VEDH BHARAM - 17 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 17

Featured Books
Categories
Share

વેધ ભરમ - 17

વલ્લભ વિદ્યાનગર એટલે ગુજરાતમાં આણંદથી ચાર કિલોમીટર દૂર આણંદ, કરમસદ અને બાકરોલના ત્રિભેટે આવેલ એક નાની ટાઉનશિપ. માત્ર શિક્ષણના ઉદ્દેશથી બનાવેલુ એક નાનુ ગામ એટલે વિદ્યાનગર. સરદાર પટેલના ચરોતરને પ્રગતિના પંથે લઇ જવાના સ્વપ્નને સાકાર કરવા ભાઇકાકાએ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી અને તે સાથે જ વલ્લભવિદ્યાનગર બની ગયુ ગુજરાતનુ એજ્યુકેશન હબ. આખા ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ વિદ્યાનગરમાં શિક્ષણ લેવા માટે વિદ્યાર્થીઓ ઉમટે છે. આખા વિદ્યાનગરમા વિદ્યાર્થીઓને લગતી જ બધી પ્રવૃત્તિ અને ધંધો રોજગાર વિકસેલા છે. એકદમ વૃક્ષોથી આચ્છાદિત સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ કૉલેજ અને વિભાગની ફરતે વર્તુળાકારે આ ગામ ફેલાયેલુ છે. યુવાનોથી ભરેલુ આ નાનકડુ ગામ જુના જમાનાના તક્ષશિલા અને નાલંદાની યાદ તાજી કરે છે. ભારતમાં એવા જુજ વિસ્તાર છે જે માત્ર શિક્ષણના હેતુથી બનાવવામાં આવ્યા છે. વિદ્યાનગર આમાનુ એક છે. વિદ્યાનગરનો મિજાજ જ કંઇક અલગ છે. વિદ્યાનગરમાં આવતો પ્રત્યેક યુવાન તરવરાટથી ભરપુર અને કંઇક કરી બતાવવાના ઉત્સાહથી છલોછલ હોય છે. અહીના વાતાવરણમાં જ તમને એક ઊર્જાનો અનુભવ થાય છે. અહીં આવી એકદમ ઠંડો માણસ પણ દોડતો થઇ જાય છે. સૌરાષ્ટ્ર તરફથી વિદ્યાનગર જવા માટે બરોડા જતી બસમાં જનતા ચોકડી ઉતરવુ પડે અને પછી ત્યાંથી વિદ્યાનગર બે કિલોમીટર થાય. રિષભ પણ આ જ રીતે જુનાગઢથી બરોડા જતી બસમાં જનતા ચોકડી પર ઊતર્યો હતો. આમ તો હજુ તેણે એમ.એસ.સીમાં એડમીશન લીધુ તેને માત્ર એક જ મહિનો થયો હતો પણ, તેના પપ્પાની તબીયત બગડી જતા તેને અચાનક જુનાગઢ જવુ પડ્યુ હતુ. બે ચાર દિવસમાં તેના પપ્પાની તબિયત સારી થઇ જતા તે પાછો વિદ્યાનગર આવવા નીકળ્યો હતો અને અત્યારે જનતા ચોકડી પહોંચ્યો હતો. તે નીચે ઉતરી વિદ્યાનગર રોડ પર આગળ વધતો હતો ત્યાં પાછળથી એક મીઠી ઘંટડી જેવો અવાજ આવ્યો એક્સક્યુઝ મી. આ સાંભળી રિષભે પાછળ ફરી જોયુ એ સાથે જ તે જોતો જ રહી ગયો. એક યુવતી તેને બોલાવી રહી હતી. આ યુવતીની સુદરતા જોઇ રિષભ તેને જોતો જ રહી ગયો. એકદમ પાતળુ નહી અને જાડુ નહી તેવુ બોડી, કાળા વાળ, અને સાથે જ કાળી અને વશીકરણ કરી દે તેવી ભાવવાહી આંખો, તીણુ નાક અને તેની નીચે ભર્યા ભર્યા હોઠ. નજર ના લાગે તે માટે કુદરતે હોઠ પર મુકેલુ કાળુ તલ, એકદમ પાતળી ગરદન અને ત્યાથી શરુ થતા વળાંકો તો એટલા ભયજનક હતા કે જે કોઇની નજર તેના પર પડે તે ધાયલ થયો જ સમજો. અત્યારે મુસાફરીને કારણે તેના વાળ અસ્તવ્યસ્ત ફેલાયેલા હતા અને કપડા પણ ચોડાઇ ગયેલા હતા છતા નેચરલ લુકમાં પણ યુવતી એટલી સુંદર દેખાતી હતી કે રિષભ તેને જોતો જ રહી ગયો. પેલી યુવતી પાસે આવી ત્યાં સુધી રિષભ પૂતળાની જેમ તેને જોતો ઊભો રહ્યો. તે યુવતીએ પાસે આવી પુછ્યુ “વિદ્યાનગર આ રસ્તે જ આવશે ને?”

“હા, આ રસ્તે જ બે કિલોમીટર આગળ વિદ્યાનગર છે.” રિષભે કહ્યું. પેલી યુવતી હજુ આગળ બોલવા જાય ત્યાં એક રિક્ષા તેની પાસે આવીને ઊભી રહી એટલે પેલી યુવતીએ રિક્ષાવાળાને કહ્યું “યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર જવાનું છે.” આ સાંભળી રિક્ષાવાળાએ તે યુવતીને ઉપરથી નીચે જોઇ અને પછી બોલ્યો “દોઢસો રુપીયા થશે.” રિષભ જવા આગળ વધતો હતો ત્યાં રિક્ષાવાળાનો જવાબ સાંભળી તે પાછો ફર્યો અને બોલ્યો “અરે ભાઇ છેતરો છો શુ કામ? સ્ટાફ ક્વાર્ટર તો એકાદ કિલોમીટર જ થાય છે.” આ રીતે રિષભને વચ્ચે બોલતો જોઇ રિક્ષાવાળાએ રિષભ સામે કતરાઇને જોયુ અને બોલ્યો “આવવુ હોય તો આવે ભાડુ તો એટલુ જ થશે.” આ સાંભળી પેલી યુવતીએ રિષભ તરફ જોયુ. આ જોઇ રિષભે કહ્યું “મારી હોસ્ટેલ સ્ટાફ ક્વાર્ટર પાસે જ છે. તમે ઇચ્છો તો મારી સાથે આવી શકો છો. બાકી તમારી મરજી.” આટલુ બોલી તે ચાલવા લાગ્યો. ત્યાં પાછળથી તે યુવતીએ કહ્યું “ઓકે હું તમારી સાથે જ આવુ છું.” આ સાંભળી રિષભ ઊભો રહ્યો અને પેલી યુવતી તેની સાથે થઇ ગઇ અને હાથ લંબાવતા બોલી “મારુ નામ અનેરી યાજ્ઞીક છે.” રિષભે પણ હાથ મિલાવતા કહ્યું “માય સેલ્ફ રિષભ ત્રિવેદી. એમ.એસ.સી મેથેમેટીક્સ કરુ છું.” રીષભે જાણી જોઇને અભ્યાસ વિશે કહ્યુ હતુ. રીષભની ઇચ્છા પૂરી કરતા અનેરીએ કહ્યુ

“હું અહીં આઇ.ટી એંજીનીયરીંગમાં એડમીશન લેવા આવી છું.”

“કઇ કૉલેજમાં એડમિશન લેવાનુ છે?” રિષભે આગળ ચાલતા પૂછ્યું.

“બી.વી.એમ એંજીનીયરીંગ કૉલેજ.” અનેરીએ કહ્યું અને પછી પુછ્યું “તમે અહી ક્યાં રહો છો?”

“બી.એસ.સી, બી.એડ હોસ્ટેલમાં. સ્ટાફ ક્વાર્ટર પાસેજ આ હોસ્ટેલ આવી છે.” રિષભે કહ્યું.

પછી થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહીં. અનેરી આજુબાજુનું વાતાવરણ જોવા લાગી અને થોડીવાર પછી બોલી “અહી કેટલી ગ્રીનરી છે. અમારા રાજકોટમાં તો આના અડધા ઝાડ પણ નહી હોય.”

આ સાંભળી રિષભ બોલ્યો “અહી ખૂબ વરસાદ પડે છે, એવુ મે સાંભળ્યુ છે. આપણા સૌરાષ્ટ્રમાં વરસાદ પણ આનાથી અડધો જ પડે છે.”

“તમે સૌરાષ્ટ્રના જ છો?” અનેરીએ પૂછ્યું.

“હા મારુ ઘર જુનાગઢમાં છે.” રિષભે કહ્યું.

“ઓહ, મારા માસી પણ જુનાગઢમાં રહે છે.” અનેરી હજુ આગળ કહેવા જતી હતી ત્યાં બાજુમાંથી રિક્ષા પસાર થઇ એ જોઇ અનેરીએ કહ્યું “તમે ના હોત તો પેલાએ મને લૂંટી લીધી હોત.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “હા, પણ અમને એવુ કોઇ નહોતુ મળ્યુ એટલે અમે પહેલી વખત લૂટાયા હતા.” આ સાંભળી અનેરીએ કહ્યું “કેમ શું થયું હતું?”

આ સાંભળી રિષભે કહ્યું “ હું અને મારો મિત્ર ગૌતમ તમારી જેમ પહેલી વખત એડમિશન માટે ફોર્મ ભરવા અહીં આવ્યા હતા.” રિષભ હજુ આગળ વાત કરે તે પહેલા જ અનેરીએ તેને રોકતા કહ્યુ “તમે મને તુકારે જ બોલાવો. આ તમે તમે મને નથી ગમતુ” આ સાંભળી રિષભે હસતા હસતા કહ્યું “પણ આ વાત તને પણ લાગુ પડશે તારે પણ મને તમે કહેવાનુ નથી.” અને પછી બંને હસી પડ્યા. ત્યાં સામે જ એક મોટુ સર્કલ આવ્યુ જ્યાં વચ્ચે સરદાર પટેલનુ સ્ટેચ્યુ હતુ. આ સર્કલ ક્રોસ કરી તે લોકો આગળ વધ્યા એટલે અનેરીએ પૂછ્યું

“ હવે આગળ કહે પછી શું થયુ હતુ?”

“હા તો, હું અને ગૌતમ અહી ફોર્મ ભરવા આવ્યા હતા. ગૌતમનો એક મિત્ર મોટા બજારમાં એક ફ્લેટમાં રહેતો હતો. અમે અહી જનતા ચોકડી બસમાંથી ઊતર્યા અને પેલા મિત્રનું એડ્રેસ આપ્યુ તો રિક્ષાવાળાએ અમને પણ તારી જેમ દોઢસો રુપીયા કહ્યા. હવે અમે તો નવા હતા એટલે રિક્ષામા બેસી ગયા. રિક્ષાવાળો તો અમને સાત આઠ કિલોમીટર આગળ લઇ ગયો અને પછી અમે બતાવેલા એડ્રેસ પર ઊતારી દીધા. આટલા અંતરના દોઢસો રુપીયા અમને પણ યોગ્ય લાગ્યા. ત્યારબાદ અમે પેલા મિત્રના રુમ પર ગયા અને ફ્રેશ થયા. પછી વાતવાતમાં ગૌતમે તેના મિત્રને કહ્યું “એલા તારો ફ્લેટ તો જનતા ચોકડીથી ઘણો દૂર થાય છે. રિક્ષાવાળાએ દોઢસો રુપીયા લીધા. આ સાંભળી પેલો દોસ્ત હસવા લાગ્યો અને બોલ્યો રિક્ષાવાળાએ તમને ઊલ્લુ બનાવ્યા. અહીથી જનતા ચોકડી માત્ર ત્રણ જ કિલોમિટર છે. તે તમને આખુ રાઉન્ડ ફેરવીને લાવ્યો. તેની વાત અમે સમજ્યા નહી એટલે તે મિત્રએ કહ્યું આ વિદ્યાનગર વર્તુળાકાર છે. જેમા તમે ડાબી બાજુનો રસ્તો પકડો તો મારી રુમ માત્ર ત્રણ જ કિલોમીટર થાય પણ જમણી બાજુના રસ્તે જાવ તો આખુ વર્તુળ ફરવુ પડે એટલે તે અંતર સાત આઠ કિલોમીટર થઇ જાય. પેલો તમને આખા વિદ્યાનગરના દર્શન કરાવીને અહી લાવ્યો. એટલે અમે પહેલા જ દિવસે વિદ્યાનગર દર્શન કરી લીધા હતા.”

આ સાંભળી અનેરી જોરથી હસી પડી અને બોલી “તો તો તે મારી પાસેથી વિદ્યાનગર દર્શનનો મોકો છીનવી લીધો કહેવાય ને?” અને પછી બંને હસી પડ્યા.

વાતો કરતા કરતા તે લોકો બીજા સર્કલ પર પહોંચી ગયા હતા. રિષભે જમણી બાજુના રસ્તા તરફ ઇશારો કરતા કહ્યું “અહીથી આપણે સીધા કવાર્ટર પહોંચી જઇશું.” અને પછી બંને તે રસ્તા પર આગળ વધ્યા.

“તું અહીં કેટલા સમયથી છો?” અનેરીએ પૂછ્યું.

“મારે પણ હજુ એક મહિનો જ થયો છે.” રિષભે કહ્યું.

ત્યારબાદ થોડીવાર કોઇ કંઇ પણ બોલ્યુ નહી અને બંને ચાલતા રહ્યા.

“તું અહીં સ્ટાફ કવાર્ટરમાં કોને ત્યાં જઇ રહી છો?” રિષભે પૂછ્યું.

“ પ્રોફેસર નીલેશ પટેલને ત્યાં જઇ રહી છું. તે મારા પપ્પાના મિત્ર છે.” અનેરીએ જવાબ આપતા કહ્યું.

“તો તું તેને ત્યાં રહીનેજ ભણવાની છો?” રિષભે કહ્યું.

“ના, તે મને સારી હોસ્ટેલ શોધી આપશે.” અનેરીએ કહ્યું. અને પછી આગળ બોલી “બાકી કોઇ જરુર હશે તો મારા માટે મદદગાર તો છે જ.” આટલુ બોલી તે હસી પડી. રિષભ તેનો ઇશારો સમજી ગયો એટલે બોલ્યો “એ તો અમુક નસીબદારને જ મદદગાર મળે બાકી અમારા જેવા તો રખડી જ પડે.” અને પછી બંને હસી પડ્યા. ત્યાં સ્ટાફ કવાર્ટર આવી ગયાં એટલે રિષભે અનેરીને કહ્યું “આ સ્ટાફ ક્વાર્ટર્સ છે. અને જો આ સામે ગ્રાઉન્ડ પાસે જે બે માળનુ બીલ્ડીંગ દેખાય છે તે મારી હોસ્ટેલ છે. ત્યારબાદ બંને છુટા પડ્યા. ત્યાં રિષભના મોબાઇલમાં રિંગ વાગી એ સાથે જ રિષભ ભૂતકાળની યાદોમાંથી બહાર આવી ગયો. તેણે મોબાઇલ કોલ રિશિવ કર્યો તો સામે અભય હતો. અભયે કહ્યું “સર, પેલી હોટલ કંસારનુ સી.સી.ટીવી ફુટેજ ચેક કરી લીધુ છે. નવ્યા સાચુ બોલતી હતી તે લોકો હોટલમાં જમવા ગયા હતા પણ તેની સાથે બીજી પણ એક છોકરી હતી. અને તે લોકો ત્યારબાદ એ.ટી.એમમાં પણ ગયા હતા.” આ સાંભળી રિષભે પૂછ્યું “તે રેકોર્ડીંગ પેન ડ્રાઇવમા લઇ લીધુ છે ને?”

“હા સર.”

“ઓકે તો કાલે ઓફિસમાં જોઇ લઇશું” એમ કહી રિષભે ફોન મૂકી દીધો.

ફોન મૂકી રિષભ બેડ પર સુતો એ સાથે જ ફરીથી તેને અનેરીના વિચારોએ ઘેરી લીધો હતો. તે રુમ પર પહોંચ્યો ત્યારે ગૌતમ ઊંઘતો હતો અને રિષભના બેડ પર બીજો કોઇ યુવાન ઊંઘતો હતો. રિષભે બેગ ટેબલ પર મૂક્યુ અને નીચે સુઇ ગયો. તેના ડીપાર્ટમેન્ટ જવાનો સમય 11 વાગ્યાનો હતો એટલે તે થોડીવાર ઊંઘી ગયો. ફરીથી તેની આંખ ખુલી ત્યારે ગૌતમ પેલા યુવાન સાથે વાત કરતો હતો. તે ગૌતમના કોઇ મિત્રનો મિત્ર હતો. જે અહી કોઇ કામ માટે આવ્યો હતો. ગૌતમે પણ તેને સવારે જ જોયો હતો. આ બી.એસ.સી બી.એડ હોસ્ટેલના રુમ નં-34ની પણ એક અલગ સ્ટોરી હતી. રિષભ અને ગૌતમ જ્યારે રુમ પર પહેલીવાર આવ્યા હતા ત્યારે રુમ સાફ કરતી વખતે તેને ચાર પાંચ દારુની ખાલી બોટલ પણ મળી હતી. આ જોઇ ગૌતમ ચોંકી ગયો અને તેણે રિષભને કહ્યું “એલા, અહી તો બધા દારુ પીવે છે. આપણે અહી કઇ રીતે રહીશું?” આ સાંભળી બાજુના રુમમા રહેતા અજીતભાઇ આવ્યા અને બોલ્યા “એલા તમે બંને પહેલીવાર ઘરેથી બહાર નીકળ્યા લાગો છો. અહી કંઇ બધા દારુડીયા નથી રહેતા. આ તો ક્યારેક મિત્રો પાર્ટી કરે છે અને તમને કોઇ જબરજસ્તીથી પીવડાવવાનું નથી. ભાઇ વિસ્કી બહુ મોંઘી આવે છે. તમારા માટે કોણ બરબાદ કરે.” અને પછી હસતા હસતા બોલ્યા “હોસ્ટેલ લાઇફ એંજોય કરો મિત્રો.” આટલુ બોલી અજીતભાઇ જતા રહ્યા. આ અજીતભાઇ અને તેના રુમ પાર્ટનર અહી પી.એચ.ડી કરતા હતા. તેના ગયા પછી પણ ગૌતમ તો હજુ એમ જ ઊભો હતો. રિષભે ગૌતમ પાસે જઇ કહ્યુ “યાર, ટેન્સન શુ કામ લે છે. જેને પીવો હોય તે પીવે આપણે શું?” પણ પછી થોડા દિવસોમાં બાજુના રુમમાં રહેતા ત્રણેય મિત્રો સાથે એટલી આત્મીયતા થઇ ગઇ કે રિષભ અને ગૌતમનો પેલી વિસ્કી સાથે નો વાંધો દૂર થઇ ગયો. પછી તો કોઇ પણની પાર્ટીમા રિષભ અને ગૌતમ ભલે વિસ્કી પીતા નહોતા પણ તે લોકોની સાથે બેસી થમ્સઅપ પીતા અને સીંગદાણા ખાતા થઇ ગયા હતા. ગૌતમ અને રિષભને એક વાત સમજાઇ ગઇ હતી કે બહારથી ખરાબ દેખાતા માણસો અંદરથી ભલા અને પ્રેમાળ હોઇ શકે છે. પેલા બાજુના રુમમાં રહેતા ત્રણેય મિત્રો રિષભ અને ગૌતમને નાના ભાઇઓની જેમ રાખતા હતા. રિષભ અને ગૌતમના રુમમાં અવાર નવાર વહેલી સવારે કોઇને કોઇ અજાણ્યા વ્યક્તિ સૌરાષ્ટ્રથી વહેલી સવારે આવલો જ હોય, જે તેના મિત્રોના ઓળખીતા અથાવા સંબંધી હોય.. આમને આમ થોડો સમય ચાલ્યુ પછી તો છેલ્લે બંનેએ રુમને લોક કરવાનુ જ છોડી દીધુ . જે પણ આવે તે એની મેળે જ આવીને ઊંઘી જતુ અને સવારે ઊઠીને ઓળખાણ આપે. હોસ્ટેલમાં રુમ નંબર-34ને મજાકમાં બધા ગેસ્ટહાઉસ જ કહેતા. આમને આમ વિચારતા રિષભ ઊંઘી ગયો.

----------*****************------------************---------------******-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM