Pratishodh - 2 - 13 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 13

Featured Books
Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 13

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-13

200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન

પુષ્કર મેળાનાં છેલ્લા દિવસે આયોજિત તલવારબાજીની સ્પર્ધામાં સ્ત્રીઓની તલવારબાજી પ્રતિયોગીતા પૂર્ણ થઈ ચૂકી હતી, જેમાં અંબિકાનો વિજય થયો હતો. સ્ત્રીઓની તલવારબાજી સ્પર્ધા બાદ જ્યારે પુરુષોની તલવારબાજી સ્પર્ધાનું એલાન થયું ત્યારે એમાં ભાગ લેનારા પ્રતિયોગીઓમાં માધવપુરના રાજા વિક્રમસિંહ ભાગ લેવા જઈ રહ્યા હોવાની વાત સાંભળી અંબિકા હરખમાં આવી ગઈ.

આ સ્પર્ધામાં વિક્રમસિંહ અવશ્ય જીતશે અને પોતે માધવપુરની મહારાણી બનશે એવા દિવાસ્વપ્ન જોઈ રહેલી અંબિકા સ્પર્ધાનાં મેદાનમાં આવી પહોંચી, જ્યાં વિક્રમસિંહ એમના પ્રથમ પ્રતિદ્વંદી સામે તલવારબાજી કરી રહ્યા હતાં.

માત્ર બે મિનિટમાં તો વિક્રમસિંહે આસાનીથી પોતાના વિરોધીને હરાવી દીધો. આ જોઈ અંબિકા ગેલમાં આવી ગઈ. સ્ત્રીઓની માફક પુરુષોની સ્પર્ધામાં પણ વિજેતા સ્પર્ધકોને પ્રથમ સ્પર્ધા બાદ અલગ-અલગ ટુકડીઓમાં રાખવામાં આવ્યા. આવી બે-બે ની કુલ ચાર ટુકડીઓ હવે મેદાનમાં મોજુદ હતી.

પોતાના બીજા મુકાબલામાં વિક્રમસિંહનો સામનો એક યુનાની જોડે થયો, જે પુષ્કરનો મેળો જોવા ખાસ યુનાનથી આવ્યો હતો. પોતાનો શોખ પૂરો કરવા એ તલવારબાજીની સ્પર્ધામાં ઉતર્યો હતો અને એનો બીજો મુકાબલો વિક્રમસિંહ જોડે થવા જઈ રહ્યો હતો. યુનાની પોતાના પ્રથમ મુકાબલામાં પોતાના પ્રતિસ્પર્ધીને જીવલેણ ઘા આપી ચૂક્યો હોવાથી બધાનું ધ્યાન વિક્રમસિંહ અને યુનાની વચ્ચેના મુકાબલા પર હતું.

બધા લોકોની ગણતરી મુજબ યુનાની શરુઆતથી જ પોતાની ગજબની ગતિ અને બેધારી તલવાર વડે વિક્રમસિંહને હંફાવવામાં સફળ રહ્યો. લગભગ પા કલાક સુધી વિક્રમસિંહે એ યુનાની સામે બરાબરની ટક્કર આપી પણ એમને આ દરમિયાન રક્ષણાત્મક નીતિ અપનાવી રાખી હતી. વિક્રમસિંહ જાણીજોઈને યુનાની પર પ્રહાર કરવાનું ટાળી રહ્યા હતાં, એ તો બસ પોતાના પર થતાં પ્રહાર ખાળવમાં વ્યસ્ત હતાં.

એકધારી તલવાર ચલાવવાથી યુનાની હવે થાકીને લોથપોથ થઈ ગયો હતો. એને હવે આ મુકાબલો ઝડપથી આટોપી લેવાની ઈચ્છા હતી. બે પત્નીઓ હોવા છતાં અંબિકા જેવી સ્વરૂપવાન યુવતી પોતાના રાતોને હસીન બનાવે એવી મહેચ્છા સાથે યુનાનીએ વિક્રમસિંહ જોડેની તલવારબાજી સ્પર્ધાને પૂર્ણ કરવાના હેતુથી ખૂબ જ ત્વરાથી પોતાની તલવાર વિક્રમસિંહ પર ઉગામી. આમ કરવામાં યુનાનીનું બધું શારીરિક સંતુલન એક તરફ જતું રહ્યું. આ તકની રાહ જોઇને બેસેલા વિક્રમસિંહે પહેલા તો પોતાના દેહને બીજી તરફ ખસેડી પોતાનો સ્વબચાવ કર્યો અને બીજી જ ક્ષણે પોતાની તલવારના ઉપરાઉપરી ચાર પ્રહાર યુનાનીના ખાલી હાથ અને જમણી સાથળ પર કરીને એને પરાસ્ત કરી દીધો.

આ એક યાદગાર મુકાબલો હોય એમ દર્શકોએ ચિચિયારીઓ અને તાળીઓથી વિક્રમસિંહના વિજયને વધાવી લીધો. યુનાની સાથેનાં મુકાબલા બાદ આત્મવિશ્વાસથી તરબોળ વિક્રમસિંહનો મુકાબલો રતલામના પ્રધાન પુત્ર વિશ્વા સાથે થયો. પ્રધાન પુત્ર ઉંમરમાં વિક્રમસિંહનો સમવયસ્ક હતો અને કદ-કાઠીમાં પણ વિક્રમસિંહની બરાબરીનો હતો.

ત્યાં હાજર સર્વેને ગણતરી હતી કે પ્રધાન પુત્ર માધવપુરના રાજાને ભારે ટક્કર આપશે. મુકાબલો શરૂ થતા લોકોનું એ અનુમાન પૂર્ણતઃ સાચું પણ ઠર્યું. શરૂઆતની દસ મિનિટોમાં તો વિક્રમસિંહ અને વિશ્વા એકબીજાની તલવારના લયબદ્ધ ટકરાવથી એકસરખી વ્યૂહરચના સાથે દ્વંદ્વ કરતા રહ્યા પણ છેવટે વિશ્વાની ધીરજ ખૂટી.

વિશ્વા દોડીને વિક્રમસિંહ પર હુમલો કરવા એમની તરફ આવ્યો ત્યારે વિક્રમસિંહે ચાલાકીથી પોતાના શરીરને એક તરફ ઝુકાવી એનો ઘા વિફળ બનાવી દીધો. વિશ્વા ગતિમાં અને ગતિમાં પોતાનું સંતુલન ઘુમાવી બેઠો અને સ્પર્ધા માટે નક્કી કરેલા વર્તુળની બહાર નીકળી ગયો. વિશ્વાની ઉતાવળ વિશ્વાના પરાજયનું અને વિક્રમસિંહના વિજયનું કારણ બની.

હવે વિક્રમસિંહ તલવારબાજીના આખરી મુકાબલા માટે પોતાની જાતને સજ્જ કરી ચૂક્યા હતાં. એમની નજર ટોળામાં ઊભેલી અંબિકા તરફ પડી એ સાથે જ એમનું હૃદય ધબકારો ચૂકી ગયું. એકીટશે પોતાની તરફ જોઈ રહેલી અંબિકાને વિક્રમસિંહે આંખોનાં ઈશારાથી એ જણાવ્યું કે આ છેલ્લો મુકાબલો પોતે અવશ્ય જીતશે અને અંબિકાને પોતાની રાણી બનાવશે.

"તો હવે પુરુષોની તલવારબાજીનો અંતિમ મુકાબલો થવા જઈ રહ્યો છે." ઉદઘોષક દ્વારા ઊંચા અવાજે જાહેરાત થઈ.

"આ મુકાબલામાં જીતનાર સ્પર્ધકના લગ્ન સ્ત્રીઓની તલવારબાજી સ્પર્ધામાં વિજેતા બનેલી અંબિકા નામક યુવતી સાથે થશે." આ બોલતી વખતે ઉદઘોષકની નજર ટોળામાં ઊભેલી અંબિકા તરફ સ્થિર થઈ.

"તો હવે આ આખરી મુકાબલા માટે બંને પ્રતિસ્પર્ધીઓને મેદાનમાં આવવાનો આગ્રહ કરું છું."

"આ મુકાબલો જેના વચ્ચે થવા જઈ રહ્યો છે એ બંને હકીકતમાં પિતરાઈ ભાઈઓ છે. માધવપુરના રાજા વિક્રમસિંહ અને બાડમેરના રાજા અર્જુનસિંહ; એકબીજાના દૂરના પિતરાઈ છે."

બે પિતરાઈ ભાઈઓ એક યુવતીને જીતવા કઈ હદ સુધી લડશે એ જાણવાની દર્શકોની અધીરાઈ વચ્ચે વિક્રમસિંહ અને અર્જુનસિંહ મેદાનની મધ્યમાં બનાવેલા વર્તુળમાં આવીને ઊભા રહ્યાં. અર્જુનસિંહ અને વિક્રમસિંહના ચહેરાના ભાવ એ જણાવવા કાફી હતાં કે ભલે એ બંને પિતરાઈ હોય પણ એમની વચ્ચે ન્હાવા-નિચોવાનો પણ સંબંધ નથી.

અર્જુનસિંહ અને વિક્રમસિંહના પરિવાર વચ્ચે વર્ષો પહેલા ખૂબ સારા સંબંધો હતાં પણ એકવાર માધવપુર પર એક તુર્ક મુસલમાન અસલમ હુસેને હુમલો કર્યો ત્યારે બાડમેર સિવાય બધા રાજપૂત રાજાઓ માધવપુરની વ્હારે આવી પહોંચ્યા. માધવપુર તુર્ક આક્રમણથી તો બચી ગયું પણ વિક્રમસિંહના દાદા નારાયણસિંહ જે એ સમયે માધવપુરના રાજ સિંહાસન પર બિરાજમાન હતાં એમને બાડમેરના રાજાની ગેરહાજરી ખૂંચી.

એમને આ અંગે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બાડમેરના રાજા અને પોતાના માસીના દીકરા વજેસિંહે અસલમ હુસેનની મદદ કરીને પોતાની સાથે દગો કર્યો હતો. આ વાતથી ખફા નારાયણસિંહે બાડમેર સાથે બધો જ સંબંધ કાપી નાંખ્યો. રજપૂતોની એકતા જાળવવા એમને પોતાના માસિયાઈ દીકરા જોડે યુદ્ધ તો ના કર્યું પણ કાયમ માટે અબોલા લઈ લીધાં.

આજે આ જૂની દુશ્મનીનો હિસાબ ચૂકતે કરવાની તક વિક્રમસિંહના હાથમાં આવી હતી. આમ છતાં ચહેરા પર નિર્લેપ ભાવ સાથે વિક્રમસિંહ પોતાની તલવારને મ્યાનમાંથી કાઢી અર્જુનસિંહ સમક્ષ આવીને ઊભા રહી ગયાં. બાડમેરના ભાવિ રાજા એવા અર્જુનસિંહ માટે તો હવે આ સ્પર્ધા સ્પર્ધા મટીને યુદ્ધ બની ચૂકી હતી.

"તો હવે દ્વંદ્વ આરંભ કરો.!" પૂજારીજીના આદેશની રાહ જોઇને બેઠા હોય એમ અર્જુનસિંહ અને વિક્રમસિંહ એકબીજા પર તૂટી પડ્યા.

બંનેના હાથમાં રહેલી તલવારો જ્યારે એકબીજી સાથે અથડાતી ત્યારે એમાંથી ઝરતા તણખા જોઈને દર્શકોને કંપારી છૂટી જતી. પાંચ મિનિટના અંતે આયોજકો અને દર્શકો બધા સમજી ચૂક્યા હતાં કે વિક્રમસિંહ અને અર્જુનસિંહ હવે મારવા અને મરી જવા પર આવી ગયાં છે.

એકવાર વિક્રમસિંહની તલવારે અર્જુનસિંહને ખભે ચિરો કરી દીધો તો એકવાર અર્જુનસિંહની તલવાર વિક્રમસિંહના પેટ પર ઘસરકો કરી ગઈ. યોદ્ધા માટે તો આવા ઘા ઉપહાર હોય એમ સમજતા એ બંને રજપૂતો એકબીજાના લોહીનાં તરસ્યા થઈ જંગે ચડ્યા હતાં.

અચાનક અર્જુનસિંહે ખૂબ ચાલાકીથી પોતાની મોજડીની એડી વડે રેતીને વિક્રમસિંહના ચહેરા તરફ ઉછાળી, વિક્રમસિંહ કંઈ સમજે એ પહેલા તો અર્જુનસિંહની તલવારે એમના ખાલી હાથના કાંડા જોડે મોટો ઘા કરી દીધો હતો. અર્જુનસિંહ વિક્રમસિંહના સાથળ પર ત્રીજો ઘા કરી જીતવાની અણી પર હતાં ત્યાં વિક્રમસિંહના કાને કોઈકની તીણી ચીસ સંભળાઈ.

"નીચેની તરફ, સાચવો." આ અવાજ અંબિકાનો હતો એ જાણતા વિક્રમસિંહે કૂદકો લગાવી પોતાની જાતને હારતા-હારતા બચાવી લીધી.

કોણ આ સમયે વિક્રમસિંહની વ્હારે આવ્યું એ જાણવાની તાલાવેલી સાથે અર્જુનસિંહે અંબિકા તરફ જોયું, અંબિકા વિક્રમસિંહની મદદ કરી રહી છે એ જોઈ અર્જુનસિંહ વધુ રોષે ભરાયો. એને વિક્રમસિંહ પર આખરી પ્રહાર કરી અંબિકાને જીતી એની બધી અક્કડ ઠેકાણે લાવવાના ઈરાદે વિક્રમસિંહ પર તલવાર ઉગામી.

આ દરમિયાન વિક્રમસિંહ સ્વસ્થતા ધારણ કરી ચૂક્યા હતાં, એમને પહેલા તો અર્જુનસિંહનો પ્રહાર રોક્યો અને વિજળીવેગે અર્જુનસિંહની તલવારને ઝટકા સાથે એના હાથમાંથી ફેંકાવી દીધી. અર્જુનસિંહ કંઈ સમજે એ પહેલા તો વિક્રમસિંહની તલવાર એની ગરદનને સ્પર્શી ચૂકી હતી. તલવારની તીક્ષ્ણ ધાર એની ગરદન પર એક બારીક ઘસરકો કરી ચૂકી હતી જેમાંથી લોહીની ટશર ફૂટી નીકળી હતી.

થોડી ક્ષણોની શાંતિ બાદ જ્યારે દર્શકોએ વિક્રમસિંહની જય-જયકાર બોલાવી ત્યારે અર્જુનસિંહને ભાન થયું કે તલવાર પડી જવાના લીધે એ આ સ્પર્ધામાં પરાસ્ત થઈ ચૂક્યો છે. અર્જુનસિંહની હાર બાદ વિક્રમસિંહ જે રીતે સસ્મિત એની તરફ જોઈ રહ્યો હતો એ વાત અર્જુનસિંહ માટે દાઝ્યા પર ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી રહી હતી.

વધુ ફજેતી ના થાય એ હેતુથી અર્જુનસિંહ ભારે ગુસ્સા અને પ્રતિશોધની આગ સાથે ઉતાવળા ડગલે ત્યાંથી ચાલતો થયો.

વિક્રમસિંહની જીત પર સૌથી વધુ ઉત્સાહિત અને આનંદિત જો કોઈ હતું તો એ હતી અંબિકા. પોતાને સામાન્ય વ્યક્તિની માફક મળેલો વિક્રમસિંહ રાજા ના પણ હોત તો પણ પોતે એની સાથે ખુશી-ખુશી વિવાહ કરી લેત એવું મનમાં ને મનમાં બોલતી અંબિકા વિક્રમસિંહ કને આવીને ઊભી રહી ગઈ.

"ચલો, હવે તમારા વિવાહની તૈયારીઓ શરૂ કરીએ રાજા વિક્રમસિંહ." પૂજારીજીના આ શબ્દો કાને પડતા જ અંબિકા અને વિક્રમસિંહ મંદિર ભણી ચાલી નીકળ્યા. એમની સાથે સ્પર્ધા જોવા આવેલા દર્શકો પણ દોરવાયા, જેમાં અંબિકાની સોતેલી માં પણ ખુશી ખુશી ચાલી રહી હતી. પોતાની દીકરીના રાજ પરિવારમાં લગ્ન થવાથી પોતાને મોટો આર્થિક લાભ થશે એવા સપનામાં રાચતી એ ખંધી સ્ત્રી આજે હસતું મુખ રાખી દીકરીને વિદાય કરવાનું મન બનાવી ચૂકી હતી.

આ તરફ જ્યાં વિવાહની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં બીજી તરફ બે એવા વ્યક્તિઓ પણ હતાં જે મનમાં ઈર્ષા અને બદલાની આગથી સળગી રહ્યા હતાં.

જેમાં એક હતો રાજા વિક્રમસિંહનો પિતરાઈ અર્જુનસિંહ અને બીજી હતી જયપુરની રાજકુમારી રૂપાદેવી. સ્પર્ધામાં મળેલા પરાજય અને શરીર પર થયેલા ઘાને પંપાળતા એ બંને માધવપુરનો વિનાશ કરવાની યોજના બનાવવામાં લાગી ગયાં.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)