shubh vivah in Gujarati Women Focused by Hetal Chaudhari books and stories PDF | શુભ વિવાહ

Featured Books
Categories
Share

શુભ વિવાહ

ગોવા ના દરિયા કિનારે બેઠા બેઠા કુમુદ પોતાના હર્યા ભર્યા પરિવાર ને જોતી રહી, દીકરી,જમાઇ અને તેમનો પાંચ વર્ષ નો પુત્ર શૌર્ય તેમની જ મસ્તી માં ફરતા હતા જ્યારે પુત્ર જેના હમણાં જ થોડા સમય પહેલાં લગ્ન થયા હતાં તે પોતાની પત્ની સાથે મસ્તી ભરી ગુફ્તેગો કરવામાં વ્યસ્ત હતો.
ઢળતાં જતાં સૂરજ સાથે કુમૂદના મનમાં પણ એક ગાંઠ બંધાતી જતી હતી ને એક ગાંઠ છૂટતી જતી હતી.સૂકા રણ સમા હૃદયમાં નાના અમસ્તા સપના નીં કૂંપળો ફૂટી ચૂકી હતી.
ગોવા ફરીને ઘરે આવ્યા કે બીજા દિવસે સાંજે જમ્યા બાદ તેણે દીકરી જમાઇ અને દીકરા અને વહુ બધાને સાથે બેસાડ્યા અને પોતાના હૈયાની વાત હિમંત પુર્વક શાંતિ થી હોઠે લાવી દીધી 'હું ફરી લગ્ન કરવા માંગું છું ' વાત સાંભળી ઘરમાં જાણે બોમ્બ ફૂટયો.
દીકરી તો તરત જ ભડકી ઉઠી 'હજુ તો પાપા ના મૃત્યુ ને બે જ વર્ષ થયા છે ને તારે બીજા લગ્ન કરવા છે તે પણ હવે આ ઉંમરે,કેટલીય સ્ત્રી ઓ યુવાન વયે વિધવા થાય છે ને તો પણ આખી જીંદગી બાળકોને સહારે વિતાવી દે છે ને તારે પચાસ વર્ષની થઇ ,હવે લગ્ન ના અભરખા છે,બધા અમારી હાંસી ઉડાવશે તને ભાન છે તું શું કરવા માંગે છે તે.
દીકરો પણ પાછો પડે એમ ન હતો તે પણ બોલી ઉઠ્યો 'અમે બધા તુ ખુશ રહે તેના માટે કેટલુ કરીએ છે તારે જ્યાં જવુ હોય હુ તને લઇ જાવ છું જે તારે પહેરવુ ઓઢવુ હોય તે લાવી દઇએ છે, તને બધી જ સુવિધા આપીએ છે,હજુ તને શું ખુટે છે તે સમાજ માં અમારૂ નાક કપાવવુ છે તારે.
વહુ અને જમાઇ ને પણ વાત થોડી અજુગતી લાગી પણ તેમણે ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.
કુમુદે શાંતિ થી એ લોકોની વાતો સાંભળી લીધી બીજો કોઇ સમય હોત તો તે પણ તેમની સાથે દલીલ માં ઉતરી પડી હોત પણ તેને ખબર હતી કે આ વાત નો વિરોધ થશે અને તેણે ત્યારે જ વિચારી લીધુ હતું કે સમજાવટ થી અને બધા ની મંજૂરી થી જ તે આગળ વધશે.
તેણે બંને બોલવા દીધા, તેની દીકરી તો રૂમમાં મૂકેલા પિતાના ફોટા આગળ જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે રસોડામાં જઇ પાણી લાવીને તેને પીવડાવ્યુ અને તેને છાતી સરસી ચાંપી દીધી.
તેના શાંત થતા કુમુદે બોલવાનું શરૂ કર્યું -'તમે ચારેય મારા હ્દય ના ટુકડા છો, તમને દુઃખી કરી કે તમારી મરજી વિરૂધ્ધ હું કોઈ નિર્ણય નહીં લઉં એટલો વિશ્વાસ રાખજો.
પણ સાચા દિલથી એટલુ કહો કે શું તમે ચારેય જણાં એકબીજા વગર રહી શકો છો?જેમ તમે એકબીજા ને પ્રેમ કરો છો તેમ હું પણ તમારા પાપા ને કરૂ છું પણ હવે જ્યારે તે નથી ત્યારે આ ઉંમરે મારે માનસિક સપોર્ટ માટે ,મને સમજી શકે એવા માણસ ની જરૂર તો ખરી જ ને.
સાચી વાત છે કે તમે જ્યારે બહાર જાવ છો ત્યારે મને પણ સાથે લઇ જ જાવ છો પણ સાથે લઇ જવામાં અને સમય આપવામાં ફેર છે તમે તમારી દુનિયામાં ખુશ છો એ જોઈને મારૂ હૈયુ જેટલુ હરખાય છે તેટલું જ મારી પોતાની એકલતા જોઇને તે ડરી પણ જાય છે.
હું ખૂબ નસીબદાર છું કે મારી દરેક જરૂરિયાત ને તમે મારા કહ્યા વિના પૂરી કરો છો પણ મનને પણ લાગણીની જરૂર હોય છે,એક સાથી ની જરૂર આ ઉંમરે જ તો વધારે હોય છે .માત્ર શરીર ની એક જરૂરિયાત નથી હોતી મન ની હૈયાની પણ હોય છે, આખો દિવસ તમે એકબીજા સાથે વિતાવો છો છતાં પણ જો કલાક કામ માટે બહાર જાઓ તો એકબીજા ને ફોન કરી સતત શું કરે? શું ખાધુ? ક્યા છે? કેટલી વાર? એમ ચિંતા કરતા રહો છો તો મને પણ એમ થાય ને કોઇ મારી પણ આવી રીતે કાળજી કરે.
કુમુદ ની આંખ મા આસુ તગતગી ઉઠ્યા,તેની દીકરી અને દીકરો તેને વળગી પડ્યા, અને બોલી ઉઠ્યા અમને અફસોસ છે મા કે તારી લાગણી અમે સમજી ના શક્યા.
વહુ એ તરત સાસુ મા નો મોબાઇલ લઇ લીધો અને બોલી ઉઠી ,ચાલો હવે કામે લાગો શુભ વિવાહ એપ પર કામે લાગી જાઓ .મમ્મી માટે લાયક હોય તેવો મૂરતિયો સોરી પપ્પાજી પણ શોધવા પડશે ને?બધા તેની વાત સાંભળી ને ખડખડાટ હસી પડ્યા.