આ વાત પચ્ચીસેક વર્ષ પહેલાંની છે.ઘેલા આતા ભણે ઠોઠ હતાં. તેમ છતાં એસ.એસ.સી. બોર્ડમાં તેનો કેન્દ્રમાં ત્રીજો નંબર આવેલો. તેનાં પિતાજી સાદુળ આતા એ આખા ગામમાં એ વખતે પેંડા વહેચેલાં. ઘેલા આતા બે વરસ પી.ટી.સી. કરી પોતાનાં જ ગામમાં માસ્તર બની ગયાં.ઘેલા આતા દેશી માણસ. જાડુ વરણ, ને ડીલે પહાડી માણસ. સ્વભાવે સરળ પણ સામે વાળાને બીક લાગે તેવી તેની આંખો. બાકી આમ તો તે કાયમ હસતાં જ હોય.તેની હસવાની અલગ સ્ટાઇલ હતી.તે આખું મોઢું ખોલીને જોરથી હાસ્ય કરતાં.ને હસે ત્યારે તેનાં નીચેનાં જડબાના આગળનાં સોનાનાં બે દાંત ચમકી ઉઠે.
બે સાંતીની જમીન.એટલે નિહાળે આવવાનો ઓછો સમય મળે.પણ તેનાં આચાર્ય પો.ચુ.પંડ્યા સાહેબે તેને નિશાળની જવાબદારી બહું ઓછી જ નાખેલી." ઘેલા આતા તમારે નિશાળની ઉપાધિ નહિ કરવાની, તમે બહારનો વહિવટ હંભાળો.અમને ગામની હેરાનગતિ નો રહે એ તમારે જોવું."
" અરે શાબ, બેફિકર રહો.હું બેઠો છું ને તમતારે તમને કોઈ ને તું નો કેવા દવ. "
આમ કહી ઘેલા આતા પોતાનું નિખાલસ હાસ્ય કરતાં. તેનાં સોનાનાં દાંત ચમકી ઉઠતા.આ કરાર નીચે ખૂબ સારું કામ થતું. આખો સ્ટાફ ભણાવે રાખે ને ઘેલા આતા નું કામ તો કોઈક વાલી હુહ ભર્યો આવે ત્યારે જ ચાલું થાય.
" હું આવ્યો ભાય?"
" કયા માસ્તરે મારા છોકરાને લાફો માર્યો? ઇ ક્યાં ગ્યો?"
" અલ્યા, આયા તો આવ્ય, મે હાંભળ્યું તારો ઢાંઢો મરી ગ્યો? ભારે કરી એલા એક તો આ વાવણી ટાણુ માથે આવ્યું ને....."
પેલો થોડોક ઢીલો પડે, " હા... જોવોને ઘેલા આતા,જે પરભુ એ ધારી હહે..."
" પણ તે કોય દાડો કોઈ નું ખોટું નહિ કર્યું.તારી હારે જ કિમ આવું થયું હશે?"
વળી પેલો વાલી ઢીલો પડે, " જોવો ને ઘેલા આતા ગરીબને બે જેઠ મહિના"
" હાલ્યા કરે ભાય, આપડે તો આખી જિંદગી વળ લીધાં.આ પરજા ને ભણાવજે ઈ આપડી જેમ આ બધાં બથોડા નહિ ભરી હકે."
પેલો એકદમ ઢીલો પડી ગયો." હાસી વાત ઘેલા આતા.હું ભલામણ જ કરવા આયો સુ. આ ભણવામાં ધિયાન નો દે તો હોબડ માં બે નાખી દેજો" એમ કહી પેલાં વાલીએ જ તેનાં સંતાનને એક વળગાડી લીધી.
" હ... હ...અલ્યા તું અજડ ભારે. પરજાં ને ઈમ મરાય નહિ. દથથર થઈ જાય..ઈને હમજાવાય. ને હું આયા નિહાળે બેઠો હોવ ને તારે ઉપાધિ કરવાની હોય? તૂતારે જા.અને તું રૂમ ભેગું થા,હવે જો તોફાનમાં તારું નામ આયુ તો જો તારા બાપાએ મને છૂટય આપી ધમધમાવી નાખીશ..."
એક ચક્રવાત ટળી ગયું.ઘેલા આતા છકડો પણ રાખે. છકડો લઈ વાડીએ જતાં હતાં.રસ્તામાં સમાચાર મળ્યાં.નિશાળે નિરીક્ષક સાહેબ આવ્યાં છે.છકડો સીધો નિશાળે આવવાં દિધો.રસ્તામાંથી આટા મારતો એક પેલા ધોરણનો ટાબરિયો બેસાડી દિધો. નિરીક્ષક સાહેબ હજી તો આચાર્ય સાહેબની મોપાટ લેતાં હતાં કે
" બધાં હાજર પણ આ ઘેલા આતા ક્યાં છે?" સાહેબ ગેંગે ફેફે કરતાં હતાં ત્યાં ભડ.. ભડાટી..કરતો છકડો દરવાજામાં પ્રવેશ્યો. અંદરથી રીંગણાંનો કોથળો ઉતારે તેમ ઘેલા આતાએ છોકરાંને ઉતાર્યો.
" કે દાડાનો નોતો આવતો,આજ છકડો લઈ તેડવા ગયો ત્યાં કેવો ટપુક કરતો બેહી ગયો! સોકરા ને હમજાવતા આવડવું જોવે. ધોલ ધાપટ કરો તો ઇ નિહાળે આવતું સાંડી જાય.."
નિરીક્ષક સાહેબ મોઢામાં આંગળા નાખી ગયાં.ઘેલા આતાનો વાહો થાબડ્યો.ને બીજી નિશાળોમાં જઈ ઘેલા આતા નાં વખાણ કર્યા.
આવા તો કેટલાય ચક્રવાત ઘેલા આતાએ શમાવી દીધા હતાં. સ્ટાફ માં એક લા. છ. ભટ્ટ સાહેબ પણ ખરા. લા.છ. ભટ્ટ ઘેલા આતાને પૂછીને પાણી પીવે.ઘેલા આતા કહે એટલું જ કરે.તેની બધી મુશ્કેલીનું નિવારણ ઘેલા આતા. લા.છ. ભટ્ટ પોતાની વહેવારિક, નાણાંકીય,સામાજિક કે અંગત બધી જ બાબતોમાં ઘેલા આતાની સલાહ લે અને માને પણ ખરા.અને ઘેલા આતા પાસે તો હર દુઃખનો ઈલાજ હોય જ...
" આતા લગન ને વરહ થાવા આયું સે હવે બે માંથી ત્રણ થાવી ?"
" હા.. ઇમાં મોડું નો હોય ભટ્ટજી ."
લા.છ.ભટ્ટ સાહેબ ચિંતા જતાવતા, " ભગવાન પેલા ખોળે દિકરો આપી દે તો હારું"
" દિકરો જ આવશે"
દિવસોનાં વહાણા વાયા...એક દાડો લા.છ.ભટ્ટ સાહેબ નિશાળે જરીક એવું મોઢું કરીને આવ્યાં.
ઘેલા આતા કહે અલ્યા ભટ્ટજી, કેમ મોઢું પડી ગ્યું સે? "
"ઘરે ગોર્ય નાની થઈ"
" લે ઇ તો હારું. લખમી આવી. પેલાં ખોળે જે આવ્યું ઈ મંગળક. લો મંગાવો જલેબી."
બધાએ રાજી રાજી થઈ જલેબી ખાધી.આમને આમ દાડા નું ચક્કર ફરે જાતું હતું. દોઢેક વરહ થયું હશે. લા.છ.ભટ્ટ સાહેબે સારા સમાચાર સંભળાવ્યા. વળી પેલી જ ઉપાધી.ઘેલા આતાની ધરપત.....
" ભટ્ટજી.., મારો આત્મો આશ્ખેલે કે સે કે છોરો જ આવશે.." વળી પેલું નિખાલસ હાસ્ય ને સોનાનાં દાંતનો ચળકાટ.
બીજી વખત પણ છોરી જ આવી. લા.છ.ભટ્ટ સાહેબ ફરી નિરાશ થઈ આવ્યાં.
" મારા નસીબમાં છોરો નથી લાગતો. બે છોરી થી જ સંતોષ માની ઓપરેશન કરાવી નાખું."
" ના રે ના ભટ્ટજી , બે છોરી ઉપર તીજો છોરો હોય એવા મારી પાહે એક હજાર દાખલા સે.આ વખતે ભગવાનને આપ્યે સૂટક્યો. મંગાવો જલેબી." એમ સમજાવી ઘેલા આતા પોતાનાં સોનાનાં દાંત ચમકાવતા હસી પડતા.
ત્રીજી વખત લા.છ.ભટ્ટે ખાલી રડવાનુ જ બાકી રાખ્યું.ઢીલા ઘેશ જેવાં થઈ ગયાં.
" ઘેલા આતા તમે માન્યા નહિ.મારા ભાગ્યમાં જ છોરિયું હોય પછી છોરો ક્યાંથી થાય? આ ત્રણ ગોર્યુનો કરિયાવર હું કેમ કરીશ? મે વાહન બંધાવી વાળ્યું છે.આજે જ અમે સેરમાં ઓપરેશન કરવા નીકળવી સી."
" અલ્યા...અલ્યા...પણ ભટ્ટજી, ઈમ અથરા નો થાવ.આ તો ભગવાન તમારી પરીક્ષા લે છે. બસ હવે તમે પાસ થાવા માં જ છો. હવે આ વખતે તો છોરો જ હમજો."
લા.છ.ભટ્ટ સાહેબ ઘેલા આતાની કોઈ વાતનો ઇન્કાર નો કરે.છેવટે તો માની જ જાય.
" ઘેલા આતા, તમે આજ ના નો પાડતા હું ઘરે પાક્કું કરીને આવ્યો છું.ઘરેથી તૈયાર થઈ ગયાં હશે.જે ભાગ્યમાં હતું એ આપ્યું ભગવાને બીજું હું?!" લા.છ.ભટ્ટ સાહેબે મોટો નિસાસો નાખ્યો.
" ભટ્ટજી, આ છેલ્લી વખત મારી વાત માની જાવ.આ વખતે છોરો જ આવવાનો છે"ઘેલા આતા એ ધીર ગંભીર મોઢું ધારણ કરી કહ્યું.
" ઘેલા આતા તમે પણ ખરા છો હો,દર વખતે મને તમારી વાત મનાવો જ છો.ને આ લંગર વધારતાં જાવ છો."
આ વાત ઉપરથી બે વરહ નાં વાણા વાય ગયાં. બધો સ્ટાફ બેઠો છે. લા.છ.ભટ્ટ સાહેબ ઉતાવળા ઉતાવળા હાથમાં બોક્સ લઈ હરખભર્યા આવ્યાં.આવીને બોક્સમાંથી એક સાથે બે પેંડા કાઢી ઘેલા આતા નાં મોઢામાં મૂકી દીધાં.
" આતા તમારી વાત હાચી પડી....છોરો આવ્યો."
" ભટ્ટજી, એ તો પાક્કું જ હતું.ભાગ્યમાં હોય ઈ ક્યાંય નો જાય. ધરણા રાખવા જોવે. ઉતાવળે આંબા નો પાકે."
આખા સ્ટાફમાં હરખ છવાઈ ગયો. બધાં પેંડા ખાય રહ્યાં છે. રાજપુત સાહેબે પેંડા ખાતા ખાતા પૂછ્યું, " હે...ઘેલા આતા... આપડાં લા.છ.ભટ્ટ સાહેબનાં ઘરે ચોથી છોરી આવી હોત તો શું કરેત?"
મોઢામાં રહેલ પેંડો ગળે ઉતારતા ઘેલા આતા બોલ્યા, " તો હું પાંચમી વખત ભટ્ટજીને ભિહ કરત, ઈ મારી વાત નો ઉથાપે એટલો આપણ ને ભરોહો...હો.... હુ કેવું ભટ્ટજી ?"
" તમારું હાચુ ઘેલા આતા... " લા.છ..ભટ્ટ સાહેબ પેંડો મમળાવવા બોલ્યા.
બધાં હસી પડ્યાં.ઘેલા આતા પણ આખું મોઢું ખોલી હસી પડ્યાં.ઘેલા આતાનાં પેલાં સોનાનાં બે દાંત ચમકી રહ્યાં હતાં.
લેખક: અશોકસિંહ ટાંક (૯૪૨૮૮૧૦૬૨૧)
તા.૧૯/૯/૨૦
કથાબીજ: કૃષ્ણકુમારસિંહજી રાજપુત