ્યો, આધ્વીકા એ હકારમાં માથું હલાવ્યું ઘરને તાળું મારી વાડના દરવાજાને માત્ર આંગળિયો મારી એની સાથે મૂળજીના ઘર તરફ નીકળી ગઈ.
"આ મૂળજીકાકાનું ઘર, મું જાઉ?" એ છોકરો એક નાનકડા કાચા મકાન સામે આંગળી ચીંધી બોલ્યો. આધ્વીકા એના માથા પર હાથ ફેરવ્યો અને જવાની સંમતિ આપી.
"કાકા અંદર આવું કે?" આધ્વીકા દરવાજેથી થોડુ અંદર ઝાંકીને એ પુછ્યું.
"આય ને દિકરા...." એક મીઠો અવાજ ગુંજ્યો. એ અંદર ગઈ આંગણ માં બે ખાટલા ઢાળેલા હતા. એક ખાટલા પર એક પુરુષ બેઠેલો હતો અને એમની બાજુમાં જમીન પર એક સ્ત્રી બેઠી હતી.
"કાકા મારું નામ આધ્વીકા રાઠોડ છે, તમે મૂળજીકાકા જ છો ને?"
"હા હું જ મૂળજી મને લખાબાપા એ વાત કરી'તી, તું એ છોડી વિશે પુછતી'તી."
"હા મારા માટે એની ભાળ કાઢવી ઘણી જરૂરી છે કાકા, તમને એ ગાડીનો નંબર ખબર છે? કે બીજુ કઈ જેનાથી હું મિતલને શોધી શકું."
"દિકરા હું તો એટલું ભણેલો નથી કે અંગ્રેજી વાંચી શકું, પણ ઇ ની ઇજ ગાડી મે થોડા દાડા પેલા આ ગામમાં જોઈ'તી. તને તો ખબર હશે ને ગામમાં ખૂન થયાં એ વિશે? તો મરનારની ગાડી ઇ જ ગાડી હતી જેમાં એ છોડી બેહીને નાહી ગઈ'તી." મૂળજીકાકા એ વાત પૂરી કરી.
"વ્હોટ? આર યૂ સ્યોર? મારો મતલબ છે કે તમને ખાતરી છે કે બન્ને ગાડીઓ સેમ હતી." ખાતરી કરવાના ઇરાદાથી આધ્વીકા એ ફરીથી પુછ્યું.
"દિકરા ઓછું ભણેલો છું, પણ એક વાર દેખેલું આ આંખો કદી નહી ભૂલતી. બેય ગાડીના નંબર એક જ હતા." મૂળજીકાકાના અવાજમાં ભારોભાર આત્મવિશ્વાસ છલકાતો હતો. એમનો આભાર માની આધ્વીકા ઘરે જવા નીકળી. મોન્ટી સાથે બનેલી ઘટનાઓ, ફેક ન્યૂઝ, રાહુલ તરફ થી મળેલો દગો આ બધી ઘટનાઓ આખા રસ્તામાં એનો પીછો કરી રહી હતી, એને સૌથી વધારે દુખ રાહુલને યાદ કરીને થતું હતું. રાહુલના ઘર તરફ જોયા વગર જ એ વાડનો દરવાજો ખોલી આંગણમાં દાખલ થઈ. ઘરના દરવાજા નજીક પહોંચી એટલા માં જ એનો ફોન રણક્યો. જીજ્ઞાસાનો ફોન હતો આધ્વીકાના ચહેરા પર એક નાનક્ડી સ્માઇલ આવી ગઈ.
"હા બોલ જીજ્ઞા..."
"મે એડિટર ઓફિસ મા તપાસ કરાવડાવી હતી, આપણા બીઝનેસ રાઇવલ રાજેશ ચૌધરીએ આ ન્યૂઝ ફેલાવ્યા છે."
"રિયલી....."આધ્વીકા ખુશીથી ઊછળી પડી.
"મે કોઈ ગુડ ન્યૂઝ નથી આપી કે તું આટલી ખુશ થાય છે." જિજ્ઞાસા માટે આધ્વીકાનો રિસ્પોન્સ આર્શ્ચયજનક હતો.
"તે ગુડ ન્યૂઝ જ આપ્યા છે, હું તને ફોન કરૂં થોડી વાર માં બાય..." આધ્વીકા એ ફોન કાપી સામેવાળા ઘર તરફ નજર નાખી, ઘરની લાઈટ ચાલુ હતી. એણે રીતસરની દોટ મૂકી, દરવાજાને ધક્કો મારી એ ઘરમાં દાખલ થઈ. વિશાળ દિવાનખંડ ખાલી પડ્યો હતો, રસોડામાંથી વાસણ ખખડવાનો અવાજ આવ્યો. એ રસોડા તરફ આગળ વધી અને પોતાની તરફ પીઠ કરીને ફ્રિજમાં કંઈક શોધી રહેલા યુવાનને જઈને વળગી પડી.
"આઈ લવ યૂ.... આઈ લવ યૂ સો મચ....." આધ્વીકાએ બન્ને હાથની પકડ વધારી.
"આઈ લવ યૂ ટુ આધી....મને ખબર છે કે તું મને ખુબ પ્રેમ કરે છે આધી, પણ હું તને તારા કરતા પણ વધારે પ્રેમ કરું છું." એણે આધ્વીકાના બન્ને હાથ છોડાવ્યા અને આધ્વીકા તરફ ફર્યો. આધ્વીકાનું દિલ એક ધબકારો ચૂકી ગયું.
"ર....રયાન......."આધ્વીકા માંડ આટલું જ બોલી શકી.
ક્રમશઃ