રહસ્યમય જંગલ પ્રકરણ - 3
( આળના પ્રકરણમાં તમે વાંચ્યું... પાલડી ગામની સીમા પર આવેલા જંગલમાં કોઇને જવાની પરવાનગી નથી. કારણ કે ત્યાં કોઇક રહસ્ય છુપાએલું છે. પણ ત્યાં રહેતો એક ગૌરવ નામનો છોકરો જંગલમાં ચાલ્યો જાય છે. અને પરત આવીને બેહોશ થઈ જાય છે. એના માતાપિતા અને ગામના સરપંચ સાથે બીજા લોકો આ જૌઇને આશ્ચર્યચકિત થઇ થાય છે. ગૌરવ હોશમાં આવી જાય છે અને બધા પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. હવે આગળ...)
* * * * * *
આખા ગામમાં આગની જેમ આ વાત ફેલાઇ ગઇ. કે રાજીનો મોટો છોકરો ગૌરવયો જંગલમાં જઈને જીવતો પાછો આવી ગયો. ગામના બધા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. કારણ કે આજ સુધી કોઈ પણ વ્યક્તિ એ જંગલમાંથી પાછી બહાર આવી નથી. બધાની જીભ પર એક જ પ્રશ્ન હતો, " આ રાજીનો છોકરો જંગલમાંથી જીવતો કઇ રીતે આવી ગયો? એને કંઈ થયું નહી? તો જંગલમાં જનાર બીજું કોઈ કેમ પાછું નથી આવ્યું?"
મનોજભાઇના ઘરની બહાર અત્યારે ગામલોકોનું ટોળુ જમા થઈ ગયું હતું. બધા ગૌરવ તરફ તાકી તાકીને જોઈ રહ્યા હતા. અને અંદરોઅંદર ચર્ચા ચાલી રહી હતી. એટલામાં ગામના સરપંચે બધાને પોતપોતાના ઘરે જવા માટે કહ્યું. બધા વાતો કરતા કરતા પોતપોતાના ઘર તરફ નિકળ્યા.
આ તરફ રાજીબેન અને મનોજભાઇ ખૂબ જ ખુશ હતા કારણ કે એમનો દીકરો ગૌરવ જંગલમાં જઈને જીવતો પાછો આવી ગયેલો. જે જંગલમાં જનાર કોઇ જીવિત પાછું આવ્યું નથી એ જંગલમાંથી ગૌરવ પાછો આવી ગયો એ વાત જરા અજુગતી લાગતી હતી. પણ એ પાછો આવી ગયો એ વાત જ એમના માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે એમ સમજીને એ લોકો રાત્રે નિરાંતે સુઇ ગયા.
રાત્રિના લગભગ ત્રણ વાગ્યા હશે કે મહેશની નીંદર ઉડી ગઇ. કારણ કે એને કશુંક અવાજ સંભળાય રહ્યો હતો. એ અવાજ એવો હતો કે જાણે કોક કંઇક ખાઇ રહ્યું હતું. એના મહેશના માતાપિતા અંદરના ભાગમાં સુતા હતા કને મહેશ ઓસરીમાં ગૌરવ ના ખાટલાની બાજુમાં ખાટલો નાખીને દરરોજ સુતો હતો. અત્યારે એની નીંદર ખુલતા એની નજર ગૌરવની પથારી પર પડી. એ ત્યાં ન હતો. એણે આજુબાજુ જોયું. પણ એને ગૌરવ ક્યાંય ન દેખાયો. દરમિયાન પેલા વિચિત્ર અવાજો એને ફરી સંભળાવવા લાગ્યા. એ ખૂબ જ વિચિત્ર અવાજો હતા. જાણે કોઇ પોતાના દાંતથી કંઇક તોડી રહ્યું હતું. મહેશને આ અવાજો સાંભળીને થોડો ડર લાગી રહ્યો હતો. આમ પણ આજનો દિવસ જ વિચિત્ર હતો. એક તો ગૌરવ જંગલમાં જઈને પાછો જીવતો આવી ગયો. અને હવે આ અવાજ.
એ ડરતા ડરતા પોતાની પથારીમાંથી ઉભો થયો. ગૌરવ ત્યાં ન હતો એટલે એને એકલાને જ જોવું પડશે. એ અવાજ ઘરની બહારથી આવી રહ્યો હતો. એણે ધીરેથી ડેલી ખોલી. ઘરના આંગણાનું દ્રશ્ય જોઇને એને ખુબ આશ્ચર્ય થયું.
એની સામે આંગણામાં એક છોકરો જે લગભગ ગૌરવ જેવડો જ હતો એ ઉભડક પગે એની તરફ પીઠ કરીને બેઠો હતો. અને એ નીચે કંઇક કરી રહ્યો હતો. એનું મોં મહેશને દેખાતું ન હતું. જેવુ એણે એક ડગલું આગળ વધાવ્યું કે એના પગ નીચે એક લાકડીનો કટકો આવી જતા થોડો અવાજ થયો. પેલો ઉભડક બેઠેલો વ્યક્તિ અટકી ગયો. એના ગળામાંથી એક વિચિત્ર અવાજ નિકળ્યો. અને એણે પોતાની ગરદન ઘુમાવી. અને એ સાથે જ એની અને મહેશની નજર મળી.
મહેશના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયુ. અને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એની સામે જે વ્યક્તિ બેઠો હતો એ બીજું કોઈ નહીં પણ ગૌરવ ખુદ હતો. એની હાલત વિચિત્ર અને બિહામણી હતી. એની આંખોમાં પીળા રંગની ચમક હતી. જે મનુષ્યની આંખો તો જરાય લાગતી ન હતી. અને એના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. એ રૂપમાં એ માણસ ઓછો અને રાક્ષસ વધારે લાગી રહ્યો હતો. મહેશનો તો જાણે અવાજ જ ગાયબ થઇ ગયો હતો. એ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ એના ગળામાંથી અવાજ નિકળી રહ્યો ન હતો. એ નજારો જોઇને જ ડરના લીધે એ એ જ જગ્યા પર થીજી ગયો હતો.
પછી એની નજર ગૌરવના પગ પાસે પડી. ત્યાં એક મરેલી બિલાડી પડી હતી. ગૌરવના મોઢાની સાથે સાથે એના હાથ પર પણ લોહી લાગેલું હતું. એનો મતલબ એક જ હતો. જે મહેશ સમજી ગયો હતો પણ ડરના માર્યો એ કાંઇ જ બોલી શક્યો ન હતો. પણ સમજી ગયો હતો કે ગૌરવ આ બિલાડી ખાઇ રહ્યો હતો. એટલી વારમાં ગૌરવ ઉભો થઇને એના તરફ દોડ્યો. આ જોઇને મહેશના ગળામાંથી એક મરણતોલ ચીસ નીકળી.
" મહેશ... ઉઠ.. શું.. થયું... બેટા..ઉઠ..." રાજીબેન મહેશને પકડીને ઢંઢોળી રહ્યા હતા. મહૈશ એક ઝાટકે પથારીમાંથી ઉભો થઇ ગયો. એની આંખોમાં હજી ભય તરવરી રહ્યો હતો. અને માથા પર પરસેવો વળી ગયો હતો. એણે આજુબાજુ જોયું ત્યારે એને ખબર પડી કે સવાય થઈ ગઈ છે અને એ હજી પથારીમાં જ છે. મતલબ કે એને જે જોયું એ એક સપનું હતું.
રાજીબેને એના માથા પર હાથ ફેરવી પુછ્યું, "શું થયું દિકરા? કોઈ ખરાબ સપનું જોયું કે?" જવાબમાં એણે ફક્ત માથું ધુણાવ્યું અને ઉભો થઇને એ હાથ મોઢું ધોવા ચાલ્યો ગયો. ગૌરવ એના મિત્રો સાથે બહાર હતો અને એમની સાથે જ નિશાળે જવાનો હતો. આ બાજુ મહેશ પણ સિરામણ કરીને નિશાળે ચાલ્યો ગયો. પણ એક વાત એના ધ્યાન બહાર રહી ગઇ.
" એના ઘરનાં પાછળના ભાગમાં એક મરેલી બિલાડી પડી હતી. "
(ક્રમશઃ)
* * * * * *