આગળના પ્રકરણમાં જોયુ કે પૂર્વીએ સંદિપ સાથે અમુક ચોખવટ કરવાનો નિર્ણય કર્યો
હવે આગળ
---------------_-------------------
પૂર્વી અને સંદિપ સામસામે ગોઠવાઈ ગયા અને સંદિપ પૂર્વી વાત ની શરૂઆત કરે તેની રાહ જોઇ રહ્યો, થોડીક ક્ષણો ની ચૂપકી બાદ પૂર્વીએ વાત ની શરૂઆત કરી,
" તારા શોખ તને મુબારક સંદિપ, ભૂલેચૂકે ના માની લેતો કે હું આ સ્વિકારી લઈશ, હું રડીશ તને વિનંતી કરીશ કે પાછા ફરવાનો આગ્રહ કરીશ.
ગઈ કાલે જ્યારે ખબર પડી તો ઇચ્છતી હતી કે આ ખોટું હોય, મારુ એક દૃસ્વપ્ન હોય, પરંતુ ત્યાર બાદ ના તારા વર્તને મને જમીન પર લાવી દીધી છે.
હું આ ઘરમાં છું તો એવું ના સમજીશ કે લાચાર છું પણ તને યાદ કરાવુ કે આ ફ્લેટ મારા નામે છે, હપ્તા પણ મારા પગાર માંથી કપાય છે એટલે કે હું તારા નહીં પરંતુ તુ મારા ઘરમાં રહે છે. "
સંદિપ ફાટી આંખે સાંભળી રહ્યો, પૂર્વી આવુ કંઇ કહેશે તેની તો તેણે કલ્પના પણ નહોતી કરી
પૂર્વીએ આગળ કહ્યું, "ના હું તને ઘરની બહાર નથી કાઢી રહી, પરંતુ આજથીજ આપણા બેડરુમ જુદા રહેશે, તારી વ્યવસ્થા ગેસ્ટ રૂમ મા કરાવી દીધી છે, થોડો સમય આપણે બંને પોતાની જાતને આપીએ, એકવાર મગજ શાંત થઈ જાય પછી કોઈ નિર્ણય લઇશું"
સંદિપ અચરજ અને આઘાત સાથે પૂર્વીને જોઇ રહ્યો, બોલ્યો, "પૂર્વી આપણા લવમેરેજ છે, હું હજી પણ તને એટલોજ પ્રેમ કરું છું અને તારા વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતો, માની લે ને કે તને આ ખબર જ નથી, કાલ નો દિવસ આપણા જીવનમાં આવ્યો જ નહોતો, મારી એક નબળાઇ ચલાવી ને આપણે ફરી પહેલાં જેવાજ ના રહી શકીએ?
પૂર્વી:"સંદિપ હું પણ કદાચ કાલનો દિવસ ભૂલી જવાજ માંગુ છું પણ મને સમય જોઇએ છે, વિચારવા માટે "
અને પૂર્વી ઉભી થઇ બેડરુમ મા દાખલ થઈ ગઈ
સંદિપ થોડીવાર ત્યાજ બેસી રહ્યો અને પછી ગેસ્ટ રૂમમાં જઇ બારણું પછાડીને બંઘ કર્યુ એના મગજમાં અનેક વિચારો એક સાથે ઉમટી પડ્યા હતા તેને લાગ્યું હતું કે પૂર્વી પણ અન્ય સ્ત્રી ની માફક રડશે ઝગડશે કે પિયર ચાલી જવાની ધમકી આપશે પરંતુ હવે પૂર્વીની આ સ્વસ્થતા તેને ડરાવી રહી હતી ,ફ્લેટ ની માલિકીની વાત કરી ને તો પૂર્વીએ તેને એટેક જ આપ્યો હતો, સમજ ના પડી કે હવે વાતને કેવો વળાંક આપવો, તેને પોતાની હાર સ્વીકારતા તકલીફ પડી રહી હતી અને સંજોગો હાથ બહાર નીકળી ગયા એવું લાગી રહ્યું.
બસ આમજ આજે ત્રણ દિવસ પૂરા થયા, પૂર્વી પહેલાં ની જેમજ ચાનાસ્તો અને રસોઇ બનાવી ઓફિસ માટે નીકળી જતી અને સાંજે પણ બધુ તૈયાર રહેતુ ,હા હવે પૂર્વી ટેબલ પર આવવા બૂમ નહોતી પાડતી, ડીશ ચમચા ના અવાજે સંદિપ ત્યાં જતો તો પીરસી અવશ્ય આપતી પણ કોઈ જ પ્રકારની વાતચીત ને જગ્યા જ ના આપતી.
સંદિપ મનોમન અકળાઇ જતો માફી માગવાની કે ભૂલ સ્વીકારવાની એની કોઇજ ઇચ્છા નથી, વિચારે છે કે થોડુધણુ તો પૂર્વીએ એડજસ્ટ કરવુજ જોઇએ અને બસ સમય જતા બધુ ઠીક થઈ જશે. સમાજમાં લગભગ બધી સ્ત્રીઓ બદનામી ના ડરે પતિની આવી વાતો મનમાં જ ધરબી રાખી સમાધાન સાથે જીવતીજ હોય છે ને, તો પૂર્વી પણ આવું જ કંઇક સ્વીકારી લેશે..
પૂર્વી પણ સ્વસ્થ રહેવા નો પ્રયત્ન કરી રહી છે પરંતુ એકલી પડે તે સાથે જ આંસુની ધાર ચાલુ થઈ જાય છે, મનોમન ઇચ્છે છે કે સંદિપ તેની ભૂલ સ્વીકારી માફી માંગી લે અને ફરી આ રસ્તે નહીં જાય એવુ કહે અને પોતે તરત જ બધુ ભૂલીને તેને માફ કરી દેશે .પરંતુ સાથે સાથે એ મક્કમ પણ છે કે સંદિપની આવા શોખને ચલાવી તો નાજ લેવાય.
-----------------------------------------
શું લાગે છે તમને,શું હશે પૂર્વી અને સંદિપ નુ આગળનુ પગલુ, શું સંદિપ માફી માંગશે?
જાણીશુ આવતાં પ્રકરણમાં
તમારા અમૂલ્ય પ્રતિભાવ અને સૂઝાવ જરૂર થી આપશો