Samarpan - 22 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 22

Featured Books
Categories
Share

સમર્પણ - 22

સમર્પણ - 22

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતને પોતાના વિશેની હકીકત જણાવ્યા બાદ દિશાના મનમાં ઘણાં જ પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા હતા, જેના જવાબ તે પોતે જ પોતાને આપી રહી હતી. ક્ષણવાર તો તેને લાગે છે કે તેને એકાંતને હકીકત જણાવીને ભૂલ કરી છે. પરંતુ પછી પોતાની જાતે જ નક્કી કરી લે છે કે જે કર્યું છે તે બરાબર જ છે. દિશાને જમવાનું બનાવવાનો મૂડ ના હોવાના કારણે રુચિ પાસે ઓનલાઈન જ ઓર્ડર કરી જમવાનું મંગાવી લે છે. રાત્રે જમીને રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે દિશા અભિવ્યક્તિ ઉપર પોતાનો હૈયાનો ભાર શબ્દોમાં ઠાલવે છે. એપ્લિકેશન બંધ કરીને બહાર નીકળવા જતી હોય છે ત્યારે જ એકાંતનો મેસેજ આવે છે. એકાંત મેસેજમાં પહેલા પોતે દિશાની હકીકત ના સ્વીકારી શકવાની કબૂલાત કરે છે. પણ પછી દિશાને તેની દીકરી સાથે અપનાવવાની વાત કરે છે. ઉંમરમાં પણ એકાંત દિશા કરતા 10 વર્ષ નાનો હોવાનું જણાવે છે.અને દરેક પરિસ્થિતિમાં સાથ આપવાનું કહે છે. દિશાને એ બાબત ઠીક ના લાગતા તે તરત જ ફોન કરે છે, અને હકીકત સ્વીકારવા માટે એકાંતને સમજાવે છે, ઉંમરના તફાવત વિશે પણ જણાવે છે, પણ એકાંત સમજતો નથી, દિશા સાથે હવે તે "તું"કારમાં વાત કરે છે, એનાથી દિશાને આશ્ચર્ય પણ થાય છે, દિશાને એવો પણ વિચાર આવે છે કે એકાંત તેના ઉપર દયા તો નથી ખાઈ રહ્યો ને ! દિશાના ઘણું જ સમજાવ્યા બાદ પણ, એકાંત દિશાને વિચારવા માટે કહીને ફોન મૂકે છે. દિશા મોડા સુધી વિચારતી રહે છે, તેના દિમાગમાં વિચારોનું એક વંટોળ ઊભું થયું હતું. રુચિએ નિખિલ સાથે વાત કરતા કરતા પણ દિશાની નોંધ લીધી. રાત્રે તેને દિશા સાથે કોઈ વાત ના કરી પરંતુ સવારે નિખિલને ફોન કરી મમ્મીને પણ પોતાની સાથે બહાર લઈ જવા માટેનું નક્કી કર્યું... હવે જોઈએ આગળ....!!!

સમર્પણ - 22


રુચિએ ફટાફટ ફોન મૂકી અને દિશાને તૈયાર થવા માટે કહ્યું. દિશાએ કહ્યું.. "કેમ ક્યાં જવાનું છે ? તું તો નિખિલ સાથે બહાર જાય છે ને ?"
"મને પણ ખબર નથી ક્યાં જવાનું છે ? તું આ બધા પ્રશ્નો રહેવા દે, અને ફટાફટ તૈયાર થઈ જા. નિખિલ હમણાં આવી જશે, આપણે ત્રણેય બહાર જઈએ છીએ બસ." રુચિએ જવાબ આપ્યો.
દિશાએ પણ સોફામાં બેસી જઈને કહ્યું :
"અરે... પણ.. હું તમારા બંનેની વચ્ચે શું કરીશ ? તમે બંને જઈ આવો.. હું ઘરે જ રહીશ."
થોડો ગુસ્સો બતાવતા રુચિ બોલી :
"મમ્મી, મેં કહ્યું ને તું તૈયાર થઈ જા.. આ બધા પ્રશ્નો હમણાં ના પૂછીશ. અમે નક્કી કર્યું છે કે આજે તું પણ અમારી સાથે આવે છે, આપણે પણ સાથે ગયે કેટલા દિવસ થઈ ગયા છે, તું પણ હમણાંથી ક્યાંય બહાર નથી ગઈ. એટલે હવે ચાલ એકપણ પ્રશ્ન કર્યા વગર તૈયાર થઈ જા ફટાફટ.. નિખિલ હવે આવવાની તૈયારીમાં જ છે."
દિશા હવે કઈ બોલી ના શકી. સોફામાંથી ઊભી થઈ અને તૈયાર થવા માટે ચાલી ગઈ.
તૈયાર થતી વખતે તેના ચહેરા ઉપર થોડી ખુશીની લહેર છવાઈ અને નવાઈ પણ લાગી. મનમાં જ વિચાર્યું કે "રુચિ કેટલી સમજદાર છે અને નિખિલ પણ, એમને મારુ પણ વિચાર્યું, આજના છોકરા છોકરીઓને એકલા જવામાં વધારે રસ હોય છે, પણ રુચિ અને નિખિલ પરિવારનો પણ વિચાર કરે છે. હશે, ચાલો, એક બાબતે તો મને શાંતિ થઈ ગઈ કે રુચિને બહુ જ સારું ઘર અને સંસ્કારી છોકરો મળી ગયો."
વિચારતા-વિચારતા જ દિશા પાસે રહેલી ખુરશી ઉપર બેસી ગઈ. તેના વિચારો બીજી તરફ વળી ગયા. "રુચિને તો સારું ઘર મળી ગયું, પણ રુચિના ગયા પછી ???'' ફરી એકલતા નો એક ભય એના મગજ ઉપર હાવી થઈ ગયો. એજ વિચારોમા આંખમાંથી એક આંસુ પણ સરી ગયું. અચાનક જ બહારથી રુચિની બૂમ સંભળાઈ, "મમ્મી... કેટલીવાર ?"
દિશા આંખના આંસુ લૂછતાં અરીસામાં પોતાના ચહેરાને થોડો વ્યવસ્થિત કરી, વાળ સરખા કરી "એ આવી...!!"ની બૂમ પાડી બહાર જવા માટે નીકળી.
દિશા અને રુચિ બંને આવવાના હોવાથી નિખિલ કાર લઈને આવ્યો, દિશા અને રુચિ બંને તૈયાર થઈને જ બેઠા હતાં. નિખિલ માટે દિશાએ ચા/કોફી બનાવવાનું કહ્યું.. પરંતુ નિખિલે તરત ના પાડી દીધી. એને કહ્યું "આપણે બધું બહાર જઈને કરીશું.. હમણાં નીકળીએ, એમ પણ ઘણું મોડું થઈ ગયું છે."
રુચિએ પૂછ્યું : "ક્યાં જવાનું નક્કી કર્યું છે એ તો કહે...???"
નિખિલે પણ મઝાકમાં કહ્યું : "હું જ્યાં લઈ જાઉં ત્યાં !!"
રુચિએ થોડું મોઢું મચકોડતા "બહુ સારું !!!" નો જવાબ આપ્યો.
નિખિલે કહ્યું : "ચાલો ફટાફટ, હું આજે સાંજે હું તમને બહુ જ મસ્ત જગ્યાએ લઈ જવાનો છું. હમણાં એક મગજમારી વાળું કામ પતાવવાનું છે.''
દિશા પોતાનું પર્સ લેવા માટે બેડરૂમમાં ગઈ. રુચિએ નિખિલને કહ્યું :"શેની મગજમારી..? "
નિખિલે ત્રાંસી નજરે રુચિ સામે જોઈ કંઈક યાદ કરવાનો ઈશારો કર્યો.
રુચિ : '' ઓ.....હ... હવે સમજી... તે મમ્મીને સાથે લેવાની આનાકાની કેમ ના કરી ? ભારે ડાહ્યો તું તો...પણ સાંજે ક્યાં જવાનું છે એ તો મને કહે...''
નિખિલ ગાડીની ચાવીને હાથમાં ફેરવતા ફેરવતા "સરપ્રા...ઈઝ..." કહેતો દરવાજાની બહાર નીકળી ગયો. રુચિ પણ તેની કમર ઉપર હાથ મૂકી નિખિલને જોતી રહી.
દિશા પર્સ લઈને આવતા જ બંને કાર તરફ ગયા. રુચિ પણ નિખિલ સાથે આગળની સીટ ઉપર બેસવાની બદલે પાછળની સીટમાં દિશા સાથે જ બેઠી. દિશાએ કહ્યું પણ ખરું કે "આગળ બેસને નિખિલ પાસે !" ત્યારે રુચિના બોલતા પહેલા જ નિખિલે જવાબ આપ્યો.
"મમ્મી એને તમારી પાસે જ બેસવા દો... આગળ બેસશે તો એ મને સરખી રીતે ડ્રાઈવ પણ નહીં કરવા દે...અને એની બક-બક ચાલુ કરી દેશે !"
દિશા રુચિ સામે જોઇને સહેજ હસી.. રુચિએ પણ જવાબ આપતા કહ્યું :
"તારી જેમ બોલ બોલ કરવાની મને આદત નથી, અને હું તો મારી મમ્મી જોડે જ બેસીશ. ચાલ ડ્રાઈવર... હવે ગાડી જવા દે..."
દિશાએ રુચિને સહેજ ટપલી મારતા આંખ કાઢી. રુચિ હસવા લાગી. નિખિલે ગાડીનો સેલ્ફ મારતા કહ્યું : જોયુંને મમ્મી, અત્યારથી મને ડ્રાઈવર બનાવી દીધો. આ તમારી છોકરીએ.."
દિશા પણ હસવા લાગી અને કહ્યું : "ના ના, તું તો મારા છોકરા જેવો છે, એ તો પાગલ છે બોલ્યા કરે..."
નિખિલે કહ્યું : "જોયું ને, મમ્મી મારી સાઈડમાં છે."
રુચિએ જવાબ આપ્યો : "સારું હવે અહીંયા જ વાતો કર્યા કરવાની છે કે ક્યાંય અમને લઈ પણ જવાના છે ?"
"હા. ચાલો.. આજના યાદગાર પ્રવાસે નીકળીએ..."બોલતા જ નિખિલ અમદાવાદના ભીડ-ભાડ ભરેલા રસ્તાઓ ઉપર કાર હંકારવા લાગ્યો.
દિશા ગાડીમાં બેસીને રસ્તાની આજુબાજુના વિસ્તાર નિહાળી રહી હતી. રુચિ અને નિખિલ પણ સામાન્ય વાતો કરી રહ્યા હતા દિશાનું ધ્યાન એ તરફ નહોતું . નિખિલ, જે વિસ્તારમાંથી ગાડી લઈને નીકળી રહ્યો હતો એ વિસ્તારમાં દિશાને ક્યારેય આવવાનું થયું નહોતું. શહેરનો ટ્રાફિક થોડો ઓછો થતો જતો હતો અને વિસ્તાર શાંત થઈ રહ્યો હતો. ઊંચી ઊંચી ઇમારતો રોડના કિનારે દેખાતી હતી. રસ્તામાં જ એક સિગ્નલ પાસે ગાડી ઊભી રહી. દિશાની નજર હજુ બારીની બહાર જ હતી. તેણે એક બોર્ડ વાંચ્યું ''વિસામો''. બોર્ડ ઉપર લખાણની નીચેની બાજુ એક ચિત્ર પણ હતું. હીંચકા ઉપર બેઠેલા એક દાદા અને તેમનો હાથ પકડીને બાજુમાં બેઠેલા એક દાદી, બંને એકબીજા સામે સંતોષપૂર્ણ રીતે જોઈને હળવું smile આપી રહ્યા હતા. નીચે નાના અક્ષરમાં ''વૃદ્ધાશ્રમ'' લખ્યું હતું. સિગ્નલ ખુલવામાં બાકી રહેલી એ 48 સેકેન્ડ સુધી દિશા એ બોર્ડને જ નિહાળતી રહી. સિગ્નલ ખુલ્યા બાદ પણ તે પાછું વળીને એ બોર્ડ સામે જ જોતી રહી. તેના મનનું કુતુહલ વધી રહ્યું હતું તેથી તેને નિખલને પૂછ્યું : "નિખિલ, આ કઈ જગ્યાએથી આપણે પસાર થયા ?" નિખિલે જવાબ આપતા કહ્યું : "આ મહાત્મા માર્ગ હતો, અને આપણે હમણાં જે સર્કલ ઉપર ઉભા હતા એ વિસામો સર્કલ હતું, કેમ ?"
"કઈ નહિ બસ એમ જ. હું આ રસ્તે પહેલીવાર આવી છું એટલે !" દિશાએ નિખિલને સંતોષ થાય એવો જવાબ આપ્યો.
રુચિએ પણ ઉત્સકતાથી દિશાને પ્રશ્ન કર્યો : "મમ્મી, તું ખરેખર આ તરફ નથી આવી ?"
દિશાએ જવાબ આપતા કહ્યું : "ના બેટા, કદાચ તારા પપ્પા સાથે પહેલા આવી હોઇશ, તો પણ હવે તો વર્ષો વીતી ગયા. અને આ બધું કેટલું બધું બદલાઈ ગયું. મને તો હવે આ બધું કઈ યાદ પણ નથી. બધું જ મને નવું નવું લાગે છે."
વાતો ચાલુ જ હતી એ દરમિયાન જ નિખિલે ગાડીને બ્રેક કરી. અને કહ્યું : "ચાલો આપણે એક અઘરૂં કામ પતાવવાનું છે, અને મમ્મી એમાં તમારો પૂરેપૂરો સપોર્ટ જોઈશે મને.''
દિશા : ''એવું શું કામ છે કે મારી જરૂર પડે? '' દિશાએ બહાર નજર કરતાં જ એક શોપિંગ મૉલ જોયો. હળવું મલકાઈને, ''નિખિલકુમાર, શોપિંગનો પ્રોગ્રામ લાગે છે તમારો... પણ એમાં મને શું કામ સાથે લીધી ? એકલા શોપિંગ કરવાની જ મજા આવે..''
રુચિ મૉલમાં જવાની ઉતાવળે થોડી આગળ જઈને ઉભી રહી હતી.
નિખિલ : ''આ તમારી શોપિંગ મેનિયાક છોકરી માથું પકવી નાખે છે. મને પૂછે કયું લઉં ? હું જે suggest કરું એ સિવાયનું જ લઈને બહાર નીકળે, બોલો આમાં પૂછવાનું ક્યાં આવે ?''
દિશા હસતી રહી, અને બંનેને વાતો કરતા જોઈ, રુચિએ અકળાઈને મૉલમાં જવા માટે બૂમ પાડી.
લગભગ બે કલાકમાં રુચિએ એક પર્સ, અને બે ડ્રેસ લેવડાવ્યા. નિખિલે દિશાને ખુબજ આગ્રહ કરવા છતાં દિશાએ કાઈ લીધું નહિં.
પાસેની હોટેલમાં જમીને ફરીથી કારમાં ત્રણેય ગોઠવાઈ ગયા.
નિખિલ : ''અપના મેઈન પ્રોગ્રામ શુરું હોતા હે અબ.''
રુચિ : ''અપના કામ તો હો ગયા...અબ કોઈ ભી પ્રોગ્રામ હો, હમે ફરક નહીં પડતા.'' ( નિખિલને ચીડવાતા બોલી )
નિખિલ : ''જોયું મમ્મી, આને તો શોપિંગથી જ મતલબ છે, આપણી તો કોઈ વેલ્યુ જ નથી..''
દિશા એ બંનેની તું તું મેં મેં સાંભળીને મનોમન હરખાતી રહી.

વધુ આવતા અંકે.....!!!