Suryoday - ek navi sharuaat - 25 in Gujarati Fiction Stories by ધબકાર... books and stories PDF | સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૫

Featured Books
Categories
Share

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૫

ભાગ :- ૨૫

આપણે ચોવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ, સાર્થક, શ્યામ બધાજ આ સંબંધને પોતપોતાની રીતે, નજરે જોઈ રહ્યા છે અને આ સંબંધ સાચવવા શું કરવું જોઇએ એ મથામણમાં લાગી જાય છે. એકબીજાથી છૂટા પડીને સાર્થક અને સૃષ્ટિ બંને નવેસરથી પોતાના સંબંધ વિશે વિચારે છે જેના અંતે બંને એક નિર્ણય લઈને ઊંઘી જાય છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સવારના છ વાગ્યા છે. ગાંધીનગરમાં આવેલા નિરવ દેસાઈના બંગલાના પહેલા માળે આવેલા એના બેડરૂમમાં કેટલાય વર્ષોથી જાણીતા અજનબીની જેમ રહેતી એની પત્ની સૃષ્ટિ દેસાઈના ચેહરા પર બારીમાંથી સીધો કુમળો તડકો પડી રહ્યો હતો. એ ઉભી થાય છે, એક નજર બાજુમાં સુતેલા નિરવ પર નાખે છે. મોઢા પર પડી રહેલા તડકાની અકળામણ ઊંઘતા નિરવના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી. એ ઊભી થઈને પડદો બંધ કરે છે અને એ સાથે જ નિરવના ચેહરા પર શાંતિ પથરાઈ જાય છે. પણ સૃષ્ટિના મનમાં ક્યાં શાંતિ હતી. એના મનમાં ફરી એ દર્દનાક રાતોની યાદ તાજી થાય છે જ્યારે એને ફક્ત એક ભોગ વિલાસનું સાધન સમજીને ચૂંથવામાં આવતી અને એનાથી એક દીર્ધ નિસાસો નંખાઈ જાય છે.

ભારે મનથી સૃષ્ટિ મોબાઈલ હાથમાં લે છે. ક્યાંય સુધી એને એમ જ પકડી રાખ્યા પછી, રાતે સાર્થકના ભવિષ્યને લઈને એણે લીધેલા નિર્ણયના ભાગ રૂપે મેસેજ લખવાનું ચાલુ કરે છે.

"સાર્થક.. કાલે આપણે છૂટા પડ્યા પછી હું જ્યારે ઘરે ગઈ ત્યારે નિરવ એકદમ વિહ્વળ બનીને મારી રાહ જોતા હતાં. જીવનમાં પહેલી વાર મેં એમને આ હદે મારી ચિંતા કરતા જોયા. એમણે મને કશું કહ્યું નહીં પણ એમની આંખોમાં દેખાતી બેચેની ઘણું બધું કહી ગઈ. ડિનર ટેબલ પર પણ એમણે જરૂર કરતાં મારી વધુ લીધેલી કાળજી મને વિચારવા પર મજબૂર કરતી હતી. તો બીજી તરફ મારી સુજેલી આંખો જોઈને એમને ખ્યાલ આવી ગયો કે હું રડી છું, પણ એ એવું જ સમજ્યા કે મારી નોકરી જવાથી મારો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો છે અને મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે એના લીધે હું દુઃખી છું. એમણે મને ખૂબ જ હૈયાધારણ આપી અને મોડી રાત સુધી મને સમજાવતા અને ખાતરી આપતા રહ્યા કે એ હવે બદલાઈ ગયા છે અને એમને એક ચાન્સ જોઈએ છે પોતાને સારા પતિ સાબિત કરવાનો. અને સાચુ કહું તો એમની વાતોમાં સચ્ચાઈનો રણકો સ્પષ્ટ દેખાઈ આવતો હતો."

આટલું લખતા સૃષ્ટિ જાણે થાકી ગઈ હોય એમ ઊંડો શ્વાસ લે છે અને ફરી લખવાનું ચાલુ કરે છે, "કેટલાય દિવસથી મારા અવગણવા છતાં એ મને પામવાના પ્રયાસ કરતા હતાં. મનસ્વી માટે પણ એક જવાબદાર પિતા બની ગયા હતાં. થોડા જ દિવસમાં ઘણો સમય એમણે અમારા નાનકડા પરિવારને અને ખાસ તો મને આપ્યો. આખરે મેં મારી દિકરીના પિતાને ચાન્સ આપવાનું નક્કી કર્યું છે. કદાચ હું તને સ્વાર્થી લાગીશ પણ અત્યારના સંજોગોમાં મારો આ નિર્ણય ખાલી મારા માટે જ નહીં પરંતુ તારા માટે પણ યોગ્ય રહેશે. તું પણ તારા માતા પિતાની ઈચ્છા પ્રમાણે તારી લાઇફમાં સેટ થઈ શકીશ, તને પણ તારા સુખ દુઃખમાં સાથ આપવા સાથી મળશે અને તારું બાળકનું સપનું પણ સાકાર થશે."

સૃષ્ટિની આંખો અનરાધાર વહી રહી હતી. એને સમજ નહતી પડતી કે આ ખાલી સાર્થકને ખોવાનું દુઃખ છે કે પોતાનું અસ્તિત્વ ખોવાનુ દુઃખ છે. પણ એણે હવે નક્કી કરી લીધું હતું કે હવે એનું અસ્તિત્વ કોઈ પુરુષનું મોહતાજ નહીં રહે. એ એક અછડતી નજર નિરવ પર નાખે છે અને ફરી આગળ લખે છે, "આ મારો તને છેલ્લો મેસેજ છે. હવે પછી હું તને ક્યારેય કોઈ મેસેજ કે કોલ નહીં કરું અને તને પણ બધે બ્લોક કરી દઈશ જેથી આપણી વચ્ચે હવે કોઈ પણ જાતનો વ્યવહાર ના રહે. જો તું મારો અને મારા પ્રેમનો થોડો પણ આદર કરતો હોય તો મારા લીધે મળેલા બધા સંબંધનો તું આ મેસેજ મળતા જ અંત લાવીશ અને કોઈને પણ આ બાબતે કંઈ પણ કહીશ કે પૂછીશ નહીં. કાલે પહેલા તારા ઉપર હું બહુ જ ગુસ્સે હતી પણ હવે થાય છે જે થયું એ સારા માટે જ થયું. તને તારા નવા જીવન માટે ખૂબ ખૂબ શભેચ્છાઓ."
વસુ...

"કેટલું અઘરું હોય છે ને પોતાનાને પોતાનાથી દૂર કરવું,
જાણે ખુદના અસ્તિત્વને ફંગોળી પોતાનાથી અળગું કરવું.!
ચલો કરી લઈશું આ પણ હવે જ્યારે નક્કી કર્યું જ છે તો,
પણ શું સહેલું છે? કોઈના એહસાસને આમ શૂન્ય કરવું.!?"

મેસેજ સેન્ડ કરીને તરત જ સૃષ્ટિ બધા જ સોશિયલ મિડિયા અને ફોનમાં સાર્થકને બ્લોક કરી નાખે છે. એનું મન જોરજોરથી રડવાનું થતું હોય છે. એ બાથરૂમમાં જાય છે, નળ ખોલે છે અને એ સાથે જ રોકી રાખેલું રુદન ફુટી પડે છે. થોડી વાર રડી લીધા પછી એ મોઢું બરાબર ધોઈને બહાર આવે છે જેથી નિરવ જાગી જાય અને એને જુવે તો એને ખ્યાલ ના આવે કે એ રડી છે.

બહાર આવીને પહેલું કામ એ પોતે લીધેલો નિર્ણય શ્યામને જણાવવાનું નક્કી કરે છે કારણ કે, ક્યાંકને ક્યાંક આ નિર્ણય લેવામાં શ્યામનું એ સીધું સપાટ ને લપડાક લાગે એવું વાક્ય પણ જવાબદાર હતું કે, "દરેક વ્યક્તિને પોતાની જિંદગી જીવવા દેવી જોઈએ અને ક્યારેય પોતાના નીજી સ્વાર્થ માટે જે યોગ્ય છે એ છોડી અયોગ્યને યોગ્ય ઠેરવવા પ્રયત્ન ના કરવો જોઈએ."

શ્યામ પણ અચાનક બદલાયેલા આ ઘટનાક્રમથી ચોંકી ઉઠ્યો હતો. શ્યામ ફક્ત સૃષ્ટિને જાણતો હતો એવુ જ નહતું પણ એ સૃષ્ટિની રગેરગથી વાકેફ હતો અને એટલે જ એને આશ્ચર્ય કરતા પ્રશ્ન જ વધુ થયા હતા કે, સૃષ્ટિ આવી સહજતાથી આમ તો જતું ના જ કરે. આવડો મોટો નિર્ણય એક જ રાતમાં સૃષ્ટિ આટલી સહજતાથી કઈ રીતે કરી શકે એ જ એને સમજાઈ રહ્યું નહોતું. શ્યામના મનમાં ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે કઈક અજુગતું થવા જઈ રહ્યું છે. છતાં પણ હવે એના માટે અત્યારે કંઈજ જાણી શકાય એવો બીજો રસ્તો નહોતો. એટલે શ્યામે તરતજ અનુરાધાને ફોન કરી જાણ કરી કે સૃષ્ટિ આવું કરી રહી છે એટલે એ સંભાળે.

અનુરાધા શ્યામને ચિંતિત જોઈ ચિંતામાં સરી પડી. એ જાણતી હતી કે શ્યામ ભલે જે પણ બોલ્યો હોય એ વખતે, પણ એ દિલનો ભોળો છે, જાણે એક બાળક છે.! એટલે અત્યારે એને સૃષ્ટિ જેટલી જ ચિંતા શ્યામની થઈ આવી. આમપણ અનુરાધાને શ્યામ માટે આવી લાગણીઓ ઉદ્ભવવી કોઈ નવી વાત નહોતી. એ હંમેશા મનથી શ્યામ સાથે જોડાયેલી રહેતી, આવોજ એમનો સંબંધ અકબંધ હતો. સૃષ્ટિએ એનો નિર્ણય સમજી વિચારીને જ લીધો હશે એવો અનુરાધાને દ્રઢ વિશ્વાસ હતો એટલે અત્યારે એ સૃષ્ટિને ફોન કરીને એના કોઈ પણ વિચારો એના ઉપર થોપવા નહતી માંગતી. અને બીજુ એ સૃષ્ટિ તરફથી આ આખી ઘટના જાણવા માંગતી હતી એટલે એણે સૃષ્ટિના ફોનની રાહ જોવાનું નક્કી કર્યું.

સૃષ્ટિનુ જીવન લક્ષ્ય હવે બદલાઈ ગયું હતું. ક્યાંકને ક્યાંક મનમાં એને લાગી રહ્યું હતું કે એના જીવનના સૂર્યોદયની સફર અફાટ સાગરના એક છેડેથી ઉદય થઈ બીજા છેડે અસ્ત થઈ ચુકી છે. આખો દિવસ તોફાની દરિયા કિનારા ઉપર શમી જતા મોજા જેવો થઈ સવાલ જવાબમાં જ ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના રહી.! સાંજે નિરવ એના સમયે આવ્યો અને ઘરમાં ઍક ચિરી નાખે એવી શાંતિ જોઈ કંપી ઉઠ્યો. જાણે કઈક અજુગતું થઈ ગયું એ જાણી ચુક્યો હતો. કયારેય ના અનુભવાયેલ વાતાવરણની ગમગીનતા આજે નિરવનાં શરીર સોંસરવી નીકળી ગઈ.

મનસ્વી પણ સમજી શકી હતી કે મમ્મીના મનમાં કંઇક યુદ્ધ ચાલી રહ્યું છે પણ અત્યારે કઈજ કહેવું યોગ્ય નથી. મનસ્વીનું જીવન લક્ષ્ય હવે પોતાના સપનાઓ સાકાર કરવા MBBS ડોક્ટર બનવાનું હતું. અાથી આવતી NEET ની પરિક્ષા પાસ કરી અમદાવાદની મેડિકલ કૉલજમાં સારા મેરીટ સાથે એડમિશન લેવાનું હતું.

સૃષ્ટિ હવે થોડી સ્થિર અને મક્કમ હતી. થોડા દિવસ પછી સૃષ્ટિએ અનુરાધાને ફોન કરી કેમ એણે આવો નિર્ણય લીધો એ વાત કરી. અનુરાધા પણ કોઈજ વધારાની સલાહ સૂચન આપ્યા વિના સૃષ્ટિને સાંભળી રહી હતી. અનુરાધાને એક વાત ચોક્કસ ખબર હતું કે જો કોઈ નિર્ણય લેવાઈ ગયો હોય તો એ નિર્ણય બાબતે કોઈજ પૃત્થકરણ ના કરતા જીવનમાં આગળ વધી જવું. અનુરાધાની આ પરિપક્વતા જ એને એક ક્ષેણીમાં મૂકતી હતી. સૃષ્ટિની વાત સાંભળીને અનુરાધાએ ખાલી એટલુંજ કહ્યું કે તેં બરાબર નિર્ણય લીધો, સમય સાથે ઘણું જતું કરવું પડે છે જે સમયે આપ્યું હોય.

દિવસો પસાર થઈ રહ્યા હતા સાથેજ સૃષ્ટિના મનનો ના કહેલ ઉચાટ મનમાં જ શમી રહ્યો હતો.! નિરવ દરેક દિવસે, દરેક પળ પોતાના જીવનસાથીને આવો જોવા મજબૂર થઈ રહ્યો હતો. એ બધુજ કરી છૂટતો છતાં પણ સૃષ્ટિ માટે બધુંજ અપૂરતું એને અધૂરું હતું. હવે મનસ્વીની મહેનત રંગ લાવી અને મનસ્વી સારા માર્કસ સાથે NEET પાસ થઈ ગઈ. મનસ્વીના NEET પાસ કરતાની સંધ્યાએ નિરવે એના સ્વભાવ મુજબ એક નાની પાર્ટીનું આયોજન કર્યું અને બધા મનસ્વીના મિત્રોને ઘરે બોલાવ્યા. પાર્ટીમાં બધુંજ હાજર હતી પણ ક્યાંકને ક્યાંક સૃષ્ટિ ખોવાઈ ગઈ હતી. નિરવ પણ આ વાત સમજી ચૂક્યો હતો.

પાર્ટી પુરી થઈ ચૂકી હતી અને હવે મનસ્વીના જીવનમાં નવી સફર શરૂ થવાની હતી. નિરવે આજે આ ખુશીના અવસર ઉપર ડ્રિંક કર્યું હતું. નિરવ સૃષ્ટિની નજીક આવ્યો અને કપાળ ઉપર હળવું ચુંબન કર્યું. સાથે કહ્યું કે તારા મનનો ઉચાટ ઠાલવી દે, હું તને ખુશ જોવા ઈચ્છું છું. તરત હાથમાં હાથ લઈ સૃષ્ટિને પોતાનામાં ભીડવા જ જતો હતો અને સૃષ્ટિએ એને રોક્યો અને કહ્યું કે, "નિરવ મારે તને એક વાત કરવી છે અને મારે કંઇક જોઈએ છે તું આપીશ ને.!?"


*****

આખરે સૃષ્ટિએ આવો નિર્ણય કેમ લીધો?
સાર્થકનું શું થયું?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
નિરવ પાસે સૃષ્ટિ શું માંગી રાહી છે?
આ બધા સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સૂર્યોદય...

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ