આગળ આપણે ઉદયપુર અને જીંગાભાઈના ઝલસા જોયા....
હવે આગળ.....
સહેલીઓ કી બાડીથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દૂર હલ્દી ઘાટીનું મેદાન આવેલ છે. અમે એકાદ કલાકની મુસાફરી બાદ હલ્દીઘાટીના મેદાનમાં પહોંચ્યા.
અરાવલી પર્વતમાળામાં આવેલ હલ્દીઘાટી તેની પીળી માટી માટે પ્રખ્યાત છે. આખું મેદાનમાં બધે જ પીળી માટી દેખાતી હતી.એટલા માટે તો આ મેદાનનું નામ હલ્દીઘાટી પડ્યું, કેમકે આપણા રસોડામાં વપરાતો એક મસાલો હળદર જેને હિન્દીમાં "હલ્દી" કહે છે. એનો રંગ અહીંયાની માટીના રંગ જેવો છે આથી આખા વિસ્તારને હલ્દીઘાટી વિસ્તાર કહેવામાં આવે છે.
રાજસ્થાનના ઉદયપુરથી લગભગ ચાલીસ બેતાલીસ કિલોમીટર દુર હલ્દીઘાટીનું મેદાન મહારાણા પ્રતાપના પરાક્રમો સાથે ખૂબ પ્રખ્યાત થયું છે.
મેવાડનો રાણો ,મહાપરાક્રમી, મહારાણા પ્રતાપ માર્યો પણ નમ્યો નહીં.
આ મેદાન પર 1576માં જ્યારે યુદ્ધ ખેલાયું ત્યારે આ પીળી માટી લાલ માટીમાં બદલાઈ ગઈ હતી એટલું ભયંકર યુદ્ધ ખેલાયું હતું ,એટલા માટે આ જગ્યાને "રક્તતલાઈ" પણ કહેવામાં આવે છે. અકબરનું વિશાળ સૈન્ય, સામે મેવાડના ભડવીરો યુદ્ધે ચડ્યા હતા.ઘણો સમય યુદ્ધ ચાલ્યું.આ યુદ્ધમાં તોમર વાંસનાં એક જ પરિવારના ત્રણ યોદ્ધા ઓ એક સમયે એક જ જગ્યા પર શહીદ થાય હતા.
આ મેદાનથી લગભગ બે કિલોમીટર દૂર મહારાણા પ્રતાપનો ઘો ડો ચેતકનું સ્મારક પણ આવેલું છે.
એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપ અકબર તરફ થી યુદ્ધે આવેલ રજા માનસિંહ ને હાથીની અંબાડી પર મારવા માટે જાય છે ત્યારે ચેતક પોતાના બંને પગ ઊંચા કરી હાથીના માથા પર મૂકે છે.પણ માનસિંહ બખતર ને કારણે બચી જાય છે.પરંતુ હાથીની સૂંઢમાં રાખેલ તલવાર ચેતક ના એક પગ ને જખ્મી કરી દે છે. છતાં ચેતક ત્રણ પગ પર મહારાણાને સુરક્ષિત જગ્યા પર લઇ જાય છે. આ જગ્યા ખાલી સ્મારક જ નહીં પણ વફાદારીના પાઠો યાદ કરી આપણા જીવનમાં ઉતારવા માટે બોધક છે.
હલ્દીઘાટીમાં એક મ્યુઝિયમ પણ આવેલ છે. સાથે સાથે એક સાહિબાગ પણ છે.આ બાગ મોગલ સૈન્યએ યુદ્ધ વખતે જે જગ્યાએ પડાવ નાખ્યો હતો એ જગ્યા પર બનાવવામાં આવ્યો છે, એટલે આ બાગનું નામ શાહીબાગ રાખવામાં આવ્યું છે.
હવે અહીંયાથી સીધા અમે મહારાણા પ્રતાપ મ્યુઝિયમ જોવા જવાના હતા.બધા બસમાં બેઠા ને વિજયભાઈ બસને રવાના કરી..
"મહારાણા પ્રતાપ મ્યુઝિયમ"મહારાણા પ્રતાપના વિવિધ હથિયારો અને મહારાણા પ્રતાપનું બખ્તર જોઈને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ છીએ, કેમ કે આટલા વજનદાર બખ્તર પહેરીને તથા આટલા વજનદાર હથિયારો લઈને યુદ્ધ ખેલવું તો વિચારો આ બધું ધારણ કરનાર શરીર કેટલું તાકાતવાન હશે!! અને આ શરીર સાથે અને બખ્તરનો ભાર તથા હથિયારનો ભાર ઉપાડનાર એ અશ્વ કે જેને મહા રાણા પ્રતાપ ચેતક કહીને બોલાવતા એ કેટલો સક્ષમ હસે. અત્યારે તો આપણે આ બંને, મહારાણા પ્રતાપ અને એમના ઘોડાની તાકાતનો અંદાજ લગાવવો રહ્યો!!
એક મહાપરાક્રમી ,માતૃભૂમિ માટે જાન ન્યોછાવર કરનાર અને ઘાસના રોટલા ખાધા પણ ગુલામી ન સ્વીકારી આવા તેજસ્વી પુરુષના ચરણો જે જગ્યા પર વારંવાર પડ્યા છે,અરે જે ભૂમિ પર એમનું જીવન વીત્યું એવી પાવન, પવિત્ર જગ્યા પર અમે ફર્યા અને મનોમન મહારાણા પ્રતાપને વંદન કર્યા. મ્યુઝિયમમાં ચિત્તોડગઢ કિલ્લાનું સુંદર મોડેલ પણ મૂકવામાં આવ્યું છે. આ ચિત્તોડગઢ કિલ્લાને નીરખીને જોતા એમની ભેજાબાજી પર પણ આપણે આફરીન થઈ જાય. બધાએ મનભરીને ચિત્તોડગઢ કિલ્લાનું મોડેલ તથા મેવાડી ઓજારોને જોયા ને પાછા નીકળી પડ્યા બસ તરફ હવે અમારે જવાનું હતું નાથદ્વારા..
અહીંયાથી લગભગ અઢાર થી વીસ કિલોમીટર દૂર એટલેકે ત્રીસ થી ચાલીસ મિનિટનો રસ્તો હતો.
બસ ઉપડી નાથદ્વારાના રસ્તે. મેં ઘડિયાળમાં જોયું તો પાંચ અને દસ થઇ હતી.
રસ્તામાં જીંગાભાઈ વાંદરાને છોડતા ન હતા એટલે મેં પૂછ્યું;"જીંગા તારે આ વાંદરા સાથે દુશ્મની કેમ છે એ તો કહે?"એટલે જીંગાભાઈ કહે;"સાંભળો રાજુભાઈ..
"હું નાનો હતો ત્યારે કુદરતી હાજતે જવા ગામની ભાગોળે વોકળામાં જવું પડતું. હું પાંચમા ધોરણમાં ભણતો ત્યારે મારે સાંજે કુદરતી હાજતે જવાની ટેવ હતી. અમારું ગામ ડાંગ જિલ્લામાં આવેલ છે, એટલે ત્યાં વાંદરાનો ત્રાસ તો ખરો જ.એમાં ત્રણ- ચાર વાંદરા મારી દરરોજ ઘાણી કરતા. એક દિવસ હું ડબલુ ભરી ને કુદરતી હાજતે જવા નીકળ્યો. હાથમાં ત્રણ - ચાર પથ્થર તો રાખતો જ. હું જાજરૂ કરવા બેઠો ત્યાં પહેલા ત્રણ વાંદરા આવ્યા. મેં પથ્થરનો ઘા કર્યો.. તો બે વાંદરા અલગ અલગ બાજુ ભાગ્યા. હવે પાણો (પથ્થર) લેવા થોડો આગળ લંબણો.. ત્યાં ત્રીજો વાંદરો આવ્યો અને મારું ડબલું ઊંધું વાળી દીધું. મેં ઝડપથી ડબલું ઉભું કર્યું...પણ ત્યારે માંડ બે-ત્રણ કોગળા પાણી બેચ્યું હતું.પછી તો હું વાંદરાની પાછળ દોડ્યો પણ એ હાથમાં આવે...!"
"એક દિવસ સાંજના અમારા ફળિયામાં એ ત્રણમાંથી એક વાંદરો બેઠા-બેઠા જામફળ ખાતો હતો.મને બદલો લેવાનો મોકો મળી ગયો અને એક દોરડું લીધું.મારા બા (મમ્મી)પાસે દોરડાના બંને છેડે ગાળિયો (દોરડાની ગાંઠ જેને ખેંચો એટલે ચપોચપ બેસી જાય) બનાવડાવ્યો.દોરડું લઈ હું છુપાતો-લપાતો વાંદર ની પાછળ ઉભો રહ્યો.એક છેડો હાથમાં રાખી બીજા છેડાનો ગાળિયો એની પૂંછડીમાં બાંધ્યો. પૂંછડીને અડ્યો એટલે વાંદરો ભાગ્યો. પણ ,ત્યાં તો એની પૂંછડીમાં ગાળિયો ફીટ બેસી ગયો હતો. દોરડાનો બીજો છેડો મારા હાથમાં હતો.અચાનક વાંદરાએ છલાંગ મારી. હું પડી ગયો. મારા હાથમાં રહેલ દોરડાના બીજા છેડાનો ગાળીયો મારા જ હાથમાં ચપોચપ બેસી ગયો. પછી તો શું? વાંદરો આગળ ને પાછળ હું... ઢસડાતો.... ઢસડાતો. ગામના પાદરમાં બે-ત્રણ ભાભા (ઘરડા માણસ) હતા... એમને મને છોડાવ્યો. હું બધે જ છોલાઈ ગયો.ડોક્ટર પાસે લઇ ગયા. મને વાંદરા ઉપર એવી ખીજ ચડે કે વાત પૂછો માં... પણ આ વાત અહીંયા પૂરી થતી નથી. એક રાતે અમે બધા ફળિયામાં સુતા હતા ત્યારે આ ત્રણે વાંદરા આવ્યા અને મારા પર પીપી કરી ગયા. મને આખી રાત ઉબકા આવ્યા.... બસ ત્યારનો દિ ને આજની ઘડી.. વાંદરા દેખું એટલે મને શૂરાતન ચડી જાય. રાજુભાઈ હવે હમણાં નાથદ્વારા આવી જશે. પાછા ક્યારેક નિરાંતે મારી જિંદગીના બીજા કિસ્સા કહીશ."
"વાહ જીંગા તે પણ વાંદરા સાથે યુદ્ધ જાહેર કર્યું હો બાકી!!"
લગભગ છ વાગ્યાની આસપાસ અમારી બસ નાથદ્વારા પહોંચી. શ્રીનાથજી બાવાની જય બોલી અમે બસ નીચે ઉતર્યા. સાંજનું ભોજન અહીંયા જ લેવાનું હોવાથી બસ અહીંથી આગળ મેદાનમાં જઈને ઉભી રહી.
બનાસ નદીના કાંઠે આવેલ શ્રીનાથદ્વારા વિશે એવી માન્યતા છે કે આ મંદિરની મૂર્તિ પહેલા મથુરા નજીક ગોકુળમાં હતી. બાદશાહ ઔરંગઝેબ મૂર્તિ ખંડિત કરવાની કોશિશ કરતો હોવાથી, શ્રી વલ્લભજીએ આ મૂર્તિ રાજપુતાનાના રાજમાં અહીં પ્રસ્થાપિત કરી. આ મંદિરની મુખ્ય વિશેષતા અહીંયા ભગવાનની આઠ વખત પૂજા કરવામાં આવે છે. સાથે સાથે આ મંદિર ઉપર શિખર નથી.બહારથી જોતા મોટી હવેલી હોય એવું લાગે છે. કેમ કે , નાથ સંપ્રદાયના લોકો શ્રીનાથજીના મંદિરને નંદરાયનું ઘર સમજે છે. અમે બધાએ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરી મંદિરની આરતીનો લાભ લીધો. મંદિરની આરતી બાદ પ્રસાદી આરોગી બધા બહાર નીકળ્યા. ખરીદી માટે પણ સારી એવી દુકાનો આવેલ છે.અમારે ખરીદી તો કરવી નહોતી પણ જોવા અને જાણવાની જિજ્ઞાસાને કારણે બજારમાં આંટા મારવા નીકળી ગયા.
લગભગ આઠ વાગ્યાની આસપાસ જમવા માટે આવ્યા. બટાકાનું શાક અને ગરમાગરમ પુરીનો અનોખો સ્વાદ અમે મન ભરીને માણ્યો.
હવે અમારે બિરલા મંદિર જયપુર જવાનું હતું. લગભગ સાડા ત્રણસો કિલોમીટરની મુસાફરી કરવાની હતી,એટલે આજની રાત બસમાં જ વીતાવવાની હતી.
નવ અને ત્રીસ મિનિટે વિજયભાઈએ બસનો સેલ્ફ માર્યો. લતા મંગેશકરના સ્વરમાં "તેરે બીના જિંદગી સે કોઈ શિકવા નહીં" ગીતના સંગાથે મુસાફરી શરૂ થઈ.
મારા મનમાં હતું કે આજે જીંગો કંઈ પરાક્રમ ન કરે તો સારું, કેમ કે થાક વધુ લાગ્યો હતો એટલે થોડીવાર સૂઈ જવાની ઇચ્છા હતી.
ક્રમશ::::
આગળના ભાગમાં આપણે જીં ગાનાં જીવન ના કિસ્સા વાંચીશું....તો વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 7....
આપના પ્રતિભાવની રાહે રાજુસર.....